You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના : ભારતની ચીન જેવી હાલત થશે તો પહોંચી વળશે?
- લેેખક, અભિનવ ગોયલ
- પદ, બીબીસી સંવાદદાતા
- આખી દુનિયામાં કોવિડ પ્રબંધન બાબતે બેઠકો શરૂ થઈ ગઈ છે
- જાપાન, અમેરિકા, દક્ષિણ કોરિયા અને બ્રાઝિલમાં પણ કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યા છે
- ભારતમાં હાલ કોવિડના કેસની સંખ્યા 4,000થી ઓછી છે
- આંધ્ર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર તથા કર્ણાટકમાં કોરોના વૅક્સિનના પહેલા ડોઝ કરતાં બીજા ડોઝનો આંકડો મોટો છે
- ચીનમાં કોરોનાના વધતા કેસ માટે સંભવતઃ ઓમિક્રૉન વૅરિયન્ટ BF.7 જવાબદાર છે
ચીનની હૉસ્પિટલોમાં કોરોનાથી સંક્રમિત લોકોની વધતી સંખ્યાને પગલે અફરાતફરી તથા શબઘરોની બહાર લાંબી લાઈનોની તસવીરો ફરી એક વાર સોશિયલ મીડિયામાં જોવા મળી રહી છે.
એપ્રિલ-2022ના કોરોનાના સર્વોચ્ચ સ્તરને ચીને તો ડિસેમ્બરમાં જ પાર કરી લીધું અને આખી દુનિયામાં કોવિડ પ્રબંધન બાબતે બેઠકો શરૂ થઈ ગઈ.
કેન્દ્રના આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ આરોગ્ય નિષ્ણાતો તથા અધિકારીઓ સાથે બુધવારે બેઠક સમીક્ષા બેઠક યોજી હતી. તેમાં બધાને સાવધ રહેવાના અને કોરોના પર ચાંપતી નજર રાખવાના આદેશ આપવામાં આવ્યા હતા.
કોવિડ વિશેની નેશનલ ટાસ્ક ફોર્સના વડા વી. કે. પોલે પણ માસ્ક ફરીથી પહેરવા અને કોવિડના અન્ય પ્રોટોકૉલનું પાલન કરવાની અપીલ લોકોને કરી છે.
જોકે, તેમણે એવું પણ કહ્યું હતું કે, “લોકોએ ડરવાની જરૂર નથી, કારણ કે ભારત સલામત ઝોનમાં છે.”
જૉન હૉપકિન્સ યુનિવર્સિટીને ડૅશબોર્ડ પર જણાવ્યા મુજબ, કોરોના વાઇરસને લીધે સમગ્ર વિશ્વમાં લગભગ 66.72 લાખ લોકો મૃત્યુ પામ્યાં છે. આ આંકડો બહુ મોટો છે, કારણ કે દુનિયામાંના લગભગ 70 દેશની વસતી 66 લાખથી ઓછી છે.
છેલ્લા કેટલાક મહિનાથી આ આંકડો સ્થિર હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી તેમાં ઝડપભેર ઉમેરો થઈ રહ્યો છે.
આ બધાની વચ્ચે મોટો સવાલ એ છે કે, કોરોના વાઇરસના ડેલ્ટા, ઓમિક્રૉન વૅરિયન્ટ પછી ભારતમાં કોરોનાનો કોઈ નવો વૅરિયન્ટ બહાર આવી શકે? કોરોનાની નવી લહેર શરૂ થશે તો ભારત તેનો સામનો કરવા માટે કેટલું તૈયાર છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતમાં વૅક્સિનેશન, ઓક્સિજન સપ્લાય, હૉસ્પિટલોમાં કોવિડ બેડ, કોરોના સર્વેલન્સ, ટેસ્ટિંગ તથા હેલ્પલાઇન જેવી સુવિધાઓની હાલત કેવી છે? ભારત અગાઉની કોરોના લહેરોમાંથી કશું શીખ્યું છે કે નહીં?
આ બધા સવાલના જવાબ મેળવતા પહેલાં સમગ્ર વિશ્વમાં વધી રહેલા કોરોનાના કેસ પર નજર નાખવી જરૂરી છે.
ચીન જ નહીં, જાપાન, અમેરિકા, દક્ષિણ કોરિયા અને બ્રાઝિલમાં પણ કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યા છે.
જોન હૉપકિન્સ યુનિવર્સિટીના ડૅશબોર્ડ પર જણાવ્યા મુજબ, ગત સપ્તાહમાં ચીનમાં 244, અમેરિકામાં 2,921 અને જાપાનમાં 1,687 લોકો કોવિડનો ચેપ લાગવાને કારણે મૃત્યુ પામ્યાં છે. આ દેશોમાં કોવિડનો ચેપ લાગ્યો હોય તેવા દર્દીઓની સંખ્યા ફરી લાખોના આંકડે પહોંચી રહી છે.
વૅક્સિનેશનની સ્થિતિ શું છે?
ભારતમાં હાલ કોવિડના કેસની સંખ્યા 4,000થી ઓછી છે, પરંતુ ઍરપૉર્ટ પર રૅન્ડમ ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
કોરોનાના વધતા કેસ વચ્ચે ભારતમાં વૅક્સિનેશન પ્રોગ્રામ વિશેની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં કૉમ્યુનિટી મેડિસિન વિભાગના વડા ડૉ. જુગલ કિશોર જણાવે છે કે, “ભારત સરકાર નાગરિકોને વૅક્સિનના બન્ને ડોઝ આપવામાં સફળ થઈ છે.”
તેઓ કહે છે કે, “વૅક્સિનથી લોકોને ઇન્ફેક્શન લાગવાથી રોકી નથી શક્યા, પરંતુ વાઇરસની તીવ્રતા તથા મૃત્યુદર ઘટાડવામાં ઘણી મદદ મળી છે.”
કોરોના વૅક્સિનના બીજા ડોઝનું સત્ય શું છે?
આરોગ્ય નિષ્ણાતો માને છે કે કોરોના સામે લડવા માટે વૅક્સિન બહુ જરૂરી છે.
ભારતમાં લગભગ 220 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. તેમાં સાત કરોડ લોકો એવા છે કે, જેમને વૅક્સિનનો બીજો ડોઝ આપવાનો બાકી છે.
સરકારી આંકડા મુજબ, દેશમાં લગભગ 92 ટકા લોકોને કોરોના વૅક્સિનના બન્ને ડોઝ આપી દેવાયા છે, પરંતુ વૅક્સિનની બાબતમાં કેટલાંક રાજ્યોની હાલત હજુ પણ ખરાબ છે.
એવાં રાજ્યોમાં સૌથી પહેલું નામ ઝારખંડનું છે. ઝારખંડમાં 74 ટકા લોકોએ જ કોવિડ વૅક્સિનના બન્ને ડોઝ લીધા છે.
ઝારખંડ પછીના ક્રમે મેઘાલય, નાગાલૅન્ડ, મણિપુર, ચંદીગઢ અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યો છે.
આંધ્ર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર તથા કર્ણાટકમાં કોરોના વૅક્સિનના પહેલા ડોઝ કરતાં બીજા ડોઝનો આંકડો મોટો છે.
બૂસ્ટર ડોઝથી દૂર રહેવાનું કારણ શું?
ચીનમાં કોરોનાના વધતા કેસ માટે સંભવતઃ ઓમિક્રૉન વૅરિયન્ટ BF.7 જવાબદાર છે. આ વૅરિયન્ટના ચાર કેસ ભારતમાં મળી આવ્યા છે.
વી.કે. પોલ કહે છે, “ઇન્ડિયન sars-cov-2ના જીનોમિક્સ કોન્સોશિયમ (INSACOG) મુજબ ભારતમાં આ વૅરિયન્ટના સંક્રમણના ચાર કેસ નોંધાયા છે. એક કેસ સાતમી જુલાઈએ, બે કેસ સપ્ટેમ્બરમાં અને એક કેસ નવેમ્બરમાં નોંધાયો હતો.”
કોરોના સંક્રમણના વધી રહેલા કેસ વચ્ચે ડૉ. વી. કે. પોલે તમામ લોકોને બૂસ્ટર ડોઝ લઈ લેવાની સલાહ આપી છે, પરંતુ સવાલ એ છે કે આ બૂસ્ટર ડોઝ કોરોનાના નવા વૅરિયન્ટ સામે અસરકારક સાબિત થશે? ભારતમાં લોકો બૂસ્ટર ડોઝ શા માટે લેતા નથી?
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોના વૅક્સિનનો પહેલો ડોઝ લેનારાઓ પૈકીના લગભગ 23 ટકા લોકોએ જ અત્યાર સુધીમાં બૂસ્ટર ડોઝ લીધો છે.
આ સંદર્ભમાં સૌથી ખરાબ હાલત મેઘાલયની છે. ત્યાં કોરોના વૅક્સિનનો પહેલો ડોઝ લઈ ચૂકેલા લોકો પૈકીના આઠ ટકાએ જ બૂસ્ટર ડોઝ લીધો છે. એ પછી પંજાબ, નાગાલૅન્ડ અને હરિયાણા જેવાં રાજ્યોમાં આ પ્રમાણ દસ ટકાથી ઓછું છે.
દેશના કેટલાક વિસ્તારો એવા પણ છે કે, જ્યાં બૂસ્ટર ડોઝ બાબતે ઉત્સાહજનક સ્થિતિ જોવા મળી છે.
આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહના પહેલો ડોઝ લઈ ચૂકેલા લોકો પૈકીના લગભગ 82 ટકા લોકોએ, લદ્દાખમાં લગભગ 60 ટકા લોકોએ અને તેલંગણામાં લગભગ 42 ટકા લોકોએ બૂસ્ટર ડોઝ લઈ લીધો છે.
ડૉ. જુગલ કિશોર કહે છે, “બૂસ્ટર ડોઝ છતાં ઇન્ફેક્શન રેટમાં ઘટાડો જોવા મળ્યો નથી. આવું સંશોધનમાં જાણવા મળ્યું છે. ઓછા લોકો બૂસ્ટર ડોઝ લઈ રહ્યા છે તેનું કારણ આ છે.”
હૉસ્પિટલોની તૈયારી કેવી છે?
દિલ્હી સરકારના જણાવ્યા મુજબ, રાજધાનીમાં લગભગ 20,000 કોવિડ બેડ છે.
એ પૈકીના લગભગ 30 પર દર્દીઓ છે. કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં બેડની સંખ્યા બમણી કરી શકાય તેમ છે.
બીબીસી સાથે વાત કરતાં જીડીબી હૉસ્પિટલના મેડિકલ ડિરેક્ટર સુભાષગિરિ જણાવે છે કે, “કોરોનાથી ડરવાની જરૂર નથી. કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે હૉસ્પિટલ તૈયાર છે.”
ડૉ. ગિરિ કહે છે, “જીટીબી હૉસ્પિટલમાં હાલ લગભગ 100 બેડ સંપૂર્ણપણે ખાલી છે. તેની સંખ્યા વધારીને 500 કરી શકાય તેમ છે. કોરોનાની બીજી લહેર વખતે જીટીબી હૉસ્પિટલમાં 750 ઓક્સિજન બેડ હતા. તેની સંખ્યા વધારીને હવે 1,200 કરવામાં આવી છે. આ તમામ બેડ પર પાઇપ મારફત ઓક્સિજનનો પુરવઠો ઉપલબ્ધ છે.”
ડૉ. ગિરિના જણાવ્યા મુજબ, “વધુ 300 બેડ ઓક્સિજન સિલિન્ડરની મદદથી કોઈ પણ સમયે તૈયાર કરી શકાય તેમ છે અને જીટીબી હૉસ્પિટલને તબક્કા વાર કોવિડ હૉસ્પિટલમાં પરિવર્તિત કરી શકાય તેમ છે.”
દિલ્હી જ નહીં, મહારાષ્ટ્ર તથા ઉત્તર પ્રદેશ જેવાં મોટાં રાજ્યોની હૉસ્પિટલોમાં પણ કોવિડના સામના માટે બેડની સંખ્યા વધારવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના લખનૌમાં લગભગ 2,000 ઓક્સિજન બેડ અને લગભગ 8,00 આઇસીયુ બેડની સુવિધા ઉપલબ્ધ છે.
પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ઉપલબ્ધ છે?
ઓક્સિજનની અછતને કારણે સમગ્ર દેશમાં સર્જાયેલી ભયાનક પરિસ્થિતિનું પ્રતીક બની ગઈ હતી.
માત્ર રસ્તાઓ પર જ નહીં, હૉસ્પિટલોમાં દાખલ કરાયેલા દર્દીઓ પણ ઓક્સિજનની અછતને લીધે મૃત્યુ પામ્યાં હતાં. તેમાં દિલ્હીની બત્રા તથા જયપુરની ગોલ્ડન હૉસ્પિટલનો પણ સમાવેશ થતો હતો.
ઓક્સિજનની અછતને કારણે થયેલાં મોતનો સરકારે ઉલ્લેખ ભલે ન કર્યો હોત, પરંતુ તેની અછત જરૂર અનુભવી હતી. એ જ કારણસર નેશનલ મેડિકલ કમિશને (એનએમસી) તમામ મેડિકલ કૉલેજ માટે પ્રેશર એબ્સોર્પ્શન ઓક્સિજન જનરેશન પ્લાન્ટ લગાવાનું ફરજિયાત બનાવ્યું હતું.
એનએમસીએ એમબીબીએસના પ્રવેશ નિયમ(2020)ની લઘુતમ જરૂરિયાતમાં સુધારો કર્યો હતો.
સરકારે 2022ની 27 જુલાઈએ સંસદમાં જણાવ્યુ હતું કે, દેશમાં 4,115 પ્રેશર એબ્સોર્પ્શન પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે. એ પૈકીના 1,000 પ્લાન્ટ ગત વર્ષે ઑક્ટોબર સુધીમાં જ શરૂ કરી દેવામાં આવ્યા હતા.
એ સિવાય કેન્દ્ર સરકારે લગભગ ચાર લાખ મેડિકલ ઓક્સિજન સિલિન્ડર્સ અને લગભગ દોઢ લાખ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ પણ ખરીદ્યાં છે.
જીટીબી હૉસ્પિટલના મેડિકલ ડિરેક્ટર સુભાષ કહે છે, “જીટીબી હૉસ્પિટલમાં ઓક્સિજન ક્ષમતા કોરોનાની બીજી લહેરની સરખામણીએ વધારીને ત્રણ ગણી કરવામાં આવી છે. અગાઉ અમારી પાસે 20,000 લિટરની ઓક્સિજન ટૅન્ક હતી. હવે 53,000 લિટરની છે. આ ટૅન્ક વડે લગભગ 1,500 બેડને ઓક્સિજન સપ્લાય કરી શકાય તેમ છે.”
તેઓ ઉમેરે છે, “જીટીબી હૉસ્પિટલ પાસે 53,000 લિટરની ક્ષમતાવાળી એક અન્ય ઓક્સિજન ટૅન્ક પણ છે. બીજી હૉસ્પિટલોને જરૂર પડે તો તેમાંથી ઓક્સિજન સપ્લાય આપી શકાય તેમ છે.”
ટેસ્ટિંગની પરિસ્થિતિ શું છે?
કોવિડ માટેના આરટી-પીસીઆર ટેસ્ટમાં શરૂઆતમાં ઘણા દિવસનો સમય લાગતો હતો. તેનું કારણ દેશમાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ હતો.
હાલ દેશમાં ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) પ્રમાણિત 3,393 લૅબોરેટરી છે, જે કોવિડ ટેસ્ટિંગ કરી રહી છે.
ક્લિનિકલ વાઇરોલૉજી નિષ્ણાત ડૉ. એકતા ગુપ્તા કહે છે કે, “આઇસીએમઆરનું કોવિડ આરટી-પીસીઆર નેટવર્ક મહદંશે બની ગયું છે. અમે બારકોડ જનરેટેડ રિપોર્ટ્ બનાવી રહ્યા છીએ. હવે આઇસીએમઆરના આઇડી મારફત દર્દીની વિગત ઓનલાઇન પણ મેળવી શકાય છે.”
આજની તારીખે દેશમાં એક મહિનામાં લગભગ પાંચ કરોડ કોવિડ ટેસ્ટ કરાવી શકાય તેમ છે. અત્યાર સુધીમાં દેશમાં 90 કરોડ કોવિડ ટેસ્ટ થઈ ચૂક્યા છે.
કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને જીનોમ સિક્વન્સિંગ માટે સૅમ્પલ લૅબોરેટરીમાં મોકલવા જણાવ્યું છે, જેથી વૅરિયન્ટ અને સબ-વૅરિયન્ટ વિશેની જાણકારી મેળવી શકાય.
નવા કોવિડ વૅરિયન્ટની જાણકારી મેળવવા દેશમાં ઇન્ડિયન sars-cov-2 INSACOGની સ્થાપના કરવામાં આવી છે. તેમાં કોવિડ વાઇરસના જીનોમિક વૅરિએશન પર નજર રાખવા માટે દેશમાં 54 લૅબોરેટરી કામ કરી રહી છે.
ઇન્સ્ટિટ્યૂટ ઑફ લિવર ઍન્ડ બિલિઅરી સાયન્સીઝ હૉસ્પિટલની લૅબોરેટરી પણ તેનો હિસ્સો છે. તે લૅબોરેટરી સાથે જોડાયેલાં ક્લિનિકલ વાઇરોલોજી નિષ્ણાત ડૉ. એકતા ગુપ્તા કહે છે કે, “અમને દિલ્હીના દરેક કોવિડ પૉઝિટિવ કેસનું જીનોમ સિક્વન્સિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અમે નવા વૅરિયન્ટને ઓળખવા માટે સતત રૅન્ડમ સૅમ્પલિંગ પણ કરીએ છીએ. હાલ તેમાં કશું નવું જોવા મળ્યું નથી.”
ભારતમાં હાલ ચીન અને જાપાનની માફક કોવિડ કેસો વધતા નથી, પરંતુ આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, આપણે અત્યારથી સતર્ક રહેવું જરૂરી છે.