COP 27: ભારતે કેટલાં વચનોનું પાલન કર્યું? લક્ષ્યાંક હાંસલ કરવાથી તે કેટલું દૂર છે?

ક્લાઇમેટ ચેન્જ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જાહ્નવી મૂળે
    • પદ, બીબીસી ગુજરાતી

સખત ગરમી, ચક્રવાત, અનિયમિત ચોમાસું, પૂર અને દુષ્કાળ… ભારતમાં કઠોર હવામાનની ઘટનાઓ નિયમિત રીતે નોંધાઈ રહી છે.

નિષ્ણાતો કહે છે કે આબોહવામાં પરિવર્તનને કારણે આવી ઘટનાઓ બની રહી છે, પરંતુ ભારત તેના નિરાકરણ માટે પૂરતાં પગલાં લઈ રહ્યું છે?

આબોહવામાં પરિવર્તનનો મુદ્દો આખું વર્ષ વિશ્વને પરેશાન કરતો રહે છે, પરંતુ તેના વિશે સૌથી વધુ ચર્ચા વાર્ષિક કૉન્ફરન્સ ઑફ પાર્ટીઝ (COP) યોજાય છે ત્યારે જ કરવામાં આવે છે. આ વર્ષે COPનું આયોજન ઈજિપ્તના શર્મ અલ શેખ ખાતે 6થી 18 નવેમ્બર દરમિયાન થવાનું છે.

આ વર્ષે આવી 27મી પરિષદ યોજાવાની છે. તેથી તેને COP 27 નામ આપવામાં આવ્યું છે. આ પરિષદમાં આબોહવામાં પરિવર્તનને લીધે થતા નુકસાન અને તેના નિરાકરણ માટે જરૂરી નાણાકીય મદદ વિશે ચર્ચા થવાની આશા છે.

COP 27માં ભારત જેવા વિવિધ દેશો આબોહવામાં પરિવર્તનની માઠી અસર ખાળવા કેવાં પગલાં લઈ રહ્યાં છે તે જાણવાની તક પણ મળશે.

રેડ લાઇન

ભારતે હવામાન સુધારણા અંગે આપેલાં વચનોનું શું થયું?

ગ્રે લાઈન
  • COP25માં ભારત સહિત ઘણા દેશોએ વિશ્વના ઉષ્ણતામાનમાં દોઢ ડીગ્રી સેલ્સિયસથી વધુનો ઉમેરો નહીં થવા દેવાનું વચન આપ્યું હતું
  • COP 26માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2070 સુધીમાં ‘નેટ ઝીરો’ લક્ષ્યાંક હાંસલ કરવાનું નક્કી કર્યું હતું
  • ભારતમાં આત્યંતિક હવામાનની ઘટનાઓ નિયમિત રીતે નોંધાઈ રહી છે. નિષ્ણાતો કહે છે કે આબોહવામાં પરિવર્તનને કારણે આવી ઘટનાઓ બની રહી છે
  • ભારત જેવા વિકાસશીલ દેશોમાં ઊર્જાની માગમાં વર્ષોવર્ષ વધારો થતો હોય છે. તે માગને માત્ર શુદ્ધ સંસાધનો વડે સંતોષવી એ ભગીરથ કામ છે
  • ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે વચનો તો આપ્યાં પરંતુ તેના નિરાકરણ માટે પૂરતાં પગલાં લઈ રહ્યું છે?
રેડ લાઇન

COPમાં ભારતે આપેલાં વચન

ક્લાઇમેટ ચેન્જ

ઇમેજ સ્રોત, Getty Images

2015માં ભારત સહિતના 200 દેશોએ પેરિસ કરાર પર સહી કરી હતી અને વિશ્વના ઉષ્ણતામાનમાં દોઢ ડિગ્રી સેલ્સિયસથી વધુનો ઉમેરો નહીં થવા દેવાનું વચન આપ્યું હતું.

તે પ્રતિબદ્ધતાનો મોટો હિસ્સો કહેવાતા ગ્રીનહાઉસ ગૅસ ઉત્સર્જનમાં ઘટાડાની પ્રતિજ્ઞા હતો.

તેથી દરેક દેશ તેમના રાષ્ટ્રીય નિર્ધારિત યોગદાન (NDC) લક્ષ્યાંકો નક્કી કરશે અને તેની વિગત આપશે તેવી અપેક્ષા છે. NDCમાં એ દર્શાવવાનું છે કે દરેક દેશ કાર્બન ઉત્સર્જનમાં કેટલો ઘટાડો, કઈ રીતે કરવાનો છે.

ભારતે આ વર્ષે ઑગસ્ટમાં તેના ફાઇનલ અપડેટેડ NDC લક્ષ્યાંકોની વિગત સુપરત કરી હતી.

આ સંદર્ભમાં ભારતે મહત્ત્વનાં ત્રણ વચન આપ્યાં છે.

ભારત તેના ઉત્સર્જનની તીવ્રતામાં 2005ના સ્તરથી GDPના 45 ટકા જેટલો ઘટાડો 2030 સુધીમાં કરશે.

ભારત 2030 સુધીમાં બિન-અશ્મિભૂત ઈંધણ આધારિત ઊર્જા સંસાધનોમાંથી લગભગ 50 ટકા સંચિત ઇલેક્ટ્રિક પાવર સ્થાપિત ક્ષમતા હાંસલ કરવાના પ્રયાસ કરશે.

વનવિસ્તાર તથા વૃક્ષોના આવરણમાં વૃદ્ધિ વડે ભારત કાર્બન શોષણમાં અઢીથી ત્રણ અબજ ટન CO2 જેટલો વધારો કરશે.

bbc gujarati line

સરસ, પણ આ બધાનો અર્થ શું થાય?

ક્લાઇમેટ ચેન્જ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતે વચન આપ્યું છે કે શુદ્ધ ઊર્જા, અક્ષય ઊર્જાના સ્રોતો, ઓછું ઉત્સર્જન કરતી પ્રોડક્ટ અને ઇલેક્ટ્રિક વાહનો વગેરે સંબંધી સંખ્યાબંધ પ્રોજેક્ટોને પ્રોત્સાહિત કરશે તથા તેમાં મદદ કરશે.

ભારતના અપડેટેડ NDCની વિગત જાહેર કરવાની સાથે કેન્દ્ર સરકારે એક નિવેદન પણ બહાર પાડ્યું હતું. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, "ભારતના NDC લક્ષ્યાંકો કોઈ ક્ષેત્ર-વિશેષમાં ઘટાડાની જવાબદારી અને પગલાં લેવાં પૂરતાં મર્યાદિત નથી. ભારતનું સંકલિત ધ્યેય ઉત્સર્જનની તીવ્રતા ઘટાડવાનું અને તેના અર્થતંત્રની ઊર્જા ક્ષમતામાં સમયાંતરે વધારો કરવાનું છે તેમજ અર્થતંત્ર તથા આપણાં સમાજના નબળા વર્ગોનું રક્ષણ કરવાનું છે.”

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ગ્લાસગો ખાતે યોજાયેલી COP 26માં વર્ષ 2070 સુધીમાં ‘નેટ ઝીરો’ લક્ષ્યાંક હાંસલ કરવાની જાહેરાત કરી હતી.

સંયુક્ત રાષ્ટ્રસંઘની વ્યાખ્યા મુજબ, ‘નેટ ઝીરો’નો અર્થ ગ્રીનહાઉસ ગૅસ ઉત્સર્જનમાં શૂન્યની શક્ય તેટલો નજીક ઘટાડો કરવો એવો થાય છે. કોઈ દેશ વાતાવરણમાં જેટલા પ્રમાણમાં ગ્રીનહાઉસ ગૅસ ઉત્સર્જીત કરતો હોય એટલા પ્રમાણમાં તે દૂર કરે ત્યારે ‘નેટ ઝીરો’ લક્ષ્યાંક હાંસલ કરી શકે છે.

આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે ભારતીય રેલવેએ 2030 સુધીમાં ‘નેટ ઝીરો’ બનવાનો નિર્ણય કર્યો છે. રેલવેની યોજના તેના ઉત્સર્જનમાં વાર્ષિક 60 મિલિયન ટનનો ઘટાડો કરવાની છે. એવી જ રીતે દેશની જંગી LED બલ્બ ઝુંબેશને લીધે ઉત્સર્જનમાં વાર્ષિક 40 મિલિયન ટન સુધીનો ઘટાડો થઈ રહ્યો છે.

ગ્રે લાઈન

ઊર્જા ક્ષેત્ર સામેના પડકારો

ક્લાઇમેટ ચેન્જ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતે જણાવ્યું છે કે 2030 સુધીમાં તે તેની કુલ પૈકીની 50 ટકા વીજળી બિન-અશ્મિભૂત ઈંધણ આધારિત ઊર્જા સંસાધનોમાંથી પેદા કરશે.

દેશે આ લક્ષ્યાંક આગામી આઠ વર્ષમાં જળ વિદ્યુત, સૂર્ય ઊર્જા અને જૈવ ઊર્જા દ્વારા હાંસલ કરવાનું છે.

ઊર્જાના આવા વિશુદ્ધ સ્રોતોના ઉપયોગમાં છેલ્લા એક દાયકામાં વધારો થયો છે, પરંતુ તેની ઝડપ ભારતની અપેક્ષા જેટલી નથી.

ભારત આજે પણ મહદંશે થર્મલ પાવર પર આધારિત છે, પરંતુ આવા પાવર સ્ટેશન મુખ્યત્વે અશ્મિભૂત ઈંધણ પર ચાલે છે અને તેમાં કોલસાનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે.

પાવર સ્ટેશનોની તાજેતરની ઉત્પાદન ક્ષમતા પર નજર કરીએ તો જાણવા મળે છે કે કુલ પૈકીની આશરે 60 ટકા વીજળીનું ઉત્પાદન થર્મલ પ્લાન્ટોમાં થાય છે અને એ બધા અશ્મિભૂત ઈંધણ તથા ખાસ કરીને કોલસા પર નિર્ભર છે.

કોલસા મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ, સપ્ટેમ્બર-2022માં કોલસાના ઉત્પાદનમાં 12 ટકા વધારો થયો હતો.

સમગ્ર વિશ્વમાં કોલસાનો વપરાશ ઘટવાને બદલે વધી રહ્યો છે. કેન્દ્રનાં નાણામંત્રી નિર્મલા સીતારમણે અમેરિકાના વૉશિંગ્ટન ડીસી ખાતેના પત્રકારપરિષદમાં આ મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, “પશ્ચિમમાં વધુને વધુ દેશો કોલસાના ઉપયોગ કરતા થયા છે. ઑસ્ટ્રેલિયા કહી ચૂક્યું છે અને આજે તેઓ ફરી કોલસા ભણી વળ્યા છે. મને લાગે છે કે ગૅસ પરવડતો નથી અથવા જોઈએ એટલા પ્રમાણમાં ઉપલબ્ધ નથી.”

સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઑથૉરિટીના અહેવાલ મુજબ, સૂર્ય તથા વાયુ ઊર્જાના વપરાશકર્તાઓનું પ્રમાણ વધ્યું છે. તેમાં વધુ વધારો થવાની આશા છે.

અલબત્ત, ભારત હજુ પણ પાછળ છે. દેશે ડિસેમ્બર 2022 સુધીમાં તેની ક્ષમતા વધારીને 175 ગીગાવૉટ કરવાનું અને શુદ્ધ સંસાધનોમાંથી વીજળીનું વધુ ઉત્પાદન કરવાની યોજના બનાવી હતી, પરંતુ ભારત તે ક્ષમતા હાંસલ કરવાથી હજુ ઘણું દૂર છે. દેશમાં હાલ આશરે 116 ગીગાવૉટ ઊર્જાનું ઉત્પાદન થાય છે.

ભારત જેવા વિકાસશીલ દેશોમાં ઊર્જાની માગમાં વર્ષોવર્ષ વધારો થતો હોય છે. તે માગને માત્ર શુદ્ધ સંસાધનો વડે સંતોષવી એ ભગીરથ કામ છે.

ગ્રે લાઈન

સઘન વનીકરણનો મુદ્દો

ક્લાઇમેટ ચેન્જ

ઇમેજ સ્રોત, Getty Images

હવામાંથી વધુ પ્રમાણમાં કાર્બન શોષી શકાય એ માટે વન વિસ્તારમાં વધારાની અને વધુ વૃક્ષોના વાવેતરની ભારતની યોજના છે. જેથી અઢીથી ત્રણ ટન કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી શકાય.

વનવિભાગના સર્વેક્ષણ અહેવાલ મુજબ, 2019-21 દરમિયાન ફૉરેસ્ટ કવરમાં 2,261 ચોરસ કિલોમિટરનો વધારો થયો હોવાનો સરકારનો દાવો છે.

જોકે, આ વધારો તો કાગળ પરનો છે અને વાસ્તવિકતા ઘણી જ અલગ છે, એવું પર્યાવરણ તથા હવામાન નિષ્ણાત અતુલ દેઓલગાંવકરે જણાવ્યું હતું.

વૃક્ષ આચ્છાદિત દેખાતા બધા હિસ્સામાં વન નથી. ભારતમાં વનવિસ્તારની માપણી વખતે વનસ્પતિની ઘનતા ધ્યાનમાં લેવામાં આવે અને ક્યારેક ઝાડી-ઝાંખરા તથા બીજા વાવેતરને પણ જંગલ ગણવામાં આવે છે.

નિષ્ણાતો જણાવે છે કે કુદરતી રીતે વિકસ્યું હોય એ જ જંગલ કહેવાય અને આ સારી પરંપરા છે.

વનવિભાગના સર્વેક્ષણ અહેવાલ મુજબ, 2019 અને 2021ના અહેવાલોની સરખામણીએ મેંગ્રોવ્ઝ કવરમાં 17 ચોરસ કિલોમિટરનો વધારો થયો છે, પણ આટલો વધારો પૂરતો છે?

ગ્રે લાઈન

રાજ્યોના ઍક્શન પ્લાન

NDC લક્ષ્યાંક હાંસલ કરવા માટે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પણ પોતપોતાની ભૂમિકા ભજવવાની છે.

કેન્દ્રના પર્યાવરણ મંત્રાલયે સપ્ટેમ્બર 2022માં બે દિવસની એક પરિષદનું આયોજન કર્યું હતું. તેમાં દેશના લગભગ તમામ રાજ્યોના પર્યાવરણપ્રધાનોએ ભાગ લીધો હતો. એ કૉન્ફરન્સનું ફોકસ રાજ્યોના ઍક્શન પ્લાન હતા.

લોકસભામાં એક સવાલનો જવાબ આપતાં કેન્દ્રના પર્યાવરણ મંત્રાલયે જણાવ્યું હતું કે 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ઍક્શન પ્લાન બનાવ્યા છે. બધાએ ઍક્શન પ્લાન તો બનાવ્યા છે, પરંતુ તેના અમલની દિશામાં કોઈ પ્રગતિ થઈ નથી.

બૃહદ્ મુંબઈ મહાનગરપાલિકાએ માર્ચ 2022માં જાહેરાત કરી હતી કે મહાનગર માટે ક્લાયમેટ એક્શન પ્લાન બનાવવામાં આવશે. મુંબઈએ 2050 સુધીમાં નેટ ઝીરો લક્ષ્યાંક હાંસલ કરવાનું છે.

ગ્રે લાઈન

હવામાન લક્ષ્યાંકો માટે નાણાકીય જરૂરિયાત

ક્લાઇમેટ ચેન્જ

ઇમેજ સ્રોત, Getty Images

વિકાસશીલ રાષ્ટ્રો અને ગરીબ દેશો માટે ઉત્સર્જન ઘટાડવાનું આસાન નથી. તેથી તેમને નાણાકીય સહાયનો મુદ્દો COP 27માં કેન્દ્રસ્થાને રહેશે.

વીજળીની વધતી માગને સંતોષવા માટે ક્લીન ઍનર્જી સૅક્ટરમાં જંગી રોકાણ જરૂરી છે. ઊર્જા એકત્ર કરવા માટે ભારતે સ્ટોરેજ ક્ષમતાનું નિર્માણ કરવું પડશે અને એ માટે દેશને અબજો રૂપિયાની જરૂર પડશે. બૅન્ક ઑફ અમેરિકાના સર્વેક્ષણ મુજબ, ભારતને 401 અબજ ડૉલરની જરૂર છે.

2009માં કોપનહેગન ખાતે યોજાયેલી ક્લાયમેટ સમિટમાં સમૃદ્ધ દેશોએ વિકાસશીલ તથા ગરીબ રાષ્ટ્રોને 2020 સુધીમાં પ્રતિ વર્ષ 100 અબજ ડૉલર આપવાની પ્રતિજ્ઞા કરી હતી, જેથી આ રાષ્ટ્રો આબોહવા પરિવર્તન સામે કામ પાર પાડી શકે.

જોકે, સંયુક્ત રાષ્ટ્રસંઘના ગયા વર્ષના એક અહેવાલ મુજબ, સમૃદ્ધ દેશોએ તે વચન પાળ્યું નથી, કારણ કે 100 અબજ ડૉલર આપવાનું શક્ય નથી.

આ મુદ્દો આ વર્ષે ટેકનિકલ વાટાઘાટોનો હિસ્સો બનવાની આશા છે. વિકાસશીલ રાષ્ટ્રો વતી ભારત મોટી ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે. નાણાકીય સહાય માટે ભારત દબાણ જરૂર કરશે.

bbc gujarati line
bbc gujarati line