એ યુદ્ધ જેમાં એક પાકિસ્તાની પાઇલટે ઇઝરાયલના પ્લેનને તોડી પાડ્યું

“મારા મનમાં કેટલાય વિચારો આવ્યા, જેમ કે મિસાઇલ ફસાઈ ગઈ કે કંઈક બીજું થયું? તે એક સેકન્ડ મારા જીવનની સૌથી લાંબી ક્ષણ હતી. ત્યાર પછી અચાનક મિસાઇલ છૂટી અને બે-ત્રણ સેકન્ડમાં જ એ ઇઝરાયલી ફાઇટર પ્લેન મિરાજને લાગી અને મેં તેને તૂટતાં જોયું.”

આ ઘટના આજથી 50 વર્ષ પહેલાં 26 એપ્રિલ 1974ની છે, જ્યારે પાકિસ્તાની વાયુસેનાના પાઇલટ ફ્લાઇટ લેફ્ટનન્ટ સત્તાર અલ્વીએ સીરિયાની વાયુસેનાનું ફાઇટર પ્લેન 'મિગ' ઉડાવતી વખતે ઇઝરાયલના ફાઇટર પ્લેન 'મિરાજ'ને તોડી નાખ્યું હતું.

આ એક આશ્ચર્યજનક ઘટના હતી, કારણ કે પાકિસ્તાની વાયુસેનાના પાઇલટ એક બીજા દેશની વાયુસેના તરફથી ઇઝરાયલની વિરુદ્ધ યુદ્ધ લડી રહ્યા હતા. જોકે, પાકિસ્તાને સત્તાવાર આ વાતનો સ્વીકાર ન કર્યો.

જોકે, પાકિસ્તાનના પાઇલટ સીરિયા કેવી રીતે પહોંચ્યા? આ સવાલનો જવાબ જાણવા માટે આપણે પાંચ દાયકા પહેલાંના ઇતિહાસ પર નજર કરવી પડશે.

'શું તમે ખરેખર લડશો?'

વર્ષ 1973માં જ્યારે આરબ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારે યુવા પાઇલટ સત્તાર અલ્વી રસાલપુરમાં ટ્રેનિંગ કોર્સ કરી રહ્યા હતા. ટ્રેનિંગ લઈ રહેલા પાઇલટો સાંજના સમયે આરબ-ઇઝરાયલ યુદ્ધ વિશે વાતચીત કરતા હતા. આવી જ એક વાતચીતમાં એક સવાલ થયો કે તેઓ જાતે આ યુદ્ધ વિશે શું કરી શકે.

સત્તાર અલ્વીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું, “મેં કહ્યું કે આપણે ફાઇટર પાઇલટ છીએ, આપણે સ્વૈચ્છિક રૂપે જવાની અરજી કરી શકીએ છીએ. કોઈએ મને પૂછ્યું કે શું તું ખરેખર જઈને લડીશ? મેં કહ્યું હા. મારા રૂમમેટ પણ કહ્યું કે હું તારી સાથે છું. ચાલ ઊઠ.”

તેમણે ઉમેર્યું, “અમે જ્યારે ઍકેડૅમીના કમાન્ડરની ઘરે અડધી રાતે પહોંચ્યા હતા. તેઓ બહાર આવ્યા અને અમારી બધી વાત સાંભળી પછી તેમણે પૂછ્યું કે શું તમે “બાર”થી સીધા જ અહીં આવ્યા છો? અમે કહ્યું નહીં. તેમણે કહ્યું કે 'મને કાલે સવારે ઑફિસમાં મળો.'”

કમાન્ડરે પોતાની ઑફિસમાં સ્વૈચ્છિક રૂપે સીરિયા જવા માગતા પાકિસ્તાની પાઇલટોને ફરીથી પૂછ્યું કે 'શું તમે પોતાની દરખાસ્ત અંગે ગંભીર છો?'

સત્તાર અલ્વીએ જણાવ્યું, “અમે કહ્યું એકદમ ગંભીર છીએ. તેમણે અમને દસ મિનિટ રાહ જોવાનું કહ્યું અને પછી કહ્યું કે 'પેશાવર પહોંચો. તમને વિમાન ત્યાંથી લઈ જશે.' અમને પાછળથી જાણવા મળ્યું કે વાયુસેનાના પ્રમુખે ભુટ્ટોસાહેબ સાથે વાત કરી. ભુટ્ટોસાહેબે સીરિયાના રાષ્ટ્રપતિ હાફિઝ અલ અસદનો સંપર્ક કર્યો અને તેમણે હા પાડી દીધી.”

સત્તાર અલ્વીએ કહ્યું, “હું જ્યારે મારા સલવાર-કમીઝ અને ફ્લાઇંગ ગિયર લઈને પેશાવર પહોંચ્યો ત્યારે મને જાણકારી મળી કે બીજા 14 લોકો પણ સ્વૈચ્છિક રીતે જનાર લોકોમાં સામેલ છે. અમને ચીફના ફોકર વિમાનમાં બેસાડી દેવામાં આવ્યા. વાયુસેનાના પ્રમુખ પણ થોડા સમય પછી આવ્યા હતા. અમને કોઈ જાણકારી ન હતી કે અમે ક્યાં જઈ રહ્યા છીએ.”

'સરકાર અને વાયુસેના જવાબદારી લેશે નહીં'

સીરિયા જઈ રહેલા પાકિસ્તાની પાઇલટોને એક કાગળ આપવામાં આવ્યો અને કહ્યું કે તેઓ એ કાગળ પર સહી કરી દે.

સત્તાર અલ્વીએ કહ્યું, “આ કાગળ પર લખેલું હતું કે અમે પાકિસ્તાનની બહાર રજા પર જઈ રહ્યા છીએ અને આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને તો સરકાર કે પાકિસ્તાનની વાયુસેના અમારી જવાબદારી લેશે નહીં. આ વાતનો મતલબ એમ હતો કે એવી કોઈ પણ ઘટના બની તો સરકાર અને વાયુસેના અમને ઓળખવાનો ઇનકાર કરી દેશે અને કહેશે કે અમે આ લોકોને નથી ઓળખતા.”

પાકિસ્તાની પાઇલટોને પહેલાં કરાચી અને ત્યાંથી એક 'સી 130' વિમાનમાં બગદાદ લઈ જવામાં આવ્યા હતા. બગદાદથી સત્તાર અલ્વી અને બીજા પાઇલટો પહેલાં જૉર્ડન અને પછી સડકમાર્ગે દમાસ્કસ પહોંચ્યા.

એ પાકિસ્તાની પાઇલટોની કુલ સંખ્યા 16 હતી, જેમાંથી આઠ લોકોને ઇજિપ્ત મોકલવામાં આવ્યા અને અન્ય આઠ લોકોને સીરિયામાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સત્તાર અલ્વી સીરિયામાં રહેનાર પાઇલટોમાં સામેલ હતા. સત્તાર અલ્વી અને અન્ય પાઇલટોને દમાસ્કસથી 30 મિનિટ દૂર આવેલા દમીર ઍર બેઝ પર લઈ જવામાં આવ્યા અને ત્યાં તેમને '67 એ' નામ આપવામાં આવ્યું હતું.

પાકિસ્તાની પાઇલટોને રક્ષાની જવાબદારી

પાકિસ્તાની પાઇલટો માટે સૌથી મોટી સમસ્યા ભાષાની હતી. સત્તાર અલ્વીએ જણાવ્યું કે સીરિયા ઍરફોર્સનાં 'મિગ 21' વિમાનોમાં રશિયન ભાષા લખી હતી. જોકે, રડાર અને એટીસી અરબીમાં વાત કરી રહ્યા હતા.

“અમે આ સમસ્યાનો રસ્તો કાઢવા માટે કહ્યું કે વિમાનને ચલાવવા માટે અમને જે જાણકારીની જરૂર હતી તે જાણકારી અમે એક કાગળ પર લખી લીધી અને અમારા ફલાઇંગ સૂટમાં રાખી લીધી. અમને તેનો ફાયદો થયો અને જરૂર પૂરતી અરબી ભાષા અમે એક અઠવાડિયામાં શીખી લીધી.”

પાકિસ્તાની પાઇલટોને સીરિયાના યુનિટને ઍર ડિફેન્સ આપવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આમ, કોઈ પણ ઇઝરાયલનું ફાઇટર પ્લેન સીરિયાની વાયુ સીમાની અંદર પ્રવેશે તો તેને રોકવાની જવાબદારી પાકિસ્તાની પાઇલટોની હતી.

ઇજિપ્તે આ દરમિયાન ઇઝરાયલ સાથે યુદ્ધવિરામની સંધિ કરી લીધી. જોકે, સીરિયા અને ઇઝરાયલની વચ્ચે ગોલાનના પર્વતો પર યુદ્ધ ચાલી રહ્યું હતું.

સત્તાર અલ્વીએ આપેલી માહિતી પ્રમાણે તેઓ દરરોજ સવારે સહરી (રોજો રાખવા સૂરજ નીકળતા પહેલાં ભોજન લેવું) પહેલાં તૈયાર થતા અને ઍર બેઝ પર પહોંચીને રાહ જોતા. આ રૂટિન સાત મહિના સુધી ચાલુ રહ્યું હતું.

આ દરમિયાન પાકિસ્તાની પાઇલટોને ઘણી વખત આકાશમાં મોકલવામાં આવ્યા અને તેમનો ઇઝરાયલના ફાઇટર પ્લેનો સાથે સામનો થયો પરંતુ મુકાબલો થયો ન હતો.

સત્તાર અલ્વીએ કહ્યું, “પાકિસ્તાની પાઇલટોએ નક્કી કર્યું હતું કે અમે ઇઝરાયલના ફાઇટર પ્લેનને તોડી શકીએ કે નહીં પરંતુ પાકિસ્તાન પાઇલટોનું પ્લેન ઇઝરાયલ ફાઇટર પ્લેનનો શિકાર ન થવું જોઈએ. અમારી યોજના આ નીતિને આધારે બની હતી.”

'શહબાઝ 8' વિરુદ્ધ ઇઝરાયલની વાયુસેના

26 એપ્રિલ, 1974નો દિવસ પણ એક સામાન્ય દિવસની જેમ જ શરૂ થયો, પરંતુ બપોર પછી લગભગ સાડા ત્રણ વાગ્યે પાકિસ્તાનના પાઇલટોને એક સામાન્ય રક્ષાઅભિયાન સોંપવામાં આવ્યું હતું

સત્તાર અલ્વીએ જણાવ્યું, “જ્યારે અમે મિશન પૂર્ણ કરીને બેઝ તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક રડારે એક ઇઝરાયલના ફાઇટર પ્લેન વિશે જાણકારી આપી.”

આઠ પાકિસ્તાની પાઇલટો “શહબાઝ 8” ફૉર્મેશનમાં ઊડી રહ્યા હતા, જેમાં સત્તાર અલ્વી સૌથી છેલ્લે હતા. તેમણે આપેલી માહિતી પ્રમાણે કમાન્ડરે સંપર્ક ભંગ થાય તે પહેલાં ઇઝરાયલનું વિમાન જે દિશામાં છે તે દિશા તરફ જવાની સૂચના આપી હતી.

એ લેબનોનની વાયુસીમા હતી અને સત્તાર અલ્વીને જમીન તરફથી એક ચમકતી વસ્તુ નજર આવી હતી.

તેમના મત પ્રમાણે, આ એક ઇઝરાયલી ફાઇટર પ્લેન મિરાજ હતું. સત્તાર અલ્વીએ તે જોતાં જ પોતાની ફૉર્મેશનથી અલગ થઈને પોતાનું ફાઇટર પ્લેન તે પ્લેનની દિશા તરફ વાળ્યું. તેમણે કહ્યું કે તે ફાઇટર પ્લેન તેમની પાસેથી નીકળી ગયું ત્યારે મારી નજર તેની પાછળ આવી રહેલા મિરાજ ફાઇટર પ્લેન પર પડી હતી.

“બીજું ફાઇટર પ્લેન મારા પ્લેન પાસેથી વળ્યું ત્યારે મેં તે દિશામાં જવા માટે એક એવી ટેકનિકનો ઉપયોગ કર્યો જેને કારણે ફાઇટર પ્લેનની સ્પિડ ધીમી થઈ હતી.”

“મેં જોયું કે વિરોધી ફાઇટર પ્લેન પણ એ જ ટેકનિકનો ઉપયોગ કરી રહ્યાં હતાં જેને અમે સિઝર્સ એટલે કે કાતરની જેમ ફાઇટર પ્લેન ઉડાવવું કહીએ છે. એટલે કે બંને ફાઇટર પ્લેન આગળ-પાછળ અને જમણી-ડાબી તરફ વળે છે, જેથી વિરોધીના પ્લેનની પાછળ પહોંચીને તેને નિશાન બનાવી શકે.”

સત્તાર અલ્વીના કહ્યું કે આ દરમિયાન તેમણે એમના ફાઇટર પ્લેનની ગતિ શૂન્ય કરીને તેને એક ક્ષણ માટે રોકી દીધું અને ઇઝરાયલનું મિરાજ પ્લેન તેમની આગળ આવી ગયું.

જોકે, સત્તાર અલ્વી સામે એક સમસ્યા હતી.

તેમણે કહ્યું કે “હું ઇઝરાયલના ફાઇટર પ્લેન પર તરત જ હુમલો કરું તો તેના ટુકડાઓ મારા વિમાન પર પણ આવી શકે. મારે વિમાનને સુરક્ષિત રાખવા માટે થોડી રાહ જોવી પડી હતી. જોકે, મારી પાસે સમય ઓછો હતો, કારણ કે એક તરફ ઇઝરાયલી ફાઇટર પ્લેન મારી તરફ આવી રહ્યું હતું. બીજી તરફ મારા ફાઇટર પ્લેનનું ઈંધણ ખતમ થઈ જવાનું હતું અને તેમને જલદી નિર્ણય કરવાનો હતો.”

સત્તાર અલ્વીએ આપેલી જાણકારી પ્રમાણે, ઇઝરાયલના ફાઇટર પ્લેનના પાઇલટ કૅપ્ટન લિટ્ઝે પોતાની નબળી સ્થિતિને જોતાં નીચે તરફ ભાગવાની કોશિશ કરી હતી. જોકે, આ કોશિશને કારણે સત્તાર અલ્વીને એ સુરક્ષિત અંતર મળ્યું જે હુમલો કરવા માટે જરૂરી હતી.

સત્તાર અલ્વીએ રશિયન મિસાઇલ છોડવા માટે બટન દબાવ્યું, પણ મિસાઇલ ન ચાલી. આ એક સેકન્ડથી પણ ઓછો સમય હતો જેના વિશે સત્તાર અલ્વીએ કહ્યું, “મારા મનમાં જાણે કેટલા વિચારો આવ્યા કે મિસાઇલ ફસાઈ ગઈ કે બીજું કંઈ થયું.”

મિસાઇલ બટન દબાવવાની સાથે જ એક સેકન્ડમાં ફાયર થાય છે. સત્તાર અલ્વી માટે તે એક સેકન્ડ તેમના જીવનની સૌથી લાંબી ક્ષણ હતી. “બે-ત્રણ સેકન્ડો વધારે લાગી હતી અને મારી મિસાઇલ ઇઝરાયલી પ્લેનને લાગી અને એ તૂટી પડ્યું.”

બંને પ્લેન વચ્ચે આ ઝડપ 30 સેકન્ડમાં પૂરી થઈ ગઈ હતી. સત્તાર અલ્વીએ ત્યાર બાદ ફાઇટર પ્લેનને જમીનની તરફ લઈ જઈને સુપરસોનિક સ્પીડ પર જમીનથી માત્ર 50 ફૂટની ઊંચાઈએ સીરિયામાં પોતાના ઍર બેઝ તરફ લઈ ગયા.

સત્તાર અલ્વી જ્યારે ફાઇટર પ્લેનને રન-વે પર લૅન્ડ કર્યું ત્યારે ફ્યૂલ ગૅઝ શૂન્યથી પણ નીચે હતું.

'મારા પગમાં જીવ નહોતો'

સત્તાર અલ્વીએ કહ્યું, “મેં ફાઇટર પ્લેનને રોકીને સ્વિચ ઑફ કરી ત્યારે મને લાગ્યું કે મારા પગમાં જીવ નથી.”

જમીન પર હાજર સ્ટાફે જોયું કે ફાઇટર પ્લેનમાં એક મિસાઇલ ગાયબ છે. જોકે, સત્તાર અલ્વીએ કૉકપિટમાંથી નીકળીને એક કપ ચા પીવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

સીરિયાના સૈનિકો ત્યાર પછી એક હેલિકૉપ્ટર લઈને તે સ્થળે ગયા અને ઇઝરાયલના પાઇલટ કૅપ્ટન લિટ્ઝની ધરપકડ કરી હતી. સીરિયાની સરકારે સત્તાર અલ્વીને દેશનું સૌથી મોટું સન્માન આપ્યું અને ઇઝરાયલ પાઇલટ કૅપ્ટન લિટ્ઝની ફ્લાઇંગ ઓવરઑલ પણ તેમને ટ્રૉફી રૂપે આપવામાં આવી હતી.

સત્તાર અલ્વીએ કહ્યું કે પાકિસ્તાનની સરકારે કેટલાંય વર્ષો સુધી આ ઘટનાનો સ્વીકાર ન કર્યો. “હું પણ ચૂપ રહ્યો. કોઈ મને જ્યારે પૂછે તો હું કહેતો કે હું ક્યારેય સીરિયા ગયો જ નથી.”

જોકે, પાકિસ્તાન સરકારે પછી સત્તાર અલ્વીને “સિતારા-એ-ઝુર્રત”નો ખિતાબ આપ્યો હતો.