You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડોદરા : ત્રણ-ત્રણ વાહનોને અડફેટે લેનાર કારચાલકે કહ્યું, 'અનધર રાઉન્ડ', અકસ્માતની રાતે શું થયું હતું?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતના વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં 13 તારીખે મોડી રાત્રે અકસ્માતની ઘટના સામે આવી છે. કારચાલકે ત્રણ ટુ વ્હિલરને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. જ્યારે મૃતક મહિલાના પતિ સહિત 7 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ભોગ બનનાર લોકોનું કહેવું છે કે ગાડી પૂરઝડપે આવતી હતી. કારચાલક નશાની હાલતમાં હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
જોકે કારચાલક નશાની હાલતમાં હતો કે નહીં તે ચેક કરવા માટે લોહીના સૅમ્પલ પરીક્ષણ માટે એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે.
અકસ્માત બાદ કારચાલક ભાગવાની કોશિશ કરતો હતો. જોકે ઘટનાસ્થળ પર હાજર લોકોએ કારચાલકને પકડી પાડ્યો હતો.
કારચાલકનું નામ રક્ષિત ચૌરસિયા છે અને તે વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં એલએલબીનો અભ્યાસ કરે છે.
અકસ્માત બાદ રક્ષિત ચૌરસિયા રસ્તા પર 'અનધર રાઉન્ડ' અને 'ઓમ નમ શિવાય'ની જોર જોરથી બૂમો પાડી રહ્યો હતો.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર રાત્રે 11.30 વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો હતો.
વડોદરાના કારેલીબાગ પોલીસસ્ટેશનમાં કારચાલક વિરુદ્ધ સાંપ્રત મનુષ્યવધ, કલમ 105 મુજબનો ગુનો દાખલ કરાયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અકસ્માતની એ રાતે શું થયું હતું?
13 માર્ચની મોડી રાત્રે કારેલીબાગ મુક્તાનંદ સર્કલ દીપાલી સોસાયટી નજીક અકસ્માત સર્જાયો હતો.
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતાં નિશા શાહ તેમનાં બાળકોને લઈને એક્ટિવા પર આંટો મારવા નીકળ્યાં હતાં. એવામાં રક્ષિતની કારે તેમની એક્ટિવાને પણ અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં નિશાબહેન અને તેમનાં બન્ને બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે.
નિશાબહેનના પતિ આશિષ શાહે અકસ્માત અંગે કારેલીબાગ પોલીસસ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.
અકસ્માતના ઘટનાક્રમ અંગે આશિષ શાહે ફરિયાદમાં જણાવ્યું છે કે "કાળા કલરની એક કારે દીપાલી સોસાયટી પાસે એક ટુ વ્હિલરને અડફેટે લીધી હતી. કાર પૂરઝડપે ચાલતી કારે ટુ વ્હિલરને અડફેટે લીધી બાદ કારચાલકે મારી પત્નીની એક્ટિવાને અડફેટે લીધી હતી. કારના ધક્કાથી પહેલાં મારી દીકરી અને બાદમાં મારો દીકરો નીચે પડી ગયો હતો. જ્યારે મારી પત્ની ગાડી સાથે ઢસડાઈ હતી. આગળ જતાં કારચાલકે ટુ વ્હિલર પર જઈ રહેલા અન્ય એક સ્ત્રી અને પુરુષને અડફેટે લીધાં હતાં. ગાડીનું બૉનેટ પણ ખૂલી ગયું હતું અને અચાનક ગાડી ઊભી રહી ગઈ હતી."
"કારચાલકની બાજુમાં બેસેલ યુવક બહાર નીકળીને ભાગી ગયો હતો. જ્યારે કારચાલક બૂમો પાડતો બહાર નીકળ્યો હતો. સ્થળ પર હાજર લોકોએ કારચાલકને પકડી લીધો હતો."
ઘટનામાં ટુ વ્હિલર પર જઈ રહેલા હેમાલી પટેલ નામની મહિલાનું મોત થયું હતું. મૃતક હેમાલીબહેનના પતિ પુરવ પટેલ ગંભીર ઈજાગ્રસ્ત છે, તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.
અન્ય ઈજાગ્રસ્તોમાં ફાલુદા પીવા ગયેલાં ભાઈ-બહનો પણ અકસ્માતનો ભોગ બન્યાં હતાં. જેઓ સારવાર હેઠળ છે.
અકસ્માત સર્જાયા બાદ કારચાલકની બાજુમાં બેઠેલો તેનો મિત્ર બહાર નીકળીને બોલી રહ્યો હતો કે 'એ પાગલ છે. એને પકડો.' આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો છે.
અકસ્માતનો ભોગ બનનાર કોણ છે?
આશિષ શાહે ફરિયાદમાં જણાવ્યા અનુસાર "ઘટનાસ્થળ પર હાજર લોકોએ ઍમ્બ્યુલન્સ બોલાવી અકસ્માતના ભોગ બનેલા લોકોને એસએસજી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ઘટના અંગે જાણ થતા હું એસએસજી હૉસ્પિટલ પહોંચ્યો હતો. મારી પત્નીને થાપાના ભાગે, માથામાં, જમણા પગે ગંભીર ઈજાઓ થઈ હતી. મારી દીકરીને માથાના ભાગે, ઢીંચણમાં તેમજ આંખના ભાગે ગંભીર ઈજા થઈ હતી."
ફરિયાદ અનુસાર, ભોગ બનનાર વિકાસ કેવલાની હતા. તેમજ કોમલ કેવલાનીને હાથે, પગે અને મોઢાના ભાગે ઈજાઓ થઈ છે. જ્યારે જયેશ કેવલાનીના પગે ફ્રૅક્ચર થયું છે."
ફરિયાદ અનુસાર આરોપીને કાયદાનું ભાન હોવા છતાં 'મૃત્યુ નીપજવાનું સંભવ હોય' તેવું જાણતો હોવા છતાં બેદરકારી, ગફલતભરી અને માણસની જિંદગી જોખમાય તે રીતે ગાડી ચલાવી અકસ્માત કર્યો હતો.
અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોએ શું કહ્યું?
અકસ્માતમાં ઘાયલ થયેલા વિકાસ કેવલાની તેમનાં બહેન અને પિતરાઈ ભાઈ ત્રણેય એક ટુ વ્હિલર પર જઈ રહ્યાં હતાં. ત્રણેય ભાઈ-બહેનને ગંભીર ઈજાઓ થઈ છે.
વિકાસ કેવલાનીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "હું ફતેહગંજ વિસ્તારમાં રહું છું, અમે ભાઈ-બહેન અને સોસાયટીના મિત્રો ફાલુદા પીવા માટે ગયાં હતાં. અમને પાછળથી અડફેટે લીધાં. ગાડીનું ડૅમેજ જોતા લાગે છે કે ગાડીની સ્પીડ 120 કરતાં વધારે હશે. કારચાલક નશાની હાલતમાં હતો. એને કંઈ જ ખબર જ નહોતી પડી રહી કે તેણે શું કર્યું છે. તે કારમાંથી બહાર નીકળ્યો ત્યારે પણ તે મસ્તીના મૂડમાં જ દેખાતો હતો. તેણે શું નુકસાન કર્યું છે તે અંગે તેને કંઈ જ ભાન ન હતું."
વિકાસ કેવલાનીના પિતરાઈ જયેશ કેવલાની જણાવે છે કે "અમે સંગમથી ઘરે જઈ રહ્યા હતા. મારા પગમાં ફૅક્ચર થઈ ગયું છે. અકસ્માત બાદ મેં જોયું કે મારો ભાઈ એક તરફ પડ્યો હતો અને મારી બહેન અક તરફ પડી હતી. ત્યાં હાજર લોકોએ ઍમ્બ્યુલન્સ બોલાવીને અમને હૉસ્પિટલ પહોંચાડ્યા હતા."
અકસ્માતમાં મૃત્યુ પામેલ હેમાલી પટેલના પરિવારનો તેમજ ફરિયાદી આશિષ શાહનો સંપર્ક કરવાની બીબીસી ગુજરાતીએ કોશિશ કરી હતી પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો.
અકસ્માત સર્જનાર આરોપીએ નશો કર્યો હતો?
આરોપીએ નશો કર્યો હોવાનો અકસ્માતમાં ભોગ બનનાર લોકોનો આક્ષેપ હતો. અકસ્માતના દિવસે આરોપી નશો કર્યો હોવાનું રટણ કરતો હોવાનો પણ આક્ષેપ હતો. તેમજ અકસ્માત બાદ ડીસીપીએ આ ડ્રન્ક ઍન્ડ ડ્રાઇવનો કેસ હોવાની મીડિયા સમક્ષ વાત કરી હતી.
વડોદરા ડીસીપી પન્ના મોમાયાએ ઘટના બાદ સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "ગાડી ઓવરસ્પીડમાં હોવાને કારણે અકસ્માત સર્જાયો હોવાનું જણાય છે. મૅસેજ મળતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. અકસ્માતમાં મહિલાનું મોત થયું છે. પોલીસે કારચાલક આરોપી રક્ષિત ચૌરસિયાની ધરપકડ કરી છે. આરોપી વારાણસીનો રહેવાસી છે. પ્રાંસુ ચૌહાણ નામનો યુવક સહયાત્રી હતો. આ ડ્રન્ક ઍન્ડ ડ્રાઇવનો કેસ હોવાથી અમે તે અંગે પણ કાર્યવાહી કરી રહ્યા છીએ."
જોકે શનિવારે પન્ના મોમાયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "આરોપીએ નશો કર્યો હતો કે નહીં તે ચકાસવા માટે તેના બ્લડ સૅમ્પલ એફએસએલમાં મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ તે અંગે જાણી શકાશે."
આરોપી રક્ષિતે નશા અંગે વાત કરતાં મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે "મેં કોઈ પણ પ્રકારનો નશો કર્યો ન હતો. લોકો મારાથી દૂર ભાગી જાય એટલે મેં ઘટના સમયે નશાની વાત કરી હતી."
આરોપી રક્ષિત ચૌરસિયાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે "અમે હોલિકાદહન માટે ગયા હતા. હું મારા મિત્રના ઘરેથી પરત જઈ રહ્યો હતો. કાર મારા મિત્રની હતી. તે ઑટોમેટિક નવી કાર હતી. મારી ગાડીના સ્પીડ 50થી 55 હતી. કાર રસ્તા પર પહેલાં ટુ વ્હિલરને અથડાઈ હતી. ગાડીનાં સેન્સર પાવરફુલ હોવાને કારણે ગાડીની ઍરબેગ ખૂલી ગઈ હતી. ઍરબેગને કારણે મને આગળ કંઈ દેખાયું નહીં અને અકસ્માત સર્જાયો."
રક્ષિતે વધુમાં જણાવ્યું હતું કે "અકસ્માત બાદ ત્યાં લડાઈ થઈ ગઈ હતી અને મને માર માર્યો હતો. એક વ્યક્તિની જિંદગી જતી રહી તે બાબતનું મને દુખ છે, હું છૂટીને મૃતકના પરિવારના લોકોને મળીશ. હું ગધેડા સર્કલથી નીકળ્યો હતો, નિઝામપુર જઈ રહ્યો હતો."
પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે?
ડીસીપી પન્ના મોમાયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "બનાવના સ્થળ પર એફએસએલની ટીમ દ્વારા ટાયર માર્ક્સ તેમજ સ્થળ પર પડેલા લોહીના સૅમ્પલ લેવામાં આવ્યા છે. બનાવના સ્થળનું પંચનામું કરવામાં આવ્યું છે. આરોપીઓ જે રસ્તા પરથી નીકળ્યા હતા તે તમામ જગ્યા પરના સીસીટીવી ફૂટેજ એકઠા કરવામાં આવ્યા છે. સીસીટીવી ફૂટેજ એફએસએલમાં મોકલી ગાડીની સ્પીડ કેટલી હતી તે અંગે પરીક્ષણ કરવામાં આવશે. આરોપી દિવસ દરમિયાન કઈ કઈ જગ્યા પર ફર્યા હતા અને પ્રવૃત્તિ શું હતી તે અંગે ટેકનિકલ ઍનાલિસીસ કરી રહ્યા છીએ."
પોલીસે આરોપી સાથે રાખીને ઘટનાનું રિકંસ્ટ્રક્શન પણ કર્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન