'અપમાન'ને કારણે પાકિસ્તાન ક્રિકેટનું કોચપદ છોડ્યું, જેસન ગિલેસ્પીએ બીજા શું ખુલાસા કર્યા?

જેસન ગિલેસ્પીએ શા માટે પાકિસ્તાન ટેસ્ટ ક્રિકેટનું કોચપદ છોડ્યું, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા અપમાન, પીસીબી, મોહસીન નક્વીની ભૂમિકા, બીબીસી ગુજરાતી સ્પોર્ટ્સ સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાતેક મહિનામાં જ ગિલેસ્પીએ ટેસ્ટ ક્રિકેટના કોચપદેથી રાજીનામું આપી દીધું હતું

જેસન ગિલેસ્પીએ પાકિસ્તાનની ટેસ્ટ ક્રિકેટ ટીમનું કોચિંગ છોડવા વિશે સ્પષ્ટતા કરી છે. ગિલેસ્પીનું કહેવું છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા 'અપમાન' કરવામાં આવ્યું હોવાથી તેમણે કોચપદ છોડ્યું હતું.

ગિલેસ્પીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર ફોલોઅર્સ સાથે સવાલ-જવાબ કર્યા હતા. જેમાં તેમણે પાકિસ્તાનનું કોચપદ છોડવાના કારણો વિશે ફોડ પાડ્યો હતો.

આ વિવાદના કેન્દ્રમાં પીસીબીના એક અધિકારી પણ હતા, જેઓ ગત વર્ષે યુએઈ ખાતે યોજાયેલા એશિયા કપ સમયે ચર્ચામાં આવ્યા હતા.

આ સિવાય ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના કોચ બનવા માટે ગિલેસ્પીએ જે જવાબ આપ્યો, તે ભારતીય ક્રિકેટપ્રશંસકોને ચોંકાવી શકે એવો છે.

ઉલ્લેખનીય છે કે પીસીબી સાથે મતભેદ બાદ સાતેક મહિનામાં જ જેસન ગિલેસ્પીએ પોતાનો કાર્યભાર છોડી દીધો હતો. આ દરમિયાન ડ્રેસિંગ રૂમની ચર્ચાઓ પણ સાર્વજનિક થઈ હતી.

જેસન ગિલેસ્પીની નિમણૂક અને રાજીનામું

જેસન ગિલેસ્પીએ શા માટે પાકિસ્તાન ટેસ્ટ ક્રિકેટનું કોચપદ છોડ્યું, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા અપમાન, પીસીબી, મોહસીન નક્વીની ભૂમિકા, બીબીસી ગુજરાતી સ્પોર્ટ્સ સમાચાર

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, એશિયા કપની ફાઇનલ મૅચ બાદ ભારતીય ક્રિકેટ ટીમે મોહસિન નક્વી (એકદમ ડાબે) પાસેથી ટ્રૉફી લેવાનો ઇનકાર કર્યો હતો અને પાકિસ્તાન રનર-અપ રહ્યું હતું.

એપ્રિલ-2024ના અંતભાગમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઑસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બૉલર જેસન ગિલેસ્પીને ટેસ્ટ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બનાવ્યા હતા.

જ્યારે ભારત અને દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ ક્રિકેટ ટીમોને સફળતાની સીડીઓ ચઢવામાં મદદ કરનારા દક્ષિણ આફ્રિકાના બૅટ્સમૅન ગેરી ક્રિસ્ટનને પાકિસ્તાને વન-ડે તથા ટી20 ક્રિકેટના કોચ બનાવ્યા હતા.

ઑસ્ટ્રેલિયાની સ્થાનિક ક્રિકેટ ટીમોનું કોચિંગ છોડીને પાકિસ્તાનની ટેસ્ટ ક્રિકેટ ટીમનું કોચપદ સ્વીકાર્યું હતું.

ગિલેસ્પીએ કહ્યું હતું, "પાકિસ્તાનની ક્રિકેટ ટીમના સમૃદ્ધ વારસા અને બહોળા ફેનબેઝને જોતાં તેના કોચ બનવું એ કોઈપણ કોચ માટે મોટી સિદ્ધિ છે. મને ખબર છે કે આ ભૂમિકાની સાથે કેટલીક અપેક્ષાઓ પણ જોડાયેલી હશે, પરંતુ જો હું હેન્ડલ કરી શકું એમ ન હોત, તો મેં આ જવાબદારી સ્વીકારી ન હોત."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ન્યૂઝીલૅન્ડના ગ્રાન્ટ બ્રાડબર્ને મે-2023માં પદભાર સંભાળ્યો અને ગિલેસ્પી આવ્યા, તેની વચ્ચે પાકિસ્તાનના પૂર્વ ઑલરાઉન્ડર મોહમ્મદ હાફિઝ પણ કોચ અને ટીમ ડાયરેક્ટરપદે રહ્યા. આમ લગભગ એક વર્ષના ગાળામાં પાકિસ્તાનની ટીમે ત્રણ કોચ જોયા હતા.

એજ વર્ષે ઑગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં પાકિસ્તાનમાં યજમાન દેશ અને બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ મૅચની ટુર્નામેન્ટ યોજાઈ. જેમાં પાકિસ્તાનનો 2-0થી પરાજય થયો.

ઑગસ્ટ મહિનામાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં પાકિસ્તાનના કૅપ્ટન શાન મસૂદ ઉગ્ર ભાવે ગિલેસ્પીને કંઈક કહે છે અને ગિલેસ્પીએ તેમની વાતો શાંતિથી સાંભળી હતી. ત્યારે જ ટીમમાં બધું બરાબર નહીં હોવાની ચર્ચા ચાલુ થઈ ગઈ હતી.

બે વર્ષનો કૉન્ટ્રેક્ટ હોવા છતાં ઑક્ટોબર-2024માં ગેરી ક્રિસ્ટને કોચપદેથી રાજીનામું આપી દીધું એ પછી ગિલેસ્પીને ઇન્ચાર્જ કોચ બનાવવામાં આવ્યા હતા.

એ સમયે પાકિસ્તાનની ટીમ ઇંગ્લૅન્ડના પ્રવાસે હતી અને ત્યાંથી ઑસ્ટ્રેલિયા જવાની હતી. ગિલેસ્પીએ ત્યારે પણ સ્પષ્ટતા કરી હતી કે તેઓ "મૅચના દિવસના વ્યૂહરચનાકાર માત્ર" છે અને ટીમના સિલેક્શન વગેરેમાં તેમની કોઈ ભૂમિકા નથી

'પીસીબી દ્વારા અપમાન'

જેસન ગિલેસ્પીએ શા માટે પાકિસ્તાન ટેસ્ટ ક્રિકેટનું કોચપદ છોડ્યું, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા અપમાન, પીસીબી, મોહસીન નક્વીની ભૂમિકા, બીબીસી ગુજરાતી સ્પોર્ટ્સ સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગેરી ક્રિસ્ટને 101 ટેસ્ટ તથા 185 વનડે

ડિસેમ્બર-2024માં જેસન ગિલેસ્પીએ માંડ સાતેક મહિનામાં કોચપદેથી રાજીનામું આપી દીધું અને તેમના સ્થાને પાકિસ્તાની ક્રિકેટર અકિબ જાવેદને વચગાળાના ટેસ્ટ હેડ કોચ બનાવવામાં આવ્યા.

ગિલેસ્પીએ ઍક્સ ઉપર ચર્ચા દરમિયાન લખ્યું, "હું પાકિસ્તાનની ટેસ્ટ ક્રિકેટને કોચ કરી રહ્યો હતો. હું હેડ કોચ હતો, એમ છતાં મારી સાથે બિલકુલ વાત કર્યા વિના આસિસ્ટન્ટ કોચને હઠાવી દેવામાં આવ્યા. મારા માટે આ પરિસ્થિતિ સંપૂર્ણપણે અસ્વીકાર્ય હતી. આ સિવાય અનેક એવી બાબતો હતી, જેમાં મારું અપમાન થયું હતું."

આ ચેટ દરમિયાન ગિલેસ્પીએ કહ્યું હતું કે જે લોકો કહે છે કે રાજકારણ અને રમતને અલગ રાખવા જોઈએ, તેઓ વાસ્તવિક દુનિયામાં નથી જીવી રહ્યા. દાખલા તરીકે પાકિસ્તાન ક્રિકેટના ચૅરમૅન (મોહસીન નક્વી) પાકિસ્તાનની સરકારમાં મંત્રી પણ છે.

જોકે, ગિલેસ્પીએ પીસીબીના ચૅરમૅન ઉપર અગાઉ પણ નિશાન સાધ્યું છે. જૂન-2025માં એક પોડકાસ્ટમાં ચર્ચા કરતી વખતે ગિલેસ્પીએ એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.

ગિલેસ્પીએ કહ્યું હતું કે તત્કાલીન કોચ ગેરી ક્રિસ્ટન દ્વારા ટીમની વચ્ચે સામંજસ્ય અને સંવાદ વધે તે માટે 'કૅમ્પ કનેક્શન'નું આયોજન કરવામાં આવ્યું હતું. ગેરી ક્રિસ્ટન દક્ષિણ આફ્રિકાથી આવ્યા અને હું ઑસ્ટ્રેલિયાથી પહોંચ્યો હતો.

જ્યારે પીસીબીના ચૅરમૅન મોહસીન નક્વી લાહોરમાં હોવા છતાં આટલી મહત્ત્વપૂર્ણ મિટિંગમાં 20 મિનિટનું ડ્રાઇવ કરીને નહોતા આવ્યા અને ઝૂમ દ્વારા જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે યુએઈ ખાતે એશિયા કપની ફાઇનલ મૅચ દરમિયાન પણ પીસીબીના ચૅરમૅન મોહસીન નક્વી ચર્ચામાં આવ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમે તેમના હસ્તક મેડલ અને ટ્રૉફી લેવાનો ઇન્કાર કરી દીધો હતો.

એક ફોલોઅરે ગિલેસ્પીને કહ્યું હતું કે 'જેસન તમારે ભારતના કોચ બનવું જોઈએ. ટીમ હારી રહી છે ન કેવળ હારી રહી છે, પરંતુ ઘરઆંગણે બે વખત તેમનું વ્હાઇટવૉશ થયું છે. તેમને ખરેખર તમારી જરૂર છે.'

જેના જવાબમાં ગિલેસ્પીએ લખ્યું, 'ના આભાર.'

ઉલ્લેખનીય છે કે ભારતમાં ગૌતમ ગંભીરના કોચિંગ ઉપર સવાલ ઊઠી રહ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન