1978 ઇન્ડિયન ઍરલાઇન્સ વિમાન અપહરણ : વિમાનનું અપહરણ કરનારા બે હાઈજૅકર્સ જે બાદમાં કૉંગ્રેસના ધારાસભ્ય બન્યા

ઇમેજ સ્રોત, Bureau of Aircraft Accidents Archives
- લેેખક, વકાર મુસ્તફા
- પદ, પત્રકાર અને સંશોધક
વિમાનમાં બેઠેલા બે નવયુવાન 20 ડિસેમ્બર 1978ની ઠંડી સાંજે ઇન્ડિયન ઍરલાઇન્સની ફ્લાઇટ 410ની પંદરમી લાઇનમાં પોતાની સીટ પરથી ઊભા થઈને કૉકપિટ તરફ આગળ વધ્યા. કોઈ મુસાફરે તેમના પર ધ્યાન ન આપ્યું અને ન તો ક્રૂ મેમ્બર્સને કશી ખટકનારી વાત લાગી.
તેમને એવું લાગતું પણ કઈ રીતે, એક નવયુવકે કૉકપિટમાં જવાની વિનંતી ખૂબ જ 'શાલીનતા'થી કરી હતી.
કલકત્તા (હવે કોલકાતા)થી લખનઉ થઈને 126 મુસાફરો અને 6 વિમાનચાલકદળના સભ્યોને લઈને આ ફ્લાઇટ 15 મિનિટમાં દિલ્હીના પાલમ ઍરપૉર્ટ પર ઊતરવાની હતી, પરંતુ એવામાં જ દૃશ્ય બદલાઈ ગયું.
'ઇન્ડિયા ટુડે'ના રિપોર્ટ અનુસાર, 'શાલીન' નવયુવકની વિનંતી પછી ક્રૂ મેમ્બર જીવી ડે, કૅપ્ટન સુધી પહોંચાડવા માટે કૉકપિટમાં જતા જ હતા કે એક નવયુવકે ઇંદિરા ઠાકરી નામનાં ઍર હોસ્ટેસની કોણી પકડી લીધી અને તેનો બીજો સાથી કૉકપિટમાં ઘૂસવાની કોશિશ કરવા લાગ્યો.
રિપોર્ટ અનુસાર, "કૉકપિટના મૅગ્નેટિક દરવાજાનું ઑટોમેટિક લૉક બંધ થઈ ગયું હતું, જેના પર બંને નવયુવકોએ ખૂબ બળ કર્યું એટલે દરવાજો ખૂલી ગયો અને તેઓ અંદર ઘૂસી ગયા."
ત્યાં સુધીમાં મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને અંદાજ આવી ગયો હતો કે કંઈક ગરબડ છે.
થોડીક જ મિનિટ પછી વિમાનના કૅપ્ટનનો અવાજ ગુંજ્યો, "આપણને હાઈજૅક કરી લેવાયા છે અને ફ્લાઇટ પટના જઈ રહી છે."
આ જાહેરાત થયાની થોડીક જ ક્ષણો પછી બીજી જાહેરાત થઈ, "આપણે વારાણસી તરફ જઈ રહ્યા છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'ઇન્ડિયા ટુડે'એ કૅપ્ટનના ઉલ્લેખ સાથે લખ્યું કે આ જાહેરાતોની પહેલાં કૉકપિટમાં હાઈજૅકર્સ અને પાઇલટ્સ વચ્ચે ખૂબ તકરાર થઈ હતી.
કૅપ્ટન અનુસાર, "એ બેવકૂફ (હાઈજૅકર્સ)ને એ સમજાવવું મુશ્કેલ હતું કે ફ્લાઇટની એક સીમા હોય છે, જેને રૅન્જ કહે છે. પહેલાં તેમણે માગ કરી કે નેપાળ લઈ જાઓ. જ્યારે મેં, ખાસ કરીને એ બંનેમાંથી વધારે પાગલ વ્યક્તિ જે વારે વારે મારી કાનપટ્ટી પર પિસ્ટલ તાકી રહ્યો હતો, એ જણાવ્યું કે અમારી પાસે એટલું ઈંધણ નથી. તો તેમણે બાંગ્લાદેશ જવાની માગ કરી દીધી. મને લાગે છે કે તેઓ સ્કૂલમાં ભણાવેલો ભૂગોળનો પાઠ ભૂલી ગયા હતા."
મૅગેઝીન અનુસાર, પછીથી શસ્ત્રધારી હાઈજૅકર્સ કૉકપિટમાંથી બહાર નીકળ્યા અને ખૂબ જુસ્સાથી પૂર્વ વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની ધરપકડ અને માર્ચ 1977ની ચૂંટણીઓમાં જીત પછીથી સત્તારૂઢ જનતા પાર્ટીની 'બદલાની ભાવના'ની નિંદા કરી.
આ ઘટનાના બસ એક જ દિવસ પહેલાં ઇંદિરા ગાંધીની ધરપકડ કરવામાં આવી હતી.
ઇંદિરા ગાંધીની ધરપકડ

ઇમેજ સ્રોત, Getty Images
વિલિયમ બૉર્ડર્સે અમેરિકાના અખબાર 'ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સ' માટે લખ્યું કે લોકસભાએ સાત દિવસની હોબાળાભરી ચર્ચા પછી, બહુમતથી ઇંદિરા ગાંધીને ગૃહમાંથી હાંકી કાઢીને તેમને જેલમાં મોકલી દીધાં.
"મિસિસ ગાંધી પર આરોપ હતો કે તેમણે 1975માં વડાં પ્રધાન તરીકે પોતાના પુત્ર સંજય ગાંધીના કન્ટ્રોલમાં ચાલનારી એક કંપની 'મારુતિ લિમિટેડ'ની તપાસ કરનાર સરકારી અધિકારીઓને હેરાન કર્યા હતા જેથી તેઓ આ કેસમાંથી હટી જાય. પૂર્વ વડાં પ્રધાને આ કાર્યવાહીને 'બદલાની ભાવના અને રાજકીય ઉદ્દેશોથી પ્રેરિત' ગણાવી હતી."
"સંસદમાં ચર્ચા દરમિયાન ઇંદિરા ગાંધી સરકારની જેલમાં નાખવાની અને સેન્સરશિપની નીતિઓ તથા આપખુદ શાસનનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો, પરંતુ તેમણે માફી માગવાની અપીલોને ફગાવીને પોતાના ભાષણમાં કહ્યું કે તેમને કોઈ વાતનો પસ્તાવો નથી."
'હું ટૉઇલેટ જઈ રહ્યો છું, ભલે ગોળી મારી દો'
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વિલિયમ બૉર્ડર્સે લખ્યું છે કે ઇંદિરા ગાંધીએ સત્ર સમાપ્ત થતાં ઘરમાં કે 'સૂમસામ રાત્રે ધરપકડ વહોરવા'ના બદલે એ વાત પર ભાર મૂક્યો કે તેમની સંસદમાંથી જ ધરપકડ કરવામાં આવે.
"ત્રણ કલાક રાહ જોયા પછી પોલીસ અધિકારીઓ ધરપકડ વૉરંટ લઈને તેમના સુધી પહોંચ્યા. મિસિસ ગાંધી હસતા ચહેરે લાકડાના વજનદાર ટેબલ પર ચઢી ગયાં, હાથ હડપચી નીચે જોડ્યા અને પછી નીચે ઊતરી ગયાં. જતાં પહેલાં તેમણે એક જૂના અંગ્રેજી ગીતની પંક્તિઓ લખી, જેને પછીથી તેમના એક સમર્થકે ટોળા વચ્ચે વાંચી સંભળાવી:
"મને અલવિદા કહેતાં મારા માટે સારી ઇચ્છાઓની પ્રાર્થના કરજો
"આંખોમાં આંસુ નહીં, એક સ્મિતની સાથે
"મને એક એવું સ્મિત આપી જજો જે મારી ગેરહાજરીના તમામ સમયમાં મારી સાથે રહે"
"જો ઇચ્છો તો મને ગોળી મારી દો, ટૉઇલેટ જઈ રહ્યો છું"
ઇંદિરા ગાંધીની ધરપકડના સમાચાર ફેલાતાં જ ઘણા વિસ્તારોમાં વિરોધ-પ્રદર્શન થયાં. કૉંગ્રેસે ધમકી આપી કે જ્યાં સુધી તેઓ જેલમાં છે, વિરોધ-પ્રદર્શનો અને ધરણા ચાલુ રહેશે.
પરંતુ પોતાને યૂથ કૉંગ્રેસના સભ્ય ગણાવનાર હાઈજૅકર્સે ઇંદિરા ગાંધીની જેલમુક્તિ માટે આખું વિમાન જ હાઈજૅક કરી લીધું. પછીથી એ હાઈજૅકર્સની ઓળખ 27 વર્ષીય ભોલાનાથ પાંડે અને 28 વર્ષીય દેવેન્દ્ર પાંડે તરીકે થઈ.
હાઈજૅકર્સે વિમાનમાં જાહેરાત કરી કે તેઓ 'ગાંધીવાદી' છે અને 'અહિંસા'માં માને છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ મુસાફરોને નુકસાન પહોંચાડવાનો કશો ઇરાદો નથી ધરાવતા.
'ઇન્ડિયા ટુડે'એ લખ્યું કે ઘણા પ્રસંગો એવા આવ્યા જ્યારે બંને હાઈજૅકર્સને આસાનીથી કાબૂ કરી શકાય તેમ હતા, પરંતુ મુસાફરો કે ચાલકદળ દ્વારા એવો કશો પ્રયાસ કરવામાં ન આવ્યો.
એક સમયે હાઈજૅકર્સે મુસાફરોને ટૉઇલેટનો ઉપયોગ કરતા રોકી દીધા. આ વિમાનમાં પૂર્વ કાયદામંત્રી એકે સેન પણ બેઠા હતા, તેઓ શૌચાલય માટે વધુ રાહ ન જોઈ શક્યા અને ઊંચા અવાજમાં બોલ્યા, "જો ઇચ્છો તો મને ગોળી મારી દો, હું ટૉઇલેટ જઈ રહ્યો છું."
આ દરમિયાન વિમાન વારાણસીમાં ઊતરી ચૂક્યું હતું અને રનવેના એક ખૂણે જઈને ઊભું રહી ગયું હતું.
હાઈજૅકર્સની ચાર માગ, મુખ્ય ઇંદિરા ગાંધીની બિનશરતી જેલમુક્તિ

ઇમેજ સ્રોત, Screengrab/Indian Express
હાઈજૅકર્સે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી રામનરેશ યાદવ સાથે વાત કરવાની માગણી કરી. યાદવનો સંપર્ક કરવામાં આવ્યો તો શરૂઆતમાં તેમણે ના પાડી દીધી, પરંતુ વડા પ્રધાન દેસાઈની સૂચના પછી તેઓ વારાણસી જવા માટે રવાના થઈ ગયા.
હાઈજૅકર્સે વિમાનના વાયરલેસ દ્વારા સ્થાનિક અધિકારીઓને જણાવ્યું કે તેમની ચાર માગ છે, જેમાં સૌથી મુખ્ય ઇંદિરા ગાંધીની બિનશરતી જેલમુક્તિ છે.
મુખ્ય મંત્રી રામનરેશ યાદવ અને હાઈજૅકર્સ વચ્ચેની વાતચીત એ માગ સાથે શરૂ થઈ કે યાદવ પોતે વિમાનમાં આવીને તેમની સાથે વાત કરે. જવાબમાં યાદવે વિમાનમાં બેઠેલા વિદેશી નાગરિકો અને મહિલા મુસાફરોને છોડી મૂકવાની શરત મૂકી દીધી.
આ દરમિયાન એક મુસાફર એસકે મોદી વિમાનનો પાછળનો દરવાજો ખોલીને નીચે કૂદી પડ્યા અને અંદર કોઈને તેની ખબર પણ ન પડી.
21 ડિસેમ્બરે લોકસભાના સત્રમાં પર્યટન અને નાગરિક ઉડ્ડયન મંત્રી પુરષોત્તમ કૌશિકે ઘટનાક્રમની માહિતી આપી.
તેમણે જણાવ્યું કે, "એસકે મોદી, એક ઍર હોસ્ટેસની મદદથી વિમાનમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા. ત્યાંથી નીકળ્યા પછી મોદીએ અધિકારીઓને જણાવ્યું કે વિમાનમાં બે હાઈજૅકર્સ છે, જેમાંના એકે સફેદ ઝભ્ભો-લેંઘો અને બીજાએ સફેદ ધોતી-ઝભ્ભો પહેર્યાં છે."
"તેમણે અધિકારીઓને એમ પણ જણાવ્યું કે હાઈજૅકર્સ પાસે હિંદી અને અંગ્રેજીમાં છપાયેલાં પૅમ્ફ્લેટ્સ પણ છે, જેમાં 'રાષ્ટ્રીય નેતા'ને છોડી મૂકવાની માગ અને પોતાના આ પગલાના વ્યાપક પ્રચારની અપીલ લખેલાં છે."
"મુખ્ય મંત્રી સાથેની વાતચીતમાં હાઈજૅકર્સે માગ કરી કે ઇંદિરા ગાંધીને તરત જ છોડી મૂકવામાં આવે, તેમની વિરુદ્ધના બધા ફોજદારી કેસ પાછા ખેંચી લેવામાં આવે, જનતા પાર્ટીની સરકાર રાજીનામું આપે અને અંતમાં એ કે વિમાન લખનઉ પાછું જાય અને તેમને પ્રેસને મળવાની મંજૂરી આપવામાં આવે."
"મુખ્ય મંત્રીએ પ્રસ્તાવ રજૂ કર્યો કે જો બધા મુસાફરોને છોડી મૂકવામાં આવે, તો તેઓ હાઈજૅકર્સને સરકારી વિમાનમાં લખનઉ લઈ જશે. હાઈજૅકર્સે શરૂઆતમાં આ પ્રસ્તાવ ફગાવી દીધો અને વિમાનમાં ઈંધણ ભરવાની માગ કરી."
"કેન્દ્રીય કમિટીએ વારાણસીમાં રહેલા મંત્રણાકારોને સૂચના આપી કે વિમાનમાં ઈંધણ ભરવામાં ન આવે અને વાતચીત ચાલુ રાખવામાં આવે."
'ઇંડિયા ટુડે'એ લખ્યું કે વાટાઘાટ આખી રાત ચાલુ રહી અને વડા પ્રધાન દેસાઈની ખાસ સૂચનાથી મુખ્ય મંત્રી રામનરેશ યાદવે હાઈજૅકર્સની કોઈ પણ માગણી માનવાનો ઇનકાર કરવાનું ચાલુ રાખ્યું.
"સવારે લગભગ 6 વાગ્યે મુસાફરોએ ફરિયાદ કરી કે વિમાનમાં સહન ન કરી શકાય એટલી હદે બફારો વધી ગયો છે, જેના લીધે હાઈજૅકર્સે પાછળના દરવાજા ખોલવાની મંજૂરી આપી દીધી."
"આ દરમિયાન કૅપ્ટને ઇમરજન્સી સ્લાઇડનું રિલીઝ લીવર ખેંચી લીધું. દરવાજાથી સ્લાઇડ નીચે પડતાં જ કેટલાક મુસાફરો ભાગ્યા અને રનવે પર ઊતરી ગયા. તેમના પછી થોડીક જ વારમાં વિમાનમાં બેઠેલા લગભગ અડધા મુસાફરો ઊતરી ગયા. આ રીતે લગભગ 60 મુસાફરો ઊતરી ચૂક્યા હતા."
"આ જ સમયે હાઈજૅકર્સમાંના એકના પિતા વારાણસી એરપૉર્ટે પહોંચી ગયા અને વાયરલેસ દ્વારા પોતાના પુત્ર સાથે વાત કરી. પિતાનો અવાજ સાંભળીને બંને નવયુવાન ઇંદિરા ગાંધીના પક્ષમાં સૂત્રોચ્ચાર કરતા વિમાનમાંથી બહાર આવી ગયા અને અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું."
'ઇન્ડિયન એક્સ્પ્રેસ' અનુસાર, હાઈજૅકનો આ ડ્રામા 13 કલાક ચાલ્યો. હાઈજૅકર્સે "બે ટૉય ગન અને એક ક્રિકેટ બૉલ અધિકારીઓને સોંપી દીધાં, જે કાળા કપડામાં લપેટેલાં હતાં અને હાથગોળા જેવા દેખાતાં હતાં."
"તેઓ આરામથી ઊતર્યા અને 'ઇંદિરા ગાંધી ઝિંદાબાદ'નાં સૂત્રો પોકાર્યાં, ત્યાર બાદ તેમને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા."
"તપાસ દરમિયાન બંનેએ દાવો કર્યો કે આ કામગીરી માટે તેમને કૉંગ્રેસ નેતાઓ પાસેથી પૈસા મળ્યા હતા. તેમણે પ્રદેશ કૉંગ્રેસ કમિટીના બે પદાધિકારીઓનાં નામ લીધાં, જેમણે કથિત રીતે તેમને ક્રમશઃ 400 અને 200 રૂપિયા આપ્યા હતા. આ જ રકમમાંથી 350 રૂપિયા ખર્ચ કરીને તેમણે લખનઉથી દિલ્હીની હવાઈ ટિકિટ ખરીદી હતી."
આ ઘટનાના થોડાક જ દિવસ પછી ઇંદિરા ગાંધીને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યાં. જોકે, બંને યુવાનોને વિમાન હાઈજૅકિંગ કેસમાં લખનઉ જેલમાં 9 મહિના અને 28 દિવસની જેલની સજા ભોગવવી પડી.
થોડાક મહિના પછી ઇંદિરા ગાંધી કેન્દ્રમાં ફરીથી સત્તામાં આવી ગયાં અને હાઈજૅકર્સ ભોલાનાથ અને દેવેન્દ્ર પાંડે વિરુદ્ધના કેસ પાછી ખેંચી લેવામાં આવ્યા.
મૌલશ્રી સેઠે ઇન્ડિયન એક્સ્પ્રેસમાં લખ્યું કે કૉંગ્રેસે ભોલાનાથને બલિયા જિલ્લાની દોઆબા વિધાનસભા સીટની ટિકિટ આપી. વર્ષ 1980માં માત્ર 27 વર્ષની ઉંમરે ભોલાનાથ પહેલી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા. વર્ષ 1989માં તેમણે આ સીટ પર ફરીથી જીત મેળવી, પરંતુ ત્યાર પછી તેઓ એક પણ ચૂંટણી ન જીતી શક્યા; જોકે, કૉંગ્રેસે તેમને પાર્ટીમાં ઘણાં પદ આપ્યાં.
દેવેન્દ્ર પાંડે કૉંગ્રેસની ટિકિટ પર જયસિંહપુર વિધાનસભા ક્ષેત્રથી બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા. તેઓ કૉંગ્રેસના ઉત્તર પ્રદેશ રાજ્ય મહાસચિવ પણ રહ્યા.
કૉંગ્રેસના નેતાઓએ શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, ScreenGrab/ Indian Express
પોતાના પુસ્તક 'ઇન્ડિયન એરપૉર્ટ્સ (શૉકિંગ ગ્રાઉંડ રિયાલિટીઝ)'માં કૃષ્ણ આર. વાધવાનીએ દેવેન્દ્રનાથ પાંડેનો ઉલ્લેખ કરતાં લખ્યું, "આ તો પાગલપણું હતું, ગાંધી પરિવાર માટે પાગલપણાની હદ સુધી સમર્પણ હતું."
તેમણે આગળ કહ્યું, "એ જમાનામાં વિમાન હાઈજૅકને ગુનો જ માનવામાં નહોતો આવતો."
એ. સૂર્યપ્રકાશે લોકસભાની ચર્ચાઓના આધારે પોતાના એક સંશોધન લેખમાં લખ્યું છે કે 23 ડિસેમ્બરે લોકસભામાં આ ઘટના પર ઉગ્ર ચર્ચા થઈ.
"બીજા પક્ષોના સાંસદોએ હાઈજૅકિંગની નિંદા કરી, જોકે, આર. વેંકટરમન (જેઓ પછી ભારતના રાષ્ટ્રપતિ બન્યા) અને વસંત સાઠે સહિત કૉંગ્રેસના મુખ્ય નેતાઓએ પોતાના કાર્યકરોના વ્યવહારને યોગ્ય ગણાવવાની કોશિશ કરી અને હાઈજૅકિંગને માત્ર એક મજાક ઠરાવી દીધું."
વેંકટરમન અનુસાર, "જ્યારે સમાચાર આવ્યા ત્યારે દેશમાં ગુસ્સો હતો, પરંતુ ખબર પડી કે તે માત્ર રમકડાની પિસ્ટલ અને ક્રિકેટ બૉલ હતાં, ત્યારે તે વર્ષની મજાક બની ગયું."
સૂર્યપ્રકાશ અનુસાર, વસંત સાઠેએ કહ્યું કે તેઓ હાઈજૅકર્સની ચેષ્ટાનો બચાવ નથી કરતા, પરંતુ એ નથી સમજાતું કે આને હાઈજૅકિંગ કહેવું જોઈએ કે 'સ્કાય જોકિંગ'. તેમના અનુસાર તે ગેરમાર્ગે દોરાયેલા નવયુવાનોની મસ્તીખોરી હતી, કેમ કે, તેમણે ક્રિકેટ બૉલ અને રમકડાની પિસ્ટલનો ઉપયોગ કર્યો હતો.
તેમણે લખ્યું છે કે વડા પ્રધાન મોરારજી દેસાઈએ હાઈજૅકિંગને સામાન્ય ગણાવનાર કૉંગ્રેસી સભ્યોની કઠોર શબ્દોમાં નિંદા કરી.
તેમણે કહ્યું કે જો પાઇલટ ગભરાઈ ગયા હોત, તો મોટી દુર્ઘટના થઈ શકતી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે રમકડાની પિસ્ટલ હોય કે ક્રિકેટનો બૉલ, પાઇલટ જોખમ ન ઉઠાવી શકે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












