‘ક્યારેક મારા સ્નાયુઓ ખરેખર ખેંચાઈ જતા તો ક્યારેક હું નાટક કરતો’ પાકિસ્તાનની મોટી જીત બાદ રિઝવાને આવું કેમ કહ્યું?

મોહમ્મદ રિઝવાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ રિઝવાન
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
મોહમ્મદ રિઝવાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ રિઝવાન મૅન ઑફ ધ મૅચ બન્યા હતા.

પાકિસ્તાને ગઇકાલે રમાયેલી વન-ડે વર્લ્ડકપની મૅચમાં શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું છે.

પાકિસ્તાનને જીતવા માટે 345 રનનો ટાર્ગેટ હતો અને ટીમે અબ્દુલ્લા શફીક અને મોહમ્મદ રિઝવાનની શાનદાર સદીઓના આધારે મૅચ જીતી લીધી હતી.

પાકિસ્તાને માત્ર 48.2 ઓવરમાં 4 વિકેટે 345 રન બનાવીને મૅચ જીતી લીધી હતી. વર્લ્ડકપના ઈતિહાસમાં આ સૌથી મોટો રન ચેઝ છે.

હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મૅચમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં નવ વિકેટે 344 રન બનાવ્યા હતા. કુસલ મેન્ડિસ અને સાદિરા સમરવિક્રમાએ ટીમ માટે સદી ફટકારી હતી પરંતુ તેમની સદી ટીમને જીત અપાવી શકી ન હતી.

પાકિસ્તાનની ટીમ મેદાનમાં ઊતરી ત્યારે તેની શરૂઆત નબળી રહી હતી.

પરંતુ અબ્દુલ્લા શફીક અને મોહમ્મદ રિઝવાનની ઇનિંગ્સે મૅચ પર જાણે કે કબજો જમાવ્યો હતો. બંનેએ ત્રીજી વિકેટ પડે તે પહેલાં 176 રનની શાનદાર ભાગીદારી કરી હતી અને આટલો મોટો ટાર્ગેટ હાંસલ કર્યો હતો.

શ્રીલંકાએ આપ્યો હતો મોટો પડકાર

શ્રીલંકા પાકિસ્તાન મૅચ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાન વર્લ્ડકપમાં સૌથી વધુ મોટો રનચેઝ કરવાનો રેકૉર્ડ પર બનાવ્યો છે

હૈદરાબાદમાં રમાયેલી આ મૅચમાં શ્રીલંકાએ ટોસ જીતીને સૌપ્રથમ બેટિંગ પસંદ કરી હતી.

કુસલ પરેરાના રૂપે શ્રીલંકાની પહેલી વિકેટ જલદી જ પડી ગઈ હતી પરંતુ પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસે મજબૂત ભાગીદારી કરીને શ્રીલંકાને આધાર આપ્યો હતો.

નિસાંકા અડધી સદી ફટકારીને આઉટ થયા હતા અને કુસલ મેન્ડિસે માત્ર 77 બૉલમાં જ 122 રન ફટકાર્યા હતા.

કુસલ મેન્ડિસ આઉટ થયા પરંતુ બીજે છેડે પગ જમાવી ચૂકેલા સમરવિક્રમાએ પણ સદી ફટકારતા 89 બૉલમાં 108 રન ફટકાર્યા હતા.

નિર્ધારિત 50 ઓવરોમાં શ્રીલંકાએ 9 વિકેટે 344 રન નોંધાવ્યા હતા. પાકિસ્તાન તરફથી હસન અલીએ સૌથી વધુ 4 વિકેટો ઝડપી હતી.

વર્લ્ડકપનો સૌથી મોટો રન ચેઝ

પાકિસ્તાન અને શ્રીલંકા

ઇમેજ સ્રોત, Getty Images

આટલા મોટા પડકારનો સામનો કરવા માટે પાકિસ્તાનની ટીમ મેદાન પર તો ઊતરી પરંતુ ક્રિકેટ સમીક્ષકો પાકિસ્તાનની જીત બાબતે દ્વિધામાં હતા કારણ કે તેમની સામે એટલું મોટું લક્ષ્ય હતું જેને વર્લ્ડકપમાં આજ સુધી ક્યારેય ચેઝ નથી કરી શકાયું.

પાકિસ્તાનની શરૂઆત પણ સારી રહી ન હતી અને માત્ર 37 રનના સ્કોરે જ તેમણે 2 વિકેટો ગુમાવી દીધી હતી. ઇમામ-ઉલ-હક 12 રન બનાવીને અને બાબર આઝમ 10 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.

પરંતુ શફીક અને રિઝવાને ત્યારપછી શ્રીલંકાને એકપણ મોકો ન આપ્યો અને 176 રનની મેરેથોન ભાગીદારી કરી.

શફીકે 103 બૉલમાં 113 રન બનાવીને સદી ફટકારી તો રિઝવાને નોટ આઉટ 131 બનાવીને ટીમને જીત અપાવી હતી.

આટલો વિશાળ ટાર્ગેટ પાકિસ્તાને માત્ર 48.2 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો જે વર્લ્ડકપનો સૌથી મોટો સફળ રનચેઝ બની ચૂક્યો છે.

વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી મોટા રનચેઝ:

  • હૈદરાબાદમાં શ્રીલંકા સામે પાકિસ્તાન દ્વારા 345 (2023)
  • બેંગલુરુમાં ઇંગ્લૅન્ડ સામે આયર્લેન્ડ દ્વારા 328 (2011)
  • ટોન્ટનમાં વેસ્ટ ઇન્ડિઝ સામે બાંગ્લાદેશ દ્વારા 322 (2019)
  • નેલ્સનમાં સ્કૉટલેન્ડ સામે બાંગ્લાદેશ દ્વારા 319 (2015)
  • ન્યૂ પ્લાયમાઉથમાં ઝિમ્બાબ્વે સામે શ્રીલંકા દ્વારા 313 (1992)

‘ક્યારેક મારા સ્નાયુઓ ખેંચાઈ જતા હતા તો ક્યારેક હું નાટક કરતો હતો’

મોહમ્મદ રિઝવાન

ઇમેજ સ્રોત, Getty Images

મૅન ઑફ ધ મૅચ મોહમ્મદ રિઝવાને મૅચ પછી કહ્યું હતું કે, "જ્યારે તમે તમારા દેશ માટે સારું પ્રદર્શન કરો છો ત્યારે તમને હંમેશાં ગર્વની અનુભૂતિ થાય છે. હું આજે નિ:શબ્દ છું."

તેમણે કહ્યું, "આજે લક્ષ્ય ખરેખર અઘરું હતું. પરંતુ બૉલિંગ કર્યા બાદ અમે જ્યારે સ્ટેડિયમમાં પાછા ફર્યા ત્યારે અમે સૌ આત્મવિશ્વાસથી ભરપૂર હતા. દુર્ભાગ્યવશ બાબરની વિકેટ પણ જલદી પડી ગઈ પણ એ પછી અમે સારી ભાગીદારી કરવામાં સફળ રહ્યા. આ પીચ પણ સારી હતી. "

બૅટિંગ દરમિયાન રિઝવાનને પગમાં થોડી મુશ્કેલી આવી રહી હતી. જે અંગે પૂછતાં તેણે હસતાં હસતાં કહ્યું, "ક્યારેક મારા પગના સ્નાયુઓ ખેંચાઈ જતા હતા તો ક્યારેક હું નાટક કરતો હતો."

મૅચમાં નોંધાયા અનેક નવા રેકૉર્ડ્સ

મોહમ્મદ રિઝવાને નોંધાવેલો 131 રનનો સ્કોર એ કોઈ પાકિસ્તાની વિકેટકીપર બૅટ્સમૅને વન-ડેમાં નોંધાવેલો સૌથી મોટો સ્કોર છે.

એક જ વન-ડે મૅચમાં 4 સદીઓ થઈ હોય એ રેકૉર્ડની પણ આ મૅચમાં બરાબરી થઈ છે.

વર્લ્ડકપમાં કોઈ ટીમ સામે સળંગ સૌથી વધુ જીતનો રેકૉર્ડ પણ પાકિસ્તાને બનાવ્યો છે. પાકિસ્તાને શ્રીલંકા સામે વર્લ્ડકપમાં સતત આઠમી જીત મેળવી છે.