ગુજરાત હાઈકોર્ટ સામે જ્યારે RTI ઍક્ટિવિસ્ટની સરાજાહેર હત્યા થઈ અને ભાજપના નેતાનું નામ ખૂલ્યું

મૃતક અમિત જેઠવા

ઇમેજ સ્રોત, AMIT JETHVA\ BLOGSPOT

ઇમેજ કૅપ્શન, મૃતક અમિત જેઠવા
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"ચુકાદો સાંભળ્યો ત્યારથી મારી તબિયત બગડી ગઈ છે. મારી હવે ઉંમર પણ થઈ છે. હું 2010થી અત્યાર સુધી એકલો લડ્યો છું અને આગળ પણ મારા મરેલા દીકરાને ન્યાય અપાવવા માટે લડતો રહીશ."

આ શબ્દો હતા અમિત જેઠવાના 70 વર્ષીય વૃદ્ધ પિતા ભીખાભાઈના, જેમણે પુત્રની હત્યા બાદ ઝેરોક્ષની દુકાન ચલાવીને ઘરનું ગુજરાન ચલાવ્યું. 14 વર્ષ પહેલાં વર્ષ 2010માં અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં ગુજરાત હાઈકોર્ટની સામે આવેલા સત્યમેવ કૉમ્પલેક્સની આગળ બે અજાણ્યા શખસોએ ગોળી મારીને આરટીઆઈ (માહિતી અધિકાર અધિનિયમ) ઍક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા કરી હતી.

આ મર્ડર કેસમાં ભાજપના નેતા દીનુ બોઘા સોલંકી સહિત સાત આરોપી હતા.

આ ચકચારી મર્ડર કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા 6 મે 2024ના દિવસે દીનુ બોઘા સોલંકી સહિત સાત આરોપીઓને નિર્દોષ ઠેરવી છોડી મૂક્યા હતા.

આ ચુકાદાના માત્ર છ દિવસ બાદ અમિત જેઠવાના પિતા ભીખાભાઈ પણ રવિવાર 12 મેના દિવસે અવસાન પામ્યા. બીબીસીના અમરેલીસ્થિત સહયોગી ફારૂક કાદરીએ ભીખાભાઈના અવસાનની પુષ્ટિ કરી છે. ચુકાદા બાદ ભીખાભાઈની તબિયત ઝડપથી બગડવા લાગી હતી. તેમને ભાવનગરની એક હૉસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા, ત્યારે હૃદયરોગનો હુમલો આવતા તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા.

અમિત જેઠવાના નાના ભાઈ જીજ્ઞેશ જેઠવાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "મારા પિતા ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ નિરાશ થઈ ગયા હતા. તેના બાદ તેઓ અસ્વસ્થ રહેવા લાગ્યા હતા. ગત શનિવારે 11 મે 2024ના દિવસે તેમને મહુવા સારવાર કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓ ડૉક્ટરના ઑબ્ઝર્વેશનમાં હતા. રવિવારે અચાનક કાર્ડિયેક અરેસ્ટથી તેમનું મૃત્યુ થયું હતું."

"મારા ભાઈનો કેસ અત્યાર સુધી મારા પિતા લડત આપી રહ્યા હતા. અમને લોકોને કેસથી દૂર રાખતા હતા. હવે તેઓ નથી તો તેમની લડત અમે લડીશું. અમે કેસ પેપર લઈને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની કાર્યવાહી કરીશું. મારા પિતા તેમના અંતિમ શ્વાસ સુધી લડ્યા. આ લડત અમે આગળ વધારીશું."

નોંધનીય છે કે વર્ષ 2019માં અગાઉ ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીને આ કેસમાં મુખ્ય કાવતરાખોર તરીકે દર્શાવીને સીબીઆઇ કોર્ટે જનમટીપની સજા ફટકારી હતી.

ગત સોમવારે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એ. એસ. સુપાહિયા અને વિમલ કે. વ્યાસની ડિવિઝનલ બેન્ચે ખુલ્લી અદાલતમાં ચુકાદો વાંચતા ટાંક્યું હતુ કે, " વર્તમાન કેસ સત્યમેવ જયતેના વિપરિત તરીકે યાદ કરવામાં આવશે. આ ભયાનક અને એટલું જ આઘાતજનક હતું કે, તપાસ શરૂઆતથી જ એક છેતરપિંડી હોય તેવું લાગે છે. સત્યને કાયમ માટે દફનાવી દેવાય તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા અને અપરાધીઓ આવું કરવામાં સફળ થયા."

ચુકાદો જાહેર કરતાં કોર્ટે કરેલી ટિપ્પણીઓને કારણે આ કેસ અંગે કુતૂહલ સર્જાયું છે.

ત્યારે જાણીએ શું હતો આ સંપૂર્ણ કેસ.

શું હતો અમિત જેઠવા મર્ડર કેસ?

અમિત જેઠવા

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ કેસના તાજેતરના ચુકાદામાં રજૂ કરાયેલી કેસની ટાઇમલાઇનમાં થયેલી નોંધ અનુસાર એ પ્રમાણે અમદાવાદ શહેરના સોલા વિસ્તારના અતિ વ્યસ્ત રહેતા એવા એસ. જી. હાઇવેની એક તરફ ગુજરાત હાઇકોર્ટની ઇમારત છે જ્યારે તેની સામેના ભાગમાં સત્યમેવ કૉમ્પલેક્સ નામનું બિલ્ડિંગ છે.

આ કૉમ્પલેક્સમાં ધારાશાસ્ત્રીઓની ઑફિસ આવેલી છે. 2010ની 20 જુલાઈના રોજ રાતે 8.40 વાગ્યે સોલાના સત્યમેવ કૉમ્પલેક્સની નજીક આરટીઆઇ ઍકટિવિસ્ટ અમિત જેઠવાની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.

બે અજાણ્યા શખસ અમિત જેઠવાને ગોળી મારી મોટરબાઇક મૂકીને ભાગી ગયા હતા.

આ સમગ્ર ઘટનાની પહેલી જાણ સોલા પોલીસ સ્ટેશનના હેડ કૉન્સ્ટેબલને થઈ હતી.

તેઓ મિત્રો સાથે ચા પી રહ્યા હતા ત્યારે તેમણે ગોળીનો અવાજ સાંભળ્યો હતો. તેઓ તરત સ્થળ ઉપર પહોંચ્યા હતા.

જ્યાં તેમણે જમીન ઉપર લોહીના ખાબોચિયામાં પડેલી વ્યક્તિ જોઈ હતી. પછી તેમને જાણવા મળ્યું કે ગોળી મારનારા બાઇક મૂકીને વિશ્વાસ સિટી રોડ તરફ ભાગ્યા છે, જેથી તેઓ તે દિશામાં પાછળ ગયા હતા અને બાઇક તપાસ કરી હતી પણ કંઈ ન મળતાં તેઓ પરત ફર્યા હતા.

આ બાદ તેમણે ઘટના અંગે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરી હતી, જે બાદ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા.

આ સમગ્ર ઘટનાક્રમ બાદ સોલા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય દંડ સંહિતાની કલમ 302 અંતર્ગત હત્યાના ગુનાની ફરિયાદ નોંધાઈ હતી.

આ કેસની તપાસ તા.16 ઑગસ્ટ 2010ના દિવસે ડિટેક્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચને (ડીસીબી) સોંપી દેવાઈ હતી.

ડીસીબીએ આ મામલામાં ઑગસ્ટથી નવેમ્બર 2010 સુધીના ગાળામાં બહાદુરસિંહ વાઢેર, પચનભાઈ ગોપાલભાઈ ઉર્ફે શીવાભાઈ દેસાઈ, સંજય ચૌહાણ, પ્રતાપભાઈ સોલંકી, ઉદાજી ઠાકોર અને શૈલેશ પંડ્યાની ધરપકડ કરી આવી હતી.

10 નવેમ્બર 2010ના દિવસે આ મામલામાં પોલીસે પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી પછી 18 જાન્યુઆરી 2011ના દિવસે બે પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી.

સીબીઆઇને સોંપાઈ તપાસ

ક્રાઇમ બ્રાન્ચે આ કેસના આરોપી શિવા સોલંકી (વચ્ચે)ની ધરપકડ કરી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ક્રાઇમ બ્રાન્ચે આ કેસના આરોપી શિવા સોલંકી (વચ્ચે)ની ધરપકડ કરી હતી

પોલીસતપાસ સામે મૃતકના પિતા ભીખાભાઈ જેઠવાએ અસંતોષ વ્યકત કરતાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અરજી કરી હતી, જેમાં તેમણે કેસની તપાસ સ્વતંત્ર એજન્સી પાસેથી કરાવવાની માગ કરી હતી.

હાઈકોર્ટે આ અરજી મામલે વચગાળાના ઑર્ડર મારફતે સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન SPની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) બનાવી હતી. એસઆઇટીએ 16 માર્ચ 2012ના રોજ પોતાનો તપાસ રિપોર્ટ સબમિટ કર્યો હતો.

જોકે, અરજદારે આ રિપોર્ટથી અસંતોષ વ્યક્ત કરતાં ગુજરાત હાઈકોર્ટ આગળની તપાસ સીબીઆઇને સોંપી હતી.

સીબીઆઇએ આ કેસમાં મુખ્ય કાવતરાખોર તરીકે અને સાતમા નંબરના આરોપી તરીકે ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીનું નામ દાખલ કર્યું હતું.

સીબીઆઇએ તપાસમાં પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી આ હત્યાના મુખ્ય આરોપી હોવાનું જણાવ્યું હતું.

પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સામે એવો આરોપ હતો કે તેમણે અન્ય આરોપી બહાદુરસિંહ અને પોતાના ભત્રીજા શિવા સોલંકી સાથે મળીને આ હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

આરોપ હતો કે ત્યાર બાદ આ ત્રણેય દ્વારા અન્ય આરોપીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

આ તપાસ બાદ સીબીઆઇએ 5 નવેમ્બર 2013ના રોજ દીનુ બોઘા સોલંકીની ધરપકડ કરી હતી.

19 ડીસેમ્બર 2013ના રોજ દીનુ બોઘા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરાઈ હતી.

તમામ આરોપીઓ વિરુદ્ધ 18 મે 2016 ના રોજ ચાર્જફ્રેમ કરવામાં આવ્યો હતો.

આ કેસમાં સીબીઆઇ જજ સમક્ષ 195 સાક્ષીઓનાં નિવેદન ચકાસવામાં આવ્યાં હતાં.

જેમાંથી 105 સાક્ષીઓ હોસ્ટઇલ થઈ ગયા હતા. ત્યાર બાદ અમિત જેઠવાના પિતા ભીખુભાઈ જેઠવાએ સાક્ષીઓનાં નિવેદનો પુન: લેવા માટેની અરજી કરી હતી. કોર્ટ દ્વારા 26 સાક્ષીઓને ચકાસવામાં આવ્યા હતા. જેમાંથી 25 હોસ્ટાઇલ થઈ ગયા હતા.

માત્ર એક જ સાક્ષીએ કેસની તરફેણમાં જુબાની આપી હતી. આ કેસની ટ્રાયલ ચાલી.

6 જુલાઈ 2019માં શિવા ઉપરાંત દીનુ સોલંકી, શૈલેશ પંડ્યા તથા ચાર અન્યોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને જનમટીપની સજા ફટકારવામાં આવી હતી.

આ કેસમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા સપ્ટેમ્બર 2021માં દીનુ સોલંકીની સજા મોકૂફ રાખી જામીન અપાય હતા.

6 મે 2024ના દિવસે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભાજપ નેતા અને પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીને અમિત જેઠવા હત્યાકાંડ કેસ મામલે મોટી રાહત આપીને દીનુ સોલંકી સહિત તમામ આરોપીઓનો છુટકારો થયો હતો.

અહીં નોંધનીય છે કે સત્યની શોધમાં તપાસ એજન્સી, પ્રૉસિક્યૂશન નિષ્ફળ રહ્યાંનો મત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન નોંધાયો હતો.

મૃતક અમિત જેઠવાના પિતાએ શું કહ્યું ?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમિત જેઠવા મર્ડર કેસમાં આરોપી ભાજપના ભૂતપૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી (વચ્ચે)ને આરોપી બનાવાયા હતા

અમિત જેઠવાના પિતા ભીખાભાઈ જેઠવાએ તેમના અવસાનનાં બીબીસી ગુજરાતી સાથે હાઈકોર્ટના આ હુકમ બાદ 8 મેના દિવસે વાત કરી પોતાનો મત વ્યક્ત કર્યો હતો.

તેમણે ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું, "આ ન્યાયની પ્રક્રિયા છે. કોર્ટે અગાઉ આરોપીઓને દોષિત ઠેરવી સજા કરી હતી, ત્યારે કોર્ટનો ચુકાદો માન્ય કર્યો હતો, તો હવે કોર્ટે જ્યારે તેમને છોડી મૂકવાનો હુકમ કર્યો છે તો તે અંગેનો હુકમ પણ માન્ય કરવો રહે. આગામી સમયમાં હું આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં જવાનો છું. હું મારા છેલ્લા શ્વાસ સુધી લડતો રહીશ."

આ ચુકાદાએ આ વૃદ્ધ પિતા માટે પોતાના દીકરા સંબંધી યાદો તાજી કરી દીધી હોય તેમ પોતાના મૃત પુત્ર અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું, "મારો દીકરો અમિત ભણવામાં ખૂબ હોશિયાર હતો. તેને નિકટના ગામમાં આરોગ્ય કેન્દ્રમાં સરકારી નોકરી મળી હતી.”

ભ્રષ્ટાચાર અને કૌભાંડો સામે પોતાના પુત્ર લડાયક પ્રયત્નો અંગે ગર્વભેર વાત કરતાં મૂળ અમરેલીના ખાંભાના રહેવાસી ભીખાભાઈએ કહ્યું હતું, “તે સમયે ત્યાં સરકારી દવા વેચવાનું કૌભાંડ ચાલતું હતું. જેની સામે તેણે લડત ચાલુ કરી હતી. ત્યાર બાદ તે અમારા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે થતા ખનન અંગે લડતો હતો. તે સમયે તેને લોભલાલચ પણ આપવામાં આવતાં હતાં, પરંતુ તે લાલચમાં આવ્યો ન હતો અને લડત ચાલુ રાખી હતી. ત્યાર બાદ તેને ધમકીઓ પણ મળવા લાગી હતી. જેથી તે અમદાવાદ રહેવા આવી ગયો હતો. આ બનાવ બન્યો તેના ત્રણ મહિના પહેલાં જ એ અમદાવાદ રહેવા આવી ગયો હતો."

અમિત જેઠવાના પિતા ભીખાભાઈ

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, અમિત જેઠવાના પિતા ભીખાભાઈ બાટાવાલાનું અવસાન હાઈકોર્ટના ચુકાદાના ગણતરીના દિવસોમાં થયું છે.

પુત્રની હત્યા થઈ એ ગોઝારો સમય યાદ કરતાં ભીખાભાઈએ કહ્યું હતું, "આ ઘટના બની ત્યારે હું મારા ગામ ખાંભા હતો. અમને ટીવીમાં સમાચાર મારફતે આ ઘટના અંગે જાણ થઈ હતી."

તેમણે સમગ્ર કેસ અંગે વાત કરતાં જણાવ્યું હતું, "શરૂઆતમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરાયા બાદ મારી અરજીને અનુસંધાને સીબીઆઈને તપાસ સોંપવામાં આવી હતી. પરંતુ આ કેસમાં સાક્ષીઓ કોર્ટમાં ફરી ગયા હતા. કેટલાક સાક્ષીઓ તો અમિતના સહકર્મી પણ હતા."

તેમણે કેસના કારણે પોતાને પણ ધમકી મળતી હોવાનો દાવો કરતાં કહ્યું હતું, "શરૂઆતમાં મને પણ ધમકીઓ મળતી, પરંતુ મેં નક્કી કર્યું હતું કે મારા દીકરાને ન્યાય અપાવવા મરવું પડે તો પણ હું તૈયાર છું. આ કેસ હું એકલો લડ્યો છું. જો પરિવારના લોકો જોડાય તો તેમના જીવને પણ જોખમ થઈ શકે. તેથી મેં કેસમાં મારા પરિવારના લોકોને દૂર જ રાખ્યા છે. જોકે, પરિવાર મારી સાથે જ ઊભો છે."

તેમણે પરિવાર વિશે વાત કરતાં જણાવ્યું હતું, "અમિતનાં બંને બાળકો મારી સાથે જ મોટાં થયાં છે. બંનેને મેં ભણાવ્યાં. અમિતને એક દીકરી અને એક દીકરો છે. પિતાનું ડૉક્ટર બનવાનું સપનું એમની દીકરીએ પૂરું કર્યું છે. આ વર્ષે અમિતની દીકરીએ એમબીબીએસનો અભ્યાસ પૂરો કર્યો છે અને તેમનો દીકરો હાલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે."

આ કેસ અંગે સિનિયર ઍડ્વોકેટ આર. આર. શુક્લાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે તેની સામે સુપ્રીમકોર્ટમાં અપીલ કરી શકાય છે."

રેડ લાઇન
રેડ લાઇન