ગુજરાતમાં 'ચાઇનીઝ લસણ'ના વેચાણનો વિરોધ, ખેડૂતોએ કેમ વાંધો ઉઠાવ્યો?

ગુજરાતમાં ચાઇનીઝ લસણનો વિરોધ, લસણ, રાજકોટ, ખેડૂતો

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

લાખો રસોડાંમાં રસોઈ માટેની એક મહત્ત્વની સામગ્રી તરીકે વપરાતા લસણ મામલે ગુજરાતમાં કેટલાક દિવસોથી વિવાદ થઈ રહ્યો છે. સમગ્ર વિવાદ ભારતમાં કથિત પ્રતિબંધિત ચાઇનીઝ લસણના વેચાણનો છે.

રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટયાર્ડમાં ‘ચાઇનીઝ લસણ’નો જથ્થો મળી આવતા વેપારીઓ અને ખેડૂતો રોષે ભરાયા હતા. તેમણે આ મામલે પોલીસ અને કૃષિ વિભાગને જાણ કરી હતી. પોલીસે લસણનાં સૅમ્પલ લઈને કૃષિ યુનિવર્સિટી તેમજ સેન્ટ્રલ લૅબોરેટરીમાં તપાસ માટે મોકલ્યાં છે.

ગોંડલમાં પકડાયેલો આ જથ્થો ચાઇનીઝ લસણનો છે કે નહીં અને તે કેવી રીતે ગોંડલ પહોંચ્યો તેની તપાસ થઈ રહી છે.

લસણનાં ઉત્પાદન સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોનું પણ એમ કહેવું છે કે ચાઇનીઝ લસણ જેવું જ લસણ ભારતના પર્વતીય પ્રદેશોમાં પણ થાય છે. ચાઇનીઝ લસણનો આ મામલો ભારતીય ખેડૂતોનાં આર્થિક હિતો જોખમમાં મુકાય તેનો વિવાદ વધુ હોય તેમ લાગે છે.

ગુજરાતના ખેડૂતો કેમ વિરોધ કરી રહ્યા છે?

ગુજરાતમાં ચાઇનીઝ લસણનો વિરોધ, લસણ, રાજકોટ, ખેડૂતો

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, બોરીઓમાં ભરેલું લસણ

ચાઇનીઝ લસણના વેચાણના વિરોધમાં ગુજરાતમાં વેપારીઓ તેમજ ખેડૂતો એક દિવસ માટે હરાજીની પ્રક્રિયાથી અળગા રહીને બંધ પાળીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

વેપારીઓ અને ખેડૂતોને ભય છે કે ચાઇનીઝ લસણ દેશી લસણની સરખામણીમાં સસ્તું હોવાથી જો ચાઇનીઝ લસણ રાજ્યનાં બજારોમાં આવશે તો સ્થાનિક ખેડૂતોને તેમના પાકના ભાવ નહીં મળે.

રાજકોટના ખેડૂત જયંતીભાઈ વઘાસિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું “અમે થોડાં વર્ષ પહેલાં સુધી આશરે 20 વીઘા જમીનમાં લસણનું વાવેતર કરતા હતા. તે સમયે અમને 20 કિલોનો ભાવ 500થી એક હજાર રૂપિયા સુધીનો મળતો. જેથી અમે લસણનું વાવેતર ઓછું કરી દીધું હતું.”

તેમણે વધુમાં જણાવ્યું, “છેલ્લાં ત્રણ વર્ષથી લસણના ભાવ વધવા લાગ્યા છે. એટલે અમે લસણનું વધું વાવેતર કરી રહ્યા છીએ. જો આ ચાઇનીઝ લસણ બજારમાં વધારે આવશે તો અમને લસણના ભાવ મળશે નહીં અને અમારે આર્થિક નુકસાન ભોગવવું પડશે.”

ભારતમાં લસણનું સૌથી વધુ ઉત્પાદન મધ્યપ્રદેશના મંદસૌર વિસ્તારમાં થાય છે. લસણના ઉત્પાદનમાં ગુજરાત, દેશમાં ચોથા સ્થાને છે. ગુજરાતમાં સૌથી વધુ લસણ સૌરાષ્ટ્રમાં થાય છે.

છેલ્લાં 34 વર્ષથી રાજકોટ માર્કેટયાર્ડમાં વેપાર કરતા કિશોરભાઈ વઘાસિયા કહે છે, “લસણના ભાવ ઓછા હતા, ત્યાં સુધી અમે ક્યારેય માર્કેટમાં ચાઇનીઝ લસણ જોયું નથી. હવે ખેડૂતોને થોડા ભાવ મળવા લાગ્યા ત્યારે જ આ લસણ ક્યાંથી આવ્યું તે તપાસનો વિષય છે. માર્કેટયાર્ડમાં એક દિવસ માટે લસણની હરાજી બંધ રાખવાનો હેતુ આ મુદ્દો સરકારના ધ્યાને લાવવાનો હતો.”

ચાઇનીઝ લસણ અને દેશી લસણ વચ્ચે શું તફાવત છે?

ગુજરાતમાં ચાઇનીઝ લસણનો વિરોધ, લસણ, રાજકોટ, ખેડૂતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દેશી લસણ અને ચાઇનીઝ લસણમાં ઘણા તફાવત જોવા મળે છે. તેમની એ ખાસિયતો જ એમને એકબીજાથી અલગ કરે છે.

આ તફાવત અંગે વાત કરતાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડૉ. એ. એસ. જેઠવા કહે છે, “દેશી લસણ કરતાં ચાઇનીઝ લસણની મોટી સાઇઝની હોય છે. દેશી લસણની કળીઓ નાની હોય છે. ચાઇનીઝ લસણની કળીઓ ખુલ્લી હોય છે, જ્યારે દેશી લસણની કળીઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે.”

તેમણે વધુમાં કહ્યું, “ચાઇનીઝ લસણમાં સુગંધની તીવ્રતા ઓછી હોય છે, જ્યારે દેશી લસણની સુગંધ તીવ્ર હોય છે. દેશી લસણની સરખામણીમાં ચાઇનીઝ લસણ ભાવમાં 30થી 40 ટકા સસ્તું હોય છે. ચાઇનીઝ લસણ કરતાં દેશી લસણને લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે.”

લસણની સંગ્રહ ક્ષમતા અંગે વાત કરતાં આઈસીએઆર (ઇન્ડિયન કાઉન્સિલ ફૉર ઍગ્રિકલ્ચરલ રિસર્ચ)ના ડિરેક્ટરેટ ઑફ ઓનિયન ઍન્ડ ગાર્લિક રિસર્ચ સેન્ટર પુણેના ડિરેક્ટર ડૉ. વિજય મહાજન કહે છે, “સામાન્ય રીતે બન્ને પ્રકારનાં લસણને યોગ્ય રીતે સ્ટોર કરવામાં આવે તો 8થી 9 મહિના સુધી સાચવી શકાય છે. નાની કળીનું દેશી લસણ ફેબ્રુઆરી માર્ચ મહિનામાં બજારમાં આવે છે. એ સમયે લસણની આવક વધારે હોય છે એટલે તેનો સંગ્રહ કરવો પડે છે.”

તેમણે ઉમેર્યું, “લાંબા ગાળે પાકતા મોટી કળીના લસણનો પાક ઑગસ્ટથી ઑક્ટોબર દરમિયાન આવે છે. એ સમયે લસણની આવક ઓછી હોય છે, એટલે એ લસણને સંગ્રહ કરવાની વધારે જરૂરિયાત રહેતી નથી. નાની કળીના લસણનું પોષણ મૂલ્ય વધારે હોય છે. જ્યારે મોટી કળીના લસણમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે.”

લસણની માગ વધુ અને ઉત્પાદન ઓછું

ગુજરાતમાં ચાઇનીઝ લસણનો વિરોધ, લસણ, રાજકોટ, ખેડૂતો

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, લસણના પરેશાન ખેડૂતો અને વેપારીઓ

ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝના ફૂડ ઍન્ડ ડેરી કમિટીના પૂર્વ ચૅરમૅન હીરેન ગાંધી અનુસાર લસણના ભાવોની વધઘટ પર માગમાં થઈ રહેલો વધારો અને તેની સામે ઓછું ઉત્પાદન કારણભૂત છે.

તેમણે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું, “લસણનાં ઓછાં ઉત્પાદન અને વધતી જતી માગને કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારત માત્ર લસણની નિકાસ માટે જ નહીં, પરંતુ લસણની વેરાઇટી જેવી કે લસણનો પાઉડર, લસણની ચિપ્સ, લસણની પેસ્ટ વગેરેની નિકાસ માટે પણ અગ્રણી દેશ છે.”

તેમણે વધુમાં કહ્યું, “લસણની સૂકી વેરાઇટીની દર વર્ષે લગભગ 90,000 મેટ્રિક ટન નિકાસ ગુજરાતના મહુવામાંથી થાય છે, જેની કિંમત લગભગ 400 કરોડ રૂપિયા જેટલી છે. ઘરેલુ ઉપયોગનું લસણ અને સૂકી વેરાઇટી બન્નેની માગ વધવાને કારણે લસણના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં શિયાળામાં અને તહેવારોની મોસમમાં પણ લસણની માગ વધી જાય છે. જેથી આ સમયમાં પણ ભાવ વધતો જોવા મળે છે.”

ચાઇનીઝ લસણ જેવું દેખાતું લસણ ભારતના પહાડોમાં પણ ઊગે છે

ડૉ. વિજય મહાજન એ વાતની પણ સ્પષ્ટતા કરે છે કે જેમ ચાઇનીઝ લસણ મોટી કળીવાળું અને ઓછી તીવ્ર સુગંધવાળું હોય છે, એવું જ લસણ ભારતના પર્વતીય પ્રદેશો અને રાજ્યોમાં ઊગે છે.

તેમણે કહ્યું, “દેશમાં ઓછા દિવસમાં ઊગી જતા અને લાંબા ગાળે ઊગતા લસણની જાતો જોવા મળે છે. દરેક વિસ્તારની આબોહવા અનુસાર લસણની જાત થાય છે. ગુજરાત, યુપી, મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાન વગેરે વિસ્તારમાં ટૂંકા ગાળામાં પાકતી નાની કળીઓવાળું લસણ થાય છે. જ્યારે દેશના પર્વતીય વિસ્તારોમાં લાંબા ગાળે પાકતું મોટી કળીનું લસણ ઉત્પન્ન થાય છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં થતુ મોટી કળીનું લસણ દેખાવે ચાઇનીઝ લસણ જેવું જ છે. એગ્રીફાઉન્ડ પાર્વતી જાતનું લસણ તો મોટી કળી અને આછા ગુલાબી રંગનું જ હોય છે. જે દેખાવે બિલકુલ ચાઇનીઝ લસણ જેવું જ લાગે છે.”

સમગ્ર મામલે પોલીસ શું કહે છે?

ગુજરાતમાં ચાઇનીઝ લસણનો વિરોધ, લસણ, રાજકોટ, ખેડૂતો

ઇમેજ સ્રોત, Getty Images

ગોંડલમાં કથિત ચાઇનીઝ લસણનો જથ્થો મળવાનો મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. માર્કેટયાર્ડે પોલીસને જાણ કરી હતી. ગોંડલ પોલીસે લસણનાં સૅમ્પલ લઈને તપાસ માટે મોકલી આપ્યાં છે.

આ અંગે ગોંડલના બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર જેપી ગોસાઈએ કહ્યું, “ચાઇનીઝ લસણના વિવાદમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. માર્કેટમાંથી મળેલા લસણને સીલ કરવામાં આવ્યું છે. ઉપલેટાના વેપારી પાસેથી આ લસણ મળી આવ્યું હતું.”

તેમણે વધુમાં ઉમેર્યું, “વેપારી આ લસણ ક્યાંથી લાવ્યા હતા તે અંગે પૂછપરછ જાણવા મળ્યુ હતુ કે લસણ મુંબઈથી મંગાવવામાં આવ્યું હતું. વેપારીએ લસણ મંગાવ્યાનાં બિલ અને અન્ય દસ્તાવેજી પુરાવા આપ્યા છે. અમે વધુ તપાસ માટે એક ટીમને મુંબઈ મોકલી આપી છે, જેથી લસણનો જથ્થો અહીં કેવી રીતે પહોંચ્યો તેની પૂરતી માહિતી મળી શકે.”

લસણની જાત અંગે જેપી ગોસાઈએ જણાવ્યું, “ગોંડલ માર્કેટયાર્ડમાંથી જે લસણ મળ્યું છે તે જ પ્રકારનું લસણ આપણા દેશમાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ ઊગે છે. જેથી અમે તપાસ કરી રહ્યા છીએ કે આ કઈ જાતિનું લસણ છે. તેમજ લસણમાં ફૂગ અથવા તો કોઈ હાનિકારક જંતુનાશકો છે કે નહીં.”

અમેરિકાની સંસદમાં પણ ચાઇનીઝ લસણની ખાદ્ય સુરક્ષા અંગે સવાલો

ચાઇનીઝ લસણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવા અંગે અમેરિકામાં સવાલ ઊઠી ચૂક્યા છે. બીબીસી ન્યૂઝના એક અહેવાલ અનુસાર ડિસેમ્બર 2023માં સૅનેટર રિક સ્કોટે જો બાઇડન સરકારને ચીનથી અમેરિકા નિર્યાત થતાં લસણની ખાદ્ય સુરક્ષા મામલે તપાસ કરવાની માગ કરી હતી.

આરોપ અનુસાર ચાઇનીઝ લસણની ખેતીમાં ટ્રીટ કર્યા વગરના ગટરના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ તેમને એ પણ માગ કરી હતી કે જ્યાં સુધી ચાઇનીઝ લસણની સલામતી અને ગુણવત્તાની ખાતરી ન થાય ત્યા સુધી માનવ વપરાશ માટે મંજૂરી આપવી જોઈએ નહીં.

જોકે ક્યૂબૅકની મૅકગિલ યુનિવર્સિટીની ઑફિસ ફોર સાયન્સ ઍન્ડ સોસાયટીના 2017માં પ્રકાશિત થયેલા એક રિસર્ચ પેપર અનુસાર ચાઇનીઝ લસણમાં એવા કોઈ જ વૈજ્ઞાનિક પુરાવા નથી મળ્યા જેનાથી એમ કહી શકાય કે તે ખાદ્ય વપરાશ માટે સલામત નથી.

આ પેપરમાં એમ પણ સૂચવવામાં આવ્યું છે કે ચાઇનીઝ લસણને અન્ય કોઈ પણ ખાદ્ય પદાર્થની જેમ ભોજન બનાવવાના ઉપયોગમાં લેતાં પહેલાં પાણીથી યોગ્ય રીતે સાફ કરી લેવું જોઈએ. તેને વધુ સલામત બનાવવા માટે ઊકળતા પાણીમાં બોળીને પછી ઉપયોગમાં લઈ શકાય છે.

ભારતમાં પાકતા લસણની જાત

ગુજરાતમાં ચાઇનીઝ લસણનો વિરોધ, લસણ, રાજકોટ, ખેડૂતો

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણની બોરીઓ

ડિરેક્ટરેટ ઑફ ઓનિયન ઍન્ડ ગાર્લિક રિસર્ચ સેન્ટરની દ્વારા મળતી માહિતી અનુસાર ભારતમાં લસણને તેના પાકવાના સમયગાળા પ્રમાણે ઓળખવામાં આવે છે. લાંબા ગાળે પાકતું લસણ અને ટૂંકા ગાળે પાકતું લસણ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકા ગાળામાં પાકતાં લસણનો સમયગાળો 120થી 175 દિવસ સુધીનો હોય છે. ટૂંકા ગાળે પાકતા લસણની જાતમાં એગ્રિફાઉન્ડ વાઇટ, યમુના સફેદ-1થી 5, ગોદાવરી, શ્વેતા, ફુલે બસંત, ગુજરાત ગાર્લિક 4નો સમાવેશ થાય છે.

જ્યારે લાંબા ગાળા પાકતી લસણની જાતનો સમયગાળો 180થી 200 દિવસનો હોય છે. જેમાં વીએલ1 (VL1),એગ્રિફાઉન્ડ પાર્વતી, સીઆઇટીએચ 1 અને 3 જાતનો સમાવેશ થાય છે.

આ સિવાય ભારતમાં લસણની ભીમા ઓમકાર અને ભીમા પર્પલ લસણની જાતને ડેવલપ કરવામાં આવી છે. યમુના સફેદ આખા ભારતમાં થાય છે.

સૌથી વધુ લસણ ઍક્સપૉર્ટ કરતાં દેશ ચીન, ફ્રાન્સ, સ્પેન અને ઇજિપ્ત છે. જ્યારે સૌથી વધુ લસણ ઇમ્પૉર્ટ કરતાં દેશ બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ, સિંગાપોર, યુકે અને યુએસએ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.