જેએનયુમાં બીબીસી ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ, વીજળી ગુલ અને વિદ્યાર્થીઓ પર પથ્થરમારો- ગ્રાઉન્ડ રિપોર્ટ

જેએનયુ

દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં બીબીસીની ડૉક્યુમેન્ટરી 'ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન'ના સ્ક્રીનિંગ દરમિયાન ડૉક્યુમેન્ટરી જોતાં વિદ્યાર્થીઓ પર પથ્થરમારો થયો છે.

પથ્થરમારા બાદ ડૉક્યુમેન્ટરી જોતાં વિદ્યાર્થીઓએ જેએનયુ ગેટ પર પ્રદર્શન કર્યું. પથ્થરમારો કરનારા વિદ્યાર્થીઓ કોણ હતા, એ વિશે વધુ જાણકારી મળી નથી, પરંતુ ઘટનામાં કોઈ વિદ્યાર્થી ઈજાગ્રસ્ત નથી થયો.

આ ડૉક્યુમેન્ટરી નર્મદા હૉસ્ટલની પાસે જેએનયુ વિદ્યાર્થી સંઘની ઑફિસમાં રાત્રે નવ વાગ્યે દર્શાવવાની હતી, જેએનયુ વિદ્યાર્થી સંઘે સ્ક્રીનિંગની જાહેરાત એક દિવસ પહેલાં કરી હતી.

સ્ક્રીનિંગ પહેલાં સમગ્ર કૅમ્પસમાં વીજળી 8.30 વાગ્યાથી જ ગુલ હતી. હાજર રહેલા વિદ્યાર્થીઓનો દાવો છે કે પ્રશાસને વીજળી કાપી છે, સ્ક્રીનિંગ પહેલાં વીજળી ગુલ થવાને કારણે જેએનયુ પ્રશાસનની પ્રતિક્રિયા નથી મળી શકી.

ત્યાર બાદ વિદ્યાર્થીઓએ જેએનયુ વિદ્યાર્થી સંઘની ઑફિસની બહાર દરી પાથરીને ક્યૂઆર કોડની મદદથી પોતપોતાના ફોન પર ડૉક્યુમેન્ટરી જોવાનો પ્રયત્ન કર્યો પરંતુ ઇન્ટરનેટ સ્પીડ ધીમી હોવાને કારણે વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલી પડી.

ત્યાર બાદ કેટલાક વિદ્યાર્થીઓ પોત-પોતાના રૂમમાંથી લૅપટૉપ લઈને આવ્યા અને નાનાં-નાનાં સમૂહમાં ડૉક્યુમેન્ટરી જોવા લાગ્યા, જોકે ઇન્ટરનેટની સ્પીડને કારણે ડૉક્યુમેન્ટરી અટકી અટકીને ચાલતી હતી.

પથ્થરમારા બાદ ડૉક્યુમેન્ટરી જોઈ રહેલા વિદ્યાર્થીઓએ જેએનયુ ગેટ સુધી પહોંચીને માર્ચનું આયોજન કર્યું અને ત્યાં પહોંચીને નારેબાજી શરૂ કરી હતી.

પથ્થરમારો કરનાર વિદ્યાર્થીઓ કોણ હતા, તેમના વિશે જાણકારી નથી. પથ્થરમારામાં કેટલાક વિદ્યાર્થીઓને ઈજા થઈ હતી. કેટલાક વિદ્યાર્થીઓ મેડિકલ તપાસ માટે દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલ ગયા છે.

વિદ્યાર્થી સંઘની જાહેરાત પછી જેએનયુ પ્રશાસને એડવાઇઝરી જારી કરતા કહ્યું કે ડૉક્યુમેન્ટરીના સ્ક્રીનિંગ કાર્યક્રમ માટે અનુમતિ નહોતી લેવામાં આવી. અને વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી હતી કે પ્રસ્તાવિત કાર્યક્રમ રદ કરે. આવું નહીં કરનારાઓ સામે અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવી શકે છે.

ત્યારે સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર જેએનયુમાં એબીવીપીના પ્રેસિડન્ટ રોહિતે કહ્યું છે કે, "જેએનયુ વહીવટીતંત્રે બીબીસી ડૉક્યુમેન્ટરીના સ્ક્રીનિંગ સામે કડક ચેતવણી. પછી કેટલાક વિદ્યાર્થીઓના જૂથે એબીવીપી કાર્યકરોનું લિન્ચિંગ કરવાનો પ્રયત્ન કર્યો. દિલ્હી યુનિવર્સિટી અને જામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ડૉક્યુમેન્ટરી જોવા આવ્યા હતા. અમને આશા છે કે દિલ્હી પોલીસ દુષ્કર્મીઓને ઓળખી પાડશે અને યોગ્ય પગલાં લેશે."

બીબીસી
જેએનયુ

અનુમાન છે કે વિદ્યાર્થી સંઘની ઑફિસની બહાર લગભગ 300 વિદ્યાર્થીઓ ડૉક્યુમેન્ટરી જોવા પહોંચ્યા હતા.

જેએનયુ વિદ્યાર્થી સંઘના પ્રેસિડન્ટ આઇશી ઘોષે બીબીસીને કહ્યું કે, "મોદી સરકાર પબ્લિક સ્ક્રીનિંગ રોકી શકે છે, પરંતુ પબ્લિક વ્યૂઇંગ તો ન રોકી શકે."

કેન્દ્ર સરકારે યૂટ્યૂબ અને ટ્વિટરને બીબીસીની ડૉક્યુમેન્ટરી ' ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચેન' શૅર કરવાવાળી લિંક હટાવવાનો નિર્દેશ આપ્યો હતો.

ત્યાર બાદ જેએનયુ વિદ્યાર્થી સંઘે આ ડૉક્યુમેન્ટરી દેખાડવાનો નિર્ણય કર્યો.

ગ્રે લાઇન

બે એપિસોડની ડૉક્યુમેન્ટરી

બીબીસી ડૉક્યુમેન્ટરી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસીએ બે એપિસોડની ડૉક્યુમેન્ટી બનાવી છે જેનું નામ છે - ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન. તેનો પહેલો એપિસોડ 17 જાન્યુઆરીએ બ્રિટનમાં પ્રસારિત થઈ ચૂક્યો છે, બીજો એપિસોડ 24 જાન્યુઆરીએ પ્રસારિત કરવાની તારીખ નક્કી કરાઈ હતી.

પ્રથમ એપિસોડમાં નરેન્દ્ર મોદીની શરૂઆતની રાજકીય કારકિર્દી બતાવવામાં આવી છે જેમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આગળ વધીને ગુજરાતના મુખ્ય મંત્રીપદ સુધી પહોંચે છે.

આ ડૉક્યુમેન્ટરી એક અપ્રકાશિત રિપોર્ટ પર આધારિત છે જેને બીબીસીએ બ્રિટિશ ફૉરેન ઑફિસ પાસેથી મેળવ્યો છે. આ ડૉક્યુમેન્ટરીમાં નરેન્દ્ર મોદી જ્યારે મુખ્ય મંત્રી હતા ત્યારે ગુજરાતમાં વર્ષ 2002માં થયેલી હિંસામાં કમસે કમ થયેલાં 2000 લોકોનાં મૃત્યુ પર સવાલો કરવામાં આવ્યા છે.

બ્રિટિશ વિદેશ વિભાગના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મોદી વર્ષ 2002માં ગુજરાતમાં હિંસાનો માહોલ ઊભો કરવા માટે 'પ્રત્યક્ષ રીતે જવાબદાર' હતા.

વડા પ્રધાન મોદી હંમેશાં હિંસા માટે જવાબદાર હોવાના આરોપોને ફગાવતા આવ્યા છે. પરંતુ જે બ્રિટિશ રાજદ્વારી પ્રતિનિધિએ બ્રિટિશ વિદેશ મંત્રાલય માટે રિપોર્ટ લખ્યો છે તેમની સાથે બીબીસીએ વાત કરી છે અને તેઓ પોતાના રિપોર્ટના નિષ્કર્ષ પર અડગ છે.

ભારતની સુપ્રીમ કોર્ટે પહેલાં જ વડા પ્રધાન મોદીને ગુજરાતની હિંસામાં કોઈ પણ પ્રકારે સંડોવણીના આરોપમાંથી મુક્ત કરી ચૂકી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પ્રેસ કૉન્ફરન્સમાં આ ડૉક્યુમેન્ટરી વિશે કહ્યું કે, "મને સ્પષ્ટ કરવા દો કે અમારા મતે આ એક પ્રોપગૅન્ડા પીસ છે. આનો હેતુ એક પ્રકારનો નૅરેટિવને પ્રસ્તુત કરવાનો છે જેને લોકો પહેલાં જ ફગાવી ચૂક્યા છે."

આ ડૉક્યુમેન્ટરીને સરકાર સાથે જોડાયેલા કેટલાક લોકોએ દુષ્પ્રચાર અને ઔપનિવેશિક માનસિકતાથી પ્રેરિત ગણાવી છે, જ્યારે બીબીસીનું કહેવું છે કે ઊંડાણપૂર્વ તપાસ પછી જ બીબીસીના સંપાદકીય માપદંડો અનુરૂપ આ ડૉક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવી છે.

આની પહેલાં હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી અને કેરળમાં કેટલાંક કૅમ્પસમાં વિદ્યાર્થીઓએ આ ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કર્યું હતું અને બીજા અન્ય વિશ્વવિદ્યાલય પરિસરોમાં વિદ્યાર્થી સંઘ સામૂહિક રીતે વીડિયો જોવાના આયોજનની જાહેરત કરી ચૂક્યો છે.

ગ્રે લાઇન

અંધારામાં ચાલ્યા પથ્થર

પથ્થર

વીજળી ગુલ થવાને કારણે મોટા પરદા પર ડૉક્યુમેન્ટરી ન જોઈ સકાઈ. પરંતુ વિદ્યાર્થી સંઘના લોકોએ વિદ્યાર્થીઓ વચ્ચે એ ફૉર સાઇઝ પર છાપેલા ક્યૂ આર કોડ વહેંચવાના શરૂ ક્યા હતા. તેની મદદથી વિદ્યાર્થીઓ પાતના ફોન પર ડૉક્યુમેન્ટરી જોઈ શકતા હતા.

વિદ્યાર્થીઓને વિદ્યાર્થી સંઘની ઑફિસની બહાર જ બેસીને ડૉક્યુમેન્ટરી જોવાની વિનંતી કરવામાં આવ હતી. જ્યારે ફોન પર ડૉક્યુમેન્ટરી ન ચાલી તો લૅપટોપ અને સ્પીકર લઈ આવ્યા. તે વખતે વિદ્યાર્થી સંઘના અનુમાન અનુસાર 300 વિદ્યાર્થીઓ ત્યાં હતા. જોકે સિવિલ ડ્રેસમાં સુરક્ષાકર્મીઓ સાત વાગ્યે જ ડૉક્યુમેન્ટરીવાળી જગ્યાએ ફરી રહ્યા હતા. કેટલાક સુરક્ષાકર્મીઓના હાથમાં દિલ્હી પોલીસની ટોપી જોઈ શકાતી હતી.

રાત્રે નવ વાગીને 40 મિનિટ પર વિદ્યાર્થી સંઘની ઑફિસની બહાર વિદ્યાર્થીઓએ નાનાં-નાનાં સમૂહમાં લૅપટૉપ ડૉક્યુમેન્ટરી જોવા લાગ્યા. કોઈ જમીન પર લૅપટૉપ મૂકીને તો ક્યાંક ઉપર મૂકીને જોતા હતા. 10 વાગીને 20 મિનિટ પર ડૉક્યુમેન્ટરી જોતાં વિદ્યાર્થીઓ પર પથ્થરમારો શરૂ થયો. આ પથ્થર ત્યાં સ્થિત ટેફ્લાઝ કૅન્ટીન પાસેથી મારવામાં આવ્યા. આમાં ઈંટો પણ હતી. પથ્થરમારો શરૂ થતા નાસભાગ મચી ગઈ. પાંચ મિનિટમાં આ જગ્યા ખાલી થઈ હતી ત્યાર બાદ ત્યાં હાજર વિદ્યાર્થીઓ જેએનયુના મુખ્ય દ્વાર સુધી માર્ચ કાઢીને નારેબાજી કરી.

બીબીસી ડૉક્યુમેન્ટરી

વિદ્યાર્થી સંઘની ઑફિસથી જેએનયુ મુખ્ય દ્વાર નજીક પાંચ સો મીટર દૂર છે. રાત્રે 11 વાગ્યા આસપાસ ગંગા ઢાબાને પાર કરીને વિદ્યાર્થી મુખ્ય દ્વાર પર પહોંચ્યા તો ત્યાં એક વખત ફરીથી પથ્થરબાજી શરૂ થઈ. ગંગા ઢાબા તરફથી લગભગ 20-30 વિદ્યાર્થીઓનું એક જૂથ પથ્થરમારો કરી રહ્યું હતું.

જ્યારે વિદ્યાર્થીઓએ પથ્થર મારનારાઓને પકડવાની કોશિશ કરી તો તેઓ ઝાડીઓમાં છુપાઈ ગયા. જેએનયુના મુખ્ય દ્વાર પર હાજર વિદ્યાર્થી પ્રવીણે જણાવ્યું કે, "એ લોકો જૂતાં પહેરીને લાત મારી રહ્યા હતા. તેમણે મને કિક મારી, મેં પૂછ્યું કે કેમ મારો છો, તેમણે કહ્યું કે તમે આગળ વધતા રહો."

બીજા વિદ્યાર્થીએ કહ્યું કે, "હું હૉસ્ટલ જઈ રહ્યો હતો. પાચ છ લોકોએ મળીને એક છોકરાને માર્યો. ત્યાં સિક્યૉરિટી ગાર્ડ ઊભા હતા, મેં પૂછ્યું કે શું થઈ રહ્યું છે. ત્યારે એ વિદ્યાર્થી દોડતો આવ્યો અને મારા ચહેરા પર મુક્કો માર્યો."

કોણે પથ્થરમારો કર્યો

વિદ્યાર્થીઓ અનુસાર જેએનયુના મુખ્ય દ્વાર પાસે પથ્થરમારો બે ત્રણ વખત થયો. પથ્થરમારો કરનાર જૂથે માસ્ક અને કપડાંથી મોઢાં ઢાંકેલા હતા. તેમની પાસેથી પસાર થતા વિદ્યાર્થીઓને એવું કહેતા સાંભળી શકાતું હતું કે, 'પ્લીઝ ટૉર્ચની લાઇટ ન ચલાવો.'

વિદ્યાર્થીઓ અનુસાર આ દરમિયાન જેએનયુના સિક્યૉરિટી સ્ટાફ ત્યાં હાજર હતો પરંતુ કોઈએ કંઈ કર્યું નહીં. કેટલાક સમય માટે સિક્યૉરિટી સ્ટાફે જેએનયુ કૅમ્પને પોતાના હાલ પર છોડી દીધું. કૅમ્પસની બહાર દિલ્હી પોલીસની ગાડીઓ ઊભી હતી પરંતુ તે પણ ચૂપચાપ ઊભા હતા.

જેએનયુના મુખ્ય દ્વાર પર વિદ્યાર્થીઓએ દિલ્હી પોલીસ અને કન્દ્ર સરકાર વિરુદ્ધ નારેબાગી કરી. ત્યાં હાજર જેએનયુ સ્ટૂડન્ટ યુનિયનનાં પ્રેસિડન્ટ આઇસી ઘોષે કહ્યું, "હવે લાઇટને રિસ્ટોર કરવાની જરૂરત છે. અમે નહોતું વિચાર્યું કે જેએનયુ પ્રશાસન આ હદે જશે કે ફિલ્મનું સ્ક્રીનિંગ બંધ કરાવવા માટે પથ્થરમારો કરાવશે.

તેમણે આરોપ મૂક્યો કે તેમણે એબીવીપીના લોકોને પથ્થરમારો કરતા જોયા છે. જોકે બીબીસી આ આરોપની સ્વતંત્ર રીતે પુષ્ટિ નથી કરતું.

એબીવીપી તરફથી પણ જેએનયુ પ્રેસિડન્ટના આરોપ પર પ્રતિક્રિયા નથી મળી. જેએનયુ સ્ટૂડન્ટ યુનિયનનું કહેવું છે કે આ ડૉક્યુમેન્ટરી ફરી બતાવશે.

આ દરમિયાન જામિયા મિલ્લિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલા સ્ટૂડન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા નામના વિદ્યાર્થી સંગઠને 25 જાન્યુઆરીના આ ડૉક્યુમેન્ટરી બતાવવાની જાહેરાત કરી છે. આના માટે પોસ્ટર પણ બહાર પાડ્યાં છે.

બીબીસી
બીબીસી