જૂનાગઢ : દરગાહ હઠાવવાની નોટિસ સામે હાઈકોર્ટે મહાનગરપાલિકાને નોટિસ કેમ ફટકારી?

ઇમેજ સ્રોત, PTI/HANIF KHHOKHHAR
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી સંવાદદાતા
તાજેતરમાં જ જૂનાગઢ શહેરમાં ‘ટોળાં અને પોલીસ વચ્ચે ઘર્ષણ’ થતાં તણાવ સર્જાયો હતો. કહેવાય છે કે ‘દરગાહના ડિમોલિશન માટે જૂનાગઢ મહાનગરપાલિકાએ પાઠવેલી નોટિસ’ને કારણે થયેલા વિવાદ બાદ આ ઘર્ષણની ઘટના બની હતી.
આ ઘટના બાદ જૂનાગઢમાં ધાર્મિક સ્થળો જેવા કે મંદિરો અને દરગાહ હઠાવવાની કામગીરી સામે કરવામાં આવેલી એક અરજીના અનુસંધાને ગુજરાત હાઈકોર્ટે જૂનાગઢ મહાનગરપાલિકાને નોટિસ પાઠવી છે.
જૂનાગઢમાં પોલીસ અને ટોળા વચ્ચે થયેલા ઘર્ષણ દરમિયાન ‘એક નાગરિકનું પ્રાથમિક દૃષ્ટિએ પથ્થરની ઈજાના કારણે મૃત્યુ’ થયું હતું.
આરોપ છે કે આ ઘટનામાં ‘દરગાહની આસપાસ એકઠું થયેલ’ ટોળું ‘હિંસક’ બનતાં પોલીસ પર ‘પથ્થરમારા’ની ઘટના બાદ કથિતપણે પોલીસકર્મીઓ દ્વારા કેટલાકને ‘જાહેરમાં ઢોર માર મરાયો’ હતો.
ઘર્ષણમાં પોલીસે બળપ્રયોગ કર્યો હતો અને એમાં કેટલાંક લોકો ઘાયલ પણ થયા હતા. બીબીસીના સહયોગી હનિફ ખોખરે જણાવ્યું કે આ ઘટનામાં પોલીસે 48 વ્યક્તિની ઓળખ કરી હતી. તેમાં 34નેે દોઢ દિવસના રિમાન્ડ પર મોકલી દેવાયા હતા. જેમને આજે રિમાન્ડ પૂરા થતા તેમને જૂનાગઢ કોર્ટમાં હાજર કરાયા હતા.
સમસ્ત મુસ્લિમ ટ્રસ્ટ અને સરદુમશા-રેશમશા પીર દરગાહ ટ્રસ્ટ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ છે. જેથી ગુજરાત હાઈકોર્ટે સ્થાનિક વહીવટી તંત્રને નોટિસ પાઠવી છે.
જૂનાગઢ પ્રશાસનને 27 જૂન સુધી આ નોટિસનો જવાબ આપવા કોર્ટે કહ્યું છે. કુલ 3 નોટિસો પાઠવવામાં આવી છે.

હાઈકોર્ટમાં શું થયું?

ઇમેજ સ્રોત, GUJARAT HIGHCOURT
જૂનાગઢમાં દરગાહના ડિમોલિશનની નોટિસની સામે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે તે પિટિશનકર્તાના વકીલ સાથે બીબીસીએ વાતચીત કરવાની કોશિશ કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસી સાથેની વાતચીતમાં એડ્વોકેટ રિઝવાન શેખે બીબીસીને જણાવ્યું, “જૂનાગઢમાં 5 દરગાહો મામલે 5 નોટિસો મહાનગરપાલિકાએ બજાવી છે. જેની સામે 3 પિટિશન કોર્ટમાં દાખલ થઈ છે. કહેવાય છે કે જૂનાગઢમાં 9-10 ધાર્મિક સ્થળોને ડિમોલિશન મામલેની નોટિસો મળી છે. જેમાં મંદિર-દરગાહો સામેલ છે. અમે મુસ્લિમ સમાજ-ટ્રસ્ટ તરફથી થયેલી પિટિશન દાખલ કરી છે.”
“પિટિશનમાં અરજ કરાઈ છે કે મહાનગરપાલિકાએ નોટિસ બજવણી કર્યા પછી દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવા અને જવાબ આપવા પૂરતો સમય નથી આપ્યો. એટલે અરજ કરી છે કે યોગ્ય કાનૂની પદ્ધતિનું પાલન કરવામાં આવે અને પ્રત્યુત્તર આપવા પૂરતો સમય આપવામાં આવે.”
“કોર્ટે અમારી પિટિશનને પગલે જૂનાગઢ પ્રશાસનને નોટિસ પાઠવી છે અને 27 જૂન સુધી જવાબ આપવા એમને નિર્દેશ કર્યો છે.”
“જ્યાં સુધી મેટરની વાત છે તો, દરગાહના દસ્તાવેજો લગભગ 1930ના સમયગાળાના છે અને 1960થી એ ચૅરિટી કચેરીમાં નોંધણી પણ થયેલી છે. જ્યાર બાદ એમાંથી કેટલીક દરગાહ વકફમાં ટ્રાન્સફર થઈ હતી.”
“હવે અમે સરકાર નોટિસનો શું જવાબ આપે છે એની રાહમાં છે. અમે પણ દસ્તાવેજો અને પ્રક્રિયા મામલે પૂરતો સમય માગ્યો છે.”

કોને કોને ડિમોલિશનની નોટિસો મળી?

ઇમેજ સ્રોત, HANIF KHHOKHHAR
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી નોટિસ વિશે જૂનાગઢના સિનિયર ટાઉન પ્લાનર બિપિન ગામિતે જણાવ્યું હતું કે, "હનુમાનજી મંદિર- સાંતેશ્વર, જોશીપુરા, જુડવા હનુમાનજી મંદિર- વાંઝરાવાડ, રોશનપીર દરગાહ- ત્રિમૂર્તિ હોસ્પિટલની બાજુમાં, હઝરત જમીરશાહ અને હઝરત ગેબનશાની દરગાહો- દાણાપીઠ, હઝરત પીરદરગાહ- મજેવડી ગેટ, દાતારપીર દરગાહ- સાંભલપુર બસ-સ્ટેન્ડ, જલારામ મંદિર- તળાવ ફાટક એમ કુલ આઠ ધાર્મિક સ્થળોને મિલકતના આધાર પુરાવા રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી.
“આ નોટિસ જીપીએમસી એક્ટ 949 (કલમ 210,266) હેઠળ આપવામાં આવી હતી. હાલમાં ડિમોલેશન કરવાનો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી. આ દસ્તાવેજોની પહેલા ચકાસણી થશે."
બીબીસીએ કોર્ટમાં પિટિશન દાખલ કરનારા મુસ્લિમ ટ્રસ્ટના આગેવાન સાથે વાતચીત કરવાની કોશિશ કરી પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી. જોકે હાઈકોર્ટમાં તેમના ટ્રસ્ટની રજૂઆત કરનાર વકીલ તરફથી માહિતી પ્રાપ્ત થઈ હતી.

‘હનુમાન મંદિરના ડિમોલિશનની નોટિસ’

ઇમેજ સ્રોત, HANIF KHHOKHHAR
બીબીસીએ મંદિરોને મળેલી નોટિસ મામલે પણ વિગતો જાણવાની કોશિશ કરી.
જેમાં જૂનાગઢના શાંતેશ્વર રોડના હનુમાન મંદિરના પૂજારી ગુણવંતભાઈ ઠાકરે બીબીસીને જણાવ્યું કે એમના મંદિરને પણ નોટિસ મળી છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે,“મારી જાણકારી મુજબ 8 સ્થળોને નોટિસ આવી છે. જેમાં 3 મંદિરો છે અને 5 દરગાહ છે. હું શાંતેશ્વર રોડના હનુમાન મંદિરનો પૂજારી છું. મંદિર 45-47 વર્ષ જૂનું છે અને સામાન્યપણે ગામડાંઓમાં ગામતળની જમીનો પર બંધાયેલું મંદિર દસ્તાવેજી નથી હોતું. એ સમયે લાઇટ-પાણીની સુવિધા પણ નહોતી. જોકે હવે સરકાર અને ઈશ્વર નક્કી કરે તે સ્વીકારવું પડશે.”
“અમારી સરકારને વિનંતી છે કે રસ્તાને નડતરરૂપ જેટલી જગ્યા છે એટલી જગ્યા તેઓ લઈ લે અને માત્ર મંદિરનો મુખ્ય ભાગ છે એને યથાવત્ રાખે. અથવા બીજી જગ્યાએ મંદિર માટે જગ્યા ફાળવી આપે.”
“સરકારને વિનંતીઓ કરી રહ્યા છીએ, પછી સરકાર જે નક્કી કરે તે પાલન કરીશું. અમારે લડાઈ નથી કરવી. ના કોઈ સાથે ઉદ્ધત વર્તન કરીશું. શાંતિનો માર્ગ અપનાવીશું.”

મહાનગરપાલિકાનું વલણ

ઇમેજ સ્રોત, HANIF KHHOKHHAR
અત્રે નોંધનીય છે કે આ આખાય પ્રકરણને કારણે જૂનાગઢની મહાનગરપાલિકા ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. દરગાહ મામલે પોલીસ અને ટોળાં વચ્ચે ઘર્ષણ થયા પછી 18મી જૂને પાલિકાની બોર્ડ મિટિંગ મળી હતી. જેમાં કેટલાક નગરસેવકો ખાસ કરીને કૉંગ્રેસના નગરસેવકોએ રજૂઆત કરી હતી કે ભવિષ્યમાં ધાર્મિકસ્થળો મામલેની આવી કાર્યવાહીઓ ત્યાંના સ્થાનિક અગ્રણી ધાર્મિક-સામુદાયિક આગેવાનો અને નગરસેવકો સાથે ચર્ચા કર્યાં બાદ કરવામાં આવે.
બીબીસી સહયોગી હનિફ ખોખર અનુસાર બીજી તરફ સ્થાનિકોમાં એવી પણ ચર્ચા અને ફરિયાદ રહેતી આવી છે કે કેટલાક સમય પહેલાં ડિમોલિશન મામલે કોર્ટમાં રજૂઆત ચાલુ હતી છતાં ધાર્મિકસ્થળોનું ડિમોલિશન કરી દેવાયું હતું. જોકે, બીબીસી આ બાબતની પુષ્ટિ નથી કરી શક્યું.
હાઈકોર્ટની નોટિસ મુદ્દે જૂનાગઢ મહાનગરપાલિકાના સિનિયર ટાઉન પ્લાનર બિપિન ગામિતે બીબીસીને જણાવ્યું કે,“અમને હજુ સુધી હાઈકોર્ટની નોટિસ મળી નથી. આવશે પછી નિર્ણય લેવાશે. વળી તમામ પક્ષોને એમના (મંદિર-દરગાહ)ના આધાર-પૂરાવા રજૂ કરવા પૂરતો સમય આપ્યો છે. પછી એમની ચકાસણી કરીશું. ત્યાર બાદ નિર્ણય લેવાશે.”














