ભારતીય પત્ની માટે હૈદરાબાદ આવેલા પાકિસ્તાની યુવાનનાં માતાએ તેને પરત મોકલી દેવાનું કેમ કહ્યું?

મોહમ્મદ ફૈયાઝ

ઇમેજ સ્રોત, AZHAR IQBA

ઇમેજ કૅપ્શન, ફૈયાઝનાં માતા તેના પુત્રનો ફોટો બતાવી રહ્યા છે.
    • લેેખક, મુહમ્મદ ઝુબૈર ખાન
    • પદ, બીબીસી સંવાદદાતા

"મારો દીકરો એવું કહીને ભારત આવ્યો હતો કે તે કૅનેડા જઈ રહ્યો છે. તેનો અવાજ સાંભળ્યાને 14 દિવસ થઈ ગયા છે. ભારતમાં પણ માતાઓ છે. મને આશા છે કે તેઓ મારી પીડા સમજશે," આવું કહેતાં મોહમ્મદ ફૈયાઝનાં માતા ભાવુક થઈ જાય છે.

પોતાનાં પત્ની તથા દીકરાને મળવા ભારતમાં ગેરકાયદે પ્રવેશવા અને રહેવાના આરોપસર તેલંગાણા પોલીસે પાકિસ્તાનના 24 વર્ષના મોહમ્મદ ફૈયાઝની ધરપકડ કરી છે.

બીબીસીના સંવાદદાતા અમરેંદ્ર યારલાગડ્ડાએ આ સંદર્ભે હૈદરાબાદ સાઉથ ઝોનના ડીસીપી સાઈ ચૈતન્યનો સંપર્ક કર્યો હતો અને ડીસીપીએ યુવકની ધરપકડની પુષ્ટિ કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે મોહમ્મદ ફૈયાઝ પાસપોર્ટ તથા વીઝા વિના નેપાળના રસ્તે ભારતમાં ગેરકાયદે પ્રવેશ્યો છે અને હૈદરાબાદમાં રહે છે, એવી બાતમીને આધારે 31 ઑગસ્ટે તેની કિશનબાગમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

બીબીસીએ પાકિસ્તાનના શાંગલામાં રહેતા મોહમ્મદ ફૈયાઝના પરિવારનો સંપર્ક પણ કર્યો હતો.

મોહમ્મદ ફૈયાઝનાં માતાએ બીબીસીને કહ્યું હતું, "મારા દીકરાએ આવી રીતે ભારત જવું જોઈતું ન હતું, પરંત એવું થયું છે."

"ભારતે તેને માફ કરીને મારી પુત્રવધુ અને પૌત્ર સાથે પાછો પાકિસ્તાન મોકલી દેવો જોઈએ. મને આ વાતની ખબર મારી દીકરીઓ મારફત બે દિવસ પહેલાં પડી હતી."

તેમણે કહ્યું હતું, "હું તેનાં લગ્ન વિશે જાણતી ન હતી. મને ખબર હોત તો મેં તેને તેની પત્ની તથા પુત્રને ઘરે લઈ આવવા કહ્યું હોત. એ ત્યારે દુબઈમાં હતો. તેણે કોઈને કહ્યા વિના આવું કર્યું."

"મારો દીકરો તેની પત્નીને છેહ આપવા ઇચ્છતો ન હતો. પરિવારને મળવા માટે કોઈ આવું સાહસ કરે તો મને ગૌરવ થાય છે. ભારતવાસીઓએ મારા દીકરાના વિશ્વાસની સરાહના કરવી જોઈએ."

બીબીસી ગુજરાતી

ભારત કેવી રીતે પહોંચ્યો?

પાકિસ્તાનમાં ફૈયાઝનું ઘર

ઇમેજ સ્રોત, AZHAR IQBA

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનમાં ફૈયાઝનું ઘર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ડીસીપી સાઈ ચૈતન્યના જણાવ્યા મુજબ, પાકિસ્તાનના રહેવાસી મોહમ્મદ ફૈયાઝ હૈદરાબાદમાં રહેતાં તેમનાં પત્ની નેહા ફાતિમા (29 વર્ષ) અને ત્રણ વર્ષના દીકરાને મળવા હૈદરાબાદ આવ્યા હતા.

મોહમ્મદ ફૈયાઝ હૈદરાબાદમાં જ રોકાઈ ગયા હતા, કારણ કે ફાતિમાના પિતાએ તેમને કહ્યું હતું કે તેઓ બનાવટી દસ્તાવેજો વડે તેમના કાયમ માટે હૈદરાબાદમાં રહેવાની વ્યવસ્થા કરી આપશે.

મોહમ્મદ ફૈયાઝ કરાચીમાં એક ટેક્સટાઇલ ડિઝાઇનિંગ કંપનીમાં કામ કરતા હતા. કંપનીએ 2018માં ફૈયાઝને સંયુક્ત આરબ અમિરાતમાં કામ કરવાની તક આપી હતી.

એક વર્ષ બાદ તેમની મુલાકાત ફાતિમા સાથે થઈ હતી. બન્નેનાં લગ્નને થોડાં વર્ષ થયાં છે.

ફાતિમાએ એક સંતાનને જન્મ આપ્યો હતો અને 2022માં ફાતિમા સંયુક્ત આરબ અમિરાતથી તેલંગાણાના હૈદરાબાદ આવી ગયાં હતાં. ફાતિમા ત્યારથી તેમના પુત્ર સાથે હૈદરાબાદમાં તેમનાં માતા-પિતા સાથે રહે છે.

મોહમ્મદ ફૈયાઝ નવેમ્બર, 2022માં ટુરિસ્ટ વીઝા પર નેપાળ પહોંચ્યા હતા અને ત્યાંથી ગેરકાયદે હૈદરાબાદ પહોંચીને પોતાના પરિવાર સાથે રહેવા લાગ્યા હતા.

બનાવટી મોહમ્મદ ગૌસ નામ ધારણ કરીને આધાર કાર્ડ મેળવવા માટે ગત માર્ચમાં તે આધાર નામાંકન કેન્દ્ર પણ ગયો હતો.

જોકે, તેના વિશે માહિતી મળ્યા બાદ પોલીસે મોહમ્મદ ફૈયાઝની ધરપકડ કરી હતી અને કેટલાક દસ્તાવેજ પણ જપ્ત કર્યા હતા.

બીબીસી ગુજરાતી

ઘરે કહ્યું હતું કે કેનેડા જઈ રહ્યો છે

બીબીસીએ મોહમ્મદ ફૈયાઝના ભાઈ ઇકબાલ હુસૈન સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું, "મારો ભાઈ 2018માં સંયુક્ત આરબ અમિરાત ગયો હતો. શારજાહમાં રહેતો હતો અને કપડાની એક ફેકટરીમાં કામ કરતો હતો. એ ત્યાં ચાર વર્ષ રહ્યો, પરંતુ પોતે લગ્ન કરી લીધાં હોવાનું તેણે અમને જણાવ્યું ન હતું."

"2022માં તે શાંગલા આવ્યો હતો અને બે મહિના રોકાયો હતો. એ રોજ કહેતો હતો કે મલેશિયા કે કૅનેડામાં તેનો એક દોસ્ત છે, જે તેને મળવા માગે છે. તે ઘરેથી એવું કહીને નીકળ્યો હતો કે 2022ના અંતમાં કૅનેડા જવાનો છે.”

ઇકબાલના કહેવા મુજબ, મોહમ્મદ ફૈયાઝે પરિવારજનોને એવું પણ જણાવ્યું હતું કે તેઓ કેનેડા પહોંચી ગયા છે અને ત્યાં જ રહે છે, પરંતુ શાંગલા વિસ્તારની એક વ્યક્તિએ મોહમ્મદના પરિવારજનોને ભારતીય મીડિયાના કેટલાક વીડિયો તથા ફોટોગ્રાફ્સ દેખાડ્યા હતા. "એ જોયા પછી અમને ખબર પડી હતી કે મોહમ્મદ ફૈયાઝની ધરપકડ કરવામાં આવી છે."

તેમણે ઉમેર્યું હતું, "અમે ભણેલા નથી. હું એ પણ નથી જાણતો કે મારા ભાઈ માટે મારે શું કરવું જોઈએ. હાલ અમે તેના સ્કૂલ રેકૉર્ડ એકઠા કરી રહ્યા છીએ. અમે મોહમ્મદ ફૈયાઝને છોડાવવા માટે ઇસ્લામાબાદમાં સરકારને અપીલ કરીશું."

બીબીસી ગુજરાતી

માતાના જીવનની પીડાદાયક ક્ષણો

ભારત-નેપાળ બોર્ડર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નેપાળ બોર્ડરેથી ભારતમાં ઘણા લોકો ગેરકાયદેસર પ્રવેશ કરે છે

તેમના મામા અઝહર ઇકબાલે બીબીસીને કહ્યું હતું, "મોહમ્મદ ફૈયાઝની માતાની જીવનની બધી ક્ષણો પીડાદાયક છે. ફૈયાઝનાં માતા નાના હતાં ત્યારે જ તેમણે માતા-પિતા ગુમાવ્યાં હતાં. મારી માતાએ તેમનું પાલન-પોષણ કર્યું હતું, વિવાહ કરાવ્યાં હતાં. થોડા સમય પહેલાં કિસ્મતે તેમના પતિને છીનવી લીધા હતા. તેમને છ સંતાન છે અને ફૈયાઝ તેમાં સૌથી નાનો છે. ફૈયાઝ દુબઈમાં કામ કરતો હતો એ મારી બહેનના જીવનના સૌથી સારા દિવસો હતા."

ફૈયાઝે મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો છે, પરંતુ તેના એકેય ભાઈ-બહેન ખાસ ભણ્યાં નથી, એવું જણાવતાં તેમણે ઉમેર્યું હતું, "તેનાં ભાઈ-બહેન અહીંતહીં કામ કરીને સમય પસાર કરે છે. ઘણીવાર મને પણ કામ મળતું નથી. મારી બહેન ફૈયાઝની બહુ સારી રીતે સંભાળ રાખતી હતી. તેની કમાણી પરિવારનો આધાર પણ હતી."

ફૈયાઝના માતાએ કહ્યું હતું, "મારો દીકરો મને રોજ ફોન કરતો હતો. એ કહેતો હતો કે પૈસા મોકલવા માટે જરૂરી દસ્તાવેજો તૈયાર કરાવી રહ્યો છે અને એ તૈયાર થઈ જશે એટલે પૈસા મોકલી આપશે."

હવે ફૈયાઝની ધરપકડ થવાથી આખો પરિવાર ચિંતિત છે.

ભારત અને નેપાળના નાગરિકોએ બન્ને દેશ વચ્ચે પ્રવાસ કરવા માટે વિઝાની જરૂર પડતી નથી. સીમા પાર કરવા માટે કાયદેસરનું ઓળખપત્ર, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, મતદાર કાર્ડ કે આધાર કાર્ડ જરૂરી હોય છે, પરંતુ ઘણા લોકો પગપાળા આવે છે અને ભારતમાં આસાનીથી પ્રવેશે છે, કારણ કે ભારત-નેપાળ ચેક પોઇન્ટ પર કોઈ તપાસ કરવામાં આવતી નથી.

નેપાળ સીમાથી દિલ્હી માટે સીધી બસ સેવા પણ ઉપલબ્ધ છે. તેમાં અનેક નેપાળી અને ભારતીય નાગરિકો પ્રવાસ કરે છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી