You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકા અને બ્રિટન જેવા દેશો રશિયા સામે લડવા માટે યુક્રેનને કેવાં ઘાતક હથિયારો આપી રહ્યાં છે?
અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે રાષ્ટ્રપતિ બાઇડને રશિયન પ્રદેશમાં લાંબા અંતરની ATACMS મિસાઈલ્સ છોડવાની પરવાનગી યુક્રેનને આપી છે.
રશિયામાંના ટાર્ગેટ્સ પર સ્ટોર્મ શેડો મિસાઇલ્સનો ઉપયોગ પણ થઈ શકે છે, એવું કહીને બ્રિટન તથા ફ્રાન્સ પણ અમેરિકાને અનુસરશે એવું માનવામાં આવે છે.
પશ્ચિમી દેશોએ યુક્રેનને હવે 100 અબજ ડૉલરથી વધુ કિંમતનાં શસ્ત્રો અને ઉપકરણોનું દાન કર્યું છે.
સૌથી વધુ લશ્કરી સહાય કોણે આપી છે?
અમેરિકા યુક્રેનનું સૌથી મોટું શસ્ત્ર સપ્લાયર છે.
અમેરિકાએ ફેબ્રુઆરી 2022 અને ઑગસ્ટ 2024 દરમિયાન યુક્રેનને 61.1 અબજ ડૉલરના અને નેધરલૅન્ડ્સે 5.5 અબજ ડૉલરની સૈન્ય સહાય આપી છે.
જોકે, કીલ ઇન્સ્ટિટ્યૂટે ચેતવણી આપી છે કે યુક્રેનને મળતી સહાયમાં 2025માં “નોંધપાત્ર ઘટાડો” થઈ શકે છે, જે સૂચવે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ જાન્યુઆરીમાં પદભાર સંભાળશે પછી તેઓ અમેરિકાના યોગદાનમાં ઘટાડો કરી શકે છે.
જર્મની પણ 2025માં યુક્રેનની લશ્કરી સહાયમાં લગભગ અડધો ઘટાડો કરે તેવી શક્યતા છે. પશ્ચિમી દેશોએ યુક્રેનને ક્યાં શસ્ત્રો આપ્યાં છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મિસાઈલ્સ અને આર્ટિલરી
યુક્રેન અને રશિયા બન્નેના લશ્કરે દુશ્મન દળોને આગળ વધતાં અટકાવવાં માટે આર્ટિલરી અને ગાઇડેડ મિસાઇલ્સનો વ્યાપક ઉપયોગ કર્યો છે.
યુક્રેનનાં દળો યુક્રેનના પ્રદેશમાં રશિયન દળો સામે અમેરિકામાં નિર્મિત ATACMS મિસાઇલ્સનો ઉપયોગ કરી રહ્યાં છે. આ મિસાઇલ્સની રેન્જ લગભગ 300 કિલોમીટરની છે. તેને રશિયન પ્રદેશો પર છોડવાની પરવાનગી યુક્રેનને આપવામાં આવી ન હતી, કારણ કે એવું કરવાથી અમેરિકા અને નાટોના અન્ય સભ્ય દેશો પણ આ યુદ્ધમાં ઘસડાઈ શકે છે.
જોકે, અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે રાષ્ટ્રપતિ બાઇડને તે પ્રતિબંધ ઉઠાવી લીધો છે. એ કારણે ATACMSના ઉપયોગ વડે યુક્રેનને તેના કબજા હેઠળના રશિયન કુર્સ્ક પ્રદેશમાં પોતાનો બચાવ કરવામાં મદદ મળશે.
બ્રિટન અને ફ્રાન્સે યુક્રેનને સ્ટોર્મ શેડો અથવા સ્કાલ્પ મિસાઇલ્સ આપી છે. તેની મહત્તમ રેન્જ લગભગ 250 કિલોમીટરની છે.
આ બંને દેશોએ પણ તેને રશિયા પર છોડવા યુક્રેનને મનાઈ કરી છે. જોકે, તેની મંજૂરી આપવા યુક્રેન લાંબા સમયથી વિનંતી કરતું રહ્યું છે.
કીલ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા મુજબ, યુક્રેનના સાથી દેશોએ પણ 80થી વધુ મલ્ટીપલ રૉકેટ-લૉન્ચ સિસ્ટિમ્સ મોકલી છે.
તેમાં અમેરિકાની હિમર્સ સિસ્ટિમ અને બ્રિટનની એમ270 મિસાઈલ સિસ્ટિમનો સમાવેશ થાય છે.
કીલ ઇન્સ્ટિટ્યૂટનું કહેવું છે કે અમેરિકાએ એમ777 હૉવિત્ઝર સહિતની 500થી વધારે ફિલ્ડ ગન્સ પણ મોકલી છે.
અલબત, બ્રિટન સ્થિત વિચારક મંડળ રૉયલ યુનાઇટેડ સર્વિસીસ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા મુજબ, યુદ્ધના મેદાનમાં રશિયાનો હાથ ઉપર છે, કારણ કે તેની પાસે આર્ટિલરી શેલ્સનો પૂરવઠો યુક્રેન કરતાં વધારે છે.
ફાઇટર જેટ
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ જુલાઈ 2024ના અંતમાં જણાવ્યું હતું કે 'તેમના હવાઈ દળે પશ્ચિમના દેશો પાસેથી એફ-16 ફાઇટર જેટના પ્રથમ બેચની ડિલિવરી મેળવી લીધી છે અને આવા વધુ ફાઇટર જેટ્સની અમને જરૂર છે.'
બેલ્જિયમ, ડેનમાર્ક, નેધરલૅન્ડ્સ અને નૉર્વે સહિતના નાટોના સભ્ય દેશોએ યુક્રેનને અમેરિકા દ્વારા નિર્મિત એવાં 65થી વધુ વિમાનો આપવાનું વચન આપ્યું છે, જેને તેઓ હવાઈ દળોમાંથી નિવૃત કરવા વિચારી રહ્યા છે.
અમેરિકાએ ઑગસ્ટ 2023માં યુક્રેનને એફ-16 મોકલવાની પરવાનગી આપી હતી. ત્યારથી પશ્ચિમી દેશો યુક્રેનના પાઇલટ્સને એફ-16 ફાઇટર જેટ ઉડાડવાની તાલીમ આપી રહ્યા છે.
સેન્ટ એન્ડ્રુઝ યુનિવર્સિટીના સ્ટ્રેટેજિક સ્ટડીઝના પ્રોફેસર ફિલિપ્સ ઓ’બ્રાયન કહે છે, “યુક્રેન હવાઈ હુમલા સામે સંરક્ષણ માટે મોટાભાગે એફ-16નો ઉપયોગ કરશે.”
અમેરિકા સ્થિત સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝના જણાવ્યા મુજબ, આખરે તેનો ઉપયોગ રશિયન ઍર ડિફેન્સ સિસ્ટિમ્સ, કમાન્ડ સેન્ટર્સ અને સપ્લાય ડેપો પર હુમલો કરવા માટે તેમજ યુક્રેનની ઍરસ્પેસમાં રશિયન વિમાનોને આંતરવા માટે થઈ શકે છે.
ઍર ડિફેન્સ સિસ્ટમ
યુક્રેનનાં શહેરો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રશિયન ડ્રૉન તથા મિસાઇલ હુમલાના સામના માટે પશ્ચિમી દેશોએ યુક્રેનને અનેક પ્રકારની ઍર ડિફેન્સ સિસ્ટિમ્સ મોકલી છે.
તેમાં બ્રિટનના શોર્ટ રેન્જના ઍન્ટિ-ઍરક્રાફ્ટ હથિયાર સ્ટ્રારસ્ટ્રીકથી માંડીને પેટ્રિએટ મિસાઇલ સિસ્ટિમ્સ સુધીનાં સાધનોનો સમાવેશ થાય છે.
પેટ્રિએટ મિસાઇલ સિસ્ટમ ઑપરેટ કરવાનું ખર્ચાળ છે. તેવી એક મિસાઇલની કિંમત આશરે 30 લાખ ડૉલર છે.
અમેરિકા અને નૉર્વેએ પણ નૅશનલ ઍડવાન્સ્ડ સરફેસ-ટુ-ઍર મિસાઇલ સિસ્ટમ Nasams પ્રદાન કરી છે. જર્મનીએ યુક્રેનને આઈરીસ-ટી ઑફર કરી છે.
દારૂગોળો
અમેરિકાએ જુલાઈ 2023માં જણાવ્યું હતું કે સંરક્ષણાત્મક સ્થળોએથી રશિયન સૈનિકોને હટાવવા માટે તેણે યુક્રેનને ક્લસ્ટર બૉમ્બ પૂરા પાડ્યા હતા.
આ શસ્ત્રો મોટાભાગે આર્ટિલરી શેલ્સના સ્વરૂપમાં આપવામાં આવે છે. તેમાં અનેક બૉમ્બલેટ્સ હોય છે અને તેના ઉપયોગને લીધે નાગરિકો માટે જોખમ સર્જાતું હોવાથી 100થી વધુ દેશોએ તેના પર પ્રતિબંધ મૂક્યો છે.
ટૅન્ક્સ
પશ્ચિમી દેશો 2023ની શરૂઆતમાં યુક્રેનને ટૅન્ક્સ આપવા સહમત થયા હતા. એ ટૅન્ક્સ યુક્રેનનાં દળોને પ્રતિ-આક્રમણમાં રશિયન દળોની સંરક્ષણાત્મક હરોળને ભેદવામાં મદદરૂપ થશે, એવી આશા હતી. બ્રિટને 14 ચૅલેન્જર-2 આપી છે.
કીલ ઇન્સ્ટિટ્યૂટના આંકડા મુજબ, યુરોપિયન દેશોએ જર્મનીમાં નિર્મિત 200થી વધુ લેપર્ડ-1 અને લેપર્ડ-2 ટૅન્ક્સ મોકલી છે.
અમેરિકાએ તેની 31 એમએમ અબ્રામ્સ ટૅન્ક્સ મોકલી છે, જેને વિશ્વમાં સૌથી અદ્યતન માનવામાં આવે છે. અલબત, આ નવા શસ્ત્ર સરંજામ વડે પણ યુક્રેન 2023માં કોઈ નોંધપાત્ર પ્રગતિ કરી શક્યું ન હતું.
ટૅન્ક વિરોધી શસ્ત્રો
રશિયાની સશસ્ત્ર બ્રિગેડનો સામનો કરવા માટે યુક્રેનને ફેબ્રુઆરી 2022માં રક્ષણાત્મક શસ્ત્રો આપીને પશ્ચિમી દેશોએ રશિયાના આક્રમણનો જવાબ આપ્યો હતો.
અમેરિકા અને બ્રિટને હજારો જેવલિન તથા નલો ઍન્ટિ-ટૅન્ક મિસાઇલ્સ સપ્લાય કરી હતી.
કિએવ પર રશિયન દળોની આગેકૂચને રોકવામાં તે નિર્ણાયક સાબિત થશે એવું માનવામાં આવતું હતું
ડ્રૉન્સ
સર્વેલન્સ, ટાર્ગેટિંગ, મિસાઇલ લૉન્ચિંગ અને “કેમિકેઝ” શસ્ત્રો એમ વ્યાપકપણે સમગ્ર યુદ્ધ દરમિયાન ડ્રૉન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સંઘર્ષની શરૂઆતમાં તુર્કીએ યુક્રેનને મિસાઇલ ફાયરિંગ બાયરાકટર ટીબી-2 ડ્રૉન્સ પૂરાં પાડ્યાં હતાં. અમેરિકાએ “સ્વીચબ્લેડ” કેમિકેઝ પૂરાં પાડ્યાં છે, જ્યારે અન્ય ઘણા દેશોએ ચીની બનાવટના ડીજેઆઈ મેવિક-3 જેવા વ્યાપારી સર્વેલન્સ ડ્રૉન્સ મોકલ્યાં છે.
બ્રિટન સરકારે ફેબ્રુઆરી 2024માં જણાવ્યું હતું કે તે યુક્રેનને ઑબ્ઝર્વેશન તથા ટાર્ગેટ સ્પોટિંગ માટે હજારો “ફર્સ્ટ પર્સન વ્યૂ” ડ્રૉન સપ્લાય કરતા દેશોના ગઠબંધનમાં જોડાશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન