ભારતીય 'શાહજાદી' જેને યુએઈમાં મોતની સજા અપાઈ, ભારતમાં પરિવારજનો શું કહે છે?

- લેેખક, સૈયદ મોઝિઝ ઇમામ
- પદ, બીબીસી ન્યૂઝ
"13 ફેબ્રુઆરીની રાત્રે 11 વાગ્યે મારી દીકરીનો ફોન આવ્યો. પહેલાં તે રડતી રહી અને પછી મને કહ્યું કે મને એક અલગ કોટડીમાં રાખવામાં આવી છે. આજે સાંજ સુધીમાં અથવા આવતીકાલે સવારે મોતની સજા અપાઈ જશે. તેણે કહ્યું કે હવે તે બચી શકશે નહીં. આ તેનો છેલ્લો કૉલ હોઈ શકે છે."
શાહજાદીના પિતા શબ્બીર અહેમદ આ વાત કહેતા કહેતા રડવા લાગ્યા. તેઓ સતત કહેતા રહ્યા કે તેની દીકરી નિર્દોષ હતી.
હવે વિદેશ મંત્રાલયે દિલ્હી હાઇકોર્ટને જણાવ્યું છે કે શાહજાદીને 15 ફેબ્રુઆરીએ મોતની સજા આપવામાં આવી છે. 5 માર્ચે અબુ ધાબીમાં તેમની અંતિમ વિધિ થશે.
ઍડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું કે શાહજાદીને ફાંસીની સજા અપાઈ ગઈ છે.
શાહજાદીને મોતની સજા કેમ મળી?

શાહજાદી વતી કોર્ટમાં હાજર રહેલા ઍડ્વોકેટ માઝ મલિકે પણ કહ્યું કે વિદેશ મંત્રાલયે તેને મૃત્યુદંડ અપાયો હોવાની વાતની પુષ્ટિ કરી છે.
33 વર્ષીય શાહજાદીને 10 ફેબ્રુઆરી 2023ના રોજ અબુ ધાબી પોલીસને સોંપવામાં આવી હતી. 31 જુલાઈ 2023ના રોજ તેને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી.
વાસ્તવમાં શાહજાદી ડિસેમ્બર 2021માં અબુધાબી ગયાં હતાં. તેઓ ઑગસ્ટ 2022થી ત્યાં એક ઘરમાં સહાયક તરીકે કામ કરતા હતા. તેમના પર ચાર મહિનાના એક બાળકની હત્યા કરવાનો આરોપ હતો જેની તેઓ સારસંભાળ રાખતાં હતાં.
શાહજાદીના સંબંધીઓના જણાવ્યા અનુસાર ચાર મહિનાના બાળકનું મોત ખોટી રીતે રસી અપાવાના કારણે થયું હતું. તેમની દલીલ છે કે તેથી જ આ મામલે અગાઉ કોઈ કેસ દાખલ કરવામાં આવ્યો ન હતો, પરંતુ લગભગ બે મહિના પછી બાળકના પરિવારજનોએ આ મામલે કેસ કર્યો જેના કારણે તેમની છોકરી ફસાઈ ગઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શાહજાદીના પિતા શબ્બીરના જણાવ્યા મુજબ તેમની દીકરી 15 ડિસેમ્બર 2021ના રોજ અબુધાબી ગયાં હતાં. તેઓ જે બાળકની દેખભાળ રાખતાં હતાં, તેનું 7 ડિસેમ્બર 2022ના રોજ મૃત્યુ થયું હતું. ત્યારબાદ 10 ફેબ્રુઆરી 2023ના રોજ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
શાહજાદી જેલમાં હતા ત્યારે બીબીસીએ આ અંગે મૃત બાળકના પિતા ફૈઝ અહેમદનો સંપર્ક કર્યો હતો.
મૃતકના પિતાએ જવાબમાં જણાવ્યું કે, "શાહજાદીએ નિર્દયતાથી અને જાણી જોઈને મારા પુત્રની હત્યા કરી હતી એ વાત યુએઈના અધિકારીઓની તપાસમાં સાબિત થઈ છે. એક પિતા તરીકે મારી મીડિયાને વિનંતી છે કે તેઓ અમારી પીડાને સમજે."
બીજી તરફ શાહજાદીના પિતાનો આરોપ હતો કે તેમની દીકરીને ફસાવી દેવામાં આવ્યાં હતાં.
શબ્બીર કહે છે કે તેઓ બાળકના પરિવારને મળવા આગ્રા પણ ગયા હતા, પરંતુ તેઓ તેમની વાત સાંભળવા તૈયાર ન હતા. શબ્બીર કહે છે, "હું વિદેશ મંત્રાલયના અધિકારીઓને મળવા માટે દિલ્હી પણ ગયો હતો, પરંતુ મને કોઈ જવાબ મળ્યો નહોતો."
સોશિયલ મીડિયાથી શરૂ થયેલી સફર અબુ ધાબીની જેલ સુધી પહોંચી

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રોજગાર અને સારી સારવારની આશાએ શાહજાદી યુએઈની રાજધાની અબુ ધાબી ગયાં હતાં. તેઓ ઉત્તર પ્રદેશના બાંદાના ગોયરા મોગલી ગામનાં રહેવાસી હતાં.
શાહજાદીનું ગામ ગોયરા મોગલી બાંદા શહેરથી લગભગ દસ કિલોમીટર દૂર આવેલું છે. ઘરમાં તેમના પિતા શબ્બીર અને માતા નાઝરા રહે છે.
સોશિયલ મીડિયા પર અકસ્માતે થયેલી એક મિત્રતામાંથી શાહજાદીની અબુ ધાબી જવાની કહાણી ઉત્પન્ન થઈ હતી.
તેના પરિવારજનોનું કહેવું છે કે તેઓ મિલનસાર હતાં. તેમને લોકોને મળવાનું ગમતું. શાહજાદીનાં માતાએ જણાવ્યું કે બાળપણમાં તેમનો ચહેરો બળી ગયો હતો. શાહજાદી તેમના ચહેરા પરનાં નિશાન કાયમ માટે ભૂંસી નાખવા માંગતાં હતાં.
તેઓ સારવાર માટે સંઘર્ષ કરતાં હતાં ત્યારે ફેસબૂક પર તેમની મુલાકાત આગ્રાના ઉઝૈર સાથે થઈ. શાહજાદીનાં માતાના જણાવ્યાં અનુસાર શાહજાદીને કહ્યું હતું કે તે તેને અબુ ધાબીમાં નોકરી અપાવશે અને તેની સારવાર પણ કરાવશે.
શાહજાદીના પિતા શબ્બીરે જણાવ્યું કે, શાહજાદી સોશિયલ મીડિયાથી જે વ્યક્તિના સંપર્કમાં આવી હતી તેણે તેને તેના સંબંધીના ઘરે કામ કરવા માટે અબુ ધાબી મોકલી હતી. શબ્બીરના જણાવ્યા અનુસાર 2021માં આગ્રાના ઉઝૈરે શાહજાદીને ટૂરિસ્ટ વિઝા પર અબુ ધાબી મોકલી હતી. ત્યાં તે ઉઝૈરના સગાસંબંધીના ઘરે કામ કરવા લાગ્યાં. તેમનું મુખ્ય કામ ચાર મહિનાના બાળકની સારસંભાળ રાખવાનું હતું.
શાહજાદીના પિતાએ જણાવ્યું કે તેમનાં પુત્રી નિયમિતપણે અબુ ધાબીથી વીડિયો કૉલ કરતાં હતાં. ઘણી વખત તેઓ ચાર મહિનાના બાળકને પણ દેખાડતાં જેની તેઓ સારસંભાળ રાખતાં હતાં. પછી અચાનક એક દિવસ તેમનો ફોન રણકતો બંધ થયો. બાદમાં તેમને સગાસંબંધીઓ પાસેથી ખબર પડી કે શાહજાદી અબુ ધાબીની જેલમાં બંધ છે.
શાહજાદીના ગામના લોકો શું કહે છે

બાંદાના ગોયરા મોગલી ગામના લોકો શાહજાદીને સામાજિક રીતે સક્રિય વ્યક્તિ તરીકે યાદ કરે છે.
ગામના રહેવાસી મોહમ્મદ નઇમે જણાવ્યું કે "તેઓ ક્યારેય કોઈ કામ કરવાની ના પાડતાં ન હતાં. તેઓ લોકોનાં રેશન કાર્ડ અને નાના-મોટા સરકારી કામો પણ કરાવી આપતાં હતાં."
સ્થાનિક પત્રકાર રાનુ અનવર રઝાએ જણાવ્યું કે તેઓ હંમેશા ગામલોકોની મદદ માટે તૈયાર રહેતાં તેથી તેઓ મીડિયાના લોકો માટે પણ તેઓ જાણીતી વ્યક્તિ હતાં. તે એક સામાન્ય યુવતી હતાં, પરંતુ અબુ ધાબીમાં જે થયું તે અવિશ્વસનીય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












