કોરોનાનો નવો વૅરિયન્ટ યુકે, અમેરિકામાં ફેલાયો, ફરી વૈશ્વિક મહામારી બનશે?

    • લેેખક, મિશેલ રૉબર્ટ્સ
    • પદ, ડિજિટલ સ્વાસ્થ્ય ઍડિટર, બીબીસી ન્યૂઝ

વૈજ્ઞાનિકોએ આપેલી માહિતી પ્રમાણે કોવિડનો એક નવો વૅરિયન્ટ ફેલાવવાની શરૂઆત થઈ ગઈ છે, જે આગામી સમયમાં મુખ્ય વૅરિયન્ટ બની શકે છે.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ યૂઝર્સે અનુસાર, જર્મનીમાં જૂન મહિનામાં મળેલા એક્સઈસી વૅરિયન્ટના કેસ બ્રિટન, અમેરિકા, ડેનમાર્ક અને બીજા દેશોમાં પણ સામે આવી રહ્યા છે.

નિષ્ણાતોનું કહેવું છે કે આ નવા વૅરિયન્ટમાં કેટલાંક નવાં પરિવર્તનો છે જેને કારણે શિયાળામાં વૅરિયન્ટ ફેલાઈ શકે છે. જોકે, રસી કોવિડના ગંભીર કેસોને રોકવામાં હજુ પણ મદદરૂપ થશે.

બ્રિટનમાં જે લોકો કોવિડને કારણે ગંભીર રીતે બીમાર થઈ શકે છે તેમને એનએચએસ મફતમાં રસીનો બુસ્ટર ડોઝ આપે છે.

નવા વૅરિયન્ટને પહોંચી વળવા માટે રસીઓને પણ અપડેટ કરાઈ છે. જોકે, એક્સઈસી માટે હજુ તેમ નથી થયું. એક્સઈસી પહેલાંના વૅરિયન્ટ ઓમિક્રૉનના સબ-વૅરિયન્ટમાંથી પેદા થયો છે.

ફ્રેન્કોઇસ બૅલૉક્સ યુનિવર્સિટી કૉલેજ લંડનમાં જિનેટિક્સ ઇન્સ્ટિટ્યૂટના નિદેશક છે. તેમણે બીબીસી ન્યૂઝને જણાવ્યું, “નવો એક્સઈસી વૅરિયન્ટ બીજા કરતાં થોડોક ઝડપથી ફેલાઈ શકે છે. જોકે, રસીઓ આ વૅરિયન્ટ સામે પણ સારી સુરક્ષા આપી શકશે.”

તેમણે કહ્યું કે શિયાળામાં એક્સઈસી મુખ્ય વૅરિયન્ટ બની શકે તેવી સંભાવના છે.

નવો વૅરિયન્ટ કેટલો ખતરનાક?

કૅલિફોર્નિયાસ્થિત સ્ક્રિપ્સ રિસર્ચ ટ્રાન્સલેશનલ ઇન્સ્ટિટ્યૂટના નિદેશક ઍરિક ટોપોલે કહ્યું કે એક્સઈસી વૅરિયન્ટ ફેલાવવાની શરૂઆત જ થઈ છે.

તેમણે એલએ ટાઇમ્સને જણાવ્યું, “જોકે, વૅરિયન્ટને ફેલતા થોડાંક અઠવાડિયાં કે મહિના લાગશે. એક્સઈસી વૅરિયન્ટ ચોક્કસપણે વધી રહ્યો છે અને તે આગામી સમયમાં મુખ્ય વૅરિયન્ટ બની શકે છે. જોકે, વૅરિયન્ટને અત્યંત ચેપી બનતા કેટલાક મહિના થશે.

એક્સઈસી કોવિડનાં લક્ષણો શું છે?

લક્ષણો પહેલાંની જેમ જ સર્દી અથવા ફ્લૂ જેવાં જ માનવામાં આવે છે :

  • શરીરનું ઊંચું તાપમાન
  • દુખાવો
  • થાક
  • ઉધરસ અથવા ગળામાં દુખાવો

મોટા ભાગના લોકો કોવિડ થાય પછી થોડાંક અઠવાડિયાંમાં સાજા થઈ શકે છે, પરંતુ તેમને સંપૂર્ણ સ્વસ્થ થવામાં સમય લાગી શકે છે.

કોવિડ ડેટા વિશ્લેષક માઇક હનીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “ડેનમાર્ક અને જર્મનીમાં એક્સઈએન વૅરિયન્ટનાં કેસોમાં ભારે વધારે થયો છે.”

પહેલાંની તુલનામાં નિયમિત ટેસ્ટિંગનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. આ કારણે એ જાણવું મુશ્કેલ છે કે કોવિડ કેટલો ફેલાઈ રહ્યો છે.

યુકે હેલ્થ પ્રોટેક્શન એજન્સી (યુકેએચએસએ)નું કહેવું છે કે વાઇરસમાં પરિવર્તન થવું અને નવો વૅરિયન્ટ બનવો સામાન્ય વાત છે. યુકેએસએચએ આંતરરાષ્ટ્રીય સ્તરે મળી આવતા કોવિડ વૅરિયન્ટ સંબંધિત ઉપલબ્ધ બધી જ માહિતી પર નજર રાખે છે અને નિયમિતરૂપે પોતાનો ડેટા પ્રકાશિત કરે છે.

યુકેએસએચએના ઉપનિદેશક ડૉક્ટર ગાયત્રી અમૃતલિંગમે કહ્યું, “સમયની સાથે વાઇરસમાં આનુવંશિક ફેરફાર સામાન્ય અને અપેક્ષિત બાબત છે. કોવિડને કારણે બધી જ ગંભીર બીમારીઓની સામે રસીકરણ સૌથી સારું રક્ષણ આપે છે. અમે એનએચએસે સંપર્ક કરેલા દરેક લોકોને આગ્રહ કરીએ છીએ કે રસીનો ડોઝ લઈ લે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.