પહલગામ હુમલો : 26 પ્રવાસીનાં જ્યાં મોત થયાં એ જમ્મુ-કાશ્મીરમાં હાલ કેવો માહોલ છે?

    • લેેખક, દિવ્યા આર્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

જમ્મુ- કાશ્મીરના જાણીતા પર્યટનસ્થળ પહલગામમાં મંગળવારે ચરમપંથી હુમલામાં 26 લોકો માર્યા ગયા ત્યાર પછી આખા વિસ્તારમાં દહેશતનો માહોલ છે.

જમ્મુ-કાશ્મીર ખીણમાંથી પર્યટકોને બહાર લઈ જવા માટે ટેક્સીઓ શ્રીનગર ઍરપૉર્ટના સતત ફેરા લગાવી રહી છે.

ગૌતમ નામના એક પર્યટકે બીબીસીને જણાવ્યું કે, "અમે બહુ ભયભીત છીએ, કારણ કે આતંકીઓ ક્યાં છે અને આગળ શું થશે તે અમે નથી જાણતા."

તેઓ પૂરી તૈયારી કરીને જમ્મુ-કાશ્મીર ફરવા આવ્યા હતા, પરંતુ હવે તેઓ પોતાના ઘેર પાછા જઈ રહ્યા છે.

પહલગામના હુમલા બાદ વિસ્તારમાં કેવો માહોલ છે?

જમ્મુ-કાશ્મીર ટલાય દાયકાથી હિંસાનો સામનો કરે છે, પરંતુ અગાઉ ક્યારેય પર્યટકોને નિશાન બનાવીને હુમલા નહોતા થયા. મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહે આને તાજેતરનાં વર્ષોમાં સામાન્ય નાગરિકોને નિશાન બનાવીને કરવામાં આવેલો સૌથી મોટો હુમલો ગણાવ્યો છે.

આ હુમલાની દૂરગામી અસર થવાની શક્યતા છે. ખીણમાંથી લોકો તાત્કાલિક પાછા આવી રહ્યા છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર ફરવા આવનારાઓ પોતાની ટિકિટો પણ કૅન્સલ કરાવી રહ્યા છે.

મુંબઈમાં પર્યટન એજન્સી ચલાવતા અભિષેક હૉલીડેઝના અભિષેક સંસારેએ બીબીસીને જણાવ્યું કે શ્રીનગરમાં હાજર પર્યટકોમાં 'ગભરાટ' તો છે જ. સાથે સાથે ત્યાં ગયેલા લોકોમાં 'ડર અને ગુસ્સો' પણ છે.

તેમણે કહ્યું કે, "ઘણા લોકો પ્રવાસ રદ કરવાની વિનંતી કરી ચૂક્યા છે."

પહલગામ ફિલ્મોની શૂટિંગ માટે પણ મનપસંદ જગ્યા રહી છે. તેના પર પણ અસર થવાની શક્યતા છે.

1947માં બ્રિટનથી સ્વતંત્ર થયા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ-કાશ્મીર મામલે બે યુદ્ધ થયાં છે.

1980 અને 1990ના દાયકામાં જમ્મુ-કાશ્મીરમાં કટ્ટરવાદી પ્રવૃત્તિઓ શરૂ થઈ હતી.

ભારતે પાકિસ્તાન પર આ કટ્ટરવાદી પ્રવૃત્તિને ઉત્તેજન આપવા માટે નાણાકીય મદદ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન અશાંતિમાં હજારો લોકો માર્યા ગયા છે. જોકે, ભારત સરકારે દાવો કર્યો છે કે હાલના વર્ષોમાં હિંસામાં ઘટાડો થયો છે.

માર્ચ 2025માં ગૃહમંત્રી અમિત શાહે સંસદને જણાવ્યું હતું કે "2004થી 2014 દરમિયાન 7,217 આતંકવાદી ઘટનાઓ થઈ. પરંતુ 2014થી 2024 સુધી આ સંખ્યા ઘટીને 2,242 રહી ગઈ હતી."

જમ્મુ-કાશ્મીરમાં પર્યટનમાં ઉછાળો

જમ્મુ-કાશ્મીરના અર્થતંત્રમાં પર્યટનનું પરંપરાગત રીતે યોગદાન રહ્યું છે. તેમાં તાજેતરના દિવસોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે.

પર્યટન મંત્રાલયે જણાવ્યું કે 2023માં બે કરોડ લોકો જમ્મુ અને કાશ્મીર ફરવા આવ્યા હતા. કોવિડ અગાઉ આવનારા પર્યટકોની તુલનામાં આ આંકડો 20 ટકા વધુ છે.

ઉનાળાની સિઝનમાં જમ્મુ-કાશ્મીરને સ્વર્ગ માનવામાં આવે છે. પર્યટનની સિઝન શરૂ થઈ ગઈ છે. શાળાના વૅકેશન દરમિયાન પરિવારો અહીં ફરવા આવે છે.

પહલગામ હુમલા પછી પર્યટકોની સંખ્યામાં હવે ઘટાડો થવાનું જોખમ છે.

પહલગામમાં શાલના વેપારી શકીલ અહમદે બીબીસીને જણાવ્યું કે, "બધું ખતમ થઈ ગયું છે. હું રડી રહ્યો છું. અમારું જીવન પર્યટકો પર નિર્ભર છે. મેં બૅન્કમાંથી લોન લીધી હતી, પરંતુ હવે મારો સામાન ખરીદવાવાળું કોઈ નથી."

હોટલ ચલાવતા જાવેદ અહમદ કહે છે કે આ "ભયંકર, અમાનવીય હુમલા"થી અમે સ્તબ્ધ છીએ. જમ્મુ-કાશ્મીરના લોકો અને પર્યટન ઉદ્યોગ માટે આ ખરાબ સમાચાર છે.

તેઓ કહે છે કે જૂન સુધી બધા રૂમ બુક થઈ ગયા હતા. પરંતુ પર્યટકો હવે પોતાની બુકિંગ કૅન્સલ કરાવશે અને તેમના બિઝનેસને ભારે નુકસાન થશે.

કલમ 370 હટાવાયા પછીનું જમ્મુ-કાશ્મીર

2019માં ભારત સરકારે જમ્મુ અને કાશ્મીર રાજ્યને મળેલો વિશેષ દરજ્જો રદ કર્યો હતો અને જમ્મુ-કાશ્મીર અને લદાખ એમ બે કેન્દ્રશાસિત રાજ્યો બનાવી દીધા હતા.

ત્યાર પછી કેટલાય મહિના સુધી જમ્મુ-કાશ્મીરમાં સંચાર-વ્યવસ્થા બંધ રહી, શાળાઓ અને ઑફિસ પણ બંધ રાખવામાં આવી.

સુપ્રીમ કોર્ટે રાજ્યનો દરજ્જો રદ કરવાને પડકારતી અનેક અરજીઓ પર સુનાવણી કરી, પરંતુ કેન્દ્ર સરકારના નિર્ણયને સમર્થન આપ્યું.

જોકે, કોર્ટે સરકારને પાંચ વર્ષમાં વિધાનસભા ચૂંટણી કરાવવાના નિર્દેશ પણ આપ્યા હતા.

ત્યાર પછી કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા અને પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ખાસ પ્રયાસો કર્યા હતા.

વર્ષ 2023માં G20 ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠક શ્રીનગરમાં યોજાઈ હતી. તેમાં ઘણા વિદેશી પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો.

જમ્મુ-કાશ્મીરનો ખાસ દરજ્જો દૂર કર્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2024માં જમ્મુ અને કાશ્મીરની પહેલી મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કૃષિ અને પર્યટનને ટેકો આપવા માટે 64 અબજ રૂપિયાના પ્રોજેક્ટ્સની જાહેરાત કરી હતી.

તેમણે શ્રીનગરમાં ખીચોખીચ ભરેલા સભાખંડમાં કહ્યું કે, "જમ્મુ અને કાશ્મીર વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, કારણ કે તે હવે મુક્તપણે શ્વાસ લઈ રહ્યું છે. આ સ્વતંત્રતા કલમ 370 દૂર કર્યા પછી આવી છે, જે એક અવરોધ હતી,"

જોકે, પર્યટકોની સંખ્યાને લઈને વિપક્ષે સતત સવાલ ઉઠાવ્યા હતા.

ઓમર અબ્દુલ્લાહે 2022માં કહ્યું હતું કે, "પર્યટન એ સામાન્ય સ્થિતિનું નહીં પણ આર્થિક પ્રવૃત્તિનું બેરોમીટર છે. સામાન્ય સ્થિતિનો અર્થ એ થયો કે કોઈ ભય નહીં, આતંક નહીં, કોઈ આતંકવાદી હુમલો ન હોય અને લોકશાહી શાસન હોય. પરંતુ જમ્મુ-કાશ્મીર આ સામાન્ય સ્થિતિથી ઘણું દૂર છે."

"જમ્મુ-કાશ્મીરની વાસ્તવિક સ્થિતિ"

વર્ષ 2024માં થયેલી વિધાનસભા ચૂંટણી પછી ઓમર અબ્દુલ્લાહ જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી તરીકે ચૂંટાયા હતા.

ઓમર અબ્દુલ્લાહે પહલગામ હુમલા પછી ઍક્સ પર લખ્યું, "પહલગામમાં દુખદ આતંકવાદી હુમલા પછી અમારા મહેમાનો ખીણ છોડીને જતા રહે તે દિલ તોડી નાખે છે. પરંતુ અમે એ પણ જાણીએ છીએ કે લોકો શા માટે ખીણ છોડવા માગે છે."

કલમ 370 હઠાવાયા પછી શાંતિની બહાલી, હિંસામાં ઘટાડો અને પર્યટનમાં તેજીના દાવા વચ્ચે પહલગામ હુમલો થયો છે. હુમલાના વિરોધમાં જમ્મુ-કાશ્મીર હોટલ ઍન્ડ રેસ્ટોરાં ઍસોસિયેશને શ્રીનગરમાં પ્રદર્શન યોજ્યાં હતાં. પ્રદર્શનની આગેવાની કરનાર મહેબૂબ હુસૈન મીરે કહ્યું કે "અહીંની પાયાની સ્થિતિ હવે આખા દેશ સમક્ષ આવી ગઈ છે."

તેમણે કહ્યું કે, "વિશેષ દરજ્જો હઠાવાયો તે અગાઉ પણ હુમલા થયા હતા અને હજુ પણ થાય છે. અહીં જ્યારે પણ અશાંતિ હોય ત્યારે સ્થાનિક લોકોને નુકસાન ભોગવવું પડે છે. સરકારે આનું સમાધાન કાઢવું જોઈએ. નહીંતર અમારી જિંદગી વચ્ચે જ લટકી રહેશે."

- શ્રીનગરથી બીબીસી સંવાદદાતા માજિદ જહાંગીર સાથે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન