'હું પ્રાર્થના કરું છું કે મને કાલ માટે ચોખા મળે.' પાઈ-પાઈ માટે મોહતાજ બની રહેલા પાકિસ્તાનના આમ આદમીની કહાણી

આશી મેસી રોજમદાર મજૂર તરીકે જીવે છે અને વિચારે છે કે પરિવારના સાત સભ્યોને ઘરમાં કેવી રીતે ખવડાવવું.

મેસીએ બીબીસીને કહ્યું, "હું ભગવાનને પ્રાર્થના કરીશ કે મને આવતીકાલે ચોખા મેળવી આપે."

પાકિસ્તાનની કુલ ટેક્સ્ટાઇલ મિલોમાંથી ત્રીજા ભાગની એટલે કે લગભગ 1600 મિલો નાણાકીય સંકટને કારણે બંધ થઈ ગઈ છે.

જેના કારણે સાત લાખ કામદારોએ નોકરી ગુમાવી છે. 45 વર્ષીય મેસી આ લાખોમાંથી એક વ્યક્તિ છે.

મેસી એક ફેકટરીમાં કામ કરે છે જે વૈશ્વિક ફૅશન બ્રાન્ડને કપડાં સપ્લાય કરે છે. હવે ફેકટરી બંધ છે. પરિણામે તેઓ નાની નોકરી કરે છે અને રિક્ષા ચલાવે છે.

મેસી અને તેમનાં પત્ની શમીમ લાહોરના યોહાનાબાદમાં એક ઔદ્યોગિક વિસ્તારમાં ઝાંખા પ્રકાશવાળા સિંગલ રૂમના ઍપાર્ટમૅન્ટમાં બેઠાં છે. તેમણે સમજાવ્યું કે વધતી મોંઘવારીને કારણે પાકિસ્તાનમાં રહેવાનો વધતો ખર્ચ તેમને અને તેમનાં પાંચ બાળકો પર કેવી અસર કરી રહ્યો છે.

આ દંપતી તેમની ત્રણ પુત્રીઓ અને બે પુત્રોનાં ભરણપોષણ માટે લાંબા કલાકો કામ કરે છે. આ પાંચમાંથી એકપણ બાળક શાળાએ જતું નથી.

મેસી કહે છે, "હાલમાં એક ભોજન માટે 1500 પાકિસ્તાની રૂપિયા ખર્ચવા પડે છે."

મેસીનાં પત્ની કહે છે, "અમે જે કમાઈએ છીએ તે અમારાં બાળકોને ખવડાવવા માટે પૂરતું નથી તો અમે તેમને શાળાએ કેવી રીતે મોકલી શકીએ?''

મેસી એ લાખો લોકોમાંથી એક છે જેમને પાકિસ્તાનની આર્થિક કટોકટી દરરોજ મુશ્કેલી આપી રહી છે.

ઈંધણના ભાવમાં ધરખમ વધારો થયો છે

પાકિસ્તાને IMF પાસેથી બેલઆઉટ પૅકેજ મેળવવું પડશે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ આ ઉપરાંત પાકિસ્તાનના નાણામંત્રી શમશાદ અખ્તરે નાણાકીય કટોકટીમાંથી બહાર આવવા માટે વધુ ભંડોળની માંગણી કરી છે.

આર્થિક અનિશ્ચિતતા અને વધતી મોંઘવારી વચ્ચે પાકિસ્તાનમાં ફેબ્રુઆરીમાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે.

કરાચીના ઉદ્યોગકારોએ સરકારને પહેલેથી જ ચેતવણી આપી છે કે જો ગૅસના આસમાનને આંબી જતા ભાવને નીચે લાવવામાં નહીં આવે તો ઉદ્યોગો બંધ કરી દેવામાં આવશે.

પહેલેથી જ દેશમાં આવશ્યક ચીજવસ્તુઓ અને ઈંધણના ભાવમાં વધારો થતાં સામાન્ય લોકોને વધારાની આવક મેળવવી પડે છે.

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની શરતને કારણે સરકારે તબક્કાવાર ઈંધણ સબસિડી બંધ કરી દેતાં સામાન્ય માણસની મુશ્કેલીઓ વધી ગઈ છે.

જૂનમાં 38 ટકાથી નવેમ્બરમાં ફુગાવો ઘટીને 29 ટકા થયો હતો. પાકિસ્તાનના ભૂતપૂર્વ નાણામંત્રી મિફ્તા ઇસ્માઈલે તાજેતરમાં ઘઉંના લોટ અને ચોખાના ભાવ બમણા થઈ જવાની સ્થિતિને 'આર્થિક આપત્તિ' ગણાવી હતી.

યુક્રેનમાં યુદ્ધ અને કોરોના મહામારી બાદ સમગ્ર વિશ્વમાં ઈંધણના ભાવમાં વધઘટ થઈ રહી છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં આર્થિક સમસ્યાઓના કારણે 1600 ટેક્સ્ટાઇલ મિલો બંધ થઈ ગઈ હતી.

એપ્રિલ 2022માં ઇમરાન ખાનને વડા પ્રધાન પદ પરથી હટાવ્યા પછી રાજકીય સંકટ ઊભું થયું.

વિરોધ મહિનાઓ સુધી ચાલુ રહ્યો અને આર્થિક પ્રવૃત્તિમાં વિક્ષેપ પડ્યો. એક કૅર ટેકર એટલે કે કામચલાઉ સરકાર હાલમાં પાકિસ્તાનમાં આવતા વર્ષે ચૂંટણી સુધી શાસન કરી રહી છે.

ગયા વર્ષે પૂરના કારણે 1700થી વધુ લોકોનાં મોત થયાં હતાં. ખેતીની જમીનો ડૂબી ગઈ હતી.

વર્લ્ડ બૅન્કે આના કારણે 30 અબજ ડૉલરના નુકસાનની ગણતરી કરી છે.

શરિયા કાયદો લાગુ કરવા માંગતા ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા શ્રેણીબદ્ધ આત્મઘાતી હુમલાઓ અને હુમલાઓ સાથે પાકિસ્તાન પણ સુરક્ષા સંકટનો સામનો કરી રહ્યું છે.

પાકિસ્તાનની વૈવિધ્યસભર ભૂગોળ અને યુવા વસ્તી દેશને રોકાણકારો માટે આકર્ષક બનાવે છે.

પાકિસ્તાન ખાસ કરીને શ્રમ-સઘન કાપડ અને ઑટોમોબાઇલ ક્ષેત્રો માટેનું કેન્દ્ર છે.

પરંતુ વર્તમાન આર્થિક સંકટ ઉપરાંત પડોશી દેશ અફઘાનિસ્તાન સાથે દાયકાઓથી ચાલેલા સંઘર્ષની અસર દેશ પર પડી રહી છે.

લાખો અફઘાન શરણાર્થીઓ પાકિસ્તાનની સરહદો પાર કરી રહ્યા છે.

રાંધણગૅસના ભાવમાં પણ વધારો

ઇસ્માઈલે કહ્યું, "પાકિસ્તાન પર વિશ્વનો દૃષ્ટિકોણ સારો નથી. કાયદો અને વ્યવસ્થા સમસ્યારૂપ હોવાની છાપ ધરાવે છે. એવી લાગણી છે કે અહીં વેપાર કરવો સહેલો નથી,”

દેવાની ચુકવણી અને આયાત બિલોના ઢગલા થતાં આ વર્ષની શરૂઆતમાં પાકિસ્તાનની વિદેશી અનામત 300 મિલિયન ડૉલર્સથી નીચે આવી ગઈ હતી. આ એક મહિનાના આયાત બિલ ભરવા માટે પણ પૂરતું નથી.

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની વાતચીતનાં રાઉન્ડનાં પરિણામે ઇમર્જન્સી ફંડિંગમાં 3 બિલિયન ડૉલર્સને સુરક્ષિત કરવા જુલાઈમાં કરાર થયો હતો.

પાકિસ્તાનના સહયોગી દેશો જેમકે ચીન, સાઉદી અરેબિયા અને UAE પણ પાકિસ્તાનના વિદેશી હૂંડિયામણના ભંડારને ઘટવાથી રોકવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના લોન પ્રોગ્રામ પહેલાં વચગાળાની સરકારે જાહેર ક્ષેત્રની ગૅસ કંપનીઓનાં નુકસાનને ઘટાડવા માટે ઑક્ટોબરમાં રાંધણ ગૅસના ભાવ અને ઔદ્યોગિક ઈંધણના ભાવમાં વધારો કર્યો હતો.

રોજગાર માટે દેશમાંથી પલાયન

ગૅસ પર સામાન્ય લોકોનો ખર્ચ 10 રૂપિયાથી વધીને 400 રૂપિયા થઈ ગયો છે.

"અમારા વર્તમાન શુલ્ક બમણા થઈ ગયા છે. ઉત્પાદન ખર્ચ વધવાને કારણે ફેકટરીઓ બંધ થઈ રહી છે. પાકિસ્તાન ટેક્સ્ટાઇલ મિલ ઍસોસિએશનના પ્રમુખ કામરાન અરશદે બીબીસીને જણાવ્યું હતું કે, "હજારો લોકો તેમની નોકરી ગુમાવી રહ્યા છે."

પાકિસ્તાનમાં આર્થિક સંકટ અને રોજગારની અછતને કારણે ઘણા લોકો ગેરકાયદેસર માર્ગો દ્વારા દેશ છોડી રહ્યા છે. તેમાંના ઘણા મોટી સંખ્યામાં એક જ બોટમાં સમુદ્રમાં અત્યંત જોખમી મુસાફરી કરે છે.

જૂનમાં દક્ષિણ ગ્રીસમાં એક ખીચોખીચ ભરેલી ટ્રૉલર પલટી જતાં સેંકડો પાકિસ્તાનીઓનાં મોત થયાં હતાં.

ડેલવેર યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર સબરીન બર્ગે જણાવ્યું હતું,"પાકિસ્તાનની સરકારે લોકોનો વિશ્વાસ ગુમાવ્યો છે. આર્થિક વાતાવરણ ખરાબ છે. તેથી જ લોકો દેશ છોડવાની હિંમત કરી રહ્યા છે,"

એક દાયકા પહેલાં જ્યારે પાકિસ્તાન ઉત્તર પશ્ચિમમાં ઇસ્લામિક આતંકવાદીઓ સામે લડી રહ્યું હતું ત્યારે ચીન સિવાયના તમામ રોકાણકારો અહીં રોકાણ કરવા માટે સાવચેત હતા.

પરંતુ ચીને અર્થતંત્રમાં અબજો ડૉલરનું રોકાણ ઠાલવ્યું છે. બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ હેઠળ ચીન 2015માં શરૂ થયેલા ચાઇના-પાકિસ્તાન ઇકૉનોમિક કૉરિડોરમાં 60 બિલિયન ડૉલર્સથી વધુનું રોકાણ કરી રહ્યું છે.

તે અરબી સમુદ્ર પર પાકિસ્તાનના ગ્વાદર બંદરને ચીનના ઉત્તર-પશ્ચિમ વિસ્તાર શિનજિયાંગ સાથે જોડે છે.

ચીન દ્વારા આ સૌથી મોટું વિદેશી રોકાણ પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને મદદ કરશે તેવી અપેક્ષા છે.

પરંતુ વિશ્લેષકો ચિંતિત છે કે શું આ રોકાણો ચીનની લોન ચૂકવવા માટે પૂરતી આવક પેદા કરશે? આઈએમએફના અંદાજ મુજબ પાકિસ્તાન અને ચીન પર લગભગ 30 અબજ ડૉલરનું દેવું છે.

પ્રોફેસર બેગે જણાવ્યું હતું,"ચીની રોકાણ આશાસ્પદ છે. પરંતુ અમે ઉધાર લીધેલા ભંડોળથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યા છીએ. તેનાથી અમારી જવાબદારી વધી છે. અમે ચીનને લોન ચૂકવીશું."

ચીનના સમર્થનથી ફેબ્રુઆરીમાં સત્તામાં આવનારી સરકારને પાકિસ્તાનની નાણાકીય કટોકટી સુધારવાનું કામ સોંપવામાં આવશે.