ગુજરાતમાં આગામી ત્રણ દિવસ હજુ ભારે વરસાદની આગાહી, નવરાત્રિના મધ્યમાં કયા કયા જિલ્લામાં વરસાદ પડશે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સારું રહ્યા પછી હવે વરસાદ ઘટતો જાય છે, છતાં હજુ ત્રણ દિવસ સુધી વરસાદ પડશે તેવી આગાહી છે.

હવામાન વિભાગના ડેટા પ્રમાણે કચ્છમાં હવામાન સૂકું છે, પરંતુ સાઉથ ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ હજુ પડે છે.

ગુજરાત, પંજાબ અને રાજસ્થાન જેવાં રાજ્યોમાં ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે તેના કારણે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં બહુ ઓછો વરસાદ પડ્યો છે અને માત્ર 11 જગ્યાએ હળવા ઝાપટાં નોંધાયાં છે. ડાંગના આહવામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 0.39 ઇંચ વરસાદ પડ્યો છે.

ભાવનગરના તળાજામાં પણ 0.39 ઇંચ, ડાંગના વઘઇમાં 0.35 ઇંચ, કચ્છના માંડવીમાં 0.24 ઇંચ વરસાદ થયો છે. આ ઉપરાંત ચોટીલા, પારડી, સોનગઢ, લીલિયા, જેસર, પડધરી અને નવસારીમાં પણ 0.04થી લઈને 0.24 ઇંચ સુધી વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે.

હવે કઈ જગ્યાએ વરસાદ પડશે

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત

ઇમેજ સ્રોત, imd

અમદાવાદસ્થિત હવામામ વિભાગના બુલેટિન પ્રમાણે 25 અને 26 સપ્ટેમ્બરે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા બહુ જ ઓછી છે, પરંતુ 27 સપ્ટેમ્બર, શનિવારથી લઈને 29 સપ્ટેમ્બર સોમવાર સુધી ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.

27 સપ્ટેમ્બરે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાંછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી છે. આ તમામ વિસ્તારો માટે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

શનિવારે કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પણ પડી શકે છે. આવા જિલ્લાઓમાં આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલીનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને શનિવારે છૂટાંછવાયાં સ્થળે વરસાદ પડી શકે છે.

28 સપ્ટેમ્બર, રવિવારે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલીમાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ તમામ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી છે.

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત

ઇમેજ સ્રોત, IMD

આ ઉપરાંત રવિવારે એક ડઝનથી વધારે જિલ્લામાં અમુક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે એવું હવામાન વિભાગની આગાહીમાં જણાવાયું છે. રવિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે.

29 સપ્ટેમ્બર, સોમવારે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાંછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી છે. આ ઉપરાંત દીવ, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડશે એવું હવામાન વિભાગનું કહેવું છે.

અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે અને આવતી કાલે આકાશ મોટા ભાગે સ્વચ્છ રહેશે. જોકે, અમુક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે.

ગુજરાતની આસપાસ હાલમાં કઈ વરસાદી સિસ્ટમ કામ કરે છે?

વીડિયો કૅપ્શન, બંગાળની ખાડીમાં આજે બનશે સિસ્ટમ, ગુજરાતમાં કઈ તારીખથી ભારે વરસાદ?

અમદાવાદસ્થિત હવામાન વિભાગનું કહેવું છે કે પંજાબ, હરિયાણા, દિલ્હી, ચંદીગઢમાંથી ચોમાસાએ વિદાય લીધી છે અને ગુજરાત તથા રાજસ્થાનમાં પીછેહઠ ચાલુ છે.

મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં આજે વધુ વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લેશે.

આ દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર અને પડોશના વિસ્તારોમાં સમુદ્રની સપાટીથી 1.5 કિમીથી લઈને 4.5 કિમીની ઊંચાઈ સુધી એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે. મ્યાનમાર અને બંગાળની ખાડી પર એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ છે જેના કારણે લો પ્રેશર એરિયા રચાયો છે અને આગળ વધી રહ્યો છે.

આગામી દિવસોમાં તે બંગાળની ખાડી, દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશ પર ડિપ્રેશન પેદા કરે તેવી શક્યતા છે જેના કારણે ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં 111 ટકાથી વધુ વરસાદ

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત

ઇમેજ સ્રોત, gsdm

દરમિયાન ગુજરાતમાં અત્યાર સુધીમાં 111 ટકા કરતા વધુ વરસાદ પડી ગયો છે જેમાં માત્ર સૌરાષ્ટ્રમાં લગભગ પાંચ ટકા વરસાદની ઘટ છે. જ્યારે બાકીના ભાગોમાં સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

ઉદાહરણ તરીકે કચ્છમાં 136 ટકા વરસાદ પડી ગયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં 120 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 113 ટકા અને સાઉથ ગુજરાતમાં 117 ટકા વરસાદ નોંધાયો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન