શું કોરોનાને લીધે વીર્યની ગુણવત્તા ઘટી ગઈ છે? એઇમ્સના રિસર્ચમાં થયો ખુલાસો

    • લેેખક, અમરેન્દ્ર યરલગડ્ડા
    • પદ, બીબીસી સંવાદદાતા

એઇમ્સના ડૉક્ટરોના રિસર્ચમાં સામે આવ્યું છે કે કોરોના વાઇરસ પુરુષોના સ્પર્મને (શુક્રાણુંઓ) પ્રભાવિત કરી રહ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે કોરોનો ચેપ લાગ્યા બાદ વીર્યની ગુણવત્તા ઘટી જાય છે.

સંશોધકોનું કહેવું છે કે તેનાથી પ્રજનનક્ષમતા પ્રભાવિત થઈ શકે છે.

અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એઇમ્સ) મંગલાગિરી, પટના અને દિલ્હીના ડૉક્ટરો દ્વારા કરવામાં આવેલા એક સંયુક્ત રિસર્ચમાં ઘણી રસપ્રદ બાબતો સામે આવી છે.

વિચાર કેવી રીતે આવ્યો?

ઘણા સંશોધનો પરથી જાણવા મળ્યું છે કે જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય તો તેની શરીરના વિવિધ અંગો પર અસર પડે છે.

જેથી એઇમ્સના સંશોધકોએ એ જાણવા માટે સંશોધન હાથ ધર્યું કે કોરોના વાઇરસની પુરુષોની પ્રજનનક્ષમતા પર શું અસર પડે છે?

એઇમ્સ, મંગલાગિરીના ફિઝિયોલૉજી વિભાગના પ્રોફૅસર ડૉ. સતીષ દીપાંકરે આ સંશોધન વિશે બીબીસી સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું, "ભૂતકાળમાં ઘણા વાઇરલ સંક્રમણોએ પુરુષોની વીર્યની ગુણવત્તા પ્રભાવિત કરી છે. જેથી મને અંદાજ તો હતો જ કે કોરોના વાઇરસની પણ કોઈક તો અસર હશે જ. અમે વીર્યની ગુણવત્તા પર કોરોના વાઇરસના પ્રભાવ પર સંશોધન કરવા માગતા હતા."

ડૉ. સતીષે આગળ કહ્યું, "જો કોઈ વ્યક્તિ વાઇરસના સંપર્કમાં આવ્યા બાદ પોતાના સાથી સાથે સમાગમ કરે છે તો વાઇરસ પ્રસરવાની શક્યતા રહેલી છે. અમે એ શંકાઓ દૂર કરવા માટે સંશોધન કર્યું છે."

બે વખત વીર્યના નમૂનાનો સંગ્રહ

કોરોના સંક્રમિત પુરુષોના વીર્યનો સંગ્રહ કરવો આ સંશોધનની મુખ્ય બાબત હતી.

એ માટે બિહારમાં પટનાસ્થિત એઇમ્સમાં દાખલ 19થી 45 વર્ષના લોકોની પસંદગી કરવામાં આવી.

ઑક્ટોબર 2020થી ઍપ્રિલ 2021 વચ્ચે 30 કોરોના સંક્રમિત વ્યક્તિઓના વીર્યના નમૂના લેવામાં આવ્યા હતા.

એક વખત વીર્ય લીધાના 74 દિવસ બાદ ફરીથી તેમના વીર્યના નમૂના લેવામાં આવ્યા.

તપાસમાં શું સામે આવ્યું?

સંશોધકોનું કહેવું છે કે વીર્યના નમૂના એકત્ર કર્યા બાદ તેનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, બંને વખત રિપોર્ટ નૅગેટિવ આવ્યો હતો.

ડૉ. સતીષે કહ્યું કે બાદમાં વીર્યમાં વિવિધ માપદંડોની તપાસ કરવામાં આવી હતી. જેમાં સેલ કાઉન્ટ, સ્પર્મ સાઇઝ, સેલ મોર્ટાલિટી, ચીકાશ અને ફ્રુક્ટોઝ લેવલ સામેલ છે.

પુરુષોના જાતીય અંગોમાં ACE2 રિસેપ્ટર્સ વધારે હોય છે. તેથી સંશોધકોને જાણવા મળ્યું કે કોરોના વાઇરસ વૃષણ જેવા અંગોમાં જીવિત રહી શકે છે.

સંશોધકોને આ રિસર્ચમાં રસપ્રદ બાબતો જાણવા મળી. ડૉક્ટર સતીષે બીબીસીને જણાવ્યું કે બંને સૅમ્પલની ક્વૉલિટીમાં શું અંતર હતું.

પરિણામમાં શું સામે આવ્યું

પ્રથમ વખત લેવામાં આવેલાં 40 સૅમ્પલમાંથી 12 સેમ્પલમાં સ્પર્મ કાઉન્ટ નિર્ધારિત સ્તરથી નીચે જોવા મળ્યું.

જ્યારે પહેલી વખત 22 પુરુષોમાં શુક્રાણુઓની ગતિ ધીમી હતી. જ્યારે બીજી વખત લેવામાં આવેલા નમૂનાના વિશ્લેષણ પરથી જાણવા મળ્યું કે તે 10 પુરુષોમાં ઓછી હતી.

પ્રથમ નમૂનામાં 26 પુરુષોમાં વીર્યની ચીકાશ ઓછી હતી. બીજા સૅમ્પલમાં કોઈ મોટો ફેરફાર ન જોવા મળ્યો.

29 પુરુષોમાં શુક્રાણુ કોશિકા વ્યવહાર્યતા દર 58 ટકાથી ઓછો હતો. જ્યારે બીજા નમૂનાનું વિશ્લેષણ કરવામાં આવ્યું તો 26 લોકોમાં તે સામાન્ય જોવા મળ્યું.

પીએચ સ્તર 7.2થી 7.8ની વચ્ચે રહેવું જોઈએ પરંતુ બંને મામલામાં તે 8.1 હતું.

પ્રથમ સૅમ્પલમાં સ્પર્મ સેલ્સના આગળના ભાગમાં 43.6 ટકા અંતર જોવા મળ્યું. જ્યારે બીજા સૅમ્પલમાં 38.2 ટકા ફરક જોવા મળ્યો.

સંશોધકોની તપાસમાં એ જાણવા મળ્યું કે વીર્યમાં કોરોના વાઇરસના નિશાન નથી. જોકે, વીર્યની ગુણવત્તામાં ચોક્કસ ઘટાડો જોવા મળ્યો.

ગર્ભધારણની યોજના ક્યારે બનાવી શકાય?

ડૉ. સતીષે સંશોધનના તારણો વિશે બીબીસી સાથે વાત કરી.

તેમણે કહ્યું, "અમને જાણવા મળ્યું કે કોરોના સંક્રમિત લોકોમાં વીર્યની ગુણવત્તામાં ઘટાડો થયો છે. 74 દિવસ બાદ પણ સાધારણ સુધારો જોવા મળ્યો છે. જોકે, શુક્રાણુઓની સંખ્યા, ચીકાશ અને લ્યૂકોસાઇટ્સ સામાન્યથી વધારે હતા."

તેમણે આગળ કહ્યું, "એટલે કે બીજા સૅમ્પલના ઍનાલિસિસમાં અમને સ્પર્મ ક્વૉલિટી ઘટી હોવાનું જાણવા મળ્યું. અમારી તપાસથી જાણવા મળ્યું છે કે પુરુષોની પ્રજનનશક્તિ પર કોરોના વાઇરસનો પ્રભાવ ગંભીર છે અને વીર્યની ગુણવત્તા ઘટી રહી છે."

ડૉ. સતીષ જણાવે છે, "અમારું અનુમાન છે કે તેની અસર કોરોના થયા બાદ ત્રણ મહિના સુધી રહેશે. જેથી ગર્ભધારણની યોજના ત્યાર સુધી ન બનાવવી યોગ્ય રહેશે."

સંશોધનમાં સામેલ થયેલા સંશોધકો

આ સંશોધનમાં ત્રણ રાજ્યોની એઇમ્સનાં ડૉક્ટરોએ ભાગ લીધો હતો.

મંગલાગિરી એઇમ્સનાં ડૉક્ટર સતીષ દીપાંકર, અફરીન બેગમ, પટના એઇમ્સનાં ડૉક્ટર એચ. ઇટાગી, ત્રિભુવન કુમાર, વિજયા એન નાઇક, યોગેશ કુમાર, અસીમ સરફરાઝ, અમિતા કુમારી અને દિલ્હી એઇમ્સનાં ડૉ. મોના શર્મા સમાવિષ્ટ હતાં.

વીર્યની ગુણવત્તા વધારવા માટે શું કરવું ?

શું કોરોના થયા બાદ વીર્યની ગુણવત્તા વધારવી શક્ય છે? આ પ્રશ્નનો જવાબ જાણવા બીબીસીએ જાણીતા યુરોલૉજિસ્ટ ડૉ. મલ્લિકાર્જુન સાથે વાત કરી. વાઇરલ સંક્રમણ વૃષણને પ્રભાવિત કરી શકે છે. તે સમયે વીર્યની ગુણવત્તા ઘટી જાય છે.

કોરોના પણ એક વાઇરલ સંક્રમણ હોવાથી વીર્યની ગુણવત્તામાં અંતરની શક્યતા રહે છે.

ડૉ. મલ્લિકાર્જુને કહ્યું, "90 દિવસો બાદ તેમના સામાન્ય સ્તર સુધી પહોંચવાની શક્યતા છે.

વીર્યની ગુણવત્તામાં સુધારા માટે કોઈ વિશેષ આહાર નથી. એક તણાવમુક્ત સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ."