સામ પિત્રોડાના કયા નિવેદનને કારણે વિવાદ થયો? તેમણે એ નિવેદન ભારત માટે આપ્યું હતું?

સામ પિત્રોડા, નરેન્દ્ર મોદી, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

કૉંગ્રેસ નેતા સામ પિત્રોડાએ સમાચાર સંસ્થા એએનઆઈ સાથેની વાતચીતમાં અમેરિકાના 'ઇનહેરિટેન્સ (વારસાઈ) ટૅક્સ'ની વાત કરી હતી. ત્યારબાદ તેમની ટિપ્પણીને લઈને ભાજપે કૉંગ્રેસ પર પ્રહારો શરૂ કર્યા છે.

ઇન્ડિયન ઓવરસીઝ કૉંગ્રેસના ચૅરમૅન સામ પિત્રોડાના નિવેદનથી કૉંગ્રેસ પાર્ટીએ પોતાને અલગ કરી છે.

શિકાગોથી સમાચાર સંસ્થા એએનઆઈ સાથે વાત કરતા સામ પિત્રોડાએ કહ્યું કે, "અમેરિકામાં ઇનહેરિટેન્સ ટૅક્સની વ્યવસ્થા છે. તેનો અર્થ છે કે જો કોઈની પાસે 10 કરોડ ડૉલરની સંપત્તિ છે તો તેના મૃત્યુ પછી સંતાનોને માત્ર 45 ટકા સંપત્તિ મળે છે અને બાકી 55 ટકા સરકાર લઈ લેશે."

તેમણે કહ્યું, “ભારતમાં તમે આવું ન કરી શકો. જો કોઈની પણ સંપત્તિ 10 અબજ રૂપિયા છે અને જો એ દુનિયામાં ન રહે તો તેમનાં સંતાનો જ 10 અબજ રૂપિયા રાખે છે અને જનતાને કંઈ નથી મળતું...તો આવા કેટલાક મુદ્દા છે, જેના પર લોકોએ ચર્ચા કરવી જોઈએ.”

“હું નથી જાણતો કે આનું શું પરિણામ નીકળે પરંતુ જ્યારે આપણે સંપત્તિના પુનર્વિતરણની વાત કરીએ છીએ તો આપણે નવી નીતિઓ અને નવા પ્રકારના પ્રોગ્રામની વાત કરવી જોઈએ જે પ્રજાના હિતમાં હોય, માત્ર અમીરોના હિતમાં ન હોય.”

ભાજપે કૉંગ્રેસની ટીકા કરી

સામ પિત્રોડા, નરેન્દ્ર મોદી, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, @BJP4INDIA/X

સામ પિત્રોડાના નિવેદન પછી ભાજપે તેમની ટીકા શરૂ કરી દીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, "કૉંગ્રેસ કી લૂંટ... જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી..."

છત્તીસગઢમાં એક ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, "જ્યાં સુધી તમે જીવિત છો, ત્યાં સુધી કૉંગ્રેસ તમારા પર વધુ ટૅક્સ લગાવશે અને જ્યારે તમે જીવિત નહીં રહો, ત્યારે તે તમારા પર વારસાગત ટૅક્સનો બોજ નાખશે."

પીએમે કહ્યું, "હવે કૉંગ્રેસ કહે છે કે તે વારસાગત ટૅક્સ લાદશે, તે માતાપિતા પાસેથી મળેલી વારસાગત સંપત્તિ પર પણ ટૅક્સ લગાવશે. તમારાં બાળકોને તે સંપત્તિ નહીં મળે જે તમે તમારી મહેનતથી એકઠી કરો છો. કૉઁગ્રેસનો પંજો પણ તેનાથી જ આગળ આવશે."

ભાજપ પ્રવક્તા અમિત માલવિયાએ ટ્વીટ કરીને કહ્યું કે કૉંગ્રેસે ભારતને બરબાદ કરવાનો નિર્ણય કર્યો છે.

માલવિયાએ ટ્વીટમાં લખ્યું છે કે, કૉંગ્રેસે ભારતને બરબાદ કરવાનો નિર્ણય કર્યો છે. સામ પિત્રોડા સંપત્તિનું પુનર્વિતરણ કરવા માટે 50 ટકા ઇનહેરિટેન્સ (વારસાઈ) ટૅક્સના પક્ષમાં છે.

તેઓ અર્થ છે કે જે કંઈ પણ તમે પોતાની મહેનતથી ઊભું કર્યું છે, તેનો 50 ટકા ભાગ છીનવી લેવામાં આવશે. કૉંગ્રેસ જો આવશે તો તમે આખી જિંદગી ટૅક્સ ભર્યા છતાં તેમાંથી 50 ટકા જતું રહેશે.

ભાજપના ગઠબંધનમાં સહયોગી રાષ્ટ્રીય લોકદળના રાષ્ટ્રીય મહાસચિવ મલૂક નાગરે કહ્યું છે કે સામ પિત્રોડાની માનસિક પરિસ્થિતિ શું છે તેના વિશે કંઈ ન કહી શકાય.

તેમણે સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું કે, “જે ચર્ચા ચાલી રહી છે તેને તેઓ બળ આપી રહ્યા છે. સામ પિત્રોડાની માનસિક સ્થિતિ વિશે કંઈ કહી ન શકાય.”

કૉંગ્રેસે શું કહ્યું?

સામ પિત્રોડા, નરેન્દ્ર મોદી, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

સામ પિત્રોડાના નિવેદન પર રાજકીય ચર્ચા વધ્યા બાદ કૉંગ્રેસ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે.

સામ પિત્રોડાના નિવેદન પર કૉંગ્રેસના કૉમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના પ્રમુખ જયરામ રમેશે પ્રતિક્રિયા આપી છે.

તેમણે કહ્યું કે, “સામ પિત્રોડા મારા અને દુનિયાના અનેક લોકો માટે એક મૅન્ટર, મિત્ર, ફિલૉસૉફર અને માર્ગદર્શક છે. તેમણે ભારતના વિકાસમાં કેટલાંય મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યાં છે. તેઓ ઇન્ડિયન ઓવરસીઝ કૉંગ્રેસના અધ્યક્ષ છે.

પિત્રોડા જે મુદ્દા પર બોલવા ઇચ્છે છે, તેના પર સ્વતંત્રરૂપે પોતાનો મત મૂકે છે. બેશક, લોકશાહીમાં દરેક વ્યક્તિ પાસે પોતાના વિચારો પ્રગટ કરવાનો અધિકાર છે. તેના પર ચર્ચા કરવાની સ્વતંત્રતા છે.

તેનો એવો અર્થ નથી કે પિત્રોડાના વિચાર હંમેશાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનું વલણ રજૂ કરે છે. તેમના નિવેદનને સનસનીખેજ રીતે રજૂ કરવું અને તેને વિના સંદર્ભે રજૂ કરવું નરેન્દ્ર મોદીની દુર્ભાવના અને નુકસાન પહોંચાડનાર ચૂંટણી પ્રચારથી ધ્યાન ભટકાવવાની કોશિશ છે, જેનો આધાર માત્ર જૂઠ અને વધુ જૂઠ પર છે.”

સામ પિત્રોડાએ વિવાદ પર શું કહ્યું?

ઇન્ડિયન ઓવરસીઝ કૉંગ્રેસના અધ્યક્ષ પિત્રોડાએ તેમના નિવેદન પર થયેલા વિવાદને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે.

તેમણે કહ્યું કે, " આ દુર્ભાગ્યપૂર્ણ છે કે મેં અમેરિકામાં ઇનહેરિટેન્સ ટૅક્સ પર અંગત રીતે કહ્યું તેને વડા પ્રધાન મોદીએ કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરાને પર ફેલાવવામાં આવી રહેલા જૂઠ પરથી ધ્યાન ભટકાવવા માટે ગોદી મીડિયાએ આ રીતે વિકૃત કરીને રજૂ કર્યું. વડા પ્રધાનનું મંગળસૂત્ર અને સોનું છીનવવાવાળું નિવેદન જરાય વાસ્તવિક નથી.”

પિત્રોડાએ એક અન્ય ટ્વીટમાં લખ્યું, “કોણે કહ્યું કે 55 ટકા સંપત્તિ છીનવી લેવામાં આવશે? કોણે કહ્યું કે આવું કંઈ ભારતમાં થશે? ભાજપ અને મીડિયા આટલા ગભરાયેલા કેમ છે?"

તેમણે લખ્યું કે, "મેં મારી વાતચીતમાં અમેરિકાના ઇનહેરિટેન્સ ટૅક્સનો દાખલા અમેરિકા માટે જ આપ્યો હતો. શું હું તથ્યો પણ ન કહી શકું? મેં કહ્યું કે આ એવા મુદ્દા છે જેની પર ચર્ચા કરવાની જરૂર છે. આનો કૉંગ્રેસ સહિત કોઈ પણ પાર્ટીની નીતિ સાથે કોઈ સંબંધ નથી."

વડા પ્રધાન મોદીનું ભાષણ અને પ્રિયંકા ગાંધીનો જવાબ

સામ પિત્રોડા, નરેન્દ્ર મોદી, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, @PRIYANKAGANDHI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રવિવારના રાજસ્થાનના બાંસવાડામાં ચૂંટણી રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કૉંગ્રેસ મહિલાઓનાં ઘરેણાં અને મંગળસૂત્ર લઈને પૈસા એવા લોકોને આપશે જેમનાં વધુ બાળકો છે, જે ઘૂસણખોર છે.

મોદીએ પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહના નિવેદનનો દાખલો આપતા કહ્યું હતું કે કૉંગ્રેસ માટે દેશનાં સંસાધનો પર પહેલો હક મુસ્લિમોનો છે.

વડા પ્રધાન મોદીના આ નિવેદન પર કૉંગ્રેસે કહ્યું કે આવા નિવેદન આપીને તેઓ દેશમાં નફરતનાં બીજ વાવી રહ્યા છે.

કર્ણાટકમાં એક રેલીમાં પ્રિયંકા ગાંધીએ વડા પ્રધાન મોદીના આ નિવેદનનો આકરો જવાબ આપ્યો.

તેમણે કહ્યું કે, “છેલ્લા બે દિવસથી કહી રહ્યા છે કે કૉંગ્રેસ પાર્ટી તમારું મંગળસૂત્ર, તમારું સોનું છીનવી લેશે. 70 વર્ષોથી આ દેશ આઝાદ છે, 55 વર્ષ કૉંગ્રેસની સરકાર રહી છે, શું કોઈનું સોનું છીનવી લેવાયું, તમારાં મંગળસૂત્ર છીનવ્યાં. ઇન્દિરા ગાંધીએ જ્યારે યુદ્ધ થયું, પોતાનું સોનું દેશને આપી દીધું. મારી માતાનું મંગળસૂત્ર આ દેશ માટે કુરબાન થયું છે.”

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, “મંગળસૂત્રનું મહત્ત્વ સમજતા હોત તો આવી અનૈતિક વાત ન કરી હોત. ખેડૂતો પર દેવું વધે છે, ત્યારે તેમની પત્નીએ પોતાનું મંગળસૂત્ર ગિરવે મૂકવું પડે છે. સંતાનોનાં લગ્ન હોય અથવા દવાની જરૂર હોય તો મહિલાઓ પોતાનાં ઘરેણાં ગિરવે મૂકે છે.”

પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, "જ્યારે દેશની મહિલાઓએ નોટબંધીમાં પોતાના મંગળસૂત્ર ગિરવે મૂકવા પડ્યા હતા ત્યારે વડા પ્રધાન ક્યાં હતા? જ્યારે ખેડૂત આંદોલનમાં 600 ખેડૂતો શહીદ થયા હતા ત્યારે તેમની વિધવાઓનાં મંગળસૂત્ર વિશે વડા પ્રધાને વિચાર્યું હતું કે નહીં? આજે તેઓ મત મેળવવા માટે મહિલાઓને ડરાવી રહ્યા છે."

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, “જ્યારે દેશમાં તેમણે લૉકડાઉન જાહેર કર્યું અને બધા મજૂરો સમગ્ર દેશથી, બેંગલુરુથી, યુપી-બિહારથી અને અલગઅલગ સ્થાનો માટે પગપાળા નીકળી પડ્યા હતા. જ્યારે કોઈ સહારો નહોતો મળી રહ્યો ત્યારે મહિલાઓએ પોતાનાં ઘરેણાં ગિરવે મૂક્યા હતા, ત્યારે મોદીજી ક્યાં હતા? ખેડૂત આંદોલન થયું, 600 ખેડૂતો શહીદ થયા, તેમની વિધવાઓનાં મંગળસૂત્ર વિશે મોદીજીએ વિચાર્યું?”

મણિપુરમાં હિંસા દરમિયાન મહિલાઓને નગ્ન કરીને ફેરવવામાં આવી અને એ ઘટના પર વડા પ્રધાને કોઈ પ્રતિક્રિયા ન આપી તેના પર સવાલ કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, “મણિપુરમાં એક જવાનનાં પત્નીનું વસ્ત્રાહરણ કરીને સમગ્ર દેશ સામે ફેરવવામાં આવ્યાં, મોદીજી ચૂપ હતા, તેમના મંગળસૂત્ર વિશે ન વિચાર્યું.”

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મોદી મહિલાઓને ડરાવીને તેમના મતો મેળવવા માગે છે.