મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુદ ડૉ. બાબાસાહેબ આંબેડકર અંગે પ્રતિક્રિયા કેમ આપવી પડી?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

થોડા દિવસ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં પોતાના ભાષણમાં ડૉ. ભીમરાવ આંબેડકર અંગે કરેલી ટિપ્પણી બાદ સમગ્ર દેશમાં વિપક્ષે મોરચો માંડ્યો હતો.

આ સિવાય ગુજરાત સહિત સમગ્ર ભારતમાં દલિત સંગઠનોએ પણ આ મુદ્દે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

આ મુદ્દાને કારણે સમગ્ર દેશમાં દલિતોની ભાવનાને ઠેસ પહોંચ્યાનો દાવો કરાઈ રહ્યો હતો. જોકે, ભાજપે આ દાવાનું ઘણી વાર ખંડન કર્યું છે.

હવે જ્યારે આ મુદ્દે ગુજરાત અને ભારતમાં રાજકારણ ગરમાયું છે ત્યારે આ પરિસ્થિતિમાં તાજેતરમાં અમદાવાદ ખાતે ડૉ. બાબાસાહેબની પ્રતિમાને ખંડિત કરાયાની ઘટનાથી દલિત સમાજમાં આક્રોશ જોવા મળ્યો હતો.

હવે આ બંને મામલા એટલા બધા ચર્ચાસ્પદ બની ગયા છે કે આ સંદર્ભે તાજેતરમાં જ ખુદ ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન જાહેર કરીને 'બાબાસાહેબના અપમાન'ના આરોપ મુદ્દે સ્પષ્ટતા કરતાં 'કૉંગ્રેસ પર પ્રહાર' કર્યા હતા.

નોંધનીય છે કે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમગ્ર મામલા પર વાત કરવા માટે ત્રણ મિનિટ લાંબો વીડિયો જાહેર કર્યો હતો, જે ગુજરાત ભાજપે પોતાના ઍક્સ એકાઉન્ટ પર શૅર કર્યો હતો.

આ સમગ્ર મુદ્દે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયાનાં સંભવિત કારણો અંગે જાણવા માટે બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરી હતી.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવેદનમાં શું હતું?

ગુજરાત ભાજપે ગત 24 ડિસેમ્બરે મુખ્ય મંત્રીનો આ વીડિયો મૅસેજ જાહેર કર્યો હતો.

આ વીડિયોમાં તેઓ કહે છે કે, "કૉંગ્રેસે હંમેશાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે, તેમની મજાક ઉડાડી છે અને નીચા દેખાડવાનું કામ કર્યું છે. એ બદલે તેમણે આખા દેશની બિનશરતી માફી માગવી જોઈએ."

તેઓ આગળ કહે છે, "કૉંગ્રેસ પાર્ટી આખા દેશમાં ભાજપ વિરુદ્ધ પ્રેસ-કૉન્ફરન્સનું નાટક કરી રહી છે. જે કૉંગ્રેસે દેશના મહાન સપૂત ડૉ. આંબેડકરને હંમેશાં અપમાનિત કર્યા છે, આજે એ જ પાર્ટી બાબાસાહેબ માટે પ્રેમ અને લાગણી હોવાનો દેખાડો કરી રહી છે."

તેઓ કૉંગ્રેસ પર બાબાસાહેબની ઉપેક્ષાનો આરોપ કરતાં કહે છે કે, "કૉંગ્રેસે બાબાસાહેબ આંબેડકરને 1952માં લોકસભાની ચૂંટણી અને 1954માં પેટાચૂંટણીમાં હરાવ્યા, તેમને દેશના કાયદામંત્રીપદેથી રાજીનામું આપવા મજબૂર કર્યા તેમજ દેશના આ સપૂતને ભારતરત્ન પણ નથી આપ્યું. "

ડૉ. આંબેડકરનું સાચું સન્માન વડા પ્રધાન મોદી અને ભાજપ સરકારે કર્યું હોવાનો દાવો કરતાં તેઓ આ વીડિયોમાં બોલતાં સંભળાય છે કે, "આ પાર્ટીએ બાબાસાહેબનું એક સ્મારક પણ નથી બનવા દીધું. મોદીજીની સરકારે લંડનમાં જ્યાં બાબાસાહેબ રહેતા ત્યાં તેમનું સ્મારક બનાવ્યું. દિલ્હીમાં તેમના નિવાસસ્થાને સ્મૃતિસ્મારક, નાગપુરની દિક્ષાભૂમિ અને મુંબઈની ચૈતન્યભૂમિ ખાતે સ્મારક બનાવ્યું. સામેની બાજુએ કૉંગ્રેસ બાબાસાહેબના સ્મારક માટે કોઈ પગલાં લીધાં નથી, માત્ર અડચણો જ ઊભી કરી છે."

"તેની સામે સમગ્ર દેશમાં ઠેરઠેર અનેક રોડ-રસ્તા અને સ્મારકોનાં નામ નહેરુ, ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી અને સંજય ગાંધી પરથી રાખવામાં આવ્યાં છે.એ કૉંગ્રેસ પાર્ટી આજે બાબાસાહેબના નામે પ્રેસ-કૉન્ફરન્સ કરી રહી છે. કૉંગ્રેસે તેના આ પાખંડ બંધ કરી દેવા જોઈએ."

મુખ્ય મંત્રીએ વીડિયો સંદેશ જાહેર કરવાની જરૂર કેમ પડી?

બીબીસી ગુજરાતીએ આ મામલે ગુજરાતના રાજકારણને નજીકથી જોનારાં રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી હતી.

વરિષ્ઠ પત્રકાર દીપલ ત્રિવેદીએ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે બાબાસાહેબ આંબેડકરના કથિત અપમાન મુદ્દે વીડિયો જાહેર કરવા પાછળનાં સંભવિત કારણો અંગે વાત કરતાં કહ્યું :

"આ મામલે મારો અભિપ્રાય એ છે કે દલિતો તેમનાં હક અને તકો મેળવવા તેમજ પોતાની સાથે થયેલા અન્યાય મામલે ખૂબ જાગૃત થયા છે. વર્ષ 2002માં મુસ્લિમો સામે ગુજરાતમાં થયેલી હિંસા થઈ ત્યારે દલિતો હિંદુત્વના નામે ભરમાઈ ગયા હતા અને ભાજપ સાથે થઈ ગયા હતા. પરંતુ ધીરે ધીરે એમને ખબર પડી કે ભાજપ વધારે ઉચ્ચ જ્ઞાતિ અને ઓબીસીના લોકોની પાર્ટી છે."

"ગુજરાત એ ભાજપ માટે મૉડલ સ્ટેટ છે. તેથી અહીં દલિતોની અવગણના કરવી કે તેમની ભાવનાને ઠેસ પહોંચાડવી એ ભાજપને પોસાય એમ નથી. આ કારણસર ભાજપે દલિત સમાજની ભાવનાઓની પોતે કદર કરતા હોવાનું એક ઉદાહરણ ઊભું કરવા આવાં પગલાં લેવાં પડે છે."

તેઓ આ મુદ્દાને ભાજપ ગંભીરતાથી લઈ રહ્યો હોવાની વાત કરતાં કહે છે કે, "ભાજપના ખૂબ મોટા નેતા જે ખુદ ગુજરાતના જ છે તેમના દ્વારા બાબાસાહેબ માટે જે ઉચ્ચારણો કરવામાં આવ્યાં તેના કારણે ભાજપે આવી પ્રતિક્રિયા આપવી જ પડે તેમ હતું."

તેનું કારણ આપતાં તેઓ કહે છે કે, "ટૂંક સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે, હાલમાં ભાજપ ભલે મજબૂત લાગી રહ્યો હોય, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે આ વાત પાર્ટીની છબિને અસર કરી શકે છે. ભાજપને માત્ર બ્રાહ્મણ, પટેલ અને વાણિયાની પાર્ટી રહેવાનું પોસાય એમ નથી, તેથી આ પગલાં લેવાં પડી રહ્યાં છે."

વરિષ્ઠ પત્રકાર હરેશ ઝાલા પોતાનો મત વ્યક્ત કરતાં કહે છે કે, "જો ભાજપની વ્યૂહરચના જોવામાં આવે તો તે દરેક મુદ્દે સમગ્ર દેશમાં પોતાના કાર્યકરો થકી કાર્યક્રમો આપીને મુદ્દો જોરશોરથી ઉઠાવે છે, પછી એ ભલે કોલકાતાનો રેપ કેસ હોય કે અન્ય કોઈ મામલો. એ જ વ્યૂહરચના અહીં પણ અમલમાં મુકાઈ છે. આ વ્યૂહરચના અંતર્ગત જ ભાજપના દરેક મોટા નેતા દ્વારા કૉંગ્રેસની ટીકા થઈ રહી છે, ભાજપની છાપ ઓછી બગડે અને કૉંગ્રેસની વધુ ખરડાય એ માટેનો આ પ્રયત્ન છે."

જોકે, તેઓ એ વાતે સંમત નથી થતા કે આ વીડિયો કૉંગ્રેસ આ મુદ્દાને આગળ વધારી રાજકીય લાભ ઉઠાવી ન જાય એ માટેની વ્યૂહરચનાના ભાગરૂપે બહાર પડાયો છે.

તેઓ કહે છે કે, "દલિતોના આખા દેશમાં કુલ સાતથી આઠ ટકા મત છે. તેમાં પણ ઘણા પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ છે. કૉંગ્રેસ હાલ પોતાનાથી દૂર થયેલા મતદારોને ડૉ. આંબેડકરના નામે પાછા લાવવાનો પ્રયાસ કરી રહી છે."

ડૉ. આંબેડકરના કથિત અપમાનના મુદ્દાની ભાજપ-કૉંગ્રેસ પર કેવી અસર પડી શકે?

જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશયામ શાહ માને છે કે આંબેડકરના કથિત અપમાનના મુદ્દાની વ્યાપક અસર પડશે. તેઓ કહે છે કે, "અમિત શાહના બાબાસાહેબ આંબેડકર અંગેના નિવેદનથી માત્ર દલિત સમાજ નહીં ઓબીસી સમાજમાં પણ અસર પડશે. આ ઉપરાંત રાહુલ ગાંધી જે રીતે બંધારણની વાત સાથે બહાર નીકળ્યા હતા એનો એક ફાયદો કોંગ્રેસને મળ્યો હતો."

તેઓ કહે છે કે, "સંસદમાં થયેલી ધક્કામુક્કી પછી થયેલા પોલીસ કેસને કારણે કૉંગ્રેસ માટે લોકોમાં એક સહાનુભૂતિ ઊભી થઈ છે, આને કૉંગ્રેસ કેવી રીતે મતોમાં ફેરવી શકે એ મહત્ત્વનું છે."

ઘનશ્યામ શાહ આગળ વાત કરતાં કહે છે કે, "કૉંગ્રેસને લોકસભાની ચૂંટણી દરમિયાન ઓબીસીની વોટ બૅંક અંકે કરવામાં થોડી ઘણી સફળતા મળી હતી, પરંતુ પાર્ટી પાસે મજબૂત ઓબીસી નેતા ન હોવાથી ઓબીસી અને દલિત વોટ બૅંકનું કૉમ્બિનેશન ઊભું કરવું એ કૉંગ્રેસ માટે એક પડકાર છે, અલબત્ત ઉત્તર ભારત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં તેમને ફાયદો થઈ શકે એમ છે."

"ગુજરાતમાં સાત ટકા દલિત મતદાર છે. એને અંકે કરીને જાળવી રાખવાની નીતિ પાર્ટી ઘડે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દલિતોની નિર્ણાયક બહુમતીવાળા વિસ્તારોમાં કૉંગ્રેસને ફાયદો થઈ શકે."

શું કહે છે રાજકીય પક્ષ?

આ સમગ્ર મામલે કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. હેમાંગ વસાવડાએ કહ્યું હતું કે, "અમિત શાહના બાબાસાહેબ અંગેના નિવેદનથી એમની સમાજના વંચિત વર્ગો પ્રત્યેની માનસિકતા છતી થઈ રહી છે. અમે દરેક જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર આપી રહ્યા છીએ, મોટા પાયે એક ચળવળ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આવું કરીને અમે કૉંગ્રેસ વંચિત લોકોની સાથે હોવાની વાતની પ્રતીતિ કરાવીશું."

ભાજપ જે આક્રમકતાથી કૉંગ્રેસનો વિરોધ કરી રહ્યો છે એની પાછળનો તર્ક આપતાં વસાવડા કહે છે કે ભાજપના પગ નીચે થી જાજમ સરકી રહી છે, એનો એમને અહેસાસ થઈ ગયો છે એટલે 1985ની જેમ દલિત વિરુદ્ધ અન્ય વર્ગ થાય એવો પ્રયાસ કરી રહ્યા છે, પણ હવે તેઓ સફળ નહીં થાય."

બીજી તરફ ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવેએ કૉંગ્રેસ પર ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને ખોટી રીતે રજૂ કરાવાનો આરોપ લગાવ્યો છે.

તેમણે કહ્યું કે, "કૉંગ્રેસ વર્ગવિગ્રહ કરાવવા માગે છે. હકીકતમાં અમિત શાહે બાબાસાહેબને ભગવાનના દરજ્જામાં મુક્યા છે. હાલ કૉંગ્રેસ પાર્ટી પોતે બાબાસાહેબ સાથે કરેલા અન્યાય અને તેને ભારતરત્ન નહીં આપવા જેવાં કામો પર પડદો નાખવા માટે નવો મુદ્દો ઉઠાવી રહી છે."

"કૉંગ્રેસ પોતાના જૂના પાપ ધોવાનો પ્રયાસ કરે છે, પણ એમાં એમને સફળતા નહીં મળે . ભાજપે દેશના વંચિતોના ઉત્થાન માટે કરેલા કામ લોકોને યાદ છે, એટલે કૉંગ્રેસ ભાજપની છબિ બગાડવાનો પ્રયાસ કરે છે, પણ કોઈ મોટો ફાયદો નહીં થાય."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.