‘પોલીસે બેરહમીથી મારા ભાઈને લાઠી મારતા એ મરી ગયો’, દાહોદમાં દારૂની કથિત હેરફેરનો મામલો શું છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Laxmi Patel

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"મારો ભાઈ (મંદિરે) દર્શન કરવા ગયો હતો. પોલીસે મારા ભાઈના માથામાં લાઠી મારી એટલે તેનું મોત થઈ ગયું. એને સાત વર્ષની દીકરી અને ચાર વર્ષનો દીકરો છે. પોલીસની બેરહમીના કારણે મારા ભાઈનાં બે બાળકો પરથી પિતાની છાયા છીનવાઈ ગઈ. મારા ભાઈએ જો કોઈ અપરાધ કર્યો હોય તો પણ પોલીસને આ રીતે મારવાનો કોઈ અધિકાર નથી."

ઉપરોક્ત શબ્દો મૃતક નીતિન સાંસીના ભાઈ સુનીલે વ્યક્ત કરેલી વેદના વર્ણવે છે.

દાહોદમાં કથિતરીતે દારૂની હેરફેરના આરોપસર ‘પોલીસ કર્મચારીની લાઠીના ફટકા બાદ એક વ્યક્તિના મોત’નો મુદ્દો ગરમાયો છે.

દાહોદ જિલ્લા પોલીસ પર કથિતરીતે ‘દારૂની હેરફેર કરનારા આરોપીને લાઠીથી માર મારીને તેમનું મોત નિપજાવવાના’ આરોપ લાગ્યા છે.

દિવાળીના બીજા દિવસે એટલે કે 13મી નવેમ્બરના રોજ પોલીસે કથિતપણે દારૂની હેરફેર કરનારા વ્યક્તિઓનો પીછો કર્યા બાદ ‘માર મારતાં’ 26 વર્ષીય નીતિન સાંસીનું ‘પોલીસની લાઠી વાગતાં મૃત્યુ’ થયું હતું.

પોલીસ ‘મૃતકને બુટલેગર’ ગણાવી ‘પોલીસ દ્વારા રોકાતાં ભાગવાના પ્રયાસમાં અકસ્માતે મૃત્યુ’ થયાનું કહીને ‘પોલીસના મારથી મૃત્યુ’ થયાનો આરોપ નકારી રહી છે.

જ્યારે સામેની બાજુએ મૃતકના પરિવારજનો ‘પોલીસની ક્રૂરતા અને મારથી મૃત્યુ થયા’નો આરોપ લગાવી ‘પોલીસને માર મારવાનો અધિકાર ન હોવાની’ વાત યાદ અપાવી રહ્યા છે.

પરિવારજનોએ આરોપી પોલીસ કર્મચારીઓ પર કાર્યવાહીની માગ સાથે આ મામલે ગુનો નોંધી તપાસ કરવા અરજી કરી છે. જ્યારે પોલીસે આ મામલે તપાસ કરી કાર્યવાહી કરવાની બાંયધરી આપી છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઘટના દાહોદના ચોસલા વિસ્તાર પાસે દાહોદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં બની હતી.

આ ઘટનાને પગલે મૃતકના પરિવારે મૃતદેહ લઈને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. ત્યાં મોટી સંખ્યામાં લોકો જમા થયા હતા. જેથી પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ પણ થયેલું.

આ મામલામાં ત્રણ દિવસ સુધી પરિવારે મૃતદેહ નહીં સ્વીકારતાં નોટિસ ફટકારાઈ હતી. પરંતુ ત્રણ દિવસ પછી મામલો થાળે પડતાં પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો. અને આખરે મૃતદેહના અંતિમ સંસ્કાર પણ કરી દેવાયા હતા.

નોંધનીય છે કે આ મામલામાં સ્થાનિક પોલીસે ‘પોલીસ પર હુમલા બદલ ફરિયાદ’ પણ નોંધી છે.

આ મામલામાં હજુ આરોપ-પ્રત્યારોપનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે.

આ ઘટનાને પગલે સર્જાયેલી સ્થિતિના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. જેમાંથી એક વીડિયોમાં દાહોદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન સામે ભીડ જામેલી દેખાય છે અને પોલીસ તથા ટોળા વચ્ચે ઘર્ષણ થઈ રહ્યો હોવાનાં દૃશ્યો દેખાઈ રહ્યાં છે.

બીજા એક વીડિયોમાં છે એમાં પોલીસ લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરતી દેખાઈ રહી છે. જ્યારે ત્રીજા વીડિયોમાં દાહોદ પોલીસ સ્ટેશનમાં એક યુવક એક મૃતકનું માથું પોતાના ખોળામાં લઈને બેઠો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં તે વ્યક્તિ તેમની આસપાસ બે-ત્રણ મહિલાઓ બેસીને રડતાં જોવા મળી રહ્યાં છે.

આ તમામ વીડિયો એક જ ઘટનાના પરિણામે સર્જાયેલી સ્થિતિના હોવાનું લાગી રહ્યું છે. જે ઘટના બાદ એ પછી થયેલાં પ્રદર્શનો, લાઠીચાર્જ, પોલીસ પર કથિત હુમલા સહિતની બાબતો દર્શાવતા હોઈ શકે છે.

જોકે, બીબીસી ગુજરાતી સ્વતંત્ર રીતે આ વીડિયોની પુષ્ટિ કે ખરાઈ નથી કરી શક્યું.

આ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ માટે બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો.

શું છે સમગ્ર મામલો?

પોલીસ સ્ટેશન

ઇમેજ સ્રોત, LAXMI PATEL

આ સમગ્ર મામલામાં પોલીસે આપેલી માહિતી અનુસાર દાહોદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડી-સ્ટાફના પોલીસકર્મીને બાતમી મળી હતી કે બે વાહનો પર સવાર થઈને ચાર વ્યક્તિઓ દારૂની હેરફેર કરી રહી છે. જેથી ગત 13મી નવેમ્બર-2023ના દિવસે ડી-સ્ટાફના કર્મીઓ વૉચ રાખીને બેઠા હતા. બે વાહનો પર ચાર વ્યક્તિઓ દેખાતાં પોલીસકર્મીઓએ તેમનો પીછો કર્યો હતો.

આ કર્મીઓ પર આરોપ લાગ્યો છે કે ભાઠીવાડા તરફથી આવી રહેલાં બે વાહનનો પીછો કરી પોલીસે વાહનો પાડી દીધાં હતાં અને તે વખતે પોલીસ કર્મચારીઓ દ્વારા આ ચાર વ્યક્તિઓને માર મારવામાં આવ્યો હતો. કથિતપણે આ મારના કારણે તેમાંથી એક વ્યક્તિ નીતિન સાંસીનું પોલીસની લાઠી વાગતાં મોત થયું હતું.

પોલીસે આપેલી વિગતો અનુસાર આ ઘટના બાદ મૃતદેહ લઈને પરિવારજનોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો સાથે પરિવારજનોની સાથે લગભગ 300-400 લોકોના ટોળાએ પોલીસ ઉપર હુમલો કર્યાનો આરોપ પણ લાગ્યો છે જેમાં પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હોવાનું પોલીસનું કહેવું છે.

આમ, પોલીસ ઉપર હુમલો કરવા સંદર્ભમાં રાયોટિંગનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે. જ્યારે કથિતરીતે પોલીસના મારથી મૃત્યુ પામવાના આરોપો મુદ્દે પરિવારજનોએ અરજી કરતાં મામલાની તપાસ કરાઈ રહી છે.

આ સમગ્ર ઘટનામાં ત્રણ દિવસના વિવાદ બાદ આખરે સામાજિક આગેવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની મધ્યસ્થીથી પરિવાજનોએ મૃતદેહ સ્વીકારીને અંતિમ સંસ્કાર પણ કરી દીધા છે.

મૃતકના પરિવારજનો આરોપી પોલીસ કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી તેમની ધરપકડની માગ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ પોલીસ પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આ મામલામાં આગળની કાર્યવાહી કરવાની ખાતરી આપી રહી છે.

‘પોલીસને માર મારવાનો અધિકાર નથી’

પોલીસ સ્ટેશન

ઇમેજ સ્રોત, LAXMI PATEL

મૃતકના ભાઈ સુનીલ સાંસીએ બીબીસી ગુજરાતી સાથેની વાતમાં કહે છે, "મારા ભાઈ દ્વારા કોઈ પણ પ્રકારનો અપરાધ કરવામાં આવ્યો હોય તો પણ પોલીસને મારવાનો અધિકાર નથી. પોલીસના કર્મચારીઓને મારા ભાઈ ઉપર શંકા હતી તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈતી હતી. ઘટના બની હતી તે દિવસે મારો ભાઈ દર્શન કરવા ગયો હતો. પોલીસ દ્વારા તેના માથામાં લાઠી મારવામાં આવી હતી જેના કારણે તેનું મોત થયું હતું."

તેઓ સમગ્ર ઘટના વિશે આગળ જણાવતાં કહે છે કે, "ગત 13મી તારીખની સવારે સાડા દસ વાગ્યે અમે બે ભાઈ તેમજ અમારા બીજા બે સંબંધી એમ કુલ ચાર લોકો સ્કૂટી અને બાઇક પર આવી રહ્યા હતા, ત્યારે દાહોદના ચોસલા પાસે પોલીસ દ્વારા મારા ભાઈના માથામાં લાકડી મારવામાં આવી હતી. પોલીસને શંકા હતી કે મારા ભાઈની પાસે દારૂ હતો, પરંતુ મારા ભાઈ પાસે દારૂ ન હતો."

સુનીલ પોલીસને કાયદા શાસનની યાદ અપાવતાં કહે છે કે, “જો મારા ભાઈ પાસે દારૂ હોય તો પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. માર ન મારવો જોઈએ. પોલીસ દ્વારા માર મારવાના કારણે મારા ભાઈનું મોત થયું છે."

તેઓ વધુમાં જણાવે છે કે, " મારા ભાઈને ન્યાય મળે તે માટે અમે મૃતદેહનો સ્વીકારવાની ના પાડી હતી. અમારી માગ હતી કે જ્યાં સુધી મારા ભાઈના હત્યારાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરીને આરોપીઓની ધરપકડ નહીં કરાય ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારીએ."

"પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો અને ત્યાર બાદ આ સમગ્ર ઘટનાને એક અકસ્માતમાં ખપાવવામાં આવી રહી છે."

જોકે, આ ઘટના અંગે મળેલી લેટેસ્ટ માહિતી અનુસાર પરિવારજનોએ બાદમાં મૃતદેહ સ્વીકારી અંતિમ વિધિ કરી દીધી હતી.

"મૃતદેહને લઈને અમે પોલીસ સ્ટેશન ગયા હતા. અમારા સમાજના લોકો ભેગા થયા હતા. બે બાળકોના યુવાન પિતાની લાશ જોઈને ટોળું ઉશ્કેરાઈ ગયું, જેને કારણે થોડી ઝપાઝપી થઈ. પોલીસ દ્વારા રાયોટિંગની ફરિયાદ દાખલ કરાઈ હતી. જે બાદ અમારા સમાજના નિર્દોષ લોકોની પણ ધરપકડ કરાઈ રહી છે."

રાયોટિંગના ગુનામાં ‘નિર્દોષોની ધરપકડ’ના આરોપ નકારતાં પોલીસે ઘટના બાદ ટોળા દ્વારા ‘પોલીસ સ્ટેશન અને પોલીસ કર્મચારી પર હુમલો કરાયા બાદ કાયદાકીય કાર્વયાહી’ કરાઈ હોવાની વાત કરી હતી.

સુનીલે આગળ કહ્યું હતું કે, "પોલીસના અધિકારીઓ દ્વારા 16 તારીખે અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે જો પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં પોલીસના મારના કારણે મોત થયાનું સામે આવશે તો જવાબદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાશે. અમારી તો માંગ છે કે મારા ભાઈને મારી નાખનાર પાંચેય પોલીસ કર્મચારીઓને કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરીને સજા કરવામાં આવે."

પરિવારે ફરિયાદમાં શું કહ્યું?

પોલીસ સ્ટેશન

ઇમેજ સ્રોત, LAXMI PATEL

ઘટના સમયે મૃતકની સાથે રહેલા ભાઈ સુનીલે દાહોદ પોલીસને આ ઘટના બાબતે અરજી આપી છે.

આ મામલે ‘પોલીસકર્મી દ્વારા તેમના ભાઈને લાકડીના ઘા મારી તેમની હત્યા કરવાના’ આરોપોવાળી ફરિયાદ અરજી સ્વરૂપે પોલીસમાં જમા કરાવાઈ છે.

સુનીલ સાંસી પોતાની અરજીમાં જણાવે છે કે, "હું (સુનીલ) તથા અમારા ભાઈ નીતિન અમે બંને સ્કૂટી પર માલ લઈ ભાઠીવાડા તરફથી આવતા હતા. તે દરમિયાન દાહોદ ગ્રામ્ય પોલીસ ડી-સ્ટાફ દ્વારા અમારા વાહનનો પીછો કરવામાં આવ્યો હતો. અમારી ગાડીની ટક્કર મારી અમને નીચે પાડી દેવાયા હતા. ત્યાર બાદ ગાડી પડી જતા અમને લાઠી (લાકડી)થી માર મારવામાં આવ્યો હતો."

"ત્યાર બાદ અમોને ત્યાં મૂકી અને સામેવાળા તમામ ડી-સ્ટાફના પોલીસ કર્મચારીઓ ભાગી ગયા હતા. અમને ગંભીર ઈજા થયેલી. જે બાદ અમારા ભાઈ નીતિનને ખાનગી હૉસ્પિટલે લઈ જતાં ત્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો."

"ત્યાર બાદ અમે દાહોદ પોલીસ સ્ટેશનમાં મારા ભાઈનો મૃતદેહ લઈને ગયા અમને એસપીએ ખાતરી આપી હતી કે અમે આ સામાવાળા સામે કાયદેસરની કાર્યવાહી કરીશું."

"સામાવાળા વિરુદ્ધ ઘટનાના બીજા દિવસે પણ કોઈ પણ જાતની કાર્યવાહી થઈ નથી. અમારી અરજ છે કે અમને ન્યાય મળે અને સામેવાળા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને જેલભેગા કરાય."

પરિવારના આરોપો વિશે પોલીસનું શું કહેવું છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

દાહોદ જિલ્લાના આસિસ્ટન્ટ એસપી કે. સિદ્ધાર્થે બીબીસી ગુજરાતી સાથે આ મામલે બીબીસી સાથે વાત કરી પોલીસનો પક્ષ મૂક્યો હતો.

તેમણે ઘટના વિશે જણાવતાં કહેલું કે, " મૃતક બુટલેગર હતો. તેમનું અકસ્માતમાં મોત થયું હતું. મૃતકના પરિવાર દ્વારા કરાઈ રહેલા તમામ આરોપો ખોટા છે. અમે અકસ્માતે મૃત્યુની ફરિયાદ નોંધીને તપાસ કરી રહ્યા છીએ. પોસ્ટમૉર્ટમના પ્રાથમિક રિપોર્ટ અનુસાર અકસ્માત ઈજા હોવાનું બહાર આવ્યું છે. અમે મૃતકના પરિવારની અરજી લીધી છે."

તેઓ વધુમાં જણાવે છે કે, "મૃતક અને તેના સાથીદારો દારૂ લઈને જઈ રહ્યા હતા. પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા પરંતુ તેઓ ભાગવાની કોશિશ કરી રહ્યા હતા. જેમાં તેમનો અકસ્માત થયો હતો. જેમાં નીતિનનું મોત થયું. અમે પ્રથમ દિવસથી કહી રહ્યા છીએ કે જો આમાં કોઈ પોલીસ કર્મચારી આરોપી હશે અને તેમના મારથી મૃત્યુ થયાનું સામે આવશે તો અમે પોલીસ કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરીશું."

ઘટના પછી થયેલા લાઠીચાર્જ વિશે જણાવતાં તેઓ કહે છે, “આ ઘટના બાદ ટોળા દ્વારા પોલીસ કર્મચારી પર હુમલો કરાયો હતો. પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી. જોકે, તેને તાત્કાલિક બચાવીને હૉસ્પિટલ લઈ જવાયો હતો. દાહોદ પોલીસ સ્ટેશનમાં ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 100 લોકો સામે નામજોગ તેમજ 300 અજાણ્યા લોકો સામે રાયોટિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં 34 લોકોની ધરપકડ કરાઈ છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે."

મૃતકના પરિવારને મૃતદેહનો કબજો સંભાળવા અંગે આપવામાં આવેલી નોટિસ અંગે પોલીસ અધિકારી કે. સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, "પરિવાર દ્વારા મૃતદેહનો કબજો લેવામાં આવતો ન હોવાથી નોટિસ આપવામાં આવી હતી. અમે પીએમ રિપોર્ટના આધારે કસૂરવાર સામે કાર્યવાહી કરવાની તેમને પ્રથમ દિવસે જ ખાતરી આપી હોવા છતાં પરિવાર દ્વારા મૃતદેહનો કબજો ન લેવાતો હોવાથી નોટિસ અપાઈ હતી."

રેડ લાઇન
રેડ લાઇન