You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિવાળી પરની નવી સ્કીમ જેમાં માત્ર નવ રૂપિયામાં મળશે વીમા પૉલિસી, શું છે આ યોજના?
- લેેખક, પુતા નવીન
- પદ, બીબીસી સંવાદદાતા
નિત નવી વીમા યોજનાઓ આજના સમયમાં જોવા મળી રહી છે. જેમાંથી એક છે ટેમ્પરરી ઇન્સ્યૉરન્સ એટલે કે હંગામી વીમા યોજના. જેને શૉર્ટ ટર્મ પૉલિસી એટલે કે ટૂંકા ગાળાની યોજના પણ કહે છે. ટૂંકમાં, જેનો સમયગાળો ટૂંકો હોય તેવી વીમા યોજના.
ઉદાહરણ તરીકે, દિવાળી આવી રહી છે ત્યારે ફોનપે ઍપ પર નવ રૂપિયાના પ્રીમિયમ પર ફટાકડા વીમો રજૂ કર્યો છે.
દિવાળીમાં જો ફટાકડા ફોડતી વખતે ઈજા થાય તો આ પૉલિસી 25,000 રૂપિયા સુધીનું કવરેજ પૂરું પાડે છે. આ યોજના દસ દિવસ પૂરતી જ લાગૂ રહે છે.
તેથી જ એને ટૂંકા ગાળાની વીમા યોજના કહે છે. આ યોજનામાં હૉસ્પિટલમાં દાખલ થવા, સારસંભાળ - સારવાર સુવિધા તેમજ આકસ્મિક મૃત્યુ લાભ પણ આવરી લેવામાં આવ્યા છે.
ઍશ્યૉર પ્લસ ફિનસર્વના સંસ્થાપક એચ. સતીશ કુમારે કહ્યું હતું, "નવ રૂપિયામાં, તેઓ જે સુવિધાઓ આપે છે તે સારી છે. પરંતુ, એવું ન વિચારો કે આ પ્રકારની ટૂંકા ગાળાની પૉલિસી આપણા રક્ષણ માટે એક મહાન કવચ છે."
તેમણે કહ્યું હતું કે, "મોટાભાગના લોકો આરોગ્ય વીમા, ટર્મ ઇન્સ્યૉરન્સ વિશે જાણે છે. ટૂંકા ગાળાની પૉલિસી વિશે ઓછા લોકો જાણે છે. જે લોકોએ આવી પૉલિસી લેવી હોય તેમણે એના વિશેની જાણકારી મેળવીને જ પૉલિસી લેવી જોઈએ."
ટૂંકા ગાળાની વીમા યોજના - શૉર્ટ ટર્મ ઇન્સ્યૉરન્સ શું છે?
સામાન્ય રીતે, એક અઠવાડિયાથી લઈને એક વર્ષ કરતાં ઓછા સમયગાળા માટે લેવાયેલા વીમાને ' ટૂંકા ગાળાની યોજના - શૉર્ટ ટર્મ ઇન્સ્યૉરન્સ' કહેવાય છે.
- ટૂંકા ગાળાનો આરોગ્ય વીમો
સામાન્ય રીતે આરોગ્ય વીમો એક વર્ષ માટે લેવામાં આવે છે. હવે, ફોનપે જેવી કેટલીક કંપનીઓ ત્રણ મહિના અને છ મહિના માટે વીમો આપે છે. કેટલાક લોકો આ લેવાનું પસંદ કરે છે કારણ કે પ્રીમિયમ ઓછું હોય છે. ઉપરાંત, તેઓ એક વીમામાંથી બીજા વીમા પર જવા માટે ટૂંકા ગાળાના આ વીમાનો ટેકો લેવાનું પસંદ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુસાફરી વીમો
IRCTC દ્વારા ટ્રેન ટિકિટ બુક કરતી વખતે ટ્રાવેલ ઇન્સ્યૉરન્સ આપવામાં આવે છે. જો તમે 45 પૈસા ચૂકવો છો, તો મુસાફરી દરમિયાન અકસ્માતમાં મૃત્યુ અથવા કાયમી વિકલાંગતાના બનાવમાં તમને 10 લાખ રૂપિયા મળશે. એ જ રીતે રૅપિડો, ઉબર, ઓલા જેવી કંપનીઓ પણ નાની રકમ વસૂલે છે અને પ્રવાસ માટે વીમો આપે છે.
પરંતુ આ વીમો લેવો અનિવાર્ય નથી. સતીશ કુમારે જણાવ્યું હતું. "IRCTC અને અન્ય એજન્સીઓ મુસાફરી વીમા માટે માત્ર નજીવી ફી વસૂલે છે. પરંતુ, જે લોકો ટર્મ ઇન્સ્યૉરન્સ અને હૅલ્થ ઇન્સ્યૉરન્સ અલગ-અલગ રીતે લે છે તેમને વધુ ફાયદો નથી મળતો. જો કે, જેમની પાસે કોઈ વીમો નથી, તેમના માટે આ પૉલિસી લેવી સારી બાબત છે."
અકસ્માત વીમો અનિવાર્ય છે.
કોઈ પણ અકસ્માતના કિસ્સામાં, તમે અકસ્માત વીમામાંથી તબીબી ખર્ચ તેમજ અપંગતા, મૃત્યુ વગેરે સામે ખર્ચ સહાય મેળવી શકો છો. ટૂંકા ગાળાનો વીમો મોટે ભાગે આ શ્રેણીમાં આવે છે.
"શું અકસ્માત માત્ર ટ્રેન, પ્લેન વગેરેમાં મુસાફરી કરતી વખતે જ થાય છે? તે ગમે ત્યાં, કોઈ પણ રીતે થઈ શકે છે. તેથી, ટૂંકા ગાળાની પૉલિસીઓની તુલનામાં, વાર્ષિક અકસ્માત પૉલિસી લેવાનું વધુ સારું છે." એવું ધંધાકીય બાબતોના નિષ્ણાત નાગેન્દ્ર સાઈ કુંડાવરમ કહે છે.
"ઍક્સિડન્ટ પૉલિસી રૂ. 1,000 કરતાં ઓછી કિંમતે ઉપલબ્ધ છે. જો અકસ્માતના પરિણામે શરીરના કોઈ અંગમાં ખોડખાંપણ થાય તો, ઘણા દિવસો સુધી આરામની જરૂર પડે છે. એ દરમ્યાન જો રોજગારીની ખોટ પડે તો એ પણ ઍક્સિડન્ટ પૉલિસી આવરી લેતી હોય છે, જે આરોગ્ય વીમા એટલે કે હૅલ્થ ઇન્સ્યૉરન્સમાં આવરી લેવામાં આવતું નથી."
"તેથી ઍક્સિડન્ટ પૉલિસી અલગથી લેવી જોઈએ. કર્મચારીઓ તેમજ જે લોકોને કોઈને કોઈ કારણસર નિયમિત સડક પર જવાનું હોય છે તેમણે એ પૉલિસી લેવી જોઈએ."
શરીરના અંગ માટેનો વીમો
સેલિબ્રિટી તેમની સુંદરતા અને અવાજથી ઓળખાય છે. ઍથ્લીટ્સ માટે પણ શરીરના દરેક અંગ મહત્ત્વપૂર્ણ હોઈ શકે છે. જો આવા લોકોના શરીરનો કોઈ ચોક્કસ ભાગ અકસ્માતે કામ કરવાનું બંધ કરી દે તો તેમની આવક પણ બંધ થઈ જાય છે. એટલા માટે તે અંગની વિકલાંગતા માટે પણ વીમો લેવામાં આવે છે.
સતીશ કુમાર કહે છે, "વિશ્વની ઘણી હસ્તીઓએ તેમના શરીરનાં અંગોનો વીમો કરાવ્યો છે. અમિતાભ બચ્ચને તેમના અવાજનો વીમો લીધો છે અને સાનિયા મિર્ઝાએ તેમના હાથનો વીમો લીધો છે."
જોકે, બીબીસીએ સ્વતંત્ર રીતે આ વાતની ખાતરી કરી નથી.
તેઓ વધુમાં કહે છે કે, "કોઈ પણ સેલિબ્રિટી તેમની વિશિષ્ટતા દર્શાવવા અને તેનો વીમો લેવા માટે કંપનીઓનો સંપર્ક કરી શકે છે. પછી, સંબંધિત કંપનીઓ સેલિબ્રિટીની સ્થિતિ અને શરીરનાં તે અંગો માટેના જોખમના આધારે પ્રિમિયમની ગણતરી કરે છે."
વિવિધ પ્રકારના આ વીમા વિશે જાણો છો?
- નોકરી વીમો.
કંપની બંધ થઈ જાય કે છટણી જેવા કોઈ કારણસર અચાનક નોકરી ગુમાવવાના કિસ્સામાં આ પૉલિસી ઉપયોગી છે.
- લગ્ન વીમો
જો કોઈ કુદરતી આફત અથવા અણધાર્યા મૃત્યુને કારણે લગ્ન રદ થઈ જાય, તો આ વીમો ત્યાં સુધી થયેલા ખર્ચને કવર કરી શકે છે.
- યાત્રા વીમો
મુસાફરી દરમિયાન અચાનક તબિયત બગડે અથવા સામાન ચોરાઈ જાય તેવા કિસ્સામાં આ વીમા દ્વારા લાભ મેળવી શકો છો. મુસાફરીની તમામ બુકિંગ થઈ ગયા પછી છેલ્લી ક્ષણે અણધાર્યા કારણસર પ્રવાસ કૅન્સલ થવાના કિસ્સામાં પણ મુસાફરીની ભરપાઈ કરી શકાય છે. જો ઑપરેટર ટ્રિપ કૅન્સલ કરે તો પણ વળતરની માંગ કરી શકાય છે.
- પાળેલા પ્રાણી માટેની વીમા પૉલિસી
પાળેલા પ્રાણીનો પણ વીમો કરાવી શકાય છે. જો તેઓ બીમાર પડે અથવા અકસ્માત થાય તો પણ આ વીમા દ્વારા સુરક્ષા મેળવી શકે છે.
સતીશે કહ્યું હતું, "ઇન્ટરનેટ યુગમાં, કોઈ પણ એક ક્લિક માત્રથી પૉલિસી લઈ શકે છે. પરંતુ, નિયમો અને શરતો વાંચ્યા પછી જ પૉલિસી લેવી ડહાપણભર્યું કહેવાશે. સાયબર છેતરપિંડી પણ પ્રચંડ હોવાથી, અધિકૃત ઍપ્લિકેશન્સ અને વેબસાઇટ્સ દ્વારા જ ચૂકવણી કરવી જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન