પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં તાલિબાનો પર હુમલા કેમ કરી રહ્યું છે અને 46 લોકોને કેમ મારી નાખ્યા?

અફઘાનિસ્તાનની તાલિબાન સરકારનું કહેવું છે કે તા. 24 ડિસેમ્બરની રાત્રે પાકિસ્તાન દ્વારા પકતીકાના બરમલ જિલ્લામાં હવાઈહુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 46 લોકોનાં મૃત્યુ થયાં હતાં. મૃતકોમાં મોટાભાગે બાળકો અને મહિલાઓ છે.

બરમલ જિલ્લો પાકિસ્તાનના વજીરિસ્તાનના દક્ષિણ ભાગમાં આવેલા વાના અને રજમક વિસ્તારની પાસે આવેલો છે. તાલિબાનના અધિકારીઓના કહેવા પ્રમાણે, "વજીરિસ્તાનના શરણાર્થીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા."

તાલિબાન સરકારના ઉપપ્રવક્તા હમદુલ્લા ફિતરતના કહેવા પ્રમાણે, મૃતકોમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો હતાં.

તેમણે કહ્યું, "ખૂબ જ અફસોસની વાત છે કે ગત રાત્રે પકતીકા પ્રાંતના બરમલ જિલ્લામાં ચાર સ્થળોએ બૉમ્બમારો થયો હતો, જેમાં 46 લોકો મૃત્યુ પામ્યાં અને છ ઘાયલ થયા. અનેક ઘરો ધ્વસ્ત થઈ ગયાં. મૃતકોમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો હતાં."

પકતીકા હૉસ્પિટલના એક અધિકારીએ બીબીસીને જણાવ્યું કે 22 મૃતદેહો અને 46 ઘાયલોને આરોગ્યકેન્દ્ર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. એમાંથી અમુકને વધુ સારી સારવાર માટે સારાં સાધનોથી સજ્જ હૉસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે.

'પાકિસ્તાનને જવાબ આપીશું'

તાલિબાન સરકારના સંરક્ષણમંત્રાલયે નિવેદન બહાર પાડીને આ હુમલાની નિંદા કરી છે અને તેને 'બર્બર' જણાવ્યો છે.

આ નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, "પાકિસ્તાની સેનાના બૉમ્બમારામાં જે લોકોને નિશાન બનાવવામાં આવ્યા, તેમાંથી મોટાભાગના વજીરિસ્તાનના શરણાર્થીઓ હતા. હુમલામાં બાળકો સહિત અનેક નાગરિક શહીદ અને ઘાયલ થઈ ગયાં."

નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, "અફઘાનિસ્તાનની ઇસ્લામી અમિરાતનું માનવું છે કે આ ક્રૂર કાર્યવાહીમાં તમામ પ્રકારના આંતરરાષ્ટ્રીય માપદંડોનો ભંગ કરવામાં આવ્યો છે અને તે ખૂબ જ નિંદનીય છે."

"પાકિસ્તાને સમજવું જોઈએ કે આ પ્રકારની મનસ્વી કાર્યવાહી કોઈ સમસ્યાનો ઉકેલ નથી. ઇસ્લામિક અમિરાત આ ક્રૂર કાર્યવાહીનો જવાબ આપશે. તે પોતાની ધરતી અને વિસ્તારની સુરક્ષાને પોતાનો અધિકાર સમજે છે."

પાકિસ્તાનનું શું કહેવું છે?

પાકિસ્તાનની સરકાર કે સેનાએ આ હુમલા અંગે સત્તાવાર રીતે કશું નથી કહ્યું, પરંતુ અમુક મીડિયા સંસ્થાનોને પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓએ નામ ન છાપવાની શરતે જણાવ્યું કે તેમની સેનાએ બરમલ જિલ્લામાં "આતંકવાદીઓ"ને મારી નાખ્યા છે.

અધિકારીઓનો દાવો છે કે તેમણે એક તાલીમકેન્દ્રનો નાશ કર્યો છે. આ હુમલામાં પાકિસ્તાની તાલિબાનના કેટલાક અગ્રણી હથિયારબંધ કમાન્ડરોને પણ મારી નાખવામાં આવ્યા.

પોતાને તહરિક-એ-તાલિબાનના પ્રવક્તા તરીકે ઓળખાવનાર મુહમ્મદ ખોરાસાનીએ એક પ્રેસ વિજ્ઞપ્તિ બહાર પાડીને જણાવ્યું, "અમને ખૂબ જ અફસોસજનક માહિતી મળી છે કે પાકિસ્તાન ઉપર પોતાનો કબજો જમાવી રાખનારા અને વર્ચસ્વવાદીઓએ તથા તેમની સેનાએ લાચાર શરણાર્થીઓનાં ઘરો ઉપર હુમલા કર્યા."

" પાકિસ્તાની સેનાના ઑપરેશનના (જર્બ-એ-અજ્બ) કારણે પાકિસ્તાને ઇસ્લામિક અને આંતરરાષ્ટ્રીય માપદંડોનો ભંગ કરીને અસહાય શરણાર્થીઓના ઘરોને નિશાન બનાવ્યાં હતાં. જેમાં મોટી સંખ્યામાં શરણાર્થીઓએ ભાગવું પડ્યું હતું."

તહરિક-એ-તાલિબાને પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવ્યું કે પાકિસ્તાની સેના છેલ્લા કેટલાક દાયકાથી બલૂચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વાહમાં નિર્દોષ લોકો ઉપર હિંસા આચરી રહી છે.

'સંપ્રભુતાનો ભંગ થયો'

અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજાઈએ સોશિયલ મીડિયા ઉપર પાકિસ્તાની સૈનિકોના હુમલાની ટીકા કરી છે. કરજાઈના મતે અફઘાનિસ્તાનની સંપ્રભુતાનો ભંગ થયો છે.

કરજાઈનું કહેવું છે કે "આ ક્ષેત્રમાં ઉગ્રવાદને પ્રોત્સાહન આપવાની નીતિઓને કારણે" બંને દેશ વચ્ચેના સંબંધમાં તણાવ વકરી રહ્યો છે.

એક સમયે તાલિબાન સાથે શાંતિસંવાદ માટે નિયુક્ત થયેલા અમેરિકાના પૂર્વ વિશેષ પ્રતિનિધિ જલમઈ ખલીલજાદે કહ્યું હતું કે જો ખરેખર આ હવાઈહુમલા થયા હશે, તો તાલિબાન તેનો જવાબ આપે તેવી શક્યતા છે.

પાકિસ્તાનમાં તાલિબાન સરકારના પૂર્વ રાજદૂત અબ્દુલ સલામ જઇફે પકતીકા ઉપર હુમલાને "અફઘાનિસ્તાનની સંપ્રભુતા વિરુદ્ધ ક્રૂર તથા બર્બર કાર્યવાહી" ઠેરવી છે.

અફઘાનિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી મહોમ્મદ હનીફ અતમારે બરમાલ જિલ્લામાં જે હુમલા થયા હતા, તેની ટીકા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું :

"તાલિબાનની સરકાર પાસે આ હુમલાઓને અટકાવવા માટે કોઈ સાધન નથી, તે અફસોસજનક છે. તેની પાસે કોઈ વાયુદળ કે સુરક્ષાબળ નથી."

અફઘાનિસ્તાનના રાજદ્વારીઓ, રાજકારણીઓ ઉપરાંત સામાન્ય નાગરિકોએ પણ આ હુમલા અંગે સોશિયલ મીડિયા ઉપર પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી અને આ કાર્યવાહીની નિંદા કરી હતી.

પાકિસ્તાનનું ઑપરેશન જર્બ-એ-અજ્બ

વર્ષ 2014માં પાકિસ્તાનની સેનાએ 'ઉગ્રવાદીઓ'ને કચડી નાખવા માટે ઉત્તર વજીરિસ્તાનમાં 'જર્બ-એ-અજ્બ' નામનું અભિયાન હાથ ધર્યું હતું. આ સૈન્યકાર્યવાહી લાંબા સમય સુધી ચાલુ રહી હતી.

આ ઑપરેશનોમાં સેંકડો 'ઉગ્રવાદીઓ'ને મારી નાખવામાં આવ્યા હોવાના દાવા કરવામાં આવ્યા હતા. જોકે, લાખો લોકો યુદ્ધના ભયથી પોત-પોતાનાં ગામડાં છોડીને નાસી છૂટવા માટે મજબૂર બન્યા હતા.

અનેક વજીરિસ્તાનવાસીઓએ પાકિસ્તાનનાં અન્ય શહેરોમાં આશરો લીધો, તો કેટલાક લોકો દૂરંદ રેખા પાર કરી ગયા. તેમણે અફઘાનિસ્તાનમાં 'વજીરિસ્તાનના શરણાર્થી કૅમ્પો'માં રહેવા લાગ્યા.

તાજેતરનાં વર્ષોમાં ઉત્તર વજીરિસ્તાન તથા પખ્તૂનખ્વાહ તથા અન્ય જનજાતીય વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિ અગાઉ કરતાં સારી હતી, પરંતુ તાજેતરમાં પાકિસ્તાની સેનાએ તેના હુમલા વધારી દીધા છે.

પાકિસ્તાની સરકારનું કહેવું છે કે પાકિસ્તાનની તાલિબાનની ચળવળ કે 'ટીટીપી'ના ઉગ્રવાદીઓને કારણે અશાંતિ પેદા થઈ છે. તેમના અડ્ડા અફઘાનિસ્તાનમાં છે તથા ત્યાં રહીને પાકિસ્તાનની ઉપર હુમલા કરે છે.

જોકે, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે હંમેશા આ આરોપોને નકાર્યા છે અને કહ્યું છે કે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ અન્ય કોઈ માટે કરવા નથી દેતું.

પાકિસ્તાને અગાઉ પણ હુમલા કર્યા

પાકિસ્તાનની સેનાએ અગાઉ પણ અફઘાનિસ્તાનના વિસ્તારોમાં બૉમ્બમારા કર્યા છે. તાલિબાન સરકારે આ વર્ષે માર્ચ મહિનામાં કહ્યું હતું કે પાકિસ્તાનનાં યુદ્ધવિમાનોએ પકતીકાના બરમલ તથા ખોસ્તના સાપર જિલ્લામાં નાગરિકોનાં ઘરો ઉપર બૉમ્બમારો કર્યો હતો.

તાલિબાન સરકારના સંરક્ષણ મંત્રાલયે એ સમયે નિવેદન આપીને દાવો કર્યો હતો કે તેણે આ હુમલાનો જવાબ આપ્યો હતો. જેમાં દુરંદ રેખાની આસપાસનાં સૈન્યઠેકાણાં ઉપર "ભારે હથિયારોથી ગોળીબાર" કર્યો હતો.

પકતીકા અને ખોસ્ત પ્રાંત ઉપર પાકિસ્તાની સેનાના હુમલાના જવાબમાં તાલિબાનની સરકારે પાકિસ્તાની રાજદૂતાલયના અધિકારીઓને સમન કર્યા હતા અને તેમને વિરોધપત્ર સોંપ્યો હતો.

સોમવારે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના કાર્યવાહક ગૃહ મંત્રી સિરાજુદ્દીન હક્કાની તથા કાર્યવાહક વિદેશ મંત્રી અમીર ખાન મુતક્કીએ પાકિસ્તાનના વિશેષ પ્રતિનિધિ મુહમ્મદ સાદિક ખાન સાથે મુલાકાત કરી હતી.

તાલિબાન સરકારના પ્રવક્તાએ નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે બંને પક્ષોએ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને સુધારવા તથા વર્તમાન સમસ્યાઓને દૂર કરવા માટે મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી.

એ પછી પાકિસ્તાની સેનાએ આ પકતીકાના બરમલ જિલ્લામાં આ સૈન્યકાર્યવાહી હાથ ધરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.