રશિયામાં આરોપીઓ સામે બે જ વિકલ્પ, 'યુદ્ધ લડો અથવા જેલમાં રહો'

    • લેેખક, ઑલ્ગા ઇવશિના
    • પદ, બીબીસી રશિયન

28 માર્ચની સવારે લગભગ 06:45 વાગ્યે સાઇબિરીયામાં નૉવોસિબિર્સ્ક નજીક રહેતા આન્દ્રે પરલૉવના ઘરે પોલીસ પહોંચી ગઈ.

પોલીસે આન્દ્રે પર નૉવોસિબિર્સ્કની ફૂટબૉલ ક્લબમાંથી લગભગ 30 લાખ રુબલ્સની (લગભગ રૂ. 27 લાખ) ચોરી કરવાનો આરોપ મૂક્યો હતો, જ્યાં તેઓ મૅનેજિંગ ડાયરેક્ટર તરીકે કામ કરતા હતા. જોકે, તેમનો પરિવાર ચોરીના આરોપોનો ઇન્કાર કરે છે.

62 વર્ષના આન્દ્રે પરલૉવ ઑલિમ્પિકમાં ગોલ્ડ મૅડલ વિજેતા છે. તેઓ 1992માં 50 કિમીની રેસ વૉક જીત્યા હતા.

હાલમાં તેમને છ મહિના કરતાં વધુ સમયથી અટકાયતમાં રાખવામાં આવ્યા છે. તેમના પરિવારનું કહેવું છે કે તેમના પર યુક્રેનમાં લડવા માટે સહમત થવા દબાણ કરવામાં આવી રહ્યું છે.

તેમને જણાવાયું છે કે જો તેઓ યુક્રેન યુદ્ધમાં રશિયા વતી લડશે તો તેમની સામેનો કેસ અટકાવી દેવાશે અને યુદ્ધ પછી કદાચ છોડી પણ દેવાય.

યુક્રેનમાં લડવા માટે રશિયામાં કેદીઓની ભરતી કરવામાં આવે છે તે વાત જગજાહેર છે. પરંતુ બીબીસીની તપાસમાં જાણવા મળ્યું છે કે જે લોકોએ હજુ કેસનો સામનો પણ કર્યો ન હોય, તેમને પણ યુદ્ધ લડવા માટે મોકલવામાં આવે છે.

તાજેતરમાં ઘડાયેલા કાયદાના કારણે ફરિયાદી અને બચાવ પક્ષના વકીલોએ હવે કાયદેસર રીતે આરોપીઓને જાણ કરવી પડશે કે તેમની પાસે કોર્ટમાં જવાના બદલે યુદ્ધમાં જવાનો વિકલ્પ છે.

માર્ચ 2024માં પસાર થયેલા કાયદા મુજબ આરોપીઓ તેના સહી કરે તો તેમની સામેની કાર્યવાહી અને તપાસ અટકાવી દેવાશે. યુદ્ધના અંતે તેમની સામેના કેસ સંપૂર્ણપણે બંધ કરી દેવાશે.

ઑલિમ્પિક વિજેતા સાથે જેલનો ખેલ

રશિયા બિહાઇન્ડ બાર્સ નામના એનજીઓના ડાયરેક્ટર ઑલ્ગા રોમાનોવા કહે છે કે, "આનાથી રશિયાની કાયદાના અમલીકરણની પ્રણાલી ધ્વસ્ત થઈ ગઈ છે." તેમનું એનજીઓ અટકાયતમાં લેવાયેલા લોકોને કાનૂની સહાયતા પૂરી પાડે છે.

તેઓ કહે છે, “પોલીસ હવે કોઈ હત્યાના કેસમાં આરોપીને પકડે અને તેને હાથકડી પહેરાવે, ત્યાંજ આરોપી કહે છે: 'ઊભા રહો, હું વિશેષ સૈન્ય કાર્યવાહી માટે જવા તૈયાર છું,' અને તેઓ તેની સામેનો કેસ બંધ કરી નાખે છે.

અમને એક તપાસકર્તાનું લીક થયેલું રેકૉર્ડિંગ મળ્યું છે જેમાં એક મહિલાને રશિયન આર્મી સાથે કૉન્ટ્રાક્ટ કરવાના ફાયદા સમજાવવામાં આવે છે. આ મહિલાના પતિને ચોરીના આરોપ હેઠળ ત્રણ વર્ષની જેલ થયેલી છે.

તપાસકર્તા અધિકારી મહિલાને કહે છે, "મેં તેમને કરાર પર સહી કરવાની તક આપી છે. જો તેમની વિનંતી મંજૂર થશે તો તેણે યુદ્ધમાં જવાનું રહેશે અને અમે કેસ બંધ કરીશું."

જો આરોપી આ કરાર સહી કરે તો થોડા દિવસોમાં ફોજદારી કેસ સ્થગિત કરવામાં આવે છે, અને તેને લગભગ તરત જ યુક્રેનના મોરચા પર મોકલી દેવાય છે.

રશિયામાં કામ કરતા ત્રણ વકીલોએ પુષ્ટિ કરી છે કે સમગ્ર દેશમાં આ સામાન્ય બની ગયું છે.

સરહદે પ્રેમી, ગર્ભવતી પ્રેમિકા

કેટલાક આરોપીઓ જેલ અને ગુનાઇત રેકૉર્ડને ટાળવાની આશાએ કરાર પર સહી કરે છે. પરંતુ આ કોઈ સરળ રસ્તો નથી. યારોસ્લાવ લિપાવસ્કી નામના ટીનેજરનો કેસ તેનું ઉદાહરણ છે.

લિપાવસ્કી પર કેટલાક લોકોએ ઇરાદાપૂર્વક આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડવાનો આરોપ મૂક્યો ત્યાર પછી તેણે કેસથી બચવા માટે સૈન્ય સાથે કરાર કર્યા હતા.

તેની યુવાન ગર્લફ્રૅન્ડને તાજેતરમાં જ ખબર પડી હતી કે તે ગર્ભવતી છે. તેથી કેસથી બચવા માટે લિપાવ્સ્કીએ 18 વર્ષની ઉંમર થતાં જ સૈન્યમાં જોડાવા સાઇન-અપ કર્યું.

તે યુક્રેન લડવા રવાના થયા અને એક સપ્તાહમાં તેમનું મોત થયું. લિપાવસ્કી આ યુદ્ધમાં મૃત્યુ પામેલા સૌથી નાની વયના સૈનિકો પૈકી એક હતા.

કેટલા આરોપીઓએ કેસનો સામનો કરવાના બદલે આવી રીતે યુદ્ધમાં જવાનું પસંદ કર્યું છે તે નક્કી નથી. પરંતુ નીતિમાં થયેલો ફેરફાર દર્શાવે છે કે રશિયાને સૈનિકોની ખાસ જરૂર છે. અન્ય નાગરિકોને યુદ્ધમાં ઓછામાં ઓછા જોડવા માટે આમ કરવું જરૂરી છે.

કાર્નેગી ઍન્ડાઉમૅન્ટ ફૉર ઇન્ટરનૅશનલ પીસના સૈન્ય વિશ્લેષક માઇકલ કૉફમૅન કહે છે, “શું રશિયનોને દોષિતો કે જેલમાં પૂરાયેલા લોકોની જરાય પરવા છે? મને લાગે છે કે પરવા નથી.”

તેમના માનવા પ્રમાણે સરકાર "કદાચ એવું ધારે છે કે આ લોકો માર્યા જાય તો પણ વાંધો નથી. તેમની કોઈને પરવા નથી અને તેનાથી અર્થતંત્રને કોઈ નોંધપાત્ર, નકારાત્મક અસર નહીં થાય."

'ગુનાઇત પ્રતિભા'ની જરૂર

ભાડૂતી લડવૈયાઓના વેગનર જૂથે જ્યારે પહેલી વખત જેલના કેદીઓની ભરતી કરી ત્યારે તેના નેતા યેવગેની પ્રિગોઝિને હાઈ સિક્યૉરિટી જેલોમાં બંધ ગુનેગારોને લક્ષ્યમાં રાખ્યા હતા.

તેમણે કહ્યું કે તેમની 'ગુનાઇત પ્રતિભા'ની તેમને જરૂર છે જેના બદલામાં તેમને માફી મળી જશે. ઑગસ્ટ 2023માં યેવગેની પ્રિગૉઝિનનું મોત થયું હતું.

બીબીસી અને રશિયન વૅબસાઇટ મીડિયાઝોનાએ ગોપનીય દસ્તાવેજો ચકાસ્યા છે જેમાં કેદીઓની ભરતીની પ્રક્રિયા, તેમાંથી મોટા ભાગના લોકો સાથે શું થયું અને નવા લડવૈયાઓની સતત ભરતી કરવાની જરૂરિયાત વિશે માહિતી અપાઈ છે.

યુક્રેનમાં મૃત્યુ પામેલા ગુનેગારોના ડૉગ ટૅગ્સ અને તેમના પરિવારોને ચૂકવવામાં આવેલી રકમ પરથી અમને જાણવા મળ્યું છે કે વેગનરે સજા ભોગવી રહેલા 50,000 લોકોની ભરતી કરી હતી. એક સમયે લડાઈમાં રોજના 200 લોકો માર્યા જતા હતા. બીજા ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

બધા કેદીઓના ડૉગ ટૅગ અંગ્રેજીના 'K' અક્ષરથી શરૂ થાય છે જે "કોલોન્યા" અથવા જેલ માટે વપરાય છે.

પ્રથમ ત્રણ નંબરો એ દર્શાવે છે કે તેઓ કઈ જેલમાંથી આવ્યા હતા. છેલ્લા ત્રણ આંકડા રિક્રૂટ દર્શાવે છે અને તે ક્રમમાં હોય છે. તેથી આંકડો જેટલો વધુ હોય તેટલા વધુ પ્રમાણમાં તે જેલમાંથી રિક્રૂટને લેવામાં આવેલા હોય છે.

ચુકવણીનો રેકૉર્ડ દર્શાવે છે કે જુલાઈ 2022 અને જૂન 2023 વચ્ચે પૂર્વી યુક્રેનમાં બખ્મુત શહેરને કબજે કરવાનો પ્રયાસ કરવામાં 17,000થી વધુ કેદીઓ માર્યા ગયા હતા.

વેગનર અને વહીવટીતંત્રની વ્યૂહરચના

આ નુકસાન ભરવા માટે વેગનર અને બાદમાં સંરક્ષણ મંત્રાલયે તેમની ભરતીની વ્યૂહરચનામાં ફેરફાર કર્યા હતા જેથી તેમને વધારે માણસો મળી શકે.

ગુનાના કેટલાક આરોપીઓ કરાર પર સહી કરવાનો ઇનકાર કરે છે કારણ કે તેઓ સૈદ્ધાંતિક રીતે યુદ્ધની વિરુદ્ધ છે. બીજા લોકો એટલા માટે સહમત નથી થતા કારણ કે યુદ્ધમાં મૃત્યુ પામવાનું કે ઇજાગ્રસ્ત થવાનું જોખમ ઘણું વધારે છે. કેટલાક લોકો પોતાનો કેસ લડવા માટે ઘરે રહેવા માંગે છે.

પરંતુ ઍન્ડ્રે પેર્લોવનાં પુત્રી ઍલિના કહે છે કે, સત્તાવાળાઓ તેમના પર ભારે દબાણ લાવે છે.

તેઓ કહે છે, "તેમણે ઇનકાર કર્યો અને અમે સ્થાનિક મીડિયામાં ખૂબ હોબાળો મચાવ્યો, તેથી તેમને કડક સજાની કોટડીમાં મોકલી દેવાયા. ત્યાં તેમની પાસે નવેસરથી કૉન્ટ્રાક્ટ લઈને ગયા."

તેઓ કહે છે કે જ્યારે તેમણે બીજી વખત ઇન્કાર કર્યો, ત્યારે તેમને પરિવારને મળવાની કે પરિવારને ફોન કરવાની મનાઈ કરવામાં આવી હતી.

તેઓ હજી પણ પોતાની નિર્દોષતા સાબિત કરવાની આશા રાખે છે, પરંતુ ઍલિનાએ છેલ્લે જુલાઈના મધ્યમાં પોતાના પિતાને કોર્ટમાં જોયા, ત્યારે તેમનું વજન ઘણું ઘટી ગયું હતું. તેઓ કહે છે, "તે પોતાની જાતને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે, પરંતુ જો આ ચાલુ રહેશે, તો તેઓ તૂટી જશે."

અમે રશિયન સત્તાવાળાઓને આન્દ્રે પરલૉવના કેસ વિશે પૂછ્યું. શું તેઓ અટકાયતી આરોપીઓને સૈન્યમાં જોડાવા માટે દબાણ કરે છે તેવું પણ પૂછ્યું, પરંતુ તેમણે જવાબ ન આપ્યો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.