પોપ લિયો: કોણ છે નવા પોપ જેમણે પોતાના પહેલા સંબોધનમાં દુનિયાના તાકતવર દેશોને 'યુદ્ધ ન કરવાની' અપીલ કરી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, પોપ ફ્રાન્સિસ, પોપ, વેટિકન સિટી, રોમન કૅથલિક ચર્ચ, કૅથલિક ચર્ચ, ખ્રિસ્તી ધર્મ, નવા પોપ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, નવા પોપ રૉબર્ટ પ્રીવોસ્ટે તેમના પહેલા સંબોધનમાં ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામનું સ્વાગત કર્યું છે.
    • લેેખક, ગુલેર્મો ડી ઓલ્મો
    • પદ, બીબીસી ન્યૂઝ

કૅથલિક ખ્રિસ્તીઓના સૌથી મોટા ધર્મગુરુ પોપ લિયોએ રવિવારે વેટિકન સિટીમાં પહેલી વખત લોકોને સંબોધિત કર્યા. પોતાના પહેલા સંબોધનમાં તેમણે દુનિયાના તાકતવર દેશોને હવે 'યુદ્ધ ન કરવાની' અપીલ કરી.

પોપ લિયોએ દુનિયામાં ચાલી રહેલા સંઘર્ષો પર વાત કરતાં કહ્યું કે યુક્રેનમાં શાંતિની સ્થાપના થવી જોઈએ. તેમણે ગાઝામાં યુદ્ધવિરામની પણ વાત કરી. પોપ લિયોએ ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષવિરામનું પણ સ્વાગત કર્યું.

નવા પોપ લિયો ચૌદમાનો પેરુ સાથે ખૂબ નિકટનો નાતો છે. તેઓ પેરુના નાગરિક છે તેમજ તેમણે પોતાનું મોટા ભાગનું જીવન ત્યાં જ પસાર કર્યું છે.

નવા પોપ રૉબર્ટ પ્રીવોસ્ટએ એક અમેરિકન છે અને ઑગસ્ટિનિયન ઑર્ડરના સભ્ય છે. તેઓ 1985થી 2023 સુધી દક્ષિણ અમેરિકાના આ દેશમાં ઘણાં સ્થળોએ પાદરી તરીકે કામ કરી ચૂક્યા છે, ખાસ કરીને ઉત્તરમાં.

વર્ષો સુધી તેમના મૂળ વતન શિકાગો અને પેરુ વચ્ચે સેવાઓ આપ્યા બાદ પોપ ફ્રાન્સિસે તેમને 2014માં લેમ્બેએકના ઉત્તર વિભાગના બિશપ ઑફ ડિઓસિસ ઑફ ચિકલાયો નીમ્યા.

ગુરુવારે પોપ તરીકેના તેમના પ્રથમ સંદેશમાં પોતે પેરુમાં પોતાના અનુભવને કેટલો મહત્ત્વ આપે છે એ અંગે વાત કરી હતી.

તેમણે વેટિકનમાં સેન્ટ પીટર્સ સ્ક્વેર ખાતે ભેગી થયેલી મેદનીને સંબોધતાં સ્પેનિશમાં કહ્યું કે, "સૌને સાધુવાદ, ખાસ કરીને પેરુમાં મારા વહાલા ડિઓસિસ ઑફ ચિકલાયોને. જ્યાં શ્રદ્ધાળુ લોકો તેમના બિશપ સાથે ચાલ્યા, તેમની શ્રદ્ધામાં સાથ આપ્યો, ઈસુ ખ્રિસ્તના ભરોસાપાત્ર ચર્ચ તરીકે જળવાઈ રહેવા ઘણું બધું આપ્યું."

પેરુનાં રાષ્ટ્રપ્રમુખ દિના બેલુરેટે કહ્યું, "તેમની પસંદગીથી અમારો દેશ ભરપૂર ગર્વ અને આશા અનુભવી રહ્યો છે, કારણ કે એ તેમનું ઘર, તેમનું મિશન અને તેમનો વિશ્વાસ હતો."

શિકાગોથી ત્રુજિલો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, પોપ ફ્રાન્સિસ, પોપ, વેટિકન સિટી, રોમન કૅથલિક ચર્ચ, કૅથલિક ચર્ચ, ખ્રિસ્તી ધર્મ, નવા પોપ

ઇમેજ સ્રોત, Lambayeque Regional Governor Jorge Perez Flores via Reuters

ઇમેજ કૅપ્શન, વર્ષ 2023માં પેરુના ચિકલાયો ખાતે પ્રાર્થના યોજી રહેલા બિશપ રૉબર્ટ પ્રીવોસ્ટ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પ્રીવોસ્ટનો જન્મ 14 સપ્ટેમ્બર, 1955ના રોજ અમેરિકાના શહેર શિકાગોમાં થયો હતો. તેઓ ફ્રેન્ચ અને ઇટાલિયન મૂળના લુઇસ મૅરિયસ પ્રીવોસ્ટ અને સ્પેનિશ મૂળનાં મિલ્ડ્રેડ માર્ટિનેઝના પુત્ર છે.

તેઓ પૅન્સિલવેનિયાની વિલાનોવા યુનિવર્સિટીમાંથી ગણિતમાં સ્નાતક થયા, જ્યાં તેમણે ફિલસૂફીનો પણ અભ્યાસ કર્યો. તે ઑગસ્ટ, 1981માં પ્રીવોસ્ટે તેમના સોગંધ લીધા અને બીજા વર્ષથી પાદરી બની ગયા.

તેમણે શિકાગોથી અને રોમમાં કેનન લૉમાં ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તે બાદ પીએચ. ડી. માટેના મહાનિબંધ લખતી વખતે તેમને તેમના ચર્ચ દ્વારા પ્રથમ વખત પેરુ મોકલવામાં આવ્યા.

તેઓ 1985માં પિયુરાના પેરુવિયન વિભાગમાં ચુલુકાનનમાં ઑગસ્ટિનિયન મિશનમાં પહોંચ્યા.

તેનાં બીજા વર્ષે તેઓ ત્રુજિલોમાં મિશન સાથે ચુલુકાનન્સ, ઇક્વિટોસ અને અપુરિમૅકના ઉપધર્મપ્રાંતોથી ઑગસ્ટિનિયન વાંછુકો માટે જૉઇન્ટ ફૉર્મેેશન પ્રોજેક્ટના નિદેશક તરીકે જોડાયા.

આ એ દેશ સાથે તેમનો પહેલો અનુભવ હતો જેણે તેમના જીવનઘડતરમાં ભાગ ભજવ્યો.

ત્રુજિલોમાં તેઓ ઘણાં ચર્ચ સંબંધી પદો પર રહ્યા, જે બાદ તેઓ પ્રાંતીય મઠાધિકારીની ભૂમિકામાં શિકાગો પહોંચ્યા.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, પોપ ફ્રાન્સિસ, પોપ, વેટિકન સિટી, રોમન કૅથલિક ચર્ચ, કૅથલિક ચર્ચ, ખ્રિસ્તી ધર્મ, નવા પોપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નવા પોપનો જન્મ અમેરિકામાં થયો છે, જ્યારે તેઓ પેરુમાં ઘણાં ચર્ચ સંબંધી પદો પર રહી ચૂક્યા છે

વર્ષ 2014માં પોપ ફ્રાન્સિસે તેમને ચિકલાયોના બિશપ નીમ્યા, આ પદ તેમણે બીજા વર્ષે ધારણ કર્યું. એ સમયે તેમણે કહ્યું કે દેશ પ્રત્યેની પોતાની નિષ્ઠાના પ્રતીકરૂપે તેઓ પેરુવિયન નાગરિકત્વ માટે અરજી કરશે.

પેરુ અને વેટિકન વચ્ચેની સમજૂતી પ્રમાણે દેશમાં રહેતા બિશપ પેરુના નાગરિક હોય એ જરૂરી છે.

વર્ષ 2015માં એ સમયે પેરુવિયન નાગરિક બની ચૂકેલા પ્રીવોસ્ટને ચિકલાયોના બિશપ જાહેર કરાયા.

'તેઓ પેરુને પ્રેમ કરે છે એ સ્પષ્ટ હતું'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, પોપ ફ્રાન્સિસ, પોપ, વેટિકન સિટી, રોમન કૅથલિક ચર્ચ, કૅથલિક ચર્ચ, ખ્રિસ્તી ધર્મ, નવા પોપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પોપ લીઓ ચૌદમાની ચૂંટણી બાદ લિમા ખાતે મેટ્રોપોલિટન દેવળ સામે એક વ્યક્તિએ પેરુનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો

પ્રીવોસ્ટના નાગરિકત્વની અરજી પર સહી કરનાર અને 2015થી 2016 સુધી પેરુના ગૃહમંત્રી હોઝે લુઈ પેરેઝ ગુઆદાલુપે પ્રીવોસ્ટને ઘણી વખત મળી ચૂક્યા છે. તેમણે બીબીસીને જણાવ્યું કે તેઓ તેમને એક 'ખૂબ જ એકાગ્ર અને ઘણા વિચારશીલ વ્યક્તિ, જે બોલવા કરતાં લોકોને સાંભળતી' તરીકે યાદ કરે છે.

પેરેઝ ગુઆદાલુપેએ ધર્મશાસ્ત્રી હોવાની સાથોસાથ એક ક્રિમિનૉલૉજિસ્ટ પણ છે અને તેઓ પેરુવિયન બિશપના સલાહકાર તરીકે કામ કરી ચૂક્યા છે, જેના કારણે તેઓ પ્રીવોસ્ટને ઘણી વખત મળી પણ ચૂક્યા છે.

તેમણે બીબીસીને જણાવ્યું કે, "અમે પાદરી સંબંધી બાબતો અંગે વાત કરતા. આ સિવાય બીજા ખ્રિસ્તી પંથોને કારણે લૅટિન અમેરિકામાં કૅથલિક ચર્ચના અનુયાયીઓની સંખ્યામાં થતા ઘટાડાનો મુદ્દો પણ હતો."

"તેઓ માનતા હતા કે ચર્ચને શ્રદ્ધાળુઓની નિકટ લાવવાની જરૂર હતી."

આ સિવાય પેરુવિયન બિશપોએ જે મુદ્દાનું નિરાકરણ લાવવાની જરૂર હતી એ હતું ચર્ચમાં થતા સગીરોના જાતીય શોષણનો મુદ્દો.

આ મુદ્દો પેરુ માટે ખાસ સંવેદનશીલ હતો, જ્યાં વગદાર સોડાલિશિયમ કૉમ્યુનિટી વર્ષોથી આરોપોનો સામનો કરી રહી છે. નોંધનીય છે કે પોપ ફ્રાન્સિસે તેમના પોપ તરીકે કાર્યકાળના અંત ભાગમાં લીધેલા અમુક નિર્ણયોમાં સોડાલિશિયમ કૉમ્યુનિટીનું વિસર્જન પણ સામેલ છે.

પેરેઝ ગુઆડાલુપે યાદ કરતાં કહે છે કે, "પેરુવિયન ઍપિસ્કોપલ કૉન્ફરન્સની લાઇન પોપ ફ્રાન્સિસે સેટ કરી હતી, અને પ્રીવોસ્ટ તેને અનુસરતા."

જોકે, પેરુમાં પ્રીવોસ્ટનો કાર્યકાળ કૅથલિક ચર્ચને ઘેરતા જાતીય સતામણીના વિવાદથી બાકાત નથી રહ્યો. જોકે, તેઓ આવી કોઈ બાબતને છુપાવવાના પ્રયાસમાં સામેલ હોય એ અંગે વાંરવાર તેમનો ધર્મપ્રદેશ વારંવાર ઇન્કાર કરી ચૂક્યો છે.

પેરેઝ ગુઆડાલુપે કહે છે કે બિશપ પ્રીવોસ્ટ પાદરી સંબંધી બાબતો પર પ્રાથમિકપણે ધ્યાન કેન્દ્રિત રાખતા હોવા છતાં તેઓ 'પેરુની હકીકત અંગે ખૂબ જ ધ્યાન આપતા.'

વર્ષ 2023માં તત્કાલીન રાષ્ટ્રપતિ પેડ્રો કાસ્ટિલોની હકાલપટ્ટી બાદ જોવા મળેલી પ્રદર્શનોની લહેરમાં સંખ્યાબંધ લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ દરમિયાન બિશપ પ્રીવોસ્ટે પેરુવિયન મીડિયાને કહ્યું હતું કે, "તેમને ખૂબ દર્દ અને દુ:ખ" થયું, આ સિવાય તેમણે એવો પણ ખુલાસો કર્યો કે તેમણે પોપ ફ્રાન્સિસ પાસેથી દેશમાં વધુ રહેવા માટેની પરવાનગી પણ માગી છે.

તેમણે એ સમયે કહ્યું કે, "મેં પવિત્ર પિતાને કહ્યું : "ચોક્કસપણે, દેશને છોડીને જવાની આ ક્ષણ શ્રેષ્ઠ નથી. હું અહીંના લોકો સાથે હજુ રહેવા માગું છું."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, પોપ ફ્રાન્સિસ, પોપ, વેટિકન સિટી, રોમન કૅથલિક ચર્ચ, કૅથલિક ચર્ચ, ખ્રિસ્તી ધર્મ, નવા પોપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકામાં રહેનારા કાર્ડિનલ રૉબર્ટ પ્રીવોસ્ટને નવા પોપ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

પ્રીવોસ્ટના કાર્યકાળમાં ચિકલાયો ધર્મપ્રદેશ માટે ડાયરેક્ટર ઑફ કૉમ્યુનિકેશન્સ ફીડેલ પુરિસાકા વિજિલે પ્રીવોસ્ટ રોજ જાગીને પ્રાર્થના બાદ બીજા સાથી પાદરીઓ સાથે નાસ્તો કરતા એ સમયને યાદ કર્યો.

પુરિસાકાએ એપી ન્યૂઝ એજન્સીને એક ઇમેઇલ મારફતે કહ્યું કે, "ગમે તેટલી મુશ્કેલીઓ છતાં તેઓ મજાક-મસ્તીનો માહોલ બનાવીને રાખતા."

ચિકલાયોના બિશપ તરીકે તેઓ મધ્ય પેરુના હુઆનકાયો પણ ગયા હતા.

પેરુવિયન બ્રોડકાસ્ટર આરપીપી સાથેની વાતચીતમાં હુઆનકાયો શહેરના મુખ્ય ધર્માધ્યક્ષ લુઈ આલ્બર્ટો હુઆમાને તેમના 'પારદર્શીપણા' પર ભાર મૂકવાની સાથે કહ્યું કે, "તેઓ અમારી ખૂબ નિકટ હતા."

હુઆમાને ઉમેરતાં કહ્યું કે, "તેઓ એક બિશપ તરીકે પેરુને પ્રેમ કરતા હતા એ સ્પષ્ટ હતું."

પ્રીવોસ્ટ અંગે જાહેરમાં બોલનારા લોકો અનુસાર ચિકલાયોમાં તેમના કાર્યકાળ દરમિયાન પ્રીવોસ્ટે શ્રદ્ધાળુઓ સાથેની નિકટતા અને સંસ્થાને તેમની વધુ નિકટ લઈ જવાની વાતને પ્રાથમિકતા આપી.

વર્ષ 2018માં તેઓ પેરુવિયન ઍપિસ્કોપલ કૉન્ફરન્સના ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

વર્ષ 2023માં પોપ ફ્રાન્સિસે તેમને લૅટિન અમેરિકા માટે પોપના કમિશનના પ્રમુખ અને ડાયકેસ્ટ્રી ઑફ બિશપ્સ (કૅથલિક ચર્ચનો વહીવટ કરતી મધ્યસ્થ સંસ્થા)ના વડા અધિકારી તરીકે સેવા આપવા રોમ બોલાવી લીધા.

આવી રીતે પેરુમાં તેમના કાર્યકાળનો અંત આવ્યો. જોકે, આ વાતથી પોપે પોતાના પોપ તરીકેના પ્રથમ સંદેશમાં સ્પષ્ટપણે જણાવ્યું એમ તેમના હૃદયની નિકટ રહેલા આ દેશ સાથે તેમના નાતાનો અંત નથી આવ્યો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન