તામિલનાડુની સરકારે બજેટમાં 'રૂપિયા'નો સિમ્બૉલ બદલ્યો, શું છે ₹ ના ચિહ્નનું ગુજરાત કનેક્શન?

ત્રણ ભાષાની શિક્ષણ નીતિ, બીજેપી, ડીએમકે, અન્નામલાઈ, એમકે સ્ટાલિન, ધર્મેન્દ્ર પ્રધાન, કનિમોઝી, વિવાદ, હિંદી થોપવાનો આરોપ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોદી સાથે સ્ટાલિન

ત્રણ ભાષા નીતિ અંગે વિવાદની વચ્ચે તામિલનાડુની એમ.કે. સ્ટાલિન સરકારે મોટું પગલું લીધું છે. ગુરુવારે રાજ્ય સરકારનું બજેટ રજૂ થયું, ત્યારે તેમાં રૂપિયાના સિમ્બૉલને (ચિહ્ન કે લોગો) તમિલ અક્ષરમાં બદલી દેવાયો હતો.

ભારત સરકારે જે ચિહ્નને માન્યતા આપી છે, તેમાં દેવનાગરી ભાષાના અક્ષર 'ર' તથા રોમન અક્ષર 'R'ને ભેળવીને બનાવવામાં આવ્યો છે.

તામિલનાડુના મુખ્ય મંત્રી એમ. કે. સ્ટાલિને પોતે બજૂટ રજૂ કર્યું હતું, જેનો વીડિયો તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર મૂક્યો હતો. જેમાં રૂપિયાનું સત્તાવાર ચિહ્ન '₹' ને તામિલ અક્ષર સાથે રિપ્લેસ કરવામાં આવ્યો છે.

તામિલનાડુના બજેટમાં આ સિમ્બૉલને હઠાવીને 'ரூ' અક્ષર મૂકવામાં આવ્યો છે. ગત નાણાકીય વર્ષના (2024- '25) બજેટ દરમિયાન પરંપરાગત ચિહ્ન '₹'નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કેન્દ્રની નરેન્દ્ર મોદી અને તામિલનાડુની સ્ટાલિન સરકારની વચ્ચે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે આ નિર્ણયને તેની સાથે જોડીને જોવામાં આવે છે. મોદી સરકારની ઉપર આરોપ છે કે તે તામિલનાડુની ઉપર હિંદી થોપી રહી છે.

બજેટમાં '₹'નું ચિહ્ન બદલવા અંગે સત્તાવાર રીતે કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી. જોકે, ભાજપે તેની સામે વાંધો ઉઠાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ચિહ્નનું ગુજરાત કનેક્શન પણ છે.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

ભાજપે આપી આક્રમક પ્રતિક્રિયા

ત્રણ ભાષાની શિક્ષણ નીતિ, બીજેપી, ડીએમકે, અન્નામલાઈ, એમકે સ્ટાલિન, ધર્મેન્દ્ર પ્રધાન, કનિમોઝી, વિવાદ, હિંદી થોપવાનો આરોપ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ

ઇમેજ સ્રોત, @annamalai_k

ઇમેજ કૅપ્શન, અન્નામલાઈએ તેમના ઍક્સ હેન્ડલ ઉપર બંને બજેટમાં ચિહ્ન ફેરની માહિતી મૂકી હતી

તામિલનાડુમાં ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઈએ ડીએમકે (દ્રવિડ મુનેત્ર કઝગમ્) સરકારના આ નિર્ણયને 'બાળક જેવી હરકત' ગણાવ્યો હતો.

અન્નામલાઈએ તેમના ઍક્સના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી લખ્યું, "ડીએમકેની સરકારે 2025-'26ના બજેટ માટે રૂપિયાનાએ ચિહ્નને બદલી નાખ્યું, જેને એક તામિલ નાગરિકે જ ડિઝાઇન કર્યું હતું અને સમગ્ર દેશે તેનો સ્વીકાર કર્યો હતો."

"ઉદયકુમારે આ લોગો ડિઝાઇન કર્યો હતો, જેઓ પોતે ડીએમકેના પૂર્વ ધારાસભ્યના પુત્ર છે. સ્ટાલિન તમે હજુ કેટલી બાળક જેવી હરકતો કરશો?"

ઉલ્લેખનીય છે કે ઉદયકુમાર અમદાવાદસ્થિત નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનમાં અનુસ્નાતકનો અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે ભારત સરકારે રાષ્ટ્રવ્યાપી આવેદનો મંગાવ્યા હતા, જેમાં ઉદયકુમારની '₹' ડિઝાઇન પસંદ થઈ હતી.

એ પછી કમ્પ્યુટર, સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ, ચલણી નોટો તથા અલગ-અલગ સરકારી દસ્તાવેજોમાં તેનો ઉપયોગ શરૂ થયો હતો. તેમાં દેવનાગરી લિપિ તથા તીરંગાનું પ્રતિનિધિત્વ હોવાનું જણાવવામાં આવ્યું હતું.

તામિલનાડુના મુખ્ય મંત્રી એમ.કે. સ્ટાલિન સતત કેન્દ્ર સરકાર ઉપર રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લઈને પ્રહારો કરી રહ્યા છે અને મોદી સરકાર ઉપર 'શિક્ષણનું ભગવાકરણ' કરવાનો તથા તામિલનાડુ ઉપર હિંદી થોપવાના આરોપ મૂક્યા હતા.

ડીએમકે વિરુદ્ધ કેન્દ્ર સરકાર

ત્રણ ભાષાની શિક્ષણ નીતિ, બીજેપી, ડીએમકે, અન્નામલાઈ, એમકે સ્ટાલિન, ધર્મેન્દ્ર પ્રધાન, કનિમોઝી, વિવાદ, હિંદી થોપવાનો આરોપ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો વિરોધ કરી રહેલા ડીએમકેના સંસદસભ્યો

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ડીએમકેના આરોપના જવાબમાં ચાલુ અઠવાડિયે સંસદમાં જણાવ્યું હતું, "રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ભારતમાં વિવિધ ભાષાઓને પ્રમોટ કરી રહી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિને પગલે રાજ્ય સરકારો પાસે સ્વાયતતા હશે કે તે પાઢ્યક્રમની ભાષાઓની પ્રાથમિકતા નક્કી કરી શકે. આ નીતિ તમામ પ્રાદેશિક ભાષાઓનું સન્માન કરે છે."

ચાલુ અઠવાડિયે સંસદસત્ર દરમિયાન ડીએમકેના સાંસદોએ જે પ્રકારનું આચરણ કર્યું હતું, તેની સામે ધર્મેન્દ્ર પ્રધાને વાંધો ઉઠાવ્યો હતો. આ માટે પ્રધાને જે શબ્દનો ઉપયોગ કર્યો હતો, તેની સામે ડીએમકેનાં સંસદસભ્ય તથા મુખ્ય મંત્રી એમ.કે. સ્ટાલિનનાં સાવકાં બહેન કનિમોઝીએ વાંધો ઉઠાવ્યો હતો. એ પછી હોબાળો વકરતા પ્રધાને પોતાના શબ્દ પાછા ખેંચવા પડ્યા હતા.

તામિલનાડુ દ્વારા ત્રણ ભાષાની ફૉર્મ્યુલાનો વિરોધ કેમ?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મૂળ તામિલનાડુના અને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં વિશ્વવિદ્યાલય શિક્ષણ પંચે ત્રણ ભાષાની ફૉર્મ્યુલા રજૂ કરી હતી, જે પાછળથી શાળાકીય શિક્ષણ માટે પણ ત્રણ ભાષાની ફૉર્મ્યુલા બની.

કોઠારી પંચે વર્ષ 1964- '65 દરમિયાન આ પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો. વર્ષ 1968માં ઇંદીરા ગાંધીની સરકાર જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાવી હતી, એમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

જે મુજબ, ઉત્તર ભારતમાં હિંદી અને અંગ્રેજી સિવાય દક્ષિણ ભારતની કોઈ એક ભાષા ભણાવવામાં આવનાર હતી અને બિન-હિંદી રાજ્યોમાં પ્રાદેશિક ભાષા અને અંગ્રેજીની સાથે હિંદી પણ શીખવવાની હતી.

વર્ષ 1986માં રાજીવ ગાંધીની સરકારે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ રજૂ કરી તેમાં તથા વર્ષ 2020માં નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી નવી શિક્ષણ નીતિમાં પણ આ ફૉર્મ્યુલાને યથાવત્ રાખવામાં આવી હતી.

કેન્દ્ર સરકારનું છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન કહેવું છે કે શિક્ષણ એ સમવર્તી યાદીમાં સામેલ છે અને ત્રણ ભાષાની ફૉર્મ્યુલા લાગુ કરવી એ રાજ્ય સરકારોની જવાબદારી છે.

વર્ષ 2014માં સ્મૃતિ ઈરાની કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે શાળાકીય શિક્ષણના પાઠ્યક્રમને રાજ્ય સરકારો અંતિમ સ્વરૂપ આપશે.

પરંતુ હવે શિક્ષણ મંત્રાલયે રાજ્યોને આપવામાં આવતા ઍજ્યુકેશન ફંડને નવી શિક્ષણ નીતિ લાગુ કરવા સાથે જોડ્યું છે. એટલે કે જે રાજ્ય નવી શિક્ષણ નીતિ લાગુ ન કરે, તેમને ફંડ નહીં મળે.

તામિલનાડુ સરકારનું કહેવું છે કે આ રીતે કેન્દ્ર સરકાર દક્ષિણ ભારતનાં રાજ્યો ઉપર હિંદી થોપવા માગે છે. ઍજ્યુકેશન ફંડ અટકાવીને તે દબાણ વધારવા માગે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.