ગુજરાતના હવામાનમાં આજથી ફેરફાર, રાજ્ય માથે બની સિસ્ટમ, હવે ક્યાં પડશે વરસાદ?

ગુજરાતમાં વરસાદમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ ધીમો પડી ગયો છે પણ સાવ બંધ નથી થયો. સાઉથ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજુ વરસાદ ચાલુ છે.

ગુજરાતમાં હાલમાં ભારે કે અતિભારે વરસાદ પડતો હોય તેવા બહુ ઓછાં સ્થળો છે. આગામી ચાર-પાંચ દિવસમાં પણ ક્યાંય અતિભારે વરસાદની શક્યતા જણાતી નથી. અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં મહીસાગર જિલ્લામાં છુટાછવાયાં સ્થળો પર ભારે વરસાદ પડ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ ભારે વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ જ વરસાદ પડ્યો છે જ્યારે કચ્છમાં હવામાન સૂકું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમૃતસર, ચંડીગઢ, શામલી, શાહજહાંપુર, લખનૌ, છપરા, બંકુરાથી લઈને બંગાળની ખાડી સુધી ચોમાસાનો એક ટ્રૉફ પસાર થઈ રહ્યો છે.

ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને આસપાસના વિસ્તારો પર એક અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ છે જે સમુદ્રની સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ સ્થિત છે. ઉત્તર ગુજરાત અને પડોશી રાજ્ય રાજસ્થાન પર એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જેની ઊંચાઈ સમુદ્રની સપાટીથી 3.1 કિમી છે.

આગામી દિવસોમાં ક્યાં વરસાદ પડશે?

ચોથી ઑગસ્ટે ગુજરાતમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયાં સ્થળે વરસાદ થવાની શક્યતા છે.

પાંચમી ઑગસ્ટે પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ પડવાની શક્યતા છે.

6 ઑગસ્ટે આ તમામ જિલ્લા ઉપરાંત કચ્છમાં પણ છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.

આગામી પાંચ દિવસો સુધી ક્યાંય ભારે કે અતિભારે વરસાદ પડવાની શક્યતા નથી તેમ હવામાન વિભાગ જણાવે છે. દરેક જગ્યાએ હળવો કે મધ્યમ વરસાદ જ પડશે.

ગુજરાતમાં આગામી એક સપ્તાહમાં વરસાદનું ખાસ જોર જોવા નહીં મળે. તેવી જ રીતે કચ્છમાં પણ એક સપ્તાહ સુધી વરસાદ નબળો રહેશે અથવા વાતાવરણ સૂકું રહેશે. કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે.

હાલની સ્થિતિમાં તામિલનાડુના દરિયાકિનારા પાસે એક સિસ્ટમ રચાય તેવી શક્યતા છે જે દક્ષિણ ભારતમાં અસર કરશે, પરંતુ ગુજરાત પર તેની અસર થવાની સંભાવના ઓછી છે. જોકે, મહારાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં ગુજરાતમાં પૂર્વ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ પડે તેવી સંભાવના જોવામાં આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન