એ ભારતીય જવાન, જેણે એકલા હાથે હિટલરના કૅમ્પને ઉડાવી દીધો હતો

- લેેખક, ગણેશ પોલ
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
મરાઠી સૈનિક યશવંત ઘાડગેની યાદમાં ઇટાલીના મૉન્ટોન શહેરમાં તાજેતરમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે.
આ સ્મારકનું નિર્માણ ઇટાલી સરકાર અને ભારતીય દૂતાવાસે સાથે મળીને કર્યું છે. એ સ્મારક બીજા વિશ્વયુદ્ધમાં ભારતીય સૈનિકોની બહાદુરી અને બલિદાનનું પ્રતીક હોવાનું જણાવવામાં આવ્યું છે.
એ ઉપરાંત આ સ્મારકને લીધે ભારત અને ઇટાલી વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનશે, એવું પણ ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું છે.
2023ની 22 જુલાઈએ યોજવામાં આવેલા સ્મારક નિર્માણ સમારંભમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ, મૉન્ટોનને મેયર, સૈન્ય અધિકારીઓ, લશ્કરી ઇતિહાસકારો અને ઇટાલીના નાગરિકો હાજર રહ્યા હતા. એ પ્રસંગે વિશેષ પોસ્ટકાર્ડ પણ બહાર પાડવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્રના રાયગડના એક ગામમાં જન્મેલા યશવંત ઘાડગેએ દાખવેલી બહાદુરી બદલ ઇટાલીમાં સ્મારક બનાવવામાં આવે એ મહારાષ્ટ્ર તથા ભારત માટે ગૌરવની વાત ગણાય.
સૈન્યમાં કેવી રીતે જોડાયા હતા યશવંત?

ઇમેજ સ્રોત, EMBASSY OF INDIA ROME(ITALY)
યશવંત ઘાડગેનો જન્મ રાયગડના માનગાંવ તાલુકાના પલાસગાંવ-આંબ્રેચી વાડીમાં ગરીબ, ખેડૂત પરિવારમાં થયો હતો. તેમનાં માતાનું નામ વિઠાબાઈ અને પિતાનું નામ બાલાજીરાવ હતું. યશવંતને એક ભાઈ અને ચાર બહેનો હતી.
યશવંત માત્ર ત્રણ મહિનાના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. યશવંતના મોટાભાઈ વામન એ વખતે જ સૈન્યમાં જોડાયા હતા.
પતિના અવસાન બાદ ઘરની સ્થિતિ દયનીય બની હોવાથી વિઠાબાઈ ખેતરમાં કામ કરવાની સાથે મજૂરી પણ કરતાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
યશવંતને પલાસગાંવની મરાઠી શાળામાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે 11 વર્ષની વયે ચોથા ધોરણની પરીક્ષા પાસ કરી હતી.
પરિવાર ગરીબ હોવાને કારણે ઉચ્ચ અભ્યાસ માટે શહેરમાં જવાનું અશક્ય હતું. તેથી યશવંત લોકોના ખેતરમાં કામ કરવા લાગ્યા હતા.
છ વર્ષ પછી મોટાભાઈ વામન લશ્કરમાંથી નિવૃત્ત થઈને ગામમાં પાછા આવ્યા ત્યારે યશવંતને પણ મોટાભાઈની માફક સૈન્યમાં જોડાવાની ઇચ્છા થઈ હતી.
તેમને લાઠીદાવ ખેલવાનો અને કસરત કરવાનો શોખ હતો. તેમનું શરીર પાતળું, પણ મજબૂત હતું, યશવંત સૈન્યમાં ન જોડાય તેવું વિઠાબાઈ ઇચ્છતાં હતાં, પરંતુ મોટા દીકરાના આગ્રહને કારણે વિઠાબાઈ મજબૂર થઈ ગયાં હતાં.
આખરે માતાએ યશવંતને શરતી પરવાનગી આપી હતી. તેમણે યશવંતને કહ્યું હતું કે તું સૈન્યમાં જોડાતા પહેલાં લગ્ન કરી લઈશ તો હું તને જવા દઈશ. યશવંતે માતાની શરત સ્વીકારી લીધી હતી.
યશવંતે 1937માં 18 વર્ષની વયે પાટણૂસના પાંડુરંગ મહામુંકરનાં પુત્રી લક્ષ્મીબાઈ સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નના બીજા જ વર્ષે 1938માં તેઓ પાંચમી મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીમાં સૈનિક તરીકે જોડાયા હતા.
સૈન્યમાં તેમની કામગીરી જોઈને તેમને ટૂંક સમયમાં નાઈકના પદર પર બઢતી આપવામાં આવી હતી.
તે સમયે બીજા વિશ્વયુદ્ધનો પવન ફૂંકાવા લાગ્યો હતો. જર્મની, ઇટાલી અને જાપાનનું એક જૂથ બન્યું હતું, જ્યારે ફ્રાન્સ, બ્રિટન, સોવિયેત સંઘ અને અમેરિકાએ બીજું જૂથ બનાવ્યું હતું.

બીજા વિશ્વયુદ્ધમાં યશવંત ઘાડગેની કામગીરી

ઇમેજ સ્રોત, Getty Images
બીજું વિશ્વયુદ્ધ 1939થી 1945 દરમિયાન થયું હતું. લશ્કરી ઇતિહાસકાર મનદીપસિંહ બાજવાના જણાવ્યા અનુસાર, પાંચમી મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીને બ્રિટિશ દળો સામે લડવા માટે ઇટાલી મોકલવામાં આવી હતી. એ સમયે નાઈક યશવંત ઘાડગે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીમાં મહત્ત્વની જવાબદારી સંભાળતા હતા. તેમની ટુકડી સાથી રાષ્ટ્રો વતી ઇટાલી અને જર્મની સામે લડી રહી હતી.
બીજું વિશ્વયુદ્ધ ચરમસીમા પર હતું. 1944ની 10 જુલાઈએ યશવંત ઘાડગે અને તેમની ટુકડી જર્મન દળોના તાબામાંની એક છાવણી કબજે કરવા ઇટાલીની ટાયબર નદીની કોતરમાં પ્રવેશી હતી.
“એ વખતે જંગલમાં છુપાયેલા જર્મન સૈનિકોએ તેમના પર અચાનક હુમલો કર્યો હતો. બંને બાજુથી બંદૂકો, ટોમી ગનમાંથી ગોળીબાર તથા તોપમારો શરૂ થયો હતો. ઘાડગેની ટુકડી પર દુશ્મનોએ મોટી મશીનગન વડે જોરદાર ગોળીબાર કર્યો હતો. તેમાં તેમના મોટા ભાગના સાથીઓ માર્યા ગયા હતા. કોઈ સાથી સૈનિક બચ્યો ન હોવા છતાં ઘાડગે ત્યાંથી ભાગ્યા ન હતા. જર્મનોના તાબા હેઠળની છાવણી કબજે ન કરી ત્યાં સુધી તેઓ લડતા રહ્યા હતા,” એમ મનદીપસિંહ બાજવાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું.
ઘાડગેએ સૌથી પહેલાં મશીનગન તરફ ગ્રૅનેડ ફેંક્યો હતો. તેથી શત્રુની મશીનગન નકામી થઈ ગઈ હતી. એ પછી તરત જ તેમણે શત્રુ સૈન્ય પર ટોમી ગનથી જોરદાર ગોળીબાર કર્યો હતો.
શત્રુ સૈન્યની છાવણીની ચોકી કરી રહેલા ઇટાલીના ચાર સૈનિકો ઘાડગેએ કરેલા હુમલામાં માર્યા ગયા હતા. સાથી સૈનિકો માર્યા ગયા હોવા છતાં ઘાડગે જર્મન સૈનિકો પર ભારે પડ્યા હતા.
દુશ્મનો સામે જીવસટોસટની લડાઈ લડી રહેલા યશવંતને અચાનક અહેસાસ થયો કે તેમની પાસે કારતૂસ અને ગ્રૅનેડનો જે ભંડાર હતો તે ખતમ થઈ ગયો છે. બીજો કોઈ વિચાર કર્યા વિના તેમણે હાથમાં બંદૂક લઈને દુશ્મન સૈનિકો પર હુમલો કર્યો હતો.
તેઓ બંદૂકના કુંદા વડે શત્રુ સૈનિકોને ફટકારવા લાગ્યા હતા. આખરે ઘાડગેની ટુકડીએ ગોથિક લાઇન કબજે કરી લીધી હતી, પરંતુ બાજુની કોતરમાં છુપાયેલા એક જર્મન સૈનિકે લાગ જોઈને યશવંત પર ગોળીબાર કર્યો હતો.
ગોળી નિશાન પર વાગી હતી અને એ દિવસે એટલે કે 1944ની 10 જુલાઈએ યશવંતનું મૃત્યુ થયું હતું. એ સમયે તેઓ માત્ર 22 વર્ષના હતા. તેઓ બહાદુરીથી લડ્યા હતા, પરંતુ તેમનો મૃતદેહ મળ્યો ન હતો.
સેવાનિવૃત્ત લેફટનન્ટ જનરલ ડી. બી. શેકટકરે પણ યશવંત ઘાડગેની બહાદુરીની પુષ્ટિ કરી હતી.
બીબીસી સાથે વાત કરતાં શેકટકરે કહ્યું હતું, “યશવંત ઘાડગેનું તેમની બહાદુરી તથા સાહસ માટે દિલ્હીના લાલ કિલ્લા સામે ખીચોખીચ ભરાયેલા દરબારમાં વિક્ટોરિયા ક્રૉસથી મરણોપરાંત સન્માન કરવામાં આવ્યું હતું. બ્રિટિશ સૈન્યમાં વિક્ટોરિયા ક્રૉસને સર્વોચ્ચ સન્માન ગણવામાં આવે છે.”
ઘાડગેનાં પત્ની લક્ષ્મીબાઈને ગવર્નર જનરલ અને ફિલ્ડ માર્શલ લૉર્ડ વેવેલના હસ્તે સન્માન પદક અર્પણ કરવામાં આવ્યું હતું.
નાઈક યશવંતરાવ ઘાડગેની સ્મૃતિમાં માણગાંવની મામલતદાર ઑફિસ નજીક તેમની પ્રતિમા પણ મૂકવામાં આવી છે. માણગાંવમાં દર વર્ષે 9 જાન્યુઆરીએ ઘાડગે મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
યશવંત ઘાડગેના પરાક્રમની વિગતવાર માહિતી લંડન ગૅઝેટ, લંડનના નેશનલ આર્મી મ્યુઝિયમ, મહારાષ્ટ્ર નાયક (રાજ્ય મરાઠી વિકાસ સંસ્થાન, મહારાષ્ટ્ર સરકાર) અને ભારતીય સૈન્યના દસ્તાવેજોમાં સંઘરાયેલી છે.

બીજા વિશ્વયુદ્ધમાં મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીનું યોગદાન

મુંબઈમાં 1768ની ચોથી ઑગસ્ટે મરાઠા રેજિમેન્ટની રચના કરવામાં આવી હતી. એ સમયે તેને પ્રથમ મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી કહેવામાં આવતી હતી.
સેવાનિવૃત્ત લેફટનન્ટ જનરલ ડી.બી. શેકટકરે જણાવ્યું હતું કે મરાઠા રેજિમેન્ટે પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
તેમણે કહ્યું હતું, “ઇટાલીમાં અભિયાન દરમિયાન મરાઠા રેજિમેન્ટની આકરી પરીક્ષા થઈ હતી, કારણ કે તેમની સામે ઇટાલીનું સૈન્ય હતું. મરાઠા રેજિમેન્ટે સીટા ડી કાસ્ટેલો અને સેનિયો નદીના તટ પર કરેલી કામગીરીને આજે પણ યાદ કરવામાં આવે છે. ત્યાં કરેલા પરાક્રમ બદલ સોલાપુરના નામદેવ જાધવને પણ વિક્ટોરિયા ક્રૉસ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.”
તેમણે ઉમેર્યું હતું, “એ ઉપરાંત બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મરાઠા સૈન્ય ઈશાન ભારતમાં જાપાની લશ્કર સામે પણ લડ્યું હતું. એ લડાઈમાં કરેલા પ્રદર્શન બદલ મરાઠા રેજિમેન્ટને બેટલ ઑફ ઑનર ખિતાબ આપવામાં આવ્યો હતો.”














