RCBના વિજય સરઘસમાં ભાગદોડથી 11 લોકોનાં મોત, દુર્ઘટના કેવી રીતે થઈ?

    • લેેખક, ઇમરાન કુરેશી
    • પદ, બૅંગ્લુરુથી બીબીસી હિન્દી માટે

બૅંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડથી કમસે કમ 11 લોકોનાં મોત થયાં છે અને 33 લોકો ઘાયલ થયા છે.

કર્ણાટકના મુખ્ય મંત્રીએ પત્રકારપરિષદમાં આ માહિતી આપી છે. તેમજ આ મામલે મૅજિસ્ટ્રેટ તપાસની જાહેરાત પણ કરાઈ છે.

18 વર્ષના ઇંતેજાર બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ ટુર્નામેન્ટમાં રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુનો વિજય થયો છે.

આ માટે આયોજિત સન્માન સમારંભમાં ભાગ લેવા માટે લાખોની સંખ્યામાં મહિલાઓ, વૃદ્ધો અને બાળકો પણ સામેલ થયાં હતાં, આ દરમિયાન નાસભાગ થઈ હતી, જેમાં અનેક લોકો ઘાયલ થયા છે.

વરિષ્ઠ પોલીસ અધિકારીએ બીબીસી હિંદી સાથેની વાતચીતમાં કહ્યું, "ચિન્નાસ્વામી સ્ટેડિયમના દરવાજા પર ભાગદોડ થવાને કારણે 10 લોકોનાં મૃત્યુ થયા છે."

"સ્ટેડિયમના દરવાજા હજુ ખૂલ્યા ન હતા, ત્યારે કેટલાક લોકોએ નાના દરવાજામાંથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ભાગદોડ થઈ હતી."

નામ ન આપવાની શરતે એક પોલીસ અધિકારીએ બીબીસીને જણાવ્યું કે "અંદાજે એક લાખ લોકો આવે તેવો અંદાજ હતો, પરંતુ સંખ્યા બે લાખની આસપાસ પહોંચી ગઈ. સ્ટેડિયમની આસપાસ પણ ઘણા લોકો એકઠા થયા હતા."

વિક્ટ્રી પરેડ કૅન્સલ કરાઈ

વડા પ્રધાન કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "બૅંગ્લુરુની ઘટના ખૂબ જ દુખદાયક છે. દુખની આ ઘડીએ જે લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે, તેવા લોકો પ્રત્યે સંવેદના છે. હું કામના કરું છું કે ઘાયલે જલદી સ્વસ્થ થઈ જાય."

આરસીબીની ટીમ વિશેષ વિમાનમાં જૂના એચએએલ (હિંદુસ્તાન ઍરોનોટિકલ લિમિટેડ) ઍરપૉર્ટ ખાતે પહોંચી હતી, જ્યાં કર્ણાટકના નાયબ મુખ્ય મંત્રી ડીકે શિવકુમારે તેમને આવકાર્યા હતા અને તેમને સરઘસ સ્વરૂપે એક હોટલમાં લઈ જવાયા હતા.

સ્વાગત સમારંભ પહેલાં રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, મુખ્ય મંત્રી સિદ્ધારમૈયા તથા અન્ય મંત્રીઓએ ટીમનું અભિવાદન કર્યું હતું. એ પછી ટીમે ફરીથી સરઘસ સ્વરૂપે સ્ટેડિયમ જવાનું હતું.

પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે, લગભગ એક લાખ લોકો ઊમટી પડશે, તેવું અનુમાન હતું, પરંતુ એથી બમણી સંખ્યામાં લોકો વિજય સરઘસમાં જોડાયા હતા.

આ દરમિયાન વરસાદ પડવાને કારણે નાસભાગ મચી ગઈ અને આરસીબીની ટીમ હોટલમાં પરત ફરી ગઈ.

શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી લોકો આરસીબી તથા વિશેષ કરીને '18 નંબર'ની જર્સી પહેરીને પોતાના વાહનોમાં સ્ટેડિયમ તરફ આગળ વધ્યા હતા. મેટ્રો ટ્રેનોમાં પણ ભારે ભીડ હતી અને કેટલાક લોકો મેટ્રોમાં પણ બેસી શક્યા ન હતા. લોકોએ 'આરસીબી.....આરસીબી.....'ના નારા લગાવ્યા હતા.

ઑટો રિક્ષા તથા ટૅક્સીવાળાઓએ સ્ટેડિયમ પાસે જવાનો ઇનકાર કરી દીધો હતો અને જેમણે પૅસેન્જર બેસાડ્યા હતા, તેઓએ પણ સ્ટેડિયમથી ત્રણ કિલોમીટર દૂર જ સવારીઓને ઉતારી દીધી હતી.

નાસભાગના અહેવાલ ફેલાતા લોકો મેટ્રોસ્ટેશન તરફ વધવા લાગ્યા હતા. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે અધિકારીઓએ સ્ટેડિયમની આજુબાજુનાં મેટ્રોસ્ટેશન બંધ કરી દેવાં પડ્યાં હતાં.

મુખ્ય મંત્રીએ શું કહ્યું?

નાસભાગની ઘટના બાદ મુખ્ય મંત્રી સિદ્ધારમૈયા પત્રકારપરિષદ કરી હતી અને મૃતકોના પરિવારજનોને રૂપિયા 10 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી.

તેમણે કહ્યું, "બૅંગ્લુરુની સમગ્ર પોલીસને તહેનાત કરવામાં આવી હતી. આવી ઘટના નહોતી ઘટવી જોઈતી. અમે પીડિતોની સાથે છીએ."

સીએમ સિદ્ધારમૈયાએ ઍક્સ પર પોસ્ટ મૂકીને સંવેદના વ્યક્ત કરી. તેમણે લખ્યું, "બૅંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબીની ટીમના વિજયના કાર્યક્રમ દરમિયાન નાસભાગમાં અનેક લોકોનાં મૃત્યુ તથા ગંભીર રીતે ઘાયલ થવા અંગે જાણીને મને ઊંડો આઘાત લાગ્યો છે."

તેમણે લખ્યું, "આ દુર્ઘટનાએ વિજયના ઉત્સાહને ખતમ કરી નાખ્યો. મૃતકોના આત્માને શાંતિ મળે. હું ઘાયલો તથા હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકો વહેલામાં વહેલી તકે સ્વસ્થ થાય તેવી કામના કરું છું."

સિદ્ધારમૈયાના કહેવા પ્રમાણે, આ પ્રકારની ભાગદોડ તથા ભીડ બેકાબૂ બનશે તેવી આશંકાને પગલે જ ટીમને વિક્ટ્રી પરેડમાં માર્ચ કરવા માટે મંજૂરી આપવામાં નહોતી આવી. સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે સ્ટેડિયમની પાસે લોકોની ભીડને કારણે નાસભાગ થવાથી આ દુર્ઘટના થઈ.

સીએમે લખ્યું, "હું જનતાને અપીલ કરું છું કે તેઓ સમજે કે તેમનું જીવન અનમોલ છે અને તેઓ પોતાની સલામતીને પ્રાથમિકતા આપે."

ડીકે શિવકુમારે સોશિયલ મીડિયમ પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "લોકો આઈપીએલમાં આરસીબીના વિજયના સાક્ષી બનવા માટે આવ્યા હતા, પરંતુ આ ત્રાસદીથી અમને ખૂબ જ દુખ પહોંચ્યું છે. જેમનાં મૃત્યુ થયાં છે, તેમના પરિવાર પ્રત્યે સંવેદના."

"આ વિજય પર અમને ગર્વ છે, પરંતુ તે લોકોના જીવ કરતાં મોટો ન હોઈ શકે. હું લોકોને અપીલ કરું છું કે તેઓ પોતાની સુરક્ષાનું ધ્યાન રાખે."

ભાજપે રાજ્ય સરકારને જવાબદાર ગણાવી

બૅંગ્લુરુમાં થયેલી ભાગદોડ અંગે ભાજપે કર્ણાટક સરકારને જવાબદાર ગણાવી છે.

કર્ણાટક ભાજપે રાજ્યની કૉંગ્રેસ સરકાર પર નિશાન સાધતા ઍક્સ પર લખ્યું કે "7 લોકોનાં મોત. કૉંગ્રેસ સરકારની બેજવાબદારીને લીધે મચેલી ભાગદોડમાં અનેક લોકો જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. ભીડને નિયંત્રિત કરવા કોઈ ઉપાય નથી. કોઈ પ્રાથમિક વ્યવસ્થા નથી. માત્ર અરાજકતા."

કર્ણાટક ભાજપે કર્ણાટકના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયા અને ઉપમુખ્ય મંત્રી ડીકે શિવકુમાર પર નિશાન સાધતા લખ્યું, "જ્યારે નિર્દોષ લોકો મરતા હતા ત્યારે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર ક્રિકેટરો સાથે રીલ શૂટ કરવામાં અને લાઇમલાઇટમાં આવવામાં વ્યસ્ત હતા. આવી કૉંગ્રેસ સરકારને શરમ આવવી જોઈએ. આ ગુનાહિત બેદરકારી છે."

કર્ણાટક વિધાન પરિષદના વિપક્ષના નેતા અને ભાજપ એમએલસી નારાયણસ્વામીએ કહ્યું, "આ ત્રાસદી સરકારને કારણે થઈ છે. તેમને એ વાતનો કોઈ અંદાજ નહોતો કે કેટલા લોકો આવશે, શું સાવધાની રાખવી પડશે. આ સુરક્ષામાં ચૂક છે."

બીસીસીઆઈએ શું કહ્યું?

બીસીસીઆઈના ઉપાધ્યક્ષ અને કૉંગ્રેસ સાંસદ રાજીવ શુક્લા અનુસાર, કોઈને અંદાજ નહોતો કે અચાનક ભીડ આ રીતે ઊમટી પડશે.

રાજીવ શુક્લાએ કહ્યું, "ભીડ બહુ થઈ ગઈ હતી. અચાનક આ કાર્યક્રમ નક્કી થયો હતો. આ અંદાજ કોઈને નહોતો. ફ્રેન્ચાઇઝીને પણ તેનો અંદાજ નહોતો કે અચાનક ભીડ આ રીતે ઊમટી પડશે. આ અચાનક થયેલી દુર્ઘટના છે, જેને લઈને બધા દુખી છે. મૃતકોના પરિવારજનો અને ઘાયલોની શક્ય એટલી મદદ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે."

તેમણે એ પણ કહ્યું કે આ દુર્ઘટના પર રાજકારણ ન થવું જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન