મહાકુંભમાં નાસભાગ: આખરે ક્યાં થઈ ચૂક, આ પાંચ સવાલો જેનો જવાબ કોણ આપશે?

મહાકુંભ, પ્રયાગરાજ, સંગન, શાહી સ્નાન, અમૃત સ્નાન, અખાડા, ભાગદોડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં થયેલી નાસભાગની દુર્ઘટનાના ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન બુધવારે રાત્રે દોઢ વાગ્યે એક ઘાટ પર થયેલી નાસભાગમાં લગભગ 30 જેટલા લોકોનાં મૃત્યુ થયાં છે અને તેમાં લગભગ 60 લોકો ઘાયલ થયા છે.

પ્રશાસને સાંજ સુધી મોતના આંકડા પર કોઈ નિવેદન આપ્યું નહોતું. પરંતુ આખરે પ્રશાસને મોડી સાંજે મીડિયાને કહ્યું કે ઘણા શ્રદ્ધાળુઓ ઘાટ પર સૂતેલા લોકો પર ચઢી ગયા અને તેને કારણે આ દુર્ઘટના સર્જાઈ.

મહાકુંભમાં 'શાનદાર વ્યવસ્થા'ના જવાબદારોના દાવા પત્તાના મહેલની માફક ધરાશાયી થઈ ગયા.

આસ્થાની સૌથી મોટી ડૂબકીની તક જ્યારે આવી ત્યારે લોકોને જાણે કે તેમને ખુદના જ ભરોસે છોડી દેવાયા તેવો અનુભવ થયો.

જો વ્યવસ્થાની ચોકસી રાખવામાં આવી હતી અને લાખો લોકો અહીં આવવાના હોવાની શક્યતા હતી ત્યારે ક્રાઉડ મૅનેજમેન્ટ કેમ નિષ્ફળ રહ્યું તે પ્રકારના સવાલો આજે લોકોના મનમાં ઊઠી રહ્યા છે.

વૉટ્સઍપ
બીબીસી એક્સ્પ્લેનર, મહાકુંભ, પ્રયાગરાજમાં નાસભાગ, સંગમ નોઝ, ગંગા-યમુના, અખાડા
મહાકુંભમાં ભાગદોડમાં 30નાં મોત, કુંભમેળો, પ્રયાગરાજ, અખાડા, શાહી સ્નાન, અમૃત સ્નાન, સંગમ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, હૉસ્પિટલ બહાર પોતાના સ્વજનની તલાશ કરતાં મહિલા શ્રદ્ધાળુ

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કેટલાક અધિકારીઓને કુંભ મેળાની વિશેષ જવાબદારી સોંપી હતી.

જે પૈકી એડીજી ભાનુ ભાસ્કર, પ્રયાગરાજના મંડલાયુક્ત વિજય વિશ્વાસ, વિજય કિરણ આનંદ કે જેઓ મેળા અધિકારી છે, તે ઉપરાંત ડીઆઈજી કુંભ- વૈભવ કૃષ્ણ અને એસએસપી મહાકુંભ રાજેશ દ્વિવેદી મુખ્ય હતા.

નાસભાગનું કારણ દર્શાવતા મહાકુંભ નગરના મેળા ક્ષેત્રના ડીઆઈજી વૈભવ કૃષ્ણએ જણાવ્યું, "અખાડા ક્ષેત્રમાં બૅરિકેડ્સ લાગેલાં હતાં, જે પૈકી કેટલાક બૅરિકેડ્સ તૂટી ગયાં. ઘણા શ્રદ્ધાળુઓ બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાની રાહ જોતા ત્યાં પહોંચી ગયા. તેઓ જોઈ ન શક્યા કે નીચે કેટલાક લોકો સૂતા છે. તેથી આ દુર્ઘટના ઘટી."

દુર્ઘટના બાદ સંગમ તટ પર એનએસજી કમાન્ડોએ મોરચો સંભાળી લીધો અને સંગમ નોઝ પાસે જવાનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો. ભીડ ન વધે તે માટે પ્રયાગરાજથી જોડાયેલા જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓની નાકાબંધી કરી દેવામાં આવી, સીએમ યોગીએ બેઠકો પર બેઠકો કરી. પરિસ્થિતિ હાલ કાબૂમાં હોવાનો દાવો થઈ રહ્યો છે.

આ ઘટના બાદ પ્રશાસને નિર્દેશ આપ્યા હતા કે હવે કોઈ વીવીઆઈપી પ્રોટોકૉલ નહીં હોય. બુધવારે કોઈ વીવીઆઈપી પ્રોટોકૉલ નહોતો.

ભલે પ્રશાસને દુર્ઘટનાનું કારણ જણાવ્યું હોય પરંતુ એવા કેટલાક સવાલો છે જેના જવાબો હજુ મળવાના બાકી છે.

મહાકુંભમાં ક્યાં ખર્ચ થયા કરોડો રૂપિયા?
બીબીસી એક્સ્પ્લેનર, મહાકુંભ, પ્રયાગરાજમાં નાસભાગ, સંગમ નોઝ, ગંગા-યમુના, અખાડા

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પ્રયાગરાજમાં 144 વર્ષ બાદ જ્યારે કોઈ મહાકુંભનું આયોજન થઈ રહ્યું હોય ત્યારે તેની આટલી તૈયારી પણ આ દુ:ખદ દુર્ઘટનાને કેમ ન બચાવી શકી?

મૌની અમાવસ્યા દરમિયાન શ્રદ્ધાળુઓની ભારે ભીડ થઈ અને આ દુર્ઘટના ઘટી.

આ દુર્ઘટના ઘટી ત્યાર પછી દસ કલાક વિત્યા છતાં પ્રશાસન તરફથી આ વિશે કોઈ વાતચીત કરવામાં ન આવી જેને લઈને સવાલો ઊઠી રહ્યા છે. કેમ કલાકો બાદ દુર્ઘટના વિશે અધિકારીક જાણકારી આપવામાં આવી તે સવાલ ઘણા લોકોના મનમાં મૂંઝવણ પેદા કરે છે.

સવાલ એ છે કે લગભગ 7500 કરોડ રૂપિયા આ કુંભ મેળાના આયોજન પાછળ ફાળવવામાં આવ્યા છે તો આટલા રૂપિયા ફાળવ્યા છતાં આ પ્રકારની દુર્ઘટના કેમ ઘટી?

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ સરકારે મહાકુંભના આયોજન માટે 5,435.68 કરોડ રૂપિયા ફાળવ્યા હતા જ્યારે કે કેન્દ્ર સરકારે આ આયોજન માટે વિશેષથી 2,100 કરોડ રૂપિયા ફાળવ્યા હતા.

આ મેળામાં કુલ 40 કરોડ શ્રદ્ધાળુઓ આવશે તેવો અંદાજ હતો અને તે માટે પ્રશાસન તમામ તૈયારીઓ સાથે સજ્જ છે તેવો દાવો કરતું હતું. પરંતુ જે પ્રકારે મૌની અમાવસ્યાની રાત્રે અવ્યવસ્થા સર્જાઈ હતી તે જોતા સવાલો ઉઠવા સ્વાભાવિક છે કે આટલો ખર્ચો કરવામાં આવ્યો અને આટલા અધિકારીઓ-કર્મચારીઓનો કાફલો ત્યાં તહેનાત હતો તો તેઓ આ દુર્ઘટના રોકવામાં સફળ કેમ ન થયા?

મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, "આ મુદ્દાઓ પર સવાલો થવા વ્યાજબી છે પરંતુ આ તમામ ઘટનાઓ મર્માહત કરનારી છે. અને પાઠ ભણાવનારી પણ. પરંતુ આ દુર્ઘટનાનાં કારણો જાણવાની જરૂર છે."

મહાકુંભમાં VIP કલ્ચર સામે સવાલ? પ્રયાગરાજમાં ભાગદોડ
27 જાન્યુઆરીએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને તેમના પુત્ર જય શાહ સાથે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ, મહાકુંભ, પ્રયાગરાજ, સંગમ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, 27 જાન્યુઆરીએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને તેમના પુત્ર જય શાહ સાથે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ

સ્નાનમાં તમામ વ્યવસ્થા હોવાના દાવા છતા જે આ દુર્ઘટના ઘટી તે પાછળ કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે લોકો જ્યારે 12થી 15 કિલોમીટર ચાલીને જતા હોય ત્યારે વીવીઆઈપી અને વીઆઈપી લોકો સ્નાન કરવા માટે નિશ્ચિત સ્થળે કેવી રીતે સરળતાથી પહોંચી જતા હતા?

કૉંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "આ દુ:ખદ ઘટના માટ કુપ્રબંધન, અવ્યવસ્થા અને સામાન્ય શ્રદ્ધાળુઓની જગ્યાએ વીવીઆઈપી લોકોની વ્યવસ્થા માટે અપાતું ધ્યાન જવાબદાર છે. હજુ મહાકુંભ માટે સમય બચ્યો છે ત્યારે સરકાર આ પ્રકારની દુર્ઘટના ન ઘટે તે માટે વ્યવસ્થા સુધારે."

તેમણે આરોપ લગાવ્યો કે વીવીઆઈપી કલ્ચર ખતમ થવું જોઈએ અને સરકારે સામાન્ય શ્રદ્ધાળુઓની જરૂરતોની પૂર્તિ કરવા માટે ધ્યાન આપવું જોઈએ.

જોકે, યોગી આદિત્યનાથે દાવો કર્યો કે તેમનું પ્રશાસન તમામ વ્યવસ્થા માટે ખડે પગે છે. તેમણે કહ્યું કે નકારાત્મક વાતો અને અફવા ફેલાવાને કારણે વધારે નુકસાન થઈ શકે છે.

તેમણે તમામ શ્રદ્ધાળુઓ માટે જરૂરી વ્યવસ્થા હોવાનો દાવો પણ કર્યો.

ઉત્તર પ્રદેશ સરકારે મૃતકોના પરિવારજનોને 25-25 લાખની સહાયની જાહેરાત પણ કરી. સાથે આ દુર્ઘટનાની ન્યાયિક તપાસના આદેશ પણ આપ્યા.

યોગી આદિત્યનાથના દાવા છતાં લગાતાર વધતી ભીડ પર કાબૂ કરવા માટે યોગ્ય વ્યવસ્થા કેમ ન કરવામાં આવી? ત્રણ દિવસ પહેલાં જ લોકોની આટલી ભીડ જમા થતી રહી ત્યારે પ્રશાસને તે માટે આગોતરાં પગલાં કેમ ન લીધાં?

કેટલાક સવાલ ઉઠાવે છે કે વીવીઆઈપી મૂવમેન્ટને કારણે પ્રશાસન અને પોલીસ તંત્ર એટલું વ્યસ્ત રહ્યું કે તેમને સામાન્ય શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થા કરવાનો સમય જ નહોતો મળ્યો.

સરકારનો દાવો છે કે શાસને આ મામલે સખત નિર્દેશ આપ્યા હતા કે બુધવારે કોઈ વીઆઈપી પ્રોટોકૉલ નહીં હોય. અને બુધવારે કોઈ વીઆઈપી પ્રોટોકૉલ નહોતો.

મહાકુંભમાં 30 જેટલા પીપડાંના પુલોમાંથી 27 બંધ કેમ? પ્રયાગરાજ, ગંગા-યમુના, સંગમ, બીબીસી ગુજરાતી
પૉન્ટૂન બ્રિજ, મહાકુંભ, પ્રયાગરાજ, સંગમ, ભાગદોડ, બીબીસી ગુજરાતી, અખાડા, શાહી સ્નાન, અમૃત સ્નાન

ઇમેજ સ્રોત, Getty Images

મૌની અમાવસ્યાના શાહી સ્નાન એટલે કે અમૃત સ્નાન માટે શ્રદ્ધાળુઓની ભીડ જમા થઈ રહી હતી. સંગમ નોઝ પર ભીડને કંટ્રોલ કરવા માટે મેળા વિકાસ પ્રાધિકરણે તમામ પીપડાંના પુલો(પોન્ટૂન બ્રિજ) બંધ કરી દીધા હતા. આ ત્રીસ પૈકી માત્ર ત્રણને જ ખોલવામાં આવ્યા.

હવે લોકોની શ્રદ્ધા હતી કે તેઓ સંગમ નોઝ પર જ સ્નાન કરે. સંગમ નોઝ એટલે કે જ્યાં ગંગા અને યમુના નદીનો સંગમ થાય છે સાથે માન્યતા છે કે ત્યાં અદૃશ્ય એવી સરસ્વતી નદીનો પણ સંગમ થાય છે.

સમાજવાદી પાર્ટીનાં પ્રવક્તા પૂજા મિશ્રા એ ઍક્સ પર સરકાર પર આરોપ લાગ્યો કે પીપડાંના પુલો(પોન્ટૂન બ્રિજ) અને પ્રયાગરાજ તરફ જતાં તમામ રસ્તાઓ બંધ કરવામાં આવતા લોકોનું ધૈર્ય ખૂટી ગયું અને આ દુર્ઘટના સર્જાઈ.

પૂજા મિશ્રા ઉપરાંત કેટલાક સાધુ-સંતોએ પણ આ જ પ્રકારનો આરોપ લગાવ્યો. આ આરોપ લગાવનાર પૈકીના એક હતા જ્યોતિષ આચાર્ય વિક્રમાદિત્ય. તેમણે પણ ઍક્સ પર લખ્યું કે પીપડાંના પૂલનો રસ્તો બંધ થવાને કારણે લોકોની ધીરજ ખૂટી અને આ દુર્ઘટના ઘટી.

પ્રશાસને સંગમ નોઝ પર લોકોની ભીડ ન ભેગી થાય તે માટે 27, 15 અને 16 નંબરનો પુલ જ ખુલ્લો રાખ્યો હતો અને બાકીના પોન્ટૂન બ્રિજ બંધ કરી દીધા હતા. જેને કારણે સોમવારે લોકોનો ગુસ્સો ફૂટી નિકળ્યો હતો અને લોકોએ એસડીએમની ગાડીની તોડફોડ પણ કરી હતી. આ વિશે ખુદ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે ટ્વિટ પણ કર્યું હતું.

મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથનું કહેવું હતું, "અમે તેની ન્યાયિક તપાસ કરીશું. તેના માટે પંચ નિયુક્ત કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પોલીસ પણ પોતાની રીતે તપાસ કરશે કે આ દુર્ઘટના કયાં કારણોને લઈને થઈ?"

સવાલ નંબર 4 : લોકોની ભીડ પર નજર કેમ નહીં?
મહાકુંભ, પ્રયાગરાજ, અખાડા, શાહી સ્નાન, અમૃત સ્નાન, મૌની અમાવસ્યા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

મંગળવારે લાખો લોકો એક સીમિત સમયમાં જમા થઈ ગયા. મૌની અમાવસ્યાનું અમૃત સ્નાન હતું. ત્યાં તલ રાખવાની જગ્યા નહોતી બચી.

શ્રદ્ધાળુઓ સંગમ નોઝ પાસે જવા ધક્કા-મુક્કી કરવા લાગ્યા. બૅરિકેડ્સ તૂટ્યાં. લોકોની માન્યતા હતી કે તેઓ માત્ર સંગમ નોઝ પર જ સ્નાન કરશે તો જ સ્નાનનું પૂણ્ય મળશે, આ માન્યતાને કારણે પરિસ્થિતિ વણસી ગઈ.

હવે, જ્યારે આટલી બધી માત્રામાં લોકો પ્રયાગરાજ આવતા હતા ત્યારે તેમના પર નજર કેમ ન રખાઈ. પ્રશાસનને ખબર કેમ ન પડી કે ભીડ આઉટ ઑફ કંટ્રોલ થઈ ગઈ છે? લોકો જ્યારે ભેગા થઈ રહ્યા હતા ત્યારે પ્રશાસનને પરિસ્થિતિ વણસી શકે છે એવો અંદાજો કેમ ન આવ્યો?

આ બધા મામલે લોક જનશક્તિ પાર્ટી(રામવિલાસ)ના નેતા અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કુંભમાં નાસભાગને લઈને વિપક્ષના આરોપો અને લોકો દ્વારા ઉઠાવાતા સવાલો પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, "તમામ બાબતોને લઈને રાજનીતિ યોગ્ય નથી. આ પ્રકારના સમયે તો નહીં જ."

તેમણે કહ્યું, "હું માનું છું કે આવી ઘટના ભવિષ્યમાં ન ઘટે. આ બાબતને સરકાર સુનિશ્ચિત કરશે. જે પણ દોષિત હશે તેના પર અમે કાર્યવાહી કરીશું."

સવાલ નંબર 5
સુરક્ષા અને સુવિધા કેમ નહીં?
મહાકુંભની અંતરિક્ષમાં આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં અંતરિક્ષયાત્રી ડૉન પેટિટે લીધે તસવીર

ઇમેજ સ્રોત, Don Pettit / NASA

ઇમેજ કૅપ્શન, મહાકુંભની અંતરિક્ષમાં આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં અંતરિક્ષયાત્રી ડૉન પેટિટે લીધે તસવીર

મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સુરક્ષાની સાથે સાથે તેમની સુવિધાઓનું પણ ધ્યાન રાખવાનો પ્રશાસનનો દાવો હતો.

મેળા ક્ષેત્રમાં અનેક ટેન્ટ, ત્રીસ હજાર રસોઈઘર, 1.45 લાખ શૌચાલય, 300 મોબાઇલ શૌચાલય અને 100થી વધુ પાર્કિંગ સ્થળ બનાવવાનો દાવો થયો હતો.

પ્રયાગરાજમાં મહાકુંભના બુનિયાદી ઢાંચા માટે 7,500 કરોડ રૂપિયા ફાળવાયા હતા. હૉસ્પિટલો અને અન્ય આરોગ્ય સુવિધાઓ પણ ઊભી કરવાનો દાવો થયો. હૉટલાઇન ઊભી કરાઈ, લોકોના માટે સુવિધા કેન્દ્રો ખોલવામાં આવ્યા. આ બધા દાવા થયા પરંતુ આ બધા દાવા વચ્ચે એક બાબત જ સ્પષ્ટ હતી કે સામાન્ય શ્રદ્ધાળુઓએ ઘણી તકલીફો વેઠવાનો વારો આવ્યો.

અનેક બ્રિજો, પુલો, ચાર રસ્તાઓનું સૌદર્યકરણ કરવામાં આવ્યું હતું. 41 ઘાટો પર 10 હજાર ચેન્જિંગ રૂમો બનાવવામાં આવ્યા હતા.

કોઈ ડૂબી ન જાય તે માટે 300 જેટલા ડૂબકી મારનારા મરજીવાઓ પણ તહેનાત કરવામાં આવ્યા હતા. લોકોની સુરક્ષા માટે અને અન્ય વ્યવસ્થા માટે હજારો સુરક્ષાકર્મીઓ અને પ્રશાસનિક કર્મચારીઓ અને અધિકારીઓ તહેનાત હતા. છતાં તેઓ ભીડ પર કાબૂ કરવામાં સફળ કેમ ન થયા?

જોકે, સરકારનો બચાવ કરતા ચિરાગ પાસવાને કહ્યું, "જેમને વ્યવસ્થામાં ચૂક લાગતી હોય તે પહેલા જણાવે કે ચૂક ક્યાં થઈ છે? અમે ખુદ ઇચ્છીએ છીએ કે દોષીની સામે કાર્યવાહી થાય. માત્ર હવામાં તીર ચલાવવાથી કામ નહીં ચાલે."

"144 વર્ષ બાદ મહાકુંભ થઈ રહ્યો છે, આ પહેલા કઈ સરકાર પાસે આ પ્રકારનું આયોજન કરવાનો અનુભવ હતો?"

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.