મોરબી બ્રિજ દુર્ઘટના : કેવી ચાલી રહી છે બચાવ કામગીરી?

સારાંશ
  • સ્કૂબા ડાઇવર ડૂબકી લગાવીને નદીના પેટાળમાં ફસાયેલી લાશને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે
  • ફાયર સર્વિસના 226 જવાનો બચાવ કામગીરી કરી રહ્યા છે, 250-300 જવાનો આર્મી અને અન્ય જવાનો છે
  • વિઝિબિલિટી ઓછી છે તેમ છતાં નૅવીની ટીમ પાસે સોનાર સહિતનાં ઉપકરણો છે જેની મદદથી તેઓ શોધખોળની કામગીરી કરી રહ્યા છે
    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં ગત રવિવારે મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી ગયો અને તેમાં 135 લોકોનાં મોત થયાં છે.

બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનામાં એનડીઆરએફની બચાવ ટૂકડી સાથે હતા. બચાવ કામગીરીમાં કેટલાંક વિશેષ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેઓ બચાવ કામગીરીની વિગતો આપી રહ્યા છે.

સ્કૂબા ડાઇવર ડૂબકી લગાવીને નદીના પેટાળમાં ફસાયેલી લાશને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી આ પ્રકારે બચાવ કામગીરી ચાલી રહી છે.

ગુજરાત ફાયર સર્વિસના ડિરેક્ટર કે. કે. બિશ્નોઈ બીબીસી સાથે વાત કરતાં કહે છે, “ફાયર સર્વિસની કુલ 22 બોટ છે. એ સિવાય 15 જેટલી બોટ એનડીઆરએફની છે. નૅવી અને કૉસ્ટગાર્ડની એક-એક બોટ છે અને આર્મીની બે બોટ છે. ફાયર સર્વિસના 226 જવાનો બચાવ કામગીરી કરી રહ્યા છે. 250-300 જવાનો આર્મી અને અન્ય જવાનો છે. બચાવકર્મીઓ હૂક લગાવીને ડૂબકી મારીને બચાવ કામગીરી કરી રહ્યા છે. આ રીતે ઘણાને કાઢવામાં આવ્યા છે.”

સોનાર મશીન

પાણી ખૂબ જ ગંદું અને કાળું છે. એનડીઆરએફના જવાનોએ પણ બીબીસીને કહ્યું હતું કે પાણી કાળું હોવાના કારણે અંદર કશું દેખાતું નથી જેથી શોધખોળની કામગીરીમાં અગવડ પડી રહી છે. તો આનો ઉપાય શું?

પ્રશ્નના જવાબમાં બિશ્નોઈ કહે છે, “એમાં પણ મોબાઇલ અને લાશોને શોધવામાં સફળતા મળી છે.”

તેઓ ઉમેરે છે, “વિઝિબિલિટી ઓછી છે તેમ છતાં નૅવીની ટીમ પાસે સોનાર સહિતનાં ઉપકરણો છે, જેની મદદથી તેઓ શોધખોળની કામગીરી કરી રહ્યા છે.”

આપત્તિ વ્યવસ્થાપન મંત્રી શું કહે છે?

ગુજરાતના આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે, “એનડીઆરએફ, એસડીઆરએફ, સેના આઈએએફ, નૅવી, કૉસ્ટ ગાર્ડ, પોલીસ અને સ્થાનિક વહીવટી ટીમ દ્વારા કરવામાં આવેલ રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાયું છે. જેના કારણે અત્યાર સુધી બે લોકો લાપતા છે જેમની શોધખોળ ચાલી રહી છે. આ ઉપરાંત રાહત કામગીરી માટે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને કચ્છ જિલ્લાઓના અધિકારીઓની વધારાની કુલ ચાર ટીમો મોરબી ખાતે મૂકવામાં આવી છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, “જિલ્લા સ્તર અને રાજ્ય સ્તરના બંને કંટ્રોલ રૂમ 24 કલાક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જે માટે જિલ્લા કક્ષાનો હેલ્પલાઇન નંબર 02822 243300 અને રાજ્ય કક્ષાનો હેલ્પલાઇન નંબર 079 232 51900 જાહેર કરવામાં આવ્યો છે. અધિક મુખ્ય સચિવ મહેસૂલ, રાહત કમિશનર અને રાહત નિયામક દ્વારા સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર ખાતે ચોવીસ કલાક સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

સંરક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા સમાચાર સંસ્થા એએનઆઈ અપાયેલી માહિતી પ્રમાણે જામનગરમાં સ્થિત ભારતીય નૅવીના 40 જવાનો બચાવકામગીરીમાં સંકળાયેલા છે. જેમાં મરિન કમાન્ડો પણ સામેલ છે.

તેમણે એવી પણ માહિતી આપી હતી કે, "એનડીઆરએફની ટુકડીઓ સાથે ભારતીય વાયુસેનાનું વિમાન પણ બચાવકામગીરી માટે રવાના કરાયું છે."

બચાવકામગીરી માટે ભુજ અને અન્ય સ્થળોએથી 60 જેટલા ગરુડ કમાન્ડોને પણ મોકલવામાં આવ્યા છે.

પુલ દુર્ઘટના અંગે રચાયેલી હાઇપાવર કમિટીના વડા રાજકુમાર બેનિવાલ, ઉદ્યોગ કમિશનર ડૉ. રાહુલ ગુપ્તા, રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, રાજકોટ કલેકટર અરુણ મહેશ બાબુ, મોરબી કલેક્ટર જી. ટી. પંડ્યા સહિતના અધિકારીઓ સાથે સ્થળ પર હાજર રહી માર્ગદર્શન પૂરું પાડતા રાહત કામગીરી કરાવી ઈજાગ્રસ્તોને ઝડપી સારવાર અને મચ્છુના પાણીમાં ખોવાયેલા મૃતદેહો બહાર કાઢવા સર્ચ-રેસ્ક્યુ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.