'ટાઇટેનિક' જોવા ગયા અને દરિયામાં ખોવાઈ સબમરીન, 10 કલાક ચાલે એટલો ઓક્સિજન બાકી

મધ્ય ઍટલાન્ટિક મહાસાગરમાં એક વ્યાપક શોધ અભિયાન ચાલી રહ્યું છે.

પર્યટકો માટે વિશ્વના સૌથી લોકપ્રિય જહાજ ટાઈટેનિકના કાટમાળને જોવા માટે જે સબમરીન નીકળી હતી, તેમાં હવે માત્ર 30 કલાક ચાલે એટલો ઓક્સિજન બચ્યો છે.

આ સબમરીનમાં સવાર પાંચ મુસાફરો રવિવારથી ગુમ છે. જેમાં પાકિસ્તાની મૂળના અબજોપતિ ઉદ્યોગપતિ શાહજાદા દાઉદ અને તેમના પુત્ર સુલેમાન દાઉદ, બ્રિટિશ અબજોપતિ ઉદ્યોગપતિ હામિશ હાર્ડિંગ, ફ્રેન્ચ સંશોધક પૉલ આનરી નાર્જેલેટ અને એડવેન્ચર ટ્રીપનું સંચાલન કરનારી કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટૉકટન રશ પણ સામેલ છે.

યુએસ કોસ્ટ ગાર્ડનું સર્ચ ઑપરેશન 20 હજાર ચોરસ કિલોમીટરથી પણ મોટા સમુદ્રના વિસ્તારમાં ચાલી રહ્યું છે. તેમાં કૅનેડિયન નેવી, ઍરફોર્સ અને કોસ્ટ ગાર્ડની સાથે ન્યૂયૉર્ક ઍર નેશનલ ગાર્ડ પણ મદદ કરી રહ્યા છે.

યુએસ કોસ્ટ ગાર્ડના અંદાજ મુજબ, સબમરીનમાં લગભગ 30 કલાકનો ઓક્સિજન બાકી છે.

રવિવારે યાત્રા શરૂ થયાના એક કલાક અને 45 મિનિટ બાદ સબમરીન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. સર્ચ ઑપરેશનમાં બે C-130 વિમાન અને સોનારની મદદ લેવામાં આવી રહી છે.

આ સબમરીનમાં આઠ દિવસના પ્રવાસની ટિકિટની કિંમત અઢી લાખ ડૉલર એટલે કે લગભગ બે કરોડ રૂપિયા હોય છે. આ ટૂર દરમિયાન સબમરીન ડૂબી ગયેલા ટાઇટેનિક જહાજના કાટમાળ પાસે સમુદ્રમાં 3800 મીટર નીચે ડૂબકી લગાવતી હોય છે.

ટાઇટેનિકનો કાટમાળ ઉત્તર અમેરિકન સમુદ્રના સૌથી નજીકના બિંદુ કૅનેડાના ન્યૂફાઉન્ડલૅન્ડના સેન્ટ જોન્સથી 700 કિમી દૂર ઍટલાન્ટિક મહાસાગરના તળિયે પડ્યો છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, સરકારી એજન્સીઓ, અમેરિકા તથા કૅનેડાના નૌકાદળ અને સમુદ્રના ઊંડાણમાં કામ કરતી પ્રોફેશનલ કંપનીઓ આ શોધ અભિયાનમાં જોડાયેલી છે.

ગુમ થયેલી સબમરીન ઓશિયન ગેટ કંપનીની ટાઈટન સબમર્સિબલ છે. તે એક ટ્રક જેટલી મોટી છે.

અમેરિકન કોસ્ટ ગાર્ડના રીઅર એડમિરલ જોન મોગરે સોમવારે બપોરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે “સબમરીનને શોધી કાઢવા માટે અમારી પાસે 70થી 96 કલાક સુધીનો સમય છે એવી અમારી ધારણા છે.”

તેમણે જણાવ્યું હતું કે એ સબમરીનને શોધવાનું કામ બે વિમાન, એક અન્ય સબમરીન અને સોનાર સાથેનાં ઉપકરણો પણ કરી રહ્યાં છે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે જે વિસ્તારમાં આ શોધ અભિયાન ચાલી રહ્યું છે તે બહુ દૂર છે અને તેને લીધે અનેક સમસ્યાઓ નડી રહી છે.

સબમરીનને શોધવાનું કામ કરી રહેલા લોકો પોતાની અંગત જવાબદારી સમજીને આ કામ કરી રહ્યા છે અને સબમરીનમાંના લોકોને બચાવી લેવાના શક્ય હોય તે તમામ પ્રયાસ કરી રહ્યા છે, એવું તેમણે ઉમેર્યું હતું.

બ્રિટનના અબજોપતિ બિઝનેસમેન હામિશ હોર્ડિંગના પરિવારનું કહેવું છે કે તેઓ પણ આ સબમરીનમાં છે. 58 વર્ષના હોર્ડિંગ એક એક્સપ્લોરર પણ છે. તેમણે ગત સપ્તાહે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે “મને એ જણાવતા ગર્વ થાય છે કે હું ટાઇટેનિકના કાટમાળ સુધી જનારા અભિયાનનો હિસ્સો છું.”

તેમણે એમ પણ જણાવ્યુ હતું કે ન્યૂફાઉન્ડલેન્ડ છેલ્લા ચાર દાયકાની સૌથી ભીષણ ઠંડી છે. તેથી 2023માં ટાઇટેનિકના કાટમાળ સુધી જનારું આ એકમાત્ર માનવ મિશન હોઈ શકે છે.

“મોસમને કારણે તક સર્જાઈ છે અને અમે કાલે ડૂબકી મારવાનો પ્રયાસ કરીશું.”

ઓશિયન ગેટ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમારું ધ્યાન સબમરીનમાં સવાર લોકો અને તેમના પરિવાર પર કેન્દ્રિત છે.

કંપનીએ જણાવ્યું હતું કે “સબમરીન સાથે ફરી સંપર્ક સ્થાપવાના પ્રયાસમાં અમને અનેક સરકારી એજન્સીઓ તથા ડીપ સી કંપનીઓ તરફથી મળી રહેલા વ્યાપક સહકાર બદલ અત્યંત આભારી છીએ.”

કંપનીની વેબસાઇટ પરની માહિતી મુજબ, અભિયાન ચાલુ છે અને જૂન, 2024 સુધીમાં વધુ બે અભિયાનનું આયોજન નક્કી છે.

પાકિસ્તાનના અબજપતિ કારોબારી અને તેમના દીકરા પણ સવાર

આ સબમરીનમાં પાકિસ્તાનના અબજપતિ કારોબારી શહબાઝા દાઉદ અને તેમના દીકરા સુલેમાન પણ સવાર છે.

શહબાઝા ગાઉદ પાકિસ્તાનના સૌથી અમીર પરિવારોમાંથી એક છે. તેઓ એસઈટીઆઈ ઇન્સ્ટિટ્યૂટના ટ્રસ્ટી પણ છે. આ દુનિયાના પ્રમુખ બિન-લાભદાયી વૈજ્ઞાનિક સંસ્થાનો પૈકીની એક છે.

દાઉદ 48 વર્ષના છે અને તેમના દીકરાની ઉંમર 19 વર્ષ છે.

પાકિસ્તાન મૂળના શહબાઝા દાઉદ હાલના દિવસોમાં બ્રિટનમાં રહે છે. તેમનો પરિવાર બ્રિટનના સરે વિસ્તારમાં રહે છે.

તેમના પરિવાર તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમારા દીકરા શહબાઝા દાઉદ અને તેમનો દીકરો સુલેમાન ઍટલાન્ટિક સાગરમાં ટાઇટેનિકનો કાટમાળ જોવાના પ્રવાસે ગયા હતા. હવે એ સબમરીન સાથે સંપર્ક તૂટી ગયો છે અને તે વિશે ઓછી માહિતી ઉપલબ્ધ છે.”

ટાઈટન સબમર્સિબલ

સબમરીનમાં સામાન્ય રીતે એક પાઇલટ, ત્રણ પ્રવાસી અને કંપનીની ભાષામાં એક ‘કન્ટેન્ટ એક્સપર્ટ’ સવાર હોય છે. આ પ્રવાસ ન્યૂફાઉન્ડલૅન્ડના સેન્ટ જોન્સથી શરૂ થાય છે. ટાઇટેનિકના કાટમાળ સુધી પહોંચવામાં અને ત્યાંથી પાછા આવવામાં કુલ આઠ કલાકનો સમય લાગે છે.

ઓશિયન ગેટની વેબસાઇટ પરની માહિતી મુજબ, તેની પાસે ત્રણ સબમરીન છે, પરંતુ માત્ર ટાઈટન જ ટાઇટેનિકના કાટમાળ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે. આ સબમરીનનું વજન 10,432 કિલો છે અને તે 13,100 ફીટની ઊંડાઈ સુધી જઈ શકે છે.

ઓશિયન ગેટના માલિકે બીબીસીને જણાવ્યું હતું કે પોલર પ્રિન્સ નામનું જહાજ પણ આ અભિયાનનો હિસ્સો છે. એ જહાજ મારફત સબમરીનને કાટમાળના લોકેશન સુધી પહોંચાડવામાં આવે છે.

સીબીએસ ન્યૂઝના સંવાદદાતા ડેવિજ પોગે ગત વર્ષે ટાઈટન સબમર્સિબલમાં પ્રવાસ કર્યો હતો. આ સબમરીનમાં સવાર લોકો અને પાણીની સપાટી પર રહેલા લોકો કેવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હશે તેની વિગત ડેવિજ પોગે બીબીસી સાથેની વાતચીતમાં આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે સબમરીનમાંના લોકો અને બહારની દુનિયા વચ્ચે હાલ કોઈ સંપર્ક નથી, કારણ કે પાણીમાં આટલી ઊંડાઈએ જીપીએસ કે રેડિયો કામ કરી શકતા નથી.

પોગે કહ્યું હતું કે “સપોર્ટ શિપ સબમરીનની બરાબર ઉપર હોય ત્યારે તે ટેક્સ્ટ મૅસેજ મારફત નિર્દેશ પાઠવી શકે છે અને સંદેશ મેળવી શકે છે. એવા મૅસેજનો પણ અત્યારે કોઈ જવાબ મળતો નથી, એ દેખીતું છે.”

તેમના કહેવા મુજબ, પ્રવાસીઓ અંદર ચાલ્યા જાય પછી સબમરીનને બોલ્ટ લગાવીને સીલ કરી દેવામાં આવે છે. તેથી સબમરીન સપાટી પર આવી જશે તો પણ પ્રવાસીઓ પાસે બહાર નીકળવાનો કોઈ રસ્તો નહીં હોય. સબમરીનનું સીલ કંપનીના કર્મચારીઓ બહારથી જ ખોલી શકે છે.

ટાઇટેનિકનો ઇતિહાસ

ટાઇટેનિક તેના સમયનું સૌથી મોટું જહાજ હતું, જે તેની પહેલી જ યાત્રા દરમિયાન ડૂબી ગયું હતું.

1912માં બ્રિટનથી અમેરિકા જઈ રહેલું એ જહાજ રસ્તામાં એક હિમશીલા સાથે ટકરાયું હતું. તેમાં 2,200 લોકો હતા અને એ પૈકીના 1,500 મૃત્યુ પામ્યા હતા.

ટાઇટેનિકનો કાટમાળ 1985માં મળી આવ્યો હતો અને ત્યારથી એ કાટમાળને નિહાળવા માટે શોધ અભિયાન ચાલી રહ્યાં છે.

જહાજનો કાટમાળ બે હિસ્સામાં છે અને એકમેકથી 2,600 ફીટ દૂર છે. તૂટેલા જહાજની નજીક કાટમાળનું એક મોટું ક્ષેત્ર પણ છે.

એ કાટમાળનું સૌપ્રથમ ફૂલ સાઈઝ થ્રી ડી મેપિંગ ગયા મહિને ડીપ સી મેપિંગ ટેકનિક વડે કરવામાં આવ્યું હતું. તેના સ્કેનમાં જહાજને અત્યંત ઝીણવટપૂર્વક નિહાળી શકાય છે.