જેતપુરમાં ‘મુસ્લિમ ધર્મ અંગીકાર કરનાર હિંદુ યુવક' ના ફરી હૃદયપરિવર્તનનો વિવાદ શું છે?

યુવકની તસવીર

ઇમેજ સ્રોત, DHRUV MARU

"હું આજે સુન્નત કરાવવા આવ્યો હતો. મેં પહેલાં જ ઇસ્લામ કબૂલ કરી લીધો હતો. સોશિયલ મીડિયામાં એક વ્યક્તિની મદદથી ઇસ્લામની અરબી માહિતી ગુજરાતીમાં શીખી. પછી કુરાન સમજ્યો."

ગત 5 જુલાઈના રોજ ગુજરાતના રાજકોટ જિલ્લાના જેતપુરમાં (સરકારી) હૉસ્પિટલમાં સુન્નત કરાવવા આવેલા યુવકના આ શબ્દો છે.

બીબીસી સહયોગી બિપિન ટંકારિયા અનુસાર ગુજરાતના જેતપુરમાં એક હિંદુ યુવક કથિત રીતે મુસ્લિમ ધર્મ ‘કબૂલ’ કર્યા બાદ સરકારી હૉસ્પિટલમાં સુન્નત કરાવવા પહોંચ્યા હતા.

જોકે, આ મામલે વિવાદ થતા યુવકને સુન્નત કરતા રોકવામાં આવ્યા હતા. મીડિયા અહેવાલોમાં યુવક સોશિયલ મીડિયામાં ‘બાંગ્લાદેશની યુવતીના સંપર્કમાં આવ્યા બાદ ધર્મપરિવર્તન કરવા તૈયાર’ થયા હોવાનું કહેવાઈ રહ્યું હતું.

જોકે, બીબીસીના સહયોગી બિપિન ટંકારિયા સાથેની વાતચીતમાં જેતપુરની બોસમિયા કૉલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા 19 વર્ષીય યુવાન આશિષ ગોસ્વામીએ ‘બાંગ્લાદેશની યુવતી સાથે સંપર્કમાં હોવાની’ વાત તો સ્વીકારી પરંતુ ‘ધર્મપરિવર્તન માટે તેણે પ્રેરણા આપી’ હોવાની વાત કરી નહોતી.

તેમજ તેમના પિતા હરેશભાઈ ગોસ્વામી પોતાના ‘પુત્રે આ યુવતીના કહ્યામાં આવીને ધર્મપરિવર્તન કર્યાનો આરોપ’ કર્યો હતો.

યુવકના ભાઈએ અગાઉ મીડિયા સમક્ષ આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, "એ સોશિયલ મીડિયા મારફતે કોઈક યુવતીના સંપર્કમાં હતો અને યુવતી બાંગ્લાદેશમાં રહે છે." અહીં ઉલ્લેખનીય છે કે યુવકે ‘ઇસ્લામ કબૂલ કર્યો’ એ વાત સામે તેના જ પરિવારના સભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો.

જોકે બાદમાં ‘પરિવારજનો, સ્થાનિક હિંદુ સંગઠનો, ધાર્મિક વડા અને આગેવાનોની સમજાવટ બાદ યુવાને ધર્મપરિવર્તન કરવાનું માંડી વાળ્યું હતું.’

સમગ્ર મામલા વિશે વિગતવાર માહિતી મેળવવા માટે બીબીસી ગુજરાતીએ આ મામલા સાથે સંકળાયેલા લોકો સાથે વાતચીત કરી હતી.

ગ્રે લાઇન

શું છે મામલો?

યુવક

ઇમેજ સ્રોત, DHRUV MARU

બીબીસી સહયોગી બિપિન ટંકારીયાના જણાવ્યા મુજબ, "રાજકોટ જિલ્લાના જેતપુરમાં સરકારી હૉસ્પિટલમાં એક હિંદુ યુવક સુન્નત (ઇસ્લામમાં થતી એક ધાર્મિક પ્રથા જેમાં પુરુષના ગુપ્તાંગની અગ્ર ત્વચામાં કાપ મૂકવામાં આવે છે) કરાવવા આવ્યો હતો. પણ પરિવારની નારાજગી અને કેટલાક લોકોએ વાંધો રજૂ કરતા તેને સુન્નત કરાવતો રોકવામાં આવ્યો હતો અને સુન્નત ન કરાવવા દીધી."

બીબીસી પાસે ઉપલબ્ધ ઘટનાના દિવસના કેટલાક વીડિયો ફૂટેજમાં જોવા મળે છે કે યુવકને કેટલાક લોકો ઇસ્લામ ‘કબૂલ’ ન કરી હિંદુ ધર્મમાં જ રહેવા સમજાવી રહ્યા હોય એવું જોવા મળી રહ્યું છે.

અગાઉ યુવકે કથિત રીતે ‘ઇસ્લામ કબૂલ કર્યા’ બાદ પોતાનું નામ પણ બદલી લીધું હતું. ઉલ્લેખનીય છે કે ભારતમાં લાલચ આપી કે બળજબરીથી ધર્મપરિવર્તનની પ્રવૃત્તિ ગેરકાયદેસર છે. પરંતુ વ્યક્તિ સ્વેચ્છાએ ધર્મપરિવર્તનની પ્રક્રિયા અપનાવ્યા બાદ અન્ય ધર્મ સ્વીકાર કરી શકે છે.

આ મામલામાં પરિવારનો દાવો હતો કે યુવકને બાંગ્લાદેશમાં રહેતી ‘એક યુવતીએ લગ્ન કરવાની લાલચે મુસ્લિમ ધર્મ અપનાવવા માટે યુવકને પ્રેરિત કર્યો હતો.’

ગ્રે લાઇન

‘મુસ્લિમ ધર્મ કબૂલ કરનાર’ યુવકે શું કહ્યું?

યુવક સાથે લોકોની તસવીર

ઇમેજ સ્રોત, DHRUV MARU

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસીએ એ જાણવાની કોશિશ કરી કે જે યુવક વિવાદનું કેન્દ્ર બન્યા છે, તેમનું આ વિશે શું કહેવું છે.

બીબીસી પાસે ઉપલબ્ધ વીડિયો નિવેદનમાં યુવકે મીડિયા સમક્ષ ઘટનાના દિવસે કહ્યું હતું કે, "મેં મારું નામ બદલ્યું છે. પહેલાં મારું નામ આશિષ ગોસ્વામી હતું હણ હવે હું શેખ મોહમંદ અલસમી છું. હું આજે અહીં સુન્નત કરાવવા આવ્યો હતો."

"નમાજમાં ગંદકી રહી જાય એટલે સુન્નત કરાવવી પડે છે. એટલે જ અહીં એ કરાવવા આવ્યો હતો. તબીબને મેં વાત કરી."

"ત્યાર પછી અહીંયા અને જૂનાગઢમાં રિપોર્ટ કઢાવ્યા હતા. ડૉક્ટરે મને કહ્યું હતું કે ધાર્મિક કારણથી કરાવવું છે, તો થઈ જશે. એટલે રિપોર્ટ કરાવ્યા પછી સુન્નત કરાવવા આવ્યો હતો."

"હું પાંચ વખત નમાજ પઢું છું. જ્યારે ઇસ્લામ અપનાવવો હતો ત્યારે શરૂમાં અરબી નહોતી આવડતી એટલે સોશિયલ મીડિયા મારફતે એક ભાઈજાન પાસે મદદ લઈ ગુજરાતીમાં અરબીના અનુવાદ શીખ્યા અને ઇસ્લામ વિશે જાણ્યું તથા સમજ્યું. મેં ઇસ્લામ પહેલાં જ કબૂલ કરી લીધો હતો. કુરાનને સમજીને ઇસ્લામ અપનાવ્યો હતો."

બીબીસીના સહયોગી સાથેની વાતચીતમાં આશિષે સમગ્ર પ્રકરણ અંગે વાત કરતાં કહ્યું હતું કે, "હું કૉલેજમાં આવ્યો તે બાદ મારા પિતાએ મને મોબાઇલ અપાવ્યો. હું થોડા સમયથી યૂટ્યૂબ અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરું છું. મોબાઇલ મારફતે ચેટ દ્વારા આઠ માસથી બાંગ્લાદેશની એક યુવતી સાથે હું સંપર્કમાં હતો. મારે ઉર્દૂ ભાષા શીખવી હતી."

સમગ્ર પ્રકરણમાં વારંવાર સામે આવતી યુવતી અને પોતાની સાથે થયેલી તેની વાતચીત અંગે તેઓ આગળ કહે છે કે, "એ છોકરી મને યૂટ્યૂબ દ્વારા ઉર્દૂ શીખવાડતી. નમાજ પઢવાનું પણ હું યૂટ્યૂબમાંથી જ શીખ્યો. મેં ઇન્ટરનેટ વડે કુરાન શીખવાના ક્લાસ કર્યા. મેં ઇસ્લામ ધર્મને જાણ્યો, તેને હું સમજ્યો. મહમદ પયગંબર વિશે જાણ્યું. ઇસ્લામનાં નીતિ-નિયમો વિશે જાણ્યા બાદ મેં એ ધર્મ કબૂલ્યો."

"જ્યારે હું મુસ્લિમ ધર્મનાં નીતિ-નિયમો અનુસરતો એ સમયે હું કૉલેજમાંથી સમય કાઢીને દિવસમાં પાંચ વખત મસ્જિદે નમાજ પઢવા જતો."

તેઓ આ યુવતી અંગે વધુ વાત કરતાં કહે છે કે, "જ્યારે મેં છોકરી પાસેથી તેનો ફોટો માગ્યો ત્યારે તેણે મને કહ્યું હતું કે તેનો મોબાઇલ બ્લૉક થયો છે, અને તેની પાસે નથી."

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર સ્થાનિક આગેવાનો, કેટલાંક સંગઠનના લોકો દ્વારા સમજાવટ બાદ આશિષ ગોસ્વામીએ ‘પોતાના હૃદયપરિવર્તન’ અંગે વાત કરતાં કહ્યું હતું કે, "હવે મારે માતાપિતાને રાજી રાખવા છે મુસ્લિમ નથી થવું."

ગ્રે લાઇન

યુવકનો પરિવાર શું કહે છે?

યુવકના પિતા

ઇમેજ સ્રોત, DHRUV MARU

ઇમેજ કૅપ્શન, યુવકના પિતા

મીડિયા સમક્ષ વાત કરતાં યુવકના પિતા હરેશભાઈ ગોસ્વામીએ અગાઉ જણાવ્યું હતું કે, "અમને નથી ખબર એ કઈ રીતે સુન્નત કરાવવા સુધી પહોંચી ગયો હતો. મસ્જિદમાં કેવી રીતે જવા લાગ્યો એ પણ નથી ખબર."

હરેશભાઈ ગોસ્વામી મજૂરી કામ કરે છે અને આશિષ સહિત તેમને અન્ય એક પુત્ર અને પુત્રી છે.

તેમણે અગાઉ સમગ્ર ઘટનાક્રમ અંગે કહ્યું હતું કે, "અમે એટલું જ કહીશું કે અમારે એને સુન્નત નથી કરાવવા દેવી. જે પણ કાયદા-કાનૂન લાગુ થતા હોય એની મદદથી એને પાછો લાવવો છે."

"અમને એટલું જાણવા મળ્યું છે કે એ સોશિયલ મીડિયા મારફતે કોઈ યુવતીના સંપર્કમાં આવ્યો હતો. યુવતી બાંગ્લાદેશમાં રહે છે અને તે કહેતો કે તે પૈસા કમાઈને પછી એને લેવા જશે. તેણે એમ પણ કહ્યું હતું કે તેણે ઑનલાઇન એ યુવતી સાથે નિકાહ કરી લીધા છે."

તેમણે પોતાના પુત્રના મસ્જિદમાં નમાજ પઢવા જવાની પ્રવૃત્તિ અંગે ચેતવણી ઉચ્ચારતાં અગાઉ કહ્યું હતું કે, "તે મસ્જિદમાં જાય છે, તો જો તેને કંઈ થયું તો જવાબદારી મસ્જિદવાળાની જ રહેશે."

યુવકનાં માતાપિતા

ઇમેજ સ્રોત, DHRUV MARU

બીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયા સાથેની વાતચીતમાં તેમણે પોતાના પુત્રના ‘હૃદયપરિવર્તન’ અંગે વાત બાદમાં વાત કરતાં કહ્યું હતું કે, "મારો દીકરો ભણવામાં અત્યંત હોશિયાર છે. તે હંમેશાં પોતાની શાળામાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થતો. દસમા ધોરણમાં તેને 93 પર્સેન્ટાઇલ આવ્યા હતા જ્યારે 12મામાં તેને 97 પર્સેન્ટાઇલ આવ્યા છે."

"તે છેલ્લા છ સાત મહિનાથી આ પ્રવૃત્તિમાં જોડાયો હતો. તે મોબાઇલથી બાંગ્લાદેશની યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને તેણે જ તેને અરબી ભાષા શીખવી અને મુસલમાનની વાત પણ તેણે જ શીખવાડી. સાથે તેને નમાજ પઢતો પણ કરી દીધો."

દીકરાની આ ‘પ્રવૃત્તિ’ અંગે પોતાને જાણ થઈ ત્યારે પોતાની પ્રતિક્રિયા અંગે વાત કરતાં તેઓ આગળ કહે છે કે, "તે મસ્જિદે નમાજ પઢવા જાય છે એ વાતની અમને ખબર પડતા, મેં એક દિવસ બપોરે એ ઘરે આવ્યો ત્યારે એને માર મારેલો. હાલ એ ડાઇવર્ટ થઈ ગયો છે. હવે તે માતાપિતા કહે એમ કરશે એવું કહે છે. હવે એ ધર્મની બાબતે વાત કરવા માગતો નથી."

ગ્રે લાઇન

‘હિંદુ ધર્મમાં ફરી વાપસી’

હિંદુ ધર્મમાં વાપસી

ઇમેજ સ્રોત, DHRUV MARU

બિપિન ટંકારિયાના જણાવ્યા અનુસાર આ વાતની જાણ થતાં નૃસિંહ મંદિરના મહંત કનૈયાનંદ મહારાજ સહિત મોટી સંખ્યામાં યુવાનો સાથે રાતે યુવાનના ઘરે પહોંચ્યા હતા.

નૃસિંહ મંદિરના મહંત કનૈયાનંદ મહારાજે કહ્યું, "રાત્રે મોડેથી યુવકના ઘરે સાધુ-સંતો ગયા અને યુવકની દાઢી કપાવી નાખી હતી. તથા તેને સમજાવીને પૂજાવિધિ કરી હતી અને હિંદુ ધર્મમાં તેની વાપસી થઈ હતી."

જેતપુરના પૌરાણિક નૃસિંહ મંદિરના મહંત કનૈયાનંદ મહારાજે જણાવ્યું, "હું અને મારા સાથીઓ રાતે નવ વાગ્યા આસપાસ આ યુવાનના ઘરે પહોંચ્યા હતા અને તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો."

મહારાજે આગળ જણાવ્યું, "આખરે રાતે 11 વાગ્યા આસપાસ આ યુવાન સ્થિર અવસ્થામાં આવ્યો અને અમારી વાત સમજી શક્યો હતો. તેને સમજાતા પસ્તાવાની લાગણી સાથે ખૂબ રડવા માંડ્યો હતો. મેં તેને હિંમત આપી અને ચંદન તિલક કરીને સનાતન ધર્મમાં પાછો વાળ્યો હતો."

સમગ્ર મામલે જેતપુરના પોલીસ ઇન્સ્પેક્ટર અજિતસિંહ હેરમાએ બિપિન ટંકારિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુવકના પિતાની અરજીને પગલે તેને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો અને મોબાઇલની પણ તપાસ કરાઈ હતી.

પોલીસ અધિકારી અજિતસિંહે કહ્યું, "યુવકના મોબાઇલમાં ઇસ્લામિક ધર્મની સામગ્રીવાળા વીડિયો હતા."

"જોકે બાંગ્લાદેશની મહિલા સંબંધિત વસ્તુઓ નથી તપાસી. યુવકના પિતા તેને લેવા આવ્યા ત્યારે તેને પરત ઘરે મોકલી દેવામાં આવ્યો હતો."

રેડ લાઇન
રેડ લાઇન