કોરોનાની રસી અને હાર્ટ એટૅક વચ્ચે શું કોઈ 'કનેક્શન' છે, યુવાનોનાં અચાનક મૃત્યુનો રસી સાથે કોઈ સંબંધ ખરો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, શુભ રાણા
- પદ, બીબીસી
ભારતમાં કોવિડ-19 મહામારી દરમિયાન કરોડો લોકોને વૅક્સિન આપવામાં આવી હતી.
ભારતના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય સાથે જોડાયેલા CoWIN પોર્ટલ અનુસાર ડિસેમ્બર 2025 સુધીમાં 2 અબજ 20 કરોડથી વધુ વૅક્સિનેશન ડોઝ અપાયા છે.
કોવિડ વૅક્સિન અંગેનો એમ્સ દિલ્હીનો એક નવો સ્ટડી પ્રકાશિત થયો છે, જે કહે છે, "યુવાઓમાં અચાનક મૃત્યુનો કોવિડ વૅક્સિન કે સંક્રમણ સાથે કશો સંબંધ નથી."
આ સ્ટડી બાબતમાં બીબીસીએ સ્વાસ્થ્ય નિષ્ણાતો સાથે વાત કરી.
વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ) અનુસાર, "2024ના અંત સુધીમાં આખી દુનિયામાં 13.64 અબજ કરતાં વધારે કોવિડ વૅક્સિન ડોઝ અપાઈ ચૂક્યા છે."
ડબ્લ્યુએચઓ આજે પણ વૅક્સિનની ભલામણ કરે છે.
જ્યારે એમ્સના સ્ટડીમાં હાર્ટ એટૅક પાછળનું સૌથી મોટું કારણ હૃદય સંબંધિત બીમારીઓને માનવામાં આવ્યું.
વૅક્સિન અને મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ ખરો?

ઇમેજ સ્રોત, AFP via Getty Images
એમ્સ દિલ્હીના પૅથોલૉજી અને ફોરેન્સિક મેડિસિન વિભાગે મે 2023થી એપ્રિલ 2024 સુધી એક વર્ષની ઑટોપ્સી આધારિત સ્ટડી કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેનું શીર્ષક 'યુવા વયસ્કોમાં અચાનક મૃત્યુનો બોજ: ભારતની એક મોટી હૉસ્પિટલમાં એક વર્ષ સુધી કરવામાં આવેલું અધ્યયન' છે. આ સ્ટડી ઇન્ડિયન જર્નલ ઑફ મેડિકલ રિસર્ચમાં પ્રકાશિત થયો છે, જે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)નું મુખ્ય જર્નલ છે.
સ્ટડીમાં ટ્રૉમા, આત્મહત્યા, હત્યા કે ડ્રગ એબ્યૂઝથી થયેલાં મૃત્યુ સિવાયનાં અચાનક મૃત્યુના કેસોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. કુલ 94 યુવા (19-45 વર્ષ) અને 68 વૃદ્ધ (46-65 વર્ષ) કેસોની તપાસ થઈ. યુવાઓની સરેરાશ ઉંમર 33.6 વર્ષ દર્શાવવામાં આવી છે.
એમ્સના સ્ટડી અનુસાર યુવાઓનાં મૃત્યુ માટે આ મુખ્ય કારણ ગણાવાયાં છે:
- હૃદયની બીમારીઓ (કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસિસ) સૌથી મોટું કારણ – યુવાઓમાં લગભગ બે તૃતીયાંશ મૃત્યુનું કારણ
- આ મૃત્યુમાં 85 ટકા કેસોમાં ઍથેરોસ્ક્લેરોટિક કોરોનરી આર્ટરી ડિસિસ (સીએડી) જોવા મળી, એટલે કે હૃદયની નસોમાં 70 ટકાથી વધુ બ્લૉકેજ
- સૌથી વધુ અસર પામેલી નસ – લેફ્ટ એન્ટિરિયર ડિસેંડિંગ આર્ટરી, ત્યાર પછી રાઇટ કોરોનરી આર્ટરી
- યુવાઓનાં મૃત્યુના એક તૃતીયાંશ કેસોમાં બીજું કારણ શ્વાસ સંબંધિત બીમારીઓ, જેવી કે ન્યૂમોનિયા, ટીબી છે
- યુવાઓમાં દારૂ અને સ્મોકિંગની ટેવ
આ સ્ટડીમાં લગભગ 20 ટકા કેસોમાં મૃત્યુનું કોઈ સ્પષ્ટ કારણ મળી શક્યું નથી, એટલે કે ઑટોપ્સી કર્યા પછી પણ એ સમજી શકાયું નથી કે મૃત્યુ કયા કારણે થયું.
એમ્સે પોતાના અભ્યાસમાં વૅક્સીન અંગે દાવો કર્યો છે કે કોવિડ સંક્રમણના ઇતિહાસ કે વૅક્સીનેશન સ્ટેટસ અને અચાનક મૃત્યુ વચ્ચે કોઈ મહત્ત્વપૂર્ણ સંબંધ નથી.
અભ્યાસ સામે શું સવાલ થઈ રહ્યા છે?

ઇમેજ સ્રોત, AFP via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પુણેની ડીવાય પાટિલ મેડિકલ કૉલેજ, કમ્યુનિટી મેડિસિન વિભાગના ડૉક્ટર અને એમેરિટસના પ્રોફેસર ડૉક્ટર અમિતાભ બેનરજીએ એમ્સના સ્ટડી સામે સવાલ ઉઠાવ્યા છે.
તેમણે કહ્યું, "સ્ટડીમાં લગભગ 20 ટકા કેસોમાં મૃત્યુનું કારણ જાણવા નથી મળ્યું (અનઍક્સપ્લેન્ડ ડેથ કે નેગેટિવ ઑટોપ્સી). શું આ અજ્ઞાત કેસોમાં કોવિડ વૅક્સિનનો કશો રોલ તો નથી? એમ્સે આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈતી હતી."
જોકે, એમ્સના સ્ટડીમાં જણાવાયું છે કે આ મૃત્યુના કેસોમાં સરેરાશ ઉંમર ફક્ત 30.5 વર્ષ હતી. તેમાં સૌથી વધુ કેસોમાં 30-40 વર્ષની ઉંમરના 50 ટકા અને 20-30 વર્ષની ઉંમરના 40 ટકા લોકોના હતા.
અડધા કેસોમાં જ્યારે હાર્ટના ટિશ્યૂની ઝીણવટભરી તપાસ (હિસ્ટોપૅથોલૉજી) કરવામાં આવી, ત્યારે તેમાં હૃદયમાં થોડાક હળવા-સામાન્ય ફેરફાર જોવા મળ્યા; જેવા કે, હૃદયની માંસપેશીઓ થોડી જાડી થઈ જવી, ધમનીઓમાં ચરબીનું પાતળું પડ જામી જવું કે હૃદયના નાના નાના ભાગોમાં લોહીની થોડીક ઊણપનાં નિશાન મળવાં.
એમ્સનો આ સ્ટડી આગળ જણાવે છે કે આ ફેરફાર એટલા ગંભીર નહોતા કે મૃત્યુનું સીધું કારણ બની શકે.
ડૉક્ટર અમિતાભ બેનરજીએ ભારતમાં ઉપયોગમાં લેવાયેલી કોવિશીલ્ડ વૅક્સિનના સંદર્ભમાં કહ્યું, "યુરોપના ઘણા દેશોએ કોવિશીલ્ડ વૅક્સિનને દુર્લભ પરંતુ ગંભીર સાઇડ ઇફેક્ટ્સ (જેમ કે, બ્લડ ક્લૉટ્સ અને વીઆઇટીટી)ના કારણે કામચલાઉ ધોરણે સસ્પેન્ડ (બહિષ્કૃત) કરી દીધી હતી, ખાસ કરીને યુવાઓમાં આ જોખમોના કારણે."
ડૉક્ટર અમિતાભ બેનરજી ઍસ્ટ્રાજેનેકાની વૅક્સિનનું ઉત્પાદન બંધ થવા અંગે પણ સવાલ કરી રહ્યા છે.
કોરોનાની વૅક્સિન બનાવનાર ફાર્માસ્યુટિકલ કંપની ઍસ્ટ્રાજેનેકાએ લગભગ એક વર્ષ પહેલાં એ વાતનો સ્વીકાર કર્યો હતો કે તેમની વૅક્સિનની 'ગંભીર સાઇડ ઇફેક્ટ્સ' થઈ શકે છે.
કંપનીએ બ્રિટનની હાઈ કોર્ટમાં એ વાત સ્વીકારી હતી કે વૅક્સિનના કારણે કોઈને થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ (ટીટીએસ) જેવી સ્થિતિ થઈ શકે છે.
ઍસ્ટ્રાજેનેકાએ જ ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની સાથે મળીને કોવિશીલ્ડ બનાવી હતી.
ડૉક્ટર અમિતાભ બેનર્જીએ ઉમેર્યું કે, "તેની સાઇડ ઇફેક્ટ્સ ખૂબ દુર્લભ છે – 'રેરેસ્ટ ઑફ ધ રેર', પરંતુ વ્યાપક ઉપયોગ, જેમ કે કરોડો લોકો પર, થવાથી પ્રભાવિત લોકોની સંખ્યા મોટી હોઈ શકે છે."
એમ્સ દિલ્હીમાં પૅથોલૉજી પ્રોફેસર અને સ્ટડીના સહ-લેખક ડૉક્ટર સુધીર અરાવાએ કહ્યું, "અમારા શરૂઆતના અભ્યાસમાં સ્પષ્ટ છે કે યુવાઓમાં અચાનક મૃત્યુનું કારણ કોવિડ વૅક્સિન નથી. ભારતમાં યુવાઓનાં આવાં મૃત્યુ પર વધુ અભ્યાસ નથી થયા. અમે તેને તપાસ્યા અને જોયું કે મૃત્યુ કોવિડ સાથે જોડાયેલાં નથી."
'કોરોના હજુ પણ આપણી વચ્ચે છે અને રહેશે'

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલ દિલ્હીમાં સીનિયર કન્સલ્ટન્ટ ડૉક્ટર મોહસીન વલીએ કહ્યું કે, "એ વાત સાચી છે કે કોઈ વૅક્સિન અને અચાનક થયેલાં કાર્ડિયાક મૃત્યુઓમાં એમ્સ તથા આઇસીએમઆરના સંયુક્ત અભ્યાસે સાબિત કર્યું છે કે વૅક્સિન અને યુવાઓનાં અચાનક મૃત્યુ વચ્ચે કશો સંબંધ નથી."
"પરંતુ હું વારંવાર લોકોને કહું છું કે આપણે કોવિડના એ સમયને કેમ ભૂલી જઈએ છીએ? કોવિડ હજુ પણ આપણી વચ્ચે છે, અને રહેશે. આપણે સરળ માર્ગો શોધીને વૅક્સીન પર આરોપ કરીએ છીએ."
ડૉક્ટર મોહસીન વલીએ કહ્યું, "હું માનું છું કે કોવિડની વૅક્સિન આપણે ઘણા બધા દેશોને મફત અને દાનમાં પણ આપી છે. તે દેશોમાંથી આવી કોઈ ફરિયાદ નથી આવતી. આવું આપણા દેશમાં જ શા માટે થઈ રહ્યું છે?"
"દેશમાં આપણે બાળકોની દિનચર્યા પર કશું ધ્યાન નથી આપતા અને ખાનપાન પર ધ્યાન નથી આપતા. આપણે બાળકોનું બ્લડ પ્રેશર ચેક નથી કરાવતા. તેમની ફાસ્ટ ફૂડ અને વસ્તુઓની ખપતને નજરઅંદાજ કરી રહ્યા છીએ."
ડૉક્ટર મોહસીન વલીએ આગળ જણાવ્યું કે, "એમ્સે ભલે ને પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે અચાનક થયેલાં મૃત્યુ સાથે વૅક્સિનને કશો સંબંધ નથી, પરંતુ એમ્સે પોતાના અભ્યાસમાં એ વાત પણ સ્પષ્ટ કરવી જોઈતી હતી કે આખરે એ કયાં કારણો છે જેનાથી યુવાઓનાં અચાનક મૃત્યુ થઈ રહ્યાં છે."

જોકે, એમ્સના સ્ટડીમાં યુવાઓનાં અચાનક મૃત્યુનું સૌથી મોટું કારણ હૃદય સંબંધિત બીમારીઓ ગણાવાઈ છે. ત્યાર પછી શ્વાસની સમસ્યાઓ. હૃદયની બીમારીથી થતાં મૃત્યુમાં 85 ટકા કેસમાં ધમનીઓમાં ચરબી જામવા (કોરોનરી આર્ટરી ડિસિસ)થી હાર્ટ એટૅક આવવાને સૌથી મુખ્ય કારણ ગણાવાયું છે.
તેમણે મૂળભૂત કારણો પર ભાર મૂકતાં કહ્યું, "ભારતમાં પહેલાં પણ હાર્ટ સંબંધિત બીમારીઓ થતી હતી, પરંતુ હવે તે નાની ઉંમરમાં થઈ રહી છે. તેની પાછળ ત્રણ 'એસ' સામેલ છે: સ્ટ્રેસ, સ્લીપ (એટલે કે ઓછી ઊંઘ) અને સ્મોકિંગ."
ડૉક્ટર સુધીર અરાવા યુવાઓમાં અચાનક મૃત્યુનું કારણ કામ કરવાની પદ્ધતિ અને તેની સાથે સંકળાયેલી ટેવોને ગણાવે છે. તેમણે ઉમેર્યું, "ઘણા યુવા દારૂ અને સ્મોકિંગ કરે છે, જે સીધું કોરોનરી આર્ટરી ડિસિસનું કારણ બને છે. તેથી જીવનશૈલીમાં ફેરફાર જરૂરી છે."
ડૉક્ટર અરાવાએ જણાવ્યું, "લોકો વૈજ્ઞાનિક સ્રોતો પર વિશ્વાસ કરે, ખોટી માહિતીથી બચે."
એમ્સનો આ સ્ટડી ભારતમાં યુવાઓમાં હૃદયના રોગો ઝડપથી વધવા અંગે જણાવે છે, જેની પાછળ તેઓ તણાવ, ખરાબ ખાનપાન, ઓછો વ્યાયામ અને જીવનશૈલીને જવાબદાર ઠરાવે છે.
અભ્યાસ કહે છે કે સ્વાસ્થ્ય શિક્ષણ, નિયમિત તપાસ અને સ્ક્રીનિંગથી આવાં મૃત્યુને અટકાવી શકાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












