રાજૂ બારોટ: જેમના જવાથી ગુજરાતી રંગભૂમિ રંગહીન થઈ ગઈ એ કલાકારની કહાણી

ઇમેજ સ્રોત, Ahmedabad Theatre Group
- લેેખક, પરેશ વ્યાસ
- પદ, લેખક અને નાટ્યકાર
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારના બીમાનગરમાંથી સવારના સમયે એક સ્મશાનયાત્રા નીકળી રહી હતી અને એને જોનારા સૌ અચરજ પામી રહ્યા હતા. કારણ કે આ સ્મશાનયાત્રાની આગળ ભવાઈનાં ભૂંગળ વાગી રહ્યાં હતાં, ઢોલની થાપે નાટકનાં ગીતો ગવાઈ રહ્યાં હતાં અને જ્યારે દેહને અગ્નિદાહ અપાયો ત્યારે ત્યાં હાજર સૌએ તાળીઓ પાડીને જાણે કે જીવનના આ અંતને વધાવી લીધો.
આ સ્મશાનયાત્રા ગુજરાતના જાણીતા રંગકર્મી, અભિનેતા અને દિગ્દર્શક રાજૂ બારોટની હતી. 76 વર્ષની વયે રાજૂ બારોટનું ગત શુક્રવારે ઉત્તરાખંડની યાત્રા દરમિયાન અવસાન થયું હતું.
તેઓ મૂળ વડોદરાના વતની હતા. ગુજરાતની રંગભૂમિમાં તેમનું પ્રદાન અમૂલ્ય રહ્યું છે. તેમની વિદાય ટાણે જીવનસફર પર એક નજર...
'નાટકનો ચસ્કો તો મને મારી બાએ લગાડ્યો'

ઇમેજ સ્રોત, Ahmedabad Theatre Group
રાજૂ બારોટના જીવનમાં જાણે કે બાળપણથી જ નાટક વણાયેલું હતું.
એક ડૉક્યુમેન્ટરીમાં રાજૂ બારોટે કહ્યું હતું, "નાટકનો ચસ્કો મને મારી બાએ લગાડ્યો, સાત વર્ષનો હતો ત્યારે એ નાટકો કરાવે અને સ્વાભાવિક રીતે જ મને હીરો બનાવે. શિક્ષકો એવા મળ્યા કે જેમને નાટકમાં રસ હતો. પિતાજી પણ કહેતા કે નાટક કરો એનો વાંધો નહીં, પણ નાટક કરવાથી માત્ર તાળીઓ મળશે, સાથે ભણી પણ લેજો."
રાજૂ બારોટે કહ્યું, "મારે ગ્રૅજ્યુએશન કરીને ક્લાર્ક નથી બનવું. મારે કરવું તો છે નાટક જ."
તેમણે મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ડ્રામામાં ડિગ્રી લીધી અને શરૂઆતનું થિયેટર પણ ત્યાં જ કર્યું હતું. ત્યાર પછી તેઓ રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય(NSD)માં ગયા.
તેઓ હંમેશાં કહેતા કે એનએસડીમાં તેમનું એક નાટ્યકાર તરીકે ઘડતર થયું. તેમના ઉપર તેમના એનએસડીના શિક્ષક અને ગુરુ ઈબ્રાહીમ અલકાઝીનો અતિશય ઊંડો પ્રભાવ હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'સંવાદો યાદ હતા, એટલે પહેલી તક મળી'

ઇમેજ સ્રોત, Ahmedabad Theatre Group
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે તેમને પહેલી વાર તક કેવી રીતે મળી તે અંગેનો કિસ્સો જણાવેલો.
એક વાર એવું બન્યું હતું કે ઈબ્રાહીમ અલકાઝી 'લૈલા મજનુ' નાટક કરાવી રહ્યા હતા. બન્યું એવું કે શોના થોડા સમય પહેલાં જ મજનુનું પાત્ર ભજવનાર કલાકાર કોઈ કારણસર એ ભૂમિકા કરી શકે તેમ નહોતા. એ સમયે રાજૂ બારોટને બધા સંવાદો યાદ હોવાને કારણે મુખ્ય ભૂમિકા કરવાની તક મળી. રિહર્સલ્સ દરમિયાન તેઓ મુખ્ય પાત્રથી લઈને દરેકે દરેક પાત્રના સંવાદો યાદ રાખી લેતા હતા.
જ્યારે રાજૂ બારોટની મજનુ તરીકે પસંદગી થઈ ત્યારે ઈબ્રાહીમ અલ્કાઝીએ નફીસાબહેનને તેમની બાજુમાં રિહર્સલ્સ જોવા બેસાડ્યાં હતાં અને કહ્યું હતું, "તુમ્હારા હસબન્ડ બહોત અચ્છા ઍક્ટર હૈ."
આ એનએસડીમાંથી જ ગોવિંદ નામદેવ, રઘુવીર યાદવ અને અનંગ દેસાઈ જેવા સહકલાકાર અને મિત્રો પણ મળ્યા.
એનએસડીમાં તેમની સાથે એક રૂમમાં રહેતા રઘુવીર યાદવે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, "રાજૂને મેં જયારે પહેલી વાર જોયો તો થયું કે આ તો ઉંચો લાંબો માણસ છે આની સાથે લડવાનું આવ્યું તો હું કેવી રીતે લડીશ? પછી તો એનએસડીમાં જયારે અમારું રેગિંગ થયું ત્યારે રાજૂએ ગાવાનું શરુ કર્યું, અને સાથે ગાવામાં હું પણ જોડાઈ ગયો અને પછી તો બંને બધે જ એકબીજાની સાથે સાથે થઈ ગયા."
અર્થપૂર્ણ નાટકો, ગીત-સંગીતનો અનોખો ઉપયોગ

ઇમેજ સ્રોત, Ahmedabad Theatre Group
રાજૂ બારોટ એનએસડીનો અભ્યાસ પૂરો કરીને અમદાવાદમાં ગુજરાતી રંગભૂમિ પર ઈબ્રાહીમ અલકાઝીની શીખવાડેલી શિસ્ત અને તાજગી લઈને આવ્યા.
રિહર્સલ્સ કેવી રીતે કરવાં, તૈયારી કેવી હોવી જોઈએ, સંવાદ ઉપરાંત અભિનેતાએ ગાતા પણ કેમ શીખવું જોઈએ, એક દિગ્દર્શક તરીકે શું સજ્જતા હોવી જોઈએ, મૂળ વાર્તાની સાથે બાંધછોડ કર્યા વગર નાટકના કમ્પોઝિશનમાં નવી તાજગી કેવી રીતે લાવી શકાય? આ બધું જ શીખવા માટેની કાર્યશાળા એટલે રાજૂ બારોટ.
રાજૂ બારોટ પાસે મુંબઈ જઈને ફિલ્મો કરવાનો વિકલ્પ હતો પરંતુ એમણે ગુજરાતી રંગભૂમિને પસંદ કરી. તેમણે અર્થપૂર્ણ નાટકોની સાથે સાથે નાટકમાં ગીત-સંગીતનો અનોખો ઉપયોગ કર્યો.
જૂનાં ક્લાસિક નાટકો અને સ્થાપિત નાટ્યકારોના નાટક કરવાની સાથે સાથે નવા લેખકોને પણ તૈયાર કર્યા.
'લગે રહો મુન્નાભાઈ' અને 'થ્રી ઈડિયટ્સ' જેવી ફિલ્મોના લેખક અભિજાત જોશીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમના લેખનના શરૂઆતના દિવસોમાં રાજૂ બારોટે તેમનામાં ભરોસો દેખાડ્યો હતો. અભિજાત જોશીના 'મર્મભેદ' નાટકનું દિગ્દર્શન રાજૂ બારોટે જ કર્યું હતું.
રાજૂ બારોટ મહેશ ભટ્ટની ફિલ્મ 'સારાંશ'માં પણ નાનકડી ભૂમિકામાં દેખાયા હતા અને તેમણે સર રિચર્ડ ઍટનબરોની ગાંધી ફિલ્મમાં પણ નાનકડી ભૂમિકા ભજવી હતી. જોકે, બાદમાં એ દૃશ્ય ફિલ્મમાં સમાવવામાં નહોતું આવ્યું.
રાજૂ બારોટની યાત્રામાં પત્નીનો ફાળો

ઇમેજ સ્રોત, Ahmedabad Theatre Group
રાજૂ બારોટની નાટ્યયાત્રામાં સૌથી મોટો જો કોઈનો ફાળો હોય તો એ છે તેમનાં પત્ની નફીસાબહેન બારોટનો.
રાજૂભાઈ અને નફીસા બારોટની મુલાકાત વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં નાટકો કરતી વખતે થઈ હતી અને ત્યાં જ એમનો પ્રેમ પાંગર્યો હતો. નાટકને પ્રેમ કરતાં બે કલાકારો ક્યારે એકબીજાના પ્રેમમાં પડી ગયાં એ ખબર જ ના પડી.
નફીસાબેને એકવાર કહેલું, "રાજૂ એનએસડીમાં હતો ત્યારે હું તેને મળવા વડોદરાથી દિલ્હી પહોંચી ગઈ હતી. એ સમયે અલકાઝી સાહેબના નાટકનાં રિહર્સલ્સ ચાલતાં હતાં અને અલકાઝી સાહેબ શિસ્તના ખુબ આગ્રહી. રાજૂભાઈની પણ એમાં ભૂમિકા હતી એટલે સ્વાભાવિક રીતે રાજૂ મને સમય ના આપી શકે. એક દિવસ રાજૂએ પોતાની સગાઈ છે એવું બહાનું કાઢીને રજા લીધી અને અમે દિલ્હીમાં ફરવા નીકળ્યાં."
"બાજુમાંથી જ અલકાઝી સાહેબ એમની ગાડી લઈને નીકળ્યા અને હોર્ન વગાડીને જાણે કે જણાવ્યું કે હું તમને બગીમાં સાથે ફરતા જોઈ ગયો છું. બીજા દિવસે અલકાઝી સાહેબે મને રિહર્સલ્સમાં બોલાવીને કહ્યું કે તું મારી પાસે બેસીને રિહર્સલ્સ જો."
નફીસાબહેન સામાજિક સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા રહ્યાં છે. એક વાર ફીલ્ડ વિઝિટ દરમિયાન એક અકસ્માતમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયાં. ત્યારબાદ રાજૂ બારોટ સતત તેમની પડખે રહ્યા.
નવા, યુવા કલાકારોનું માનીતું ઠેકાણું

ઇમેજ સ્રોત, Ahmedabad Theatre Group
એક નાટ્યકાર તરીકે રાજૂ બારોટ દુનિયાના ઘણા દેશોમાં ગયા હતા. નાટકમાં સંગીત તો હોય જ, પરંતુ સંગીતમાં પણ નાટકનો તેઓ પ્રયોગ કરતા હતા. પંડિત રવિશંકરના શોમાં દૃશ્યરચના, સંગીતના અન્ય કાર્યક્રમોમાં લાઈટ્સ અને ભજવણીનો સમન્વય એ તેમની ખાસિયત હતી.
તેઓ હંમેશાં એવું કહેતા કે "નાટકમાં કોઈ એક સુપરસ્ટાર નથી હોતો. નાટક ભજવનાર દરેકે દરેક કલાકાર કે કસબી એ સુપરસ્ટાર હોય છે."
અમદાવાદમાં નાટક કે ફિલ્મોમાં કામ કરનાર ભાગ્યે જ કોઈ કલાકાર એવો મળે કે જેણે રાજૂ બારોટ સાથે કામ ન કર્યું હોય. અમદાવાદમાં આવનાર કોઈ પણ નવા કલાકારને નાટક કરવું હોય તો એમને અમદાવાદ થિયેટર ગ્રુપનું સરનામું આપી દો એટલે બસ. થોડા જ સમયમાં એ નવો કલાકાર તમને રાજૂ બારોટના નાટકમાં અભિનય કરતો જોવા મળે.
આજે સ્મશાનમાં રોતી આંખે નાટકનાં ગીતો ગાતા એ યુવાન કલાકારો જાણે કે પૂછતા હતા કે, "હવે અમે નાટક માટે કોનું સરનામું બતાવીશું? હવે જે સહજતાથી નાટક શીખવાડી દેતા હતા એ રાજૂદાદા ક્યાં મળશે?
નાટક ભજવવા રિઝર્વેશનની ચિંતા વગર ટ્રેનમાં ભારતભરમાં ફરતા

ઇમેજ સ્રોત, Ahmedabad Theatre Group
રાજૂ બારોટને નાટ્યક્ષેત્રે તેમના પ્રદાન માટે ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર મળ્યો હતો. એ ઉપરાંત એનએસડી દ્વારા બી.વી. કારંથ સ્મૃતિ પુરસ્કાર તથા તેમણે કરેલી ગુજરાતી ફિલ્મ 'દીકરી વ્હાલનો દરિયો' માટે શ્રેષ્ઠ પાર્શ્વ ગાયકનો પુરસ્કાર પણ તેમને મળ્યો હતો.
જોકે, રાજૂ બારોટને ઓળખનાર દરેક વ્યક્તિ એ કહેશે કે આ બધા શિરપાવ કે ઉપલબ્ધિઓથી ઉપર તેમની સરળતા હતી.
રાજૂ બારોટ જ્યારે એકતારો લઈને 'સિમરું તો સુધરે મનખા' ભજન લલકારે ત્યારે સાંભળનારને ખ્યાલ આવે કે આ લોકગીત જેવા સરળ લાગતા માણસની અંદર એ લોકગીત જેવા જ અનેક મર્મ પડ્યા છે જો એને ઉકેલી શકો તો કદાચ એમને સમજી શકો.
2003માં નાટ્યકાર સૌમ્ય જોશીએ વિદ્યાર્થીઓ અને અન્ય યુવાનોને લઈને 'દોસ્ત ચોક્કસ અહીં નગર વસતું હતું!' નાટક તૈયાર કર્યું હતું. આ નાટકમાં રાજૂ બારોટ એક ગીતમાં લગભગ એક મિનિટથી પણ ઓછા સમયનો આલાપ ગાતા હતા. એ આલાપ ગાવા માટે લગભગ બે મહિના સુધી દરેક રિહર્સલ્સમાં હાજરી આપતા અને પછી ભારતભરમાં જ્યારે એ નાટકની ભજવણી થઈ ત્યારે દરેક શોમાં તેઓ નવોદિત કલાકારોની ટીમ સાથે ટ્રેનના ભરચક ડબ્બાઓમાં રિઝર્વેશન છે કે નહીં એની ચિંતા કર્યા વગર મુસાફરી કરતા.
યુવાન કલાકારો સાથે નાટકનો સામાન ઊંચકીને રેલવેના એક પ્લૅટફૉર્મથી બીજા પ્લૅટફૉર્મ સુધી જતા રાજૂ બારોટ કે નાટક પત્યા પછી યુવાન કલાકારો સાથે મસ્તીથી ગીતો લલકારતા રાજૂ બારોટ 'મોટા નાટ્યકાર કે નિષ્ણાત' હોવાનો કોઈ ભાર વર્તાવા જ નહોતા દેતા.
જાણીતા કલાકાર ગોવિંદ નામદેવે રાજૂ બારોટના નિધન ઉપર કહ્યું, "રાજૂ બારોટ એક ઉત્તમ વ્યક્તિ, ઉત્તમ દિગ્દર્શક, ઉત્તમ મિત્ર અને ઉત્તમ પતિ હતા. તેમણે પોતાનું સમગ્ર જીવન રંગભૂમિને સમર્પિત કરી દીધું હતું."
નાટકની સાથે સાથે રાજૂ બારોટને નાટ્ય સંગીતથી પણ આટલો જ પ્રેમ હતો. રાજૂ બારોટ અને મિત્રો એ ભેગા થઇને 'તર્ઝ એ થ્યેટર' નામની પહેલ કરી હતી જેમાં જૂની રંગભૂમિનાં ગીતોને શોધીને તેમને ફરીવાર પ્રેક્ષકો સુધી પહોંચાડ્યાં હતાં. એ જ રીતે ઝવેરચંદ મેઘાણીનાં ગીતોથી ગુજરાતી લોકસાહિત્યનું સંગીત પ્રેક્ષકો સુધી પહોંચાડવામાં પણ રાજૂ બારોટનો ફાળો છે.
એનએસડીના વિદ્યાર્થીઓ ખાસ ભવાઈ શીખવા માટે રાજૂ બારોટ પાસે આવે અને આ સમગ્ર પ્રક્રિયામાંથી 'પાંચાનો વેશ' નાટકનું નિર્માણ થાય એ દિલ્હીમાં ભજવાય. એ જ સમયગાળામાં રાજૂ બારોટ અમદાવાદમાં તદ્દન નવી જ ટીમ સાથે 'સોક્રેટિસ' ભજવતા હોય કે કોઈ નાટકનું અભિવાચન કરતા હોય તેવું લગભગ કાયમી બનતું.
ગુજરાતી અને હિન્દી નાટકો ઉપરાંત રાજૂ બારોટે 'ભગવદ્અજ્જુકિયમ' સંસ્કૃત નાટકનું પણ સફળતાપૂર્વક મંચન કર્યું હતું.
નાટકોમાં સામાજિક નિસબત અને ઊંડાણ

ઇમેજ સ્રોત, Ahmedabad Theatre Group
રાજૂ બારોટનાં નાટકોમાં સામાજિક સમસ્યાઓ અંગેની નિસબત જોવા મળતી. મહિલા સશક્તીકરણ માટેનાં નાટક 'મંજુલા' અને 'કંચન કરશે ગામને કંચન'નો ઍન્વાયરમેન્ટ થિયેટર તરીકેનો પ્રયોગ ખૂબ સફળ રહ્યો હતો અને ગુજરાતનાં અનેક સ્થળોએ તેની ભજવણી પણ થઈ હતી.
રાજૂ બારોટનું ઘર એટલે કાયમી નાટક અને સંગીતની મહેફિલનું સરનામું. એમના બીમાનગરના ઘરમાં પીયુષ મિશ્રા, રઘુવીર યાદવ, શ્યામલ સૌમિલ જેવા દિગ્ગજોથી લઈને તદ્દન નવોદિત કલાકારો પણ હાર્મોનિયમ અને ઢોલકની થાપ ઉપર રાજૂ બારોટના સૂરમાં સૂર મિલાવીને ગીતો લલકારતા જોવા મળે.
રાજૂ બારોટ જૂની રંગભૂમિનું એક ગીત ખૂબ ગાતા જેના શબ્દો હતા, 'ગરજ હોય તો આવ ગોતવા, હું શીદ આવું હાથ હરિ.'
તેમની વિદાય સમયે એવું લાગે છે કે ખરેખર રાજૂભાઈની ગરજ ઈશ્વરને પડી હશે અને એટલે જ ઈશ્વરે એમને શોધી કાઢ્યા હશે. પરંતુ એક વાત તો નક્કી જ છે કે રાજૂભાઈ જ્યાં હશે ત્યાં સાંજ પડે નક્કી મહેફિલ જામી હશે, હાર્મોનિયમ, એકતારો અને ઢોલક ઉપર નાટકનાં ગીતોના સૂર રેલાયા હશે અને ત્યાં હાજર દરેક વ્યક્તિ બોલી ઊઠી હશે કે, 'રંગ છે બારોટ'. અલવિદા રાજૂ ભાઈ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












