આલ્કોહૉલ વિનાની બીયર કે વાઇન તમારા આરોગ્ય માટે કેટલા હાનિકારક છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કેટ જોન્સ
- પદ, .
હાલનાં વર્ષોમાં નૉન-આલ્કોહૉલિક પીણાંની (દારૂનાં નશાકારક તત્ત્વ વગરનાં પીણાં) લોકપ્રિયતા વધી છે. આ નૉન-આલ્કોહૉલિક પીણામાં વાઇન, બીયર અને સાઇડરથી (સફરજનમાંથી બનતો દારૂ) શરૂ કરીને વિકલ્પોની યાદી હવે ખૂબ લાંબી થઈ ચૂકી છે.
YouGov દ્વારા કરાયેલ એક સંશોધન અનુસાર યુકેમાં પીણાં પીનારા પૈકી 38 ટકા લોકો એવા છે જેઓ લગભગ નિયમિતપણે ઓછા આલ્કોહૉલવાળાં કે આલ્કોહૉલમુક્ત પીણાં પીએ છે. વર્ષ 2022માં આ ટકાવારી 29 ટકા હતી.
આવાં પીણાં પીનારા ઘણા લોકો મોટા ભાગે આલ્કોહૉલ લીધા વગર જે-તે પીણાંનો સ્વાદ માણવા માટેની તલબને શાંત પાડવા માટે આવાં પીણાં લે છે. જોકે, આમાં એવા પણ ઘણા લોકો હોય છે જેઓ એવી માન્યતા હેઠળ આવાં પીણાંની ખરીદી કરે છે કે આવાં નૉન-આલ્કૉહોલિક પીણાં ખરા દારૂ કરતાં વધુ સ્વાસ્થ્યપ્રદ હોય છે.
ગ્લોબલ માર્કેટ રિસર્ચ અને ઇન્ટેલિજન્સ કંપની મિન્ટેલના એક સંશોધન અનુસાર 15થી 20 ટકા ગ્રાહકો વધારાના સ્વાસ્થ્ય લાભોને કારણે નૉન-આલ્કોહૉલિક કે આલ્કોહૉલમુક્ત પીણાં ખરીદવા માટે પ્રેરિત થયા.
પરંતુ અહીં સવાલ એ છે કે આવાં નૉન-આલ્કોહૉલિક પીણાં લેવાથી બીજા દિવસે સવારે માથું ન ચડવા સિવાયના અન્ય કોઈ સ્વાસ્થ્યને લગતા લાભ થાય છે ખરા?
નૉન-આલ્કોહૉલિક પીણાંની લોકપ્રિયતા આટલી કેમ વધી?

ઇમેજ સ્રોત, Getty Images
અલ્સ્ટર યુનિવર્સિટી ખાતે ડાયટેટિક્સના સિનિયર લેક્ચરર ડૉ. કાઓમહાન લોગ માને છે કે વલણોમાં સાંસ્કૃતિક પરિવર્તન જોવા મળી રહ્યું છે.
તેઓ કહે છે કે, "મને લાગે છે કે દારૂના સેવન અને તેનાં પરિણામો અંગે વધુ માહિતી ઉપલબ્ધ હોવાથી લોકો હવે નૉન-આલ્કોહૉલિક પીણાંને વધુ અપનાવતા થયા છે. અને આ જ માંગનો ઉદ્યોગો લાભ ઉઠાવી રહ્યા છે."
ડાયટિશિયન અને બ્રિટિશ ડાયાબિટિક ઍસોસિયેશનના પ્રવક્તા ડૉ. ડુએન મેલર કહે છે, "હંમેશાંથી સામાજિક કાર્યક્રમો માણવા માગતા પુખ્તો માટે નૉન-આલ્કૉહોલિક પીણાંની જરૂર તો રહી જ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"મને લાગે છે કે અગાઉ તકલીફ એ હતી કે આવાં પીણાં બહુ સારાં નહોતાં અને હવે દારૂ કાઢવા માટે ઓછા દબાણવાળી કેટલીક રીતોને કારણે તમે હવે સારી બીયર કે વાઇન બનાવી શકો છો."
પરંતુ શું આલ્કોહૉલમુક્ત પીણાં અંગે કરાતાં સ્વાસ્થ્યને લગતા દાવાનો કોઈ આધાર છે ખરો? અમે આ અંગેની ઘણી માન્યતાઓ નિષ્ણાતો સમક્ષ મૂકીને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો.
શું તમામ નૉન-આલ્કોહૉલિક પીણાં આલ્કોહૉલ ફ્રી હોય છે?
લોગ નોંધે છે, "હું આલ્કોહૉલમુક્ત પીણા તરીકેનું લૅબલ ધરાવતી વસ્તુઓથી સાવચેત રહીશ, કારણ કે સરકારની ભલામણ પ્રમાણે તેમાં કેટલાક પ્રમાણમાં આલ્કોહૉલ ભેળવવાની છૂટ છે."
યુકેમાં દારૂથી થતું નુકસાન ઘટાડવાના આશય સાથે ચાલતી ડ્રિંકવેર સંસ્થા પ્રમાણે 'આલ્કોહૉલમુક્ત' લૅબલવાળાં પીણાંમાં તેના માપ પ્રમાણે 0.5 ટકા આલ્કોહૉલ હોઈ શકે છે. જ્યારે 'લૉ-આલ્કોહૉલ'વાળાં પીણાંમાં 1.2 ટકા આલ્કોહૉલ હોઈ શકે.
શું આલ્કોહૉલિક પીણાંમાં કૅલરી ઓછી હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બ્રિટિશ ન્યુટ્રિશન ફાઉન્ડેશનનાં ન્યૂટ્રિશનિસ્ટ બ્રિજેટ બેનેલમ કહે છે, "દારૂમાં કૅલરી હોય છે, તેથી આલ્કોહૉલિક બીયરની તુલનામાં નૉન-આલ્કોહૉલિક બીયરમાં કૅલરી ઓછી હશે"
મેલર કહે છે, "દારૂમાં પ્રતિ ગ્રામ સાત કૅલરી હોય છે."
જોકે, બેનેલમ ઉમેરે છે કે અહીં એ યાદ રાખવું મહત્ત્વપૂર્ણ છે કે આલ્કોહૉલિક પીણાં એ કૅલરીમુક્ત નથી.
મેલર કહે છે, "તેમાં હજુ પણ કેટલીક કૅલરી હોય છે અને એ ખાંડયુક્ત પણ હોઈ શકે છે, જોકે, એ પીણાંના પ્રકાર પર આધાર રાખે છે."
"આવાં પીણાં મીઠાં કે ચાસણી જેવાં બનાવવા માટે તેમાં સારા એવા પ્રમાણમાં ખાંડ હોઈ શકે છે."
શું નૉન-આલ્કોહૉલિક પીણાં તમારા લીવર માટે સારાં છે?
લોગ કહે છે, "વધુ પડતા પ્રમાણમાં લાંબા ગાળા સુધી દારૂનું સેવન લીવર માટે નુકસાનરૂપ સાબિત થઈ શકે છે."
"જો તમે આ ગણતરીમાંથી દારૂ કાઢી નાખો તો તમારા પર આવી અસર થતી નથી."
જોકે, ડાયટિશિયન વધુ પડતા પ્રમાણમાં ફ્રી સુગર લેવા સામે ચેતવે છે. નોંધનીય છે કે, ફ્રી સુગર એટલે કે ભોજન કે પીણાંમાં ભેળવાતી કોઈ પણ પ્રકારની ખાંડ તેમજ સીરપ, મધ, પુષ્પરસ અને મીઠા કર્યા વિનાના ફ્રૂટ જ્યૂસ, શાકભાજીનો જ્યૂસ અને સ્મૂધી વગેરેમાંની ખાંડ.
તેઓ સમજાવતાં કહે છે કે આલ્કોહૉલમુક્ત વિકલ્પો થકી વધુ પ્રમાણમાં ફ્રી સુગર લઈ લેવાનું જોખમ રહેલું છે.
તેઓ કહે છે કે, "જો તેનું વધુ પડતું સેવન કરાય, તો તેનાથી લીવરને નુકસાન થઈ શકે છે."
શું નૉન-આલ્કોહૉલિક પીણાં તમારા સ્વાસ્થ્ય માટે સારાં હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
લોગ જણાવે છે કે સાવ ઓછા આલ્કૉહોલ કન્ટેન્ટ વિનાની રેડ વાઇન હૃદયરોગના જોખમ સામે મદદ કરે તેવી શક્યતા હોય છે. આ સિવાય બેનેલામ કહે છે કે કેટલીક નૉન-આલ્કોહૉલિક બીયરોમાં વિટામિન બી હોય છે. જ્યારે મેલોર કહે છે કે, "ખાસ કરીને બીયર જેવી પેદાશોમાં કેટલાક એવા સંયોજન છે, જે રસપ્રદ હોઈ શકે છે."
જોકે, બેનેલામ ભારપૂર્વક કહે છે કે નૉન-આલ્કોહૉલિક પીણાં સામાન્યપણે પોષણનો પ્રાથમિક સ્રોત ન ગણી શકાય.
તેઓ કહે છે, "જ્યારે આપણે પોષકતત્ત્વોની અને તેને તમારા ડાયટમાં સામેલ કરવાની વાત કરીએ છીએ ત્યારે એ સ્વાસ્થ્યપ્રદ અને ભોજનના સંતુલિત પ્રકાર સાથે સંબંધિત હોય છે."
મેલોર પણ વધુ પડતું પ્રવાહી અને ખાંડ લેવાનાં જોખમો તેમજ એસિડવાળાં પીણાંની દાંત પર થતી ખરાબ અસરો અંગે ચેતવે છે.
પોતાનું નવું પીણું જાતે બનાવવું

ઇમેજ સ્રોત, Getty Images
જો બજારમાં મળતાં તૈયાર નૉન-આલ્કોહૉલિક પીણાં તમને રીઝવતાં ન હોય તો સારો વિકલ્પ તમારું પીણું જાતે બનાવવાનો છે.
કોકટેલ નિષ્ણાત પ્રીતેશ મોદી ભારપૂર્વક કહે છે, "તમારાં આલ્કોહૉલિક પીણાંની માફક તમારાં નૉન-આલ્કોહૉલિક પીણાંના દેખાવ અંગે એટલાં જ કાળજી અને ધ્યાન આપવામાં આવે એ જરૂરી છે."
"નૉન-આલ્કોહૉલિક સ્પિરિટની સાથે તમારે પીણાંમાં પુખ્તોનાં પીણાં જેવી ફ્લેવર પ્રોફાઇલ હોય એ જરૂરી છે, જેથી કડવાશ અને એસિડિટી પણ મહત્ત્વનાં છે."
આ નિષ્ણાત કૉફી અને ટૉનિક, કૉફી અને આદુ તેમજ ફ્લેવર્ડ ચાના પ્રશંસક છે.
તેઓ ઉમેરે છે, "સફરજનનું જ્યૂસ, લીંબુનો રસ અને આદુવાળી બીયર એ ખૂબ સ્વાદિષ્ટ પીણાં છે."
મોદી કોમ્બુચા તરફ પણ ધ્યાન દોરે છે. જોકે, આથવાની પ્રક્રિયાને કારણે તેમાં થોડો દારૂ હોવાની સંભાવના ખરી. આ સિવાય તેઓ વર્જિન એસ્પ્રેસો માર્ટિની અને શરૂઆત માટે સાઇડરના વિકલ્પ તરીકે સાઇડર વિનેગર, સફરજનનો જ્યૂસ અને સોડાનો ઉપયોગ કરવાની સલાહ આપે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












