ગુજરાતમાં આદિવાસીઓ સમાન નાગરિક સંહિતાનો 'વિરોધ' કેમ કરી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
એક તરફ દેશમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફૉર્મ સિવિલ કોડ(UCC)ની ચર્ચાએ વેગ પકડ્યો છે, તો બીજી બાજુ શું આ ધારાથી આદિવાસીઓને મળતા બંધારણીય લાભો, તેમની ઓળખ અને સંસ્કૃતિ પર 'નકારાત્મક અસર'ની આશંકા વચ્ચે આદિવાસી સમાજ 'મૂંઝવણ' અનુભવી રહ્યો છે.
તાજેતરમાં 22મા કાયદાપંચે સમાન નાગરિક સંહિતા અંગે નાગરિકો અને ધાર્મિક સંસ્થાઓ સહિત વિવિધ પક્ષકારોને આ બાબતે પોતાના મત રજૂ કરવા માટે નોટિફિકેશન જાહેર કર્યું હતું. નોટિફિકેશન અનુસાર તમામ પક્ષકારોને આ સબબ મંતવ્યો રજૂ કરવા 30 દિવસનો સમય આપવામાં આવ્યો હતો, જેની મર્યાદા બાદમાં વધારી દેવાઈ હતી.
કાયદાપંચના આ પગલા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 27 જૂનના રોજ મધ્યપ્રદેશમાં ભાજપના બૂથ વર્કરોને સંબોધીને આપેલા વક્તવ્યમાં ‘યુનિફૉર્મ સિવિલ કોડ’ના પક્ષમાં ‘તર્ક’ મૂક્યા હતા. આ બંને ઘટનાઓને ઘણા લોકો આગામી સમયમાં કેન્દ્ર સરકારની પ્રાથમિકતાની યાદીમાં ‘યુનિવર્સલ સિવિલ કોડ લાગુ કરવાની’ વાત હોવાના સંકેતરૂપે જોઈ રહ્યા છે.
નોંધનીય છે કે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ‘સમાન નાગરિક સંહિતા’ના પક્ષમાં વર્ષોથી દલીલ કરતા આવ્યા છે. તાજેતરમાં બનેલી ઘટનાઓને પગલે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર આગામી સમયમાં આ અંગે કોઈ ‘મોટું પગલું’ લેશે એ વાતને લઈને ‘પક્ષ-વિપક્ષમાં પ્રતિક્રિયા’ આવવાની શરૂ થઈ ગઈ છે.
કેટલાંક રાજકીય પક્ષો, ધાર્મિક સમુદાયો અને સામાજિક સંસ્થાઓ તરફથી આ શક્યતાને પગલે પોતાના પ્રશ્નોને લઈને ‘ચિંતા અને આક્રોશ’ વ્યક્ત કરાઈ રહ્યાં છે.
ગુજરાતની વાત કરીએ તો આને લઈને ‘આદિવાસી સમાજ’માં કેટલાક પ્રશ્નો ઊઠી રહ્યા છે. આદિવાસી સમાજના આગેવાનો અને નેતાઓ ‘સમાન નાગરિક સંહિતા’માંથી તેમના સમાજને ‘બાકાત રાખવાની’, ‘પોતાની રજૂઆતો સાંભળવાની’ માગ કરી રહ્યા છે.
ગુજરાતમાં આદિવાસી સમાજમાં આ સંભવિત નિર્ણયને લઈને કેમ ‘ચિંતા અને વિરોધ’નો માહોલ જોવા મળી રહ્યો છે, આ પ્રશ્નના મૂળ સુધી પહોંચવાનો બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો. પરંતુ ઉપરોક્ત પ્રશ્ન અંગે વિગતવાર વાત કરીએ એ પહેલાં જાણી લઈએ કે આખરે સમાન નાગરિક સંહિતા શું છે?

સમાન નાગરિક સંહિતા શું છે?

ઇમેજ સ્રોત, AFP
સમાન નાગરિક સંહિતામાં સમાન્ય રીતે દેશના તમામ નાગરિકો માટે એક જ ‘દીવાની કાયદા’ની વાત કરવામાં આવી છે, જેમાં નાગરિકોના વ્યક્તિગત મુદ્દા જેમ કે લગ્ન, છૂટાછેડા, વારસો, ઉત્તરાધિકાર, મહિલાઓને લગતી બાબતો વગેરે પર કાયદાકીય રીતે નિયંત્રણ હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતના બંધારણના ચોથા ભાગમાં મુકાયેલા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ 44માં સમાન નાગરિક સંહિતા અંગે વાત કરાઈ છે. જે મુજબ રાજ્યોએ ‘સમાન નાગરિક સંહિતા’ના અમલીકરણ માટે કામ કરવાનો પ્રયાસ કરવો જોઈએ, એવી માર્ગદર્શક નોંધ કરાઈ છે.
નોંધનીય છે ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ પણ આ કાયદાની તરફેણમાં હતા. દેશમાં ગોવા એવું પ્રથમ રાજ્ય છે, જ્યાં સમાન નાગરિક સંહિતા લાગુ છે. ત્યાં કાયદાનું નામ ગોવા સિવિલ કોડ છે.
આ જ રીતે ઉત્તરાખંડમાં આ કાયદો ઘડવા માટે સુપ્રીમ કોર્ટનાં નિવૃત્ત જજના વડપણ હેઠળ એક કમિટીની રચના કરવામાં આવી છે. ગુજરાતમાં ભાજપ સરકારના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આવી જ કમિટી રચવાની જાહેરાત કરી હતી.
અહીં નોંધનીય છે કે ભારતમાં હાલ જુદાં જુદાં ધાર્મિક સમૂહોના જુદા જુદા પર્સનલ લૉ અમલમાં છે. જેમ કે, હિંદુ મૅરેજ ઍક્ટ, હિંદુ સક્સેશન ઍક્ટ, ઇન્ડિયન ક્રિશ્ચિયન મૅરેજ ઍક્ટ, ઇન્ડિયન ડિવોર્સ ઍક્ટ, પારસી મૅરેજ ઍન્ડ ડિવોર્સ ઍક્ટ અને મુસ્લિમ પર્સનલ લૉ વગેરે.

UCCની સંભવિત જોગવાઈથી આદિવાસીઓ કેમ 'ભય'માં?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આદિવાસી સમાજને એવો ‘ભય’ છે કે જો દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરાય તો તેની આદિવાસી સમુદાયનાં રીતરિવાજોની સાથોસાથ તેમની સંસ્કૃતિ પર પણ અસર પડી શકે છે.
આ વિશે વાત કરતા રાજ્યના આદિવાસી યુવાન વસંત રાઠવા કહે છે કે, “હાલમાં પણ જે રીતે બીજા ધર્મોનું આક્રમણ આદિવાસી સંસ્કૃતિ પર થઈ રહ્યું છે, તેના કારણે અનેક લોકો પોતાની સાચી ઓળખ ભૂલી ગયા છે.”
“જો આ કાયદો બની જાય તો અમારે તો ધીરે-ધીરે જન્મ, મરણ, લગ્ન વગેરે જેવા અવસરોમાં પાળવામાં આવતા નીતિનિયમોને ભૂલી જવાના અને જો તેને ભૂલી જઈએ તો અમે અમારી ઓળખ મિટાવી રહ્યા છીએ તેવું કહેવાય.”
સમાન નાગરિક સંહિતાની વાતની ચર્ચા શરૂ થઈ, ત્યારથી ગુજરાતમાં આદિવાસી નેતાઓમાં અસ્પષ્ટતા જોવા મળી રહી છે.
અમુક દિવસ પહેલાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ સમાન નાગરિક સંહિતાની ‘સૈદ્ધાંતિક તરફેણ’ કરી હતી. આમ આદમી પાર્ટીના આ નિર્ણયને પગલે ગુજરાતના નર્મદા જિલ્લાની નાંદોદ બેઠક પરથી તાજેતરમાં યોજાયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયેલ ‘આપ’ના ઉમેદવાર અને આદિવાસી નેતા પ્રફુલ્લ વસાવાએ રાજીનામું આપી દીધું હતું. તેમજ ડેડિયાપાડાના ‘આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આ નિર્ણયને લઈને ‘રાજીનામાની ચીમકી’ ઉચ્ચારી હતી.
બંને નેતાઓએ સ્થાનિક સમાચાર સંસ્થાઓ સાથેની વાતચીતમાં ‘સમાન નાગરિક સંહિતા’ની આદિવાસી સમાજ પરની ‘સંભવિત નકારાત્મક અસરો’ અંગે વાત કરી હતી. આ બાદ પાર્ટીએ આ મામલે ‘ફેરવિચારણા’ કરવાની ફરજ પડી હતી.
બીબીસી ગુજરાતીએ પણ તેમની સાથે વાત કરીને આ મુદ્દે તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રફુલ્લ વસાવાએ જણાવ્યું હતું કે, “સમાન નાગરિક સંહિતાથી આદિવાસી સમાજોને જે બંધારણીય હક મળે છે તેના પર સીધી તરાપ પડી શકે છે. કેવડિયા કૉલોનીના આદિવાસી સમાજ અને તેની આદિવાસી પંચાયતોની ગ્રામસભાની અવગણના આ વાતનું દેખીતું ઉદાહરણ છે, જેમાં આદિવાસી વિસ્તારોમાં ગ્રામસભાને પંચાયત ઍક્સટેન્શન ટુ શિડ્યૂલ્ડ એરિયાઝ ઍક્ટ, 1996 અંતર્ગત (પેસા) અપાયેલી સત્તાનો આદિવાસીઓને કોઈ જ ફાયદો ન થયો.”
નોંધનીય છે કે પેસા પ્રમાણે આદિવાસી વિસ્તારમાં કોઈ પણ યોજના શરૂ કરતા પહેલાં ગ્રામપંચાયત હેઠળની ગ્રામસભાની પરવાનગીની જરૂર હોય છે. તેમણે વધુમાં કહ્યું કે, “સમાન નાગરિક સંહિતામાં આદિવાસીઓને લઈ આવ્યા બાદ બીજા તબક્કામાં તેમને મળેલા હકો પર સીધી તરાપ આવી શકે છે.”
આ જ રીતે આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં સમાન નાગરિક સંહિતાની આદિવાસી સમાજ પરની સંભવિત અસરો કહે છે કે, “એક દેશ-એક કાયદાની જે વાત થઈ રહી છે તેનાથી આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવાનું કારસ્તાન ઘડાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.”
પોતાની વાતને ઉદાહરણો અને તર્ક આપી સમજાવતાં તેઓ કહે છે કે, “અમારી રૂઢિ-પરંપરાઓ જેમ કે લગ્ન માટે ક્યારેય કોર્ટમાં ન જવું, છૂટાછેડામાં ગામના વડીલોની મદદ મેળવવી, લગ્ન વગર પણ પતિ-પત્ની સાથે રહી અને બાળક પણ ધારણ કરી શકે, મિલકતની વારસાઈમાં દીકરીનો સમાન હક અને દીકરો ન હોય તો જમાઈને વારસાઈના હક આપવા વગેરે જેવા અનેક રિવાજો છે, જેનો સમાન નાગરિક સંહિતામાં ક્યારેય સમાવેશ ન થઈ શકે.”

ઇમેજ સ્રોત, Getty Images
આદિવાસીઓની ભિન્ન અને વર્ષોથી ચાલતી આવતી પરંપરા અને સમાન નાગરિક સંહિતાને કારણે ‘ઊભી થઈ શકતી સમસ્યાઓ’ને ઉદાહરણ સાથે સમજવાનો પ્રયાસ કરીએ.
કલ્ચરલ ઍક્ટિવિસ્ટ ડૉ. ગણેશ દેવીએ પોતાના એક આર્ટિકલમાં આદિવાસીઓ અને સમાન નાગરિક સંહિતાના સંદર્ભમાં લખ્યું હતું કે, “આદિવાસી સમાજોમાં એવા રિવાજો છે, જેમાં પત્નીના ઘરે પતિ રહેવા જાય છે અને જો પત્નીને યોગ્ય ન લાગે તો તે તેને ઘરમાંથી બહાર પણ કાઢી શકે છે. આ જ રીતે ખાસી આદિવાસીઓમાં દીકરીને મિલકતના વારસદાર ગણવામાં આવે છે અને ઘરના તમામ મહત્ત્વના નિર્ણયો તેઓ જ લેતી હોય છે.”
હિમાચલ પ્રદેશના કિન્નૌર આદિવાસી સમુદાયની વાત કરતાં તેઓ લખે છે કે, “આ સમુદાયમાં મહિલા પાંચ પતિ રાખી શકે છે.”
પોતાના લેખમાં તેમણે સવાલ ઊભા કરતાં લખ્યું છે કે, “શું સમાન નાગરિક સંહિતામાં આ પ્રકારના રીતરિવાજોને જગ્યા મળશે? શું આ ધારો આ નિયમોને માનશે? હાલમાં તો એવું લાગે છે કે દેશની વિવિધતા અને સમાન નાગરિક સંહિતા બન્ને એકબીજાના વિરોધી છે.”
આદિવાસી સમાજ સાથે વર્ષોથી કામ કરતાં ગુજરાતી લેખક અને કર્મશીલ કાનજી પટેલ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, “સમાન નાગરિક સંહિતા અને આદિવાસી રીતરિવાજોનાં સમીકરણો તદ્દન જુદાં છે. આદિવાસી સમાજોમાં લગ્ન એ બંધન નથી, તેમાં આઝાદી છે, ગમે ત્યારે છૂટાછેડા લઈને તેઓ નવું ઘર વસાવે છે, જે આજથી નહીં પરંતુ વર્ષોથી ચાલતી આવતી પ્રથા છે.”
જોકે તેઓ માને છે કે સમાન નાગરિક સંહિતાની સીધી અસર કરતાં આડકતરી અસર વધુ ભયંકર નીવડી શકે. જેમાં આદિવાસી સમુદાયની સંસ્કૃતિ અને રૂઢિ-પરંપરા પર ‘નકારાત્મક’ અસર પડી શકે છે.
તેઓ કહે છે કે, “જેમ કે તેમની ભાષા સમાન નાગરિક ધારામાં આવ્યા બાદ તેમને પણ બીજા લોકો જેવા રીતરિવાજોનું પાલન કરવું પડશે, જેમાં ધીરે ધીરે તેમની પોતાની ભાષા સાથેનો તેમનો નાતો તૂટતો જશે. આ નુકસાન આદિવાસીનું નહીં, પરંતુ દેશનું રહેશે.”

શું કહે છે ભાજપના આદિવાસી સાંસદો?

ઇમેજ સ્રોત, FACEBOOK/MANSUKH VASAVA
આદિવાસી સમાજ દ્વારા વ્યક્ત કરાઈ રહેલા ‘ભય’ અને ‘ચિંતા’ અંગે મત-ખુલાસો જાણવા માટે બીબીસી ગુજરાતીએ ગુજરાતના આદિવાસી સાંસદો સાથે વાત કરી હતી.
છોટા ઉદેપુરનાં સાંસદ ગીતાબહેન રાઠોડે આ મુદ્દે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, “હાલમાં આ કાયદાથી આદિવાસી સમાજોને નુકસાન થશે તેવી વાતોમાં કોઈ જ તથ્ય નથી. અમે થોડા દિવસોમાં દિલ્હી જઈશું, ત્યારે આદિવાસી સમાજને આ કાયદાના કારણે કોઈ જ નુકસાન ન થાય તેવાં સૂચનો અમે આપીશું. તે માટે અમે ટૂંક સમયમાં ભેગા મળીને તેના પર વધુ વિચારણા કરીશું.”
તો ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, “હાલમાં આ કાયદો ડ્રાફ્ટ થઈ રહ્યો છે, એક વખત તે તૈયાર થઈ જાય પછી જ તેના પર કોઈ પણ ટિપ્પણી કરીશ. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ કાયદાને કારણે આદિવાસીઓને મળતી અનામતમાં કે તેમના અધિકારોમાં એક ટકાનો પણ ફરક નહીં પડે.”
નોંધનીય છે કે ગુજરાતમાં કુલ વસતીની 14.8 ટકા આદિવાસીઓની વસતિ છે, જે રાજ્યના 14 જિલ્લા, 48 તાલુકા અને ચાર વિસ્તારોમાં ફેલાયેલી છે.
ગુજરાત રાજ્યમાં 26 વિવિધ આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે અને રાજ્યની 18 ટકા જેટલી જમીન અથવા તો 5,884 ગામડાંમાં તેમનો વસવાટ છે. રાજ્યનો સાક્ષરતાનો દર 78 ટકા જેટલો છે, જ્યારે આદિવાસી સમાજનો દર આશરે 62.5 ટકા છે.
એટલે કે ગુજરાત રાજ્યમાં આદિવાસી સમાજની વસતી નોંધપાત્ર છે. ગુજરાત રાજ્યની 26 લોકસભા સીટમાંથી ચાર આદિવાસી સમાજ માટે અનામત છે, જ્યારે વિધાનસભાની 182 સીટમાંથી 27 સીટ આદિવાસી સમુદાય માટે અનામત છે.














