અંતરીક્ષમાં એવું શું થયું કે પૃથ્વી પર સોલરની આંધી ફૂંકાઈ, આકાશ રંગબેરંગી થવાનું કારણ શું હશે?

બીબીસી ગુજરાતી હવામાન સોલર સ્ટોર્મ નોર્ધર્ન લાઈટ્સ ઓરોરા

ઇમેજ સ્રોત, BBC weather watcher / Ray McDonald

પૃથ્વીથી કરોડો કિલોમીટર દૂર અંતરીક્ષમાં સોલર સ્ટોર્મ (સૌરની આંધી) સર્જાયું છે જેની અસર પૃથ્વી સુધી જોવા મળી રહી છે. વિશ્વના કેટલાક ભાગોમાં આકાશમાં અદ્ભૂત રંગો જોવા મળી રહ્યા છે. તેની સાથે સાથે સેટેલાઇટ સર્વિસને અસર થઈ છે અને અમુક જગ્યાએ વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે.

અમેરિકાની સ્પેસ એજન્સી નાસા દ્વારા મંગળનું હવામાન જાણવા માટે સેટેલાઇટ છોડવાની હતી, પરંતુ સોલર સ્ટોર્મના કારણે રૉકેટને રવાના કરવાનું કામ હાલ પૂરતું અટકાવી દેવાયું છે.

સોલર સ્ટોર્મના કારણે ઊર્જાના કણો પૃથ્વીના વાતાવરણ અંદર પ્રવેશી આવ્યા છે અને અમેરિકાના ફ્લોરિડા, ટેક્સાસ અને એલાબેમા સહિતનાં રાજ્યોમાં આકાશમાં રંગબેરંગી ઓરોરા જોવા મળે છે.

બીબીસીના અહેવાલ પ્રમાણે નૉર્થ ઇંગ્લૅન્ડમાં પણ આકાશ ઓરોરાના ગુલાબી, વાદળી અને જાંબુડિયા પ્રકાશથી રંગાઈ ગયું છે. મંગળવાર રાતથી આ નૉર્ધર્ન લાઇટ્સ જોવા મળી રહી છે, કારણ કે સૂર્ય પર સંખ્યાબંધ વિસ્ફોટ થયા છે અને તેના કારણે સૂર્યના કણો પૃથ્વી સુધી ફેંકાયા છે.

બ્રિટિશ જિયોલોજિકલ સર્વેને ટાંકીને સીએનએનના અહેવાલ પ્રમાણે 2005 પછી પહેલી વખત આટલા પ્રચંડ પ્રમાણમાં સૂર્યના કણોનું તોફાન આવ્યું છે. આના કારણે જિયોઇલેક્ટ્રિક ફિલ્ડ રચાય છે જે વીજળીના ટ્રાન્સફોર્મરની કામગીરીને અસર કરી શકે અને વીજ પુરવઠો ખોરવાઈ શકે છે.

નૉર્ધર્ન લાઇટ્સ શું હોય છે?

બીબીસી ગુજરાતી હવામાન સોલર સ્ટોર્મ નોર્ધર્ન લાઈટ્સ ઓરોરા

ઇમેજ સ્રોત, BBC weather watcher / Paddy

ઇમેજ કૅપ્શન, ઉત્તર ગોળાર્ધ પર જોવા મળતો રંગબેરંગી પ્રકાશ લોકોમાં ભારે રસ જગાવે છે

સૂર્ય પર આંધી એટલે કે સ્ટોર્મ આવે ત્યારે તેના ચાર્જ્ડ પાર્ટિકલ્સ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે અને વાયુ સાથે પ્રક્રિયા કરે છે જેના કારણે પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર લાઈટ જોવા મળે છે.

ગ્રીનવિચ ખાતે રોયલ ઓબ્જર્વેટરીના ડૉક્ટર એફેલિયા વિબિસોનો કહે છે કે સૂર્ય એક મોટી છીંક ખાય એવી આ ઘટના હોય છે. તેમાં એક સાથે 10 લાખ ટન વજનના કણો ફેંકાય છે.

આવા કણોને લઈ જતા પવન જ્યારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે પ્રક્રિયા કરે ત્યારે નોર્ધર્ન લાઈટ્સ થાય છે, જેને ઓરોરા પણ કહેવામાં આવે છે. તેનો સૌથી નીચેનો સ્તર પૃથ્વીની સપાટીથી લગભગ 80 કિમીની ઊંચાઈએ હોય છે જ્યારે સૌથી ઊંચો સ્તર પૃથ્વીથી 800 કિમીની ઊંચાઈએ હોઈ શકે છે.

સોલર સ્ટોર્મથી શું થઈ શકે?

બીબીસી ગુજરાતી હવામાન સોલર સ્ટોર્મ નોર્ધર્ન લાઈટ્સ ઓરોરા
ઇમેજ કૅપ્શન, સોલર સ્ટોર્મ ક્યારે આવશે તેની લાંબા ગાળાની આગાહી કરી શકાતી નથી.

સોલર સ્ટોર્મ ક્યારેક ભારે નુકસાન પહોંચાડી સકે છે. અગાઉ 1859માં સોલર સ્ટોર્મની ઘટના એટલી તીવ્ર હતી કે ટેલિગ્રાફ સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી. ત્યાર પછી 1972માં વિયેતનામના દરિયાકિનારે બિછાવેલી ઘણી સુરંગો ફાટી હતી, તેના માટે સોલર સ્ટોર્મને જવાબદાર ગણવામાં આવે છે.

સોલર સ્ટોર્મથી લાંબા ગાળાની સચોટ આગાહી કરી શકાતી નથી. તેથી સોલર સ્ટોર્મ પેદા થવાનો હોય તેનાથી થોડા દિવસો અગાઉ જ તૈયારી કરવાનો સમય મળે છે.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન