બાંગ્લાદેશ : 'એ હિન્દુ હતો એટલે ટોળાએ આટલો ક્રૂર વ્યવહાર કર્યો', મૃતક દીપુ દાસના ઘરમાં કેવો માહોલ છે?

ઇમેજ સ્રોત, Devashish Kumar/BBC
- લેેખક, જુગલ પુરોહિત
- પદ, બીબીસી સંવાદદાતા, મેમનસિંહ અને ઢાકાથી
ચેતવણીઃ આ અહેવાલની કેટલીક વિગતો વાચકોને વ્યથિત કરી શકે છે.
દીવાલ પરના બેનર પર લખ્યું છેઃ "દીપુચંદ્ર દાસના મોતથી અમે ઊંડા આઘાતમાં છીએ."
આ બેનર બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી 80 કિલોમીટરના અંતરે મેમનસિંહના ભાલુકા શહેરમાં આવેલી એક ફેક્ટરીની દીવાલ પર લટકાવવામાં આવ્યું છે. આ ફેક્ટરીમાં જ 28 વર્ષના દીપુચંદ્ર દાસ કામ કરતા હતા. 'પાયોનિયર નીટવેર' ફેક્ટરીમાં બેનર બરાબર એ જ જગ્યાએ લગાવાયું છે, જ્યાં ગયા વર્ષે 18મી ડિસેમ્બરની રાતે આશરે નવ વાગ્યે હિંસક ટોળાએ દીપુને ઝપેટમાં લીધા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, ટોળાએ તેમના પર ધાર્મિક અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો અને ગણતરીની મિનિટોમાં જ તેમને નિર્દયતાપૂર્વક રહેંસી નાખ્યા હતા.
સાથે જ પોલીસે અમને જણાવ્યું હતું કે, દીપુના મૃતદેહને ફેક્ટરીથી થોડે દૂર લઈ જઈને સળગાવી દેવાયો હતો. તે સ્થળ ફેક્ટરીથી એકાદ કિલોમીટર દૂર આવેલું છે.
બંને સ્થળોને જોડતા માર્ગની બંને બાજુએ ઘરો અને બજારો આવેલાં છે. મેમનસિંહના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ બીબીસી સમક્ષ કબૂલ્યું હતું કે, તે દિવસે તેમને તે વિસ્તારમાં તંગદિલી વધી રહી હોવાની માહિતી મળી હતી, પણ તેઓ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ દીપુ મૃત્યુ પામ્યા હતા. તેઓ બસ તેમનો મૃતદેહ ત્યાંથી લઈ જઈ શક્યા. આ પોલીસ અધિકારીઓએ તેમનાં નામ જણાવવાનો ઇનકાર કરી દીધો હતો.
આ સમગ્ર ઘટના ત્યારે ઘટી જ્યારે બાંગ્લાદેશમાં ભારે તણાવ વ્યાપેલો હતો. યુવાન નેતા શરીફ ઉસ્માન હાદી પર ઢાકામાં ગોળીબાર થયો હતો. થોડા દિવસ પછી તેમનું મોત નીપજ્યું હતું. તે પછી દેખાવો અને હિંસાનો સિલસિલો શરૂ થઈ ગયો. શરીફ ઉસ્માન હાદી આ વર્ષે ફેબ્રુઆરીમાં થનારી બાંગ્લાદેશની ચૂંટણી લડવાના હતા.
અનેક સવાલોના હજુયે જવાબ મળ્યા નથી

ઇમેજ સ્રોત, Devashish Kumar/BBC
અનેક સવાલોના હજુયે જવાબ મળ્યા નથી પણ અહીં સવાલ એ થાય છે કે, ભીડ દીપુ સુધી પહોંચી કેવી રીતે? કપડાંની જે ફેક્ટરીમાં દીપુ કામ કરતા હતા, ત્યાંના લોકોએ શું કર્યું? જો પોલીસને આગોતરી માહિતી મળી ગઈ હતી, તો તેણે દીપુની સલામતી માટે ગોઠવણ શા માટે ન કરી? આ સવાલોના કોઈ જવાબ નથી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ અમને કહ્યું કે, આ મામલામાં 26મી ડિસેમ્બર સુધીમાં 18 લોકોની ધરપકડ થઈ છે, જેમાં ફેક્ટરીના કામદારોનો પણ સમાવેશ થાય છે. અત્યારે તપાસ ચાલી રહી છે, તેથી વધુ ધરપકડ થવાની શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસીની ટીમ ફેક્ટરી પહોંચી, ત્યારે ત્યાં તૈનાત ગાર્ડે જણાવ્યું કે, અંદર વાત કરી શકે એવું કોઈ નથી.
'અમને બસ ન્યાય જોઈએ છે' મેમનસિંહથી લગભગ એક કલાકની મુસાફરી કરીને અમે દીપુના પરિવારને મળ્યા.

ઇમેજ સ્રોત, Devashish Kumar/BBC
એક નાની વસાહતમાં તેનો પરિવાર રહેતો હતો. ટીનનાં પતરાંથી બનેલાં તમામ ઘરો એક જેવાં જ દેખાતાં હતાં. તેમ છતાં, દીપુનું ઘર શોધવું મુશ્કેલ નહોતું. આસપાસની દીવાલો દીપુની હત્યા અંગેનાં પૉસ્ટરોથી ભરાઈ ગઈ હતી.
અમે ઘરમાં પગ મૂક્યો, તે સાથે જ વાતાવરણમાં છવાયેલી ગમગીનીએ અમને ઘેરી લીધા. પરિવારના સભ્યો સરખું બોલવાની પણ સ્થિતિમાં નહોતા.
દીપુનાં 21 વર્ષનાં પત્ની મેઘના રાની ઘેરા આઘાતમાં હતાં. તેમની આંખોનો ખાલીપો સ્પષ્ટ જોઈ શકાતો હતો. પિતાના મોતથી અજાણ દોઢ વર્ષની દીકરી ક્યારેક કિલકારી કરી દેતી હતી અને આજુબાજુમાં બેઠેલાં પરિવારજનો સાથે રમવાની કોશિશ કરી રહી હતી.
પરિવારજનો સાથે વાત કરતી વખતે અમે અનુભવ્યું કે, ઘટના વિશે વધુ વિગતો કે સવાલોના જવાબો તેમના માટે ખાસ મહત્ત્વ ધરાવતા ન હતા. દીપુના નાના ભાઈ અપ્પુ દાસે મને કહ્યું, "અમારે બસ ન્યાય જોઈએ છે. હું બીજું કશું કહેવા માગતો નથી."
'હું તે વિડિયો જોઈ શકતી નથી'

ઇમેજ સ્રોત, Devashish Kumar/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બાંગ્લાદેશની વચગાળાની સરકારે આ હત્યાની ઘટનાને વખોડી હતી અને પરિવારને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. સાથે જ તેમણે નાણાકીય સહાય અને અન્ય મદદ પણ પૂરી પાડી હતી.
દીપુની અંતિમ ક્ષણોનો વિડિયો પણ બનાવાયો હતો, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. દીપુનાં માતા શેફાલી રાની કહે છે, "હું તેની મા છું. હું એ વિડિયો જોઈ શકતી નથી." આટલું કહ્યા પછી થોડી ક્ષણોમાં તેઓ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યાં હતાં. પરિવારના સભ્યોએ તેમને ભાનમાં લાવવાની કોશિશ કરી. થોડી વાર પછી તેઓ ભાનમાં આવ્યાં.
'તે કદી કોઈ ધર્મનું અપમાન કરી શકે નહીં'
શેફાલી રાનીની બાજુમાં બેઠેલા દીપુના પિતા રબીલાલચંદ્ર દાસે બીબીસીને જણાવ્યું, "દીપુ મારા ત્રણેય પુત્રોમાં સૌથી મોટો હતો. તેણે કોઈ ધર્મનું અપમાન કર્યું હોવાના હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી. તેમણે કાવતરું ઘડીને મારા પુત્રને રહેંસી નાખ્યો."
"ત્યાં હાજર ઘણા લોકો દીપુને જાણતા હતા, પણ કોઈએ તેને બચાવવાનો પ્રયત્ન ન કર્યો. દીપુ હિન્દુ હતો, એટલે ટોળાએ તેની સાથે આટલો ક્રૂર વ્યવહાર કર્યો."
રબીલાલ કહે છે, "તે શાળા-કૉલેજમાં ભણતો હતો, ત્યારે પણ કોઈએ કદી તેના વિરુદ્ધ ફરિયાદ કરી ન હતી. હું મજૂરી કરું છું. હું એકલપંડે ઘર ચલાવવા અસમર્થ છું. દીપુ અમારા ઘર-પરિવારને ચલાવતો હતો."
અમે જોયું કે, ત્યાં લોકો સતત પરિવારજનોને મળવા આવી રહ્યા હતા. ઘણા લોકો તેમની મદદ પણ કરી રહ્યા હતા.
લઘુમતી સમુદાયો પર તેની અસર

ઇમેજ સ્રોત, Devashish Kumar/BBC
લઘુમતી સમુદાયો પર તેની અસર ઘણા લોકો અને ખાસ કરીને લઘુમતી સંગઠનો સાથે જોડાયેલા લોકો ભારપૂર્વક કહે છે કે, દીપુની હત્યાને બાંગ્લાદેશમાં તેમના અધિકારોના દમનની સતત થઈ રહેલી કોશિશ અને અહીં વધી રહેલી અસહિષ્ણુતાના સ્વરૂપમાં જોવી જોઈએ.
તો બીજી તરફ કેટલાક લોકોનું એમ કહેવું છે કે, આ હત્યાને ધર્મ સાથે કશી લેવા-દેવા નથી. કોણ કયા પક્ષ સાથે છે, તે અલગ મુદ્દો છે. પણ આવી ઘટનાની લઘુમતી સમુદાયો પર શું અસર પડે છે, તે અમે સ્વયં જોયું.
અમે એક હિન્દુ વેપારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. ગયા વર્ષે શેખ હસીનાની સરકાર પડી ભાંગી, તે પછી ફાટી નીકળેલી હિંસામાં તેમના શોરૂમને નિશાન બનાવીને સળગાવી દેવાયો હતો.
અમે જાણવા માગતા હતા કે, તેમને થયેલા નુકસાન બદલ સરકારે તેમને વળતર આપ્યું હતું કે કેમ, અને હુમલાખોરો પકડાયા હતા કે કેમ. તેમણે કહ્યું, "તમે મારી સાથે વાત કરવાની કોશિશ કરી, એ બદલ આભાર. પણ હું કશું કહેવા માગતો નથી. આ વિશે વાત કરવી મારા માટે ખતરનાક બની શકે છે." અમે તેમને ખાતરી આપી કે, અમે તેની ઓળખ પ્રગટ કરીશું નહીં, તેમ છતાં તેઓ મોં ખોલવા માટે તૈયાર ન થયા.

ઇમેજ સ્રોત, Devashish Kumar/BBC
બાંગ્લાદેશની કુલ વસ્તીમાં લઘુમતી સમુદાયોની ટકાવારી લગભગ નવ ટકા જેટલી છે. હિન્દુઓ દેશનો સૌથી મોટો લઘુમતી સમુદાય છે, જ્યારે મુસ્લિમોની વસ્તી આશરે 91 ટકા છે. બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું તે પૂર્વે પણ આ પ્રદેશમાં કોમી તણાવ અને તેને સંલગ્ન હિંસા ફેલાતાં રહ્યાં છે. વાસ્તવમાં, હિન્દુ અને મુસલમાન સમુદાયો વચ્ચેની કેટલીક ભયાનક હિંસા બ્રિટિશ શાસનમાં જોવા મળી હતી.
ઢાકાના વ્યસ્ત પ્રેસ ક્લબ વિસ્તાર નજીકના એક ઑડિટોરિયમમાં લઘુમતી હક્કો અને માનવ હક્કોનાં સંગઠનોની બેઠક ચાલી રહી હતી. ત્યાં અમારી મુલાકાત રંજન કર્માકર સાથે થઈ.
તેમણે બીબીસીને જણાવ્યું, "હું માનવઅધિકાર કાર્યકર્તા છું અને 'બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ક્રિશ્ચિયન ઐક્ય પરિષદ' સાથે સંકળાયેલો છું." તેઓ દાવો કરે છે, "ગત વર્ષ (2024)ની પાંચમી ઑગસ્ટથી લઈને અમે અમારા સમુદાયો પર 3,000 કરતાં વધુ હુમલાઓની ગણતરી કરી છે. અમે એમ નથી કહેતા કે, પહેલાં બધું સારું હતું, પણ હવે લાગે છે કે, સરકાર ચૂપચાપ તમાશો જોઈ રહી છે. તેમનું મૌન હિંસા આચરનારા લોકો માટે મૂક સમર્થન જેવું બની ગયું છે."
'સાંપ્રદાયિક હિંસા નહીં

ઇમેજ સ્રોત, Devashish Kumar/BBC
કર્માકરના જણાવ્યા પ્રમાણે, "જ્યારે પણ અમે કહીએ છીએ કે, લઘુમતીઓ પર હુમલો થઈ રહ્યો છે, ત્યારે સરકાર કહે છે - આ સાંપ્રદાયિક નહીં, બલ્કે રાજકીય હિંસા છે."
તેમણે જણાવેલા આંકડાની બીબીસી સ્વતંત્રપણે ખરાઈ કરી શકે તેમ નથી. જોકે, હજુ થોડા જ મહિના પૂર્વે બાંગ્લાદેશ સરકારે કાઉન્સિલ દ્વારા જણાવવામાં આવેલા 2,400 કરતાં વધુ "હુમલા"ની તપાસ કરી હતી.
ગત વર્ષના જુલાઈમાં સરકારે વિસ્તૃત નિવેદન પ્રસિદ્ધ કરીને કહ્યું હતું કે, તેને સાંપ્રદાયિક હિંસાના કોઈ પુરાવા મળ્યા નથી. "સરકારે કહ્યું હતું કે, મોટા ભાગની ઘટનાઓ જુદી-જુદી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલા વ્યક્તિગત હુમલાનું પરિણામ હતું."
બાંગ્લાદેશના 'આઈન-ઓ-શાલિશ સેન્ટર' સાથે જોડાયેલા માનવઅધિકાર કાર્યકર્તા અબુ અહેમદ ફૈયઝુલ કબીર કહે છે કે, લઘુમતી સમુદાયો તથા સરકાર - બંનેના દાવા વચ્ચે એક સૂક્ષ્મ તફાવત રહેલો છે, જેના પર ધ્યાન આપવું જરૂરી છે.
તેમણે કહ્યું હતું, "શેખ હસીનાની સરકાર ઊથલી પડી, ત્યારથી ખાસ કરીને સ્થાનિક સ્તર પર લઘુમતી સમુદાયો સાથે પજવણી અને હિંસાના બનાવો બની રહ્યા છે. તેનો ઇનકાર ન કરી શકાય. વર્તમાન વહીવટી તંત્રએ આ સ્થિતિને ખાળવા માટે અને સુધારવા માટે ઘણાં પગલાં ભર્યાં છે, જેનો સ્વીકાર કરવો જોઈએ. પણ અમને આના કરતાં ઘણી વધુ સક્રિય, સુસ્પષ્ટ અને સમન્વિત કાર્યવાહીની અપેક્ષા હતી, જેમ કે, ઝડપી તપાસ, પ્રારંભિક સ્તર પર જ દરમિયાનગીરી અને સામુદાયિક સ્તર પર વિશ્વાસ સ્થાપિત કરવો."
લઘુમતીઓની હાલતને લઈને દેશ બહાર વ્યાપેલી ચિંતા

ઇમેજ સ્રોત, Devashish Kumar/BBC
લઘુમતીઓની હાલતને લઈને દેશ બહાર વ્યાપેલી ચિંતા તાજેતરમાં જ, બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ દ્વારા વધુ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, નવા બાંગ્લાદેશમાં આ પ્રકારની હિંસાને કોઈ સ્થાન નથી. દોષિતોને છોડવામાં નહીં આવે.
મોહમ્મદ યુનુસે થોડા મહિનાઓ પૂર્વે પણ ધાર્મિક સ્વાતંત્ર્યના રક્ષણ વિશે વાત કરી હતી. આ સ્થિતિમાં લઘુમતીઓનું રક્ષણ બહેતર કરવા માટેની માગ બાંગ્લાદેશની અંદર અને બહાર, બંને જગ્યાએથી બળવત્તર બની રહી છે, જેના કારણે સરકાર પર દબાણ પણ ઊભું થયું છે. તેમાં દીપુની હત્યા પછી થયેલા દેખાવોનો પણ સમાવેશ થાય છે.
વધુમાં, ગયા વર્ષના નવેમ્બર માસમાં પોપે પણ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે બાંગ્લાદેશમાં ધાર્મિક સ્વાતંત્ર્યની નાજુક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તે પછી માર્ચમાં અમેરિકાનાં નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે પણ કહ્યું હતું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો ચિંતાનો વિષય છે.

ઇમેજ સ્રોત, Getty Images
ભારતે પણ આ મામલે તેના વિચારો વ્યક્ત કર્યા છે. તાજેતરના જ 26મી ડિસેમ્બરના રોજ ભારતના વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું હતું કે, સ્વતંત્ર સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે, વચગાળાની સરકારના શાસન દરમિયાન લઘુમતીઓ વિરુદ્ધ હિંસાના 2,900 કરતાં વધુ બનાવો બન્યા હતા. તેમાં હત્યા, આગ લગાવવી, જમીન પર કબજો કરવો, વગેરે સામેલ છે.
વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, આ બનાવોની એમ કહીને ઉપેક્ષા ન કરી શકાય કે, આ ઘટનાઓને તોડી-મરોડીને રજૂ કરવામાં આવી છે કે પછી આ તો માત્ર રાજકીય હિંસા છે. હજુ ગયા રવિવારે જ, બાંગ્લાદેશે ભારતના નિવેદનને રદિયો આપતી પ્રતિક્રિયા આપી હતી. ભારતના કેટલાક બનાવોને ટાંકતા બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, તે લઘુમતી સમુદાય વિરુદ્ધ આચરવામાં આવતા નફરતથી પ્રેરિત ગુનાઓને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરે છે.
બેલ્જિયમના ઇન્ટરનેશનલ ક્રાઈસિસ ગ્રૂપે તાજેતરમાં જ ભારત-બાંગ્લાદેશના સંબંધો પર એક અહેવાલ પ્રકાશિત કર્યો છે.

ઇમેજ સ્રોત, Devashish Kumar/BBC
આ કાર્ય સાથે જોડાયેલા થૉમસ કીને બીબીસીને જણાવ્યું હતું, "મારું માનવું છે કે, ભારતમાં એવી ધારણા પ્રવર્તે છે કે, બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારની વિદાય પછી લઘુમતીઓ, તેમાંયે ખાસ કરીને હિન્દુઓ વિરુદ્ધ હિંસાનું પ્રમાણ ઘણું વધી ગયું છે. પરંતુ આંકડા દર્શાવે છે કે, 2024માં થયેલા હુમલાઓની સંખ્યા લગભગ 2021 જેટલી જ હતી. તમે સૌ જાણો છો કે, શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન, લઘુમતીઓ પર હુમલાઓ મામલે 2021નું વર્ષ ઘણું જ ખરાબ રહ્યું હતું. હવે, 2021 અને 2024માં ભારતે કેવી પ્રતિક્રિયા આપી હતી, તેના પર આપણે નજર કરીએ, તો ભાષા અને અભિગમમાં ઘણો તફાવત જોવા મળે છે."
કીન કહે છે, "અમારી એવી ભલામણ છે કે, ભારતે આ મામલે અલ્પતમ જાહેર નિવેદનો આપવાં જોઈએ. બીજી તરફ, બાંગ્લાદેશે લઘુમતીઓ માટે સમાવેશક સમાજનું નિર્માણ કરવાની અને તેમની સુરક્ષામાં સુધારો કરવાની જરૂર છે."
આ દરમિયાન, બીબીસી બાંગ્લાના અહેવાલ પ્રમાણે, ઘણાં માનવઅધિકાર સંગઠનોએ દાવો કર્યો છે કે, બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના શાસનમાં ટોળાં દ્વારા હિંસા કે હુમલા તથા હિંસા સંબંધિત હુમલા 'ચિંતાજનક હદે' વધી ગયા છે.
બીજી તરફ, ઢાકામાં પોલીસે તાજેતરમાં જ એક નિવેદન પ્રસિદ્ધ કરીને જણાવ્યું કે, યુવા નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યાનો મુખ્ય આરોપી ભારત નાસી ગયો છે. જોકે, મેઘાલય તથા પશ્ચિમ બંગાળની પોલીસ અને સીમા સુરક્ષા દળે બાંગ્લાદેશના દાવા ફગાવી દીધા હતા.
હવે સૌની નજર આગામી ફેબ્રુઆરી, 2026માં યોજાનારી બાંગ્લાદેશની ચૂંટણી પર મંડાયેલી છે. વચગાળાના વહીવટી તંત્રએ સુરક્ષા વધારવાનું અને ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય, એ સુનિશ્ચિત કરવાનું વચન આપ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












