અમદાવાદ પ્લેન ક્રૅશ દુર્ઘટનાના છ મહિના, વિમાન તૂટી પડવાથી અત્યાર સુધી શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
12 જૂન 2025ના દિવસે અમદાવાદના ઇતિહાસની સૌથી 'ગોઝારી ઘટનાઓ' પૈકી એક ઘટના બની હતી. જેમાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકથી લંડન જવા માટે ઊપડેલી ઍર ઇન્ડિયાની AI-171 ફ્લાઇટ ઉડાણ ભર્યાની માત્ર 32 સેકન્ડમાં જ અમદાવાદની સિવિલ હૉસ્પિટલની સ્ટુડન્ટ હૉસ્ટેલની મેસ અને હૉસ્ટેલની ઇમારત પર ક્રૅશ થઈ હતી.
આ ઘટનામાં વિમાનમાં સવાર 241 લોકો સહિત કુલ 260 કરતાં વધુનાં મૃત્યુ થયાં હતાં.
આ અકસ્માતને આજે છ માસ પૂરા થયા છે ત્યારે ફરી એક વાર એ દિવસની હચમચાવી નાખનારી યાદો લોકોના મનમાં તાજી થાય એ સ્વાભાવિક પણ છે.
હવે જ્યારે આ અકસ્માતને છ માસનો સમય થઈ ગયો છે ત્યારે ઘટના બાદથી અત્યાર સુધી આ પ્રકરણમાં શું શું થયું એ ઘટનાક્રમ આ અહેવાલમાં રજૂ કરાયો છે.
પ્રારંભિક અંધાધૂંધી અને અવઢવ

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC
ઘટનાના સમાચાર સામે આવતાં જ સ્થાનિક સહિત વિશ્વભરનાં માધ્યમોની નજર આ ઘટના પર મંડાઈ ગઈ હતી.
સ્થાનિકો સહિત વિમાન મુસાફરો અને અકસ્માતમાં સપડાયેલા અન્ય વ્યક્તિઓને શોધવા માટે તેમના સંબંધીઓની ભીડ ઘટનાસ્થળે જામી ગઈ હતી.
આ સાથે જ મોટી દુર્ઘટનાના સમાચાર મળતાં જ રાહત-બચાવની કામગીરી પણ શરૂ કરાઈ. ઍમ્બુલન્સો, પોલીસદળ અને અગ્નિશામક દળના કર્મીઓએ રાહત-બચાવ સહિત ઘટનાસ્થળે ઊમટી પડેલી ભારે ભીડના પડકારનો પણ સામનો કરવો પડ્યો.
ઘટનાની તીવ્રતા એટલી વધુ હતી કે પ્રારંભિક અમુક કલાકો સુધી તો મૃતકાંક અને ઘટના અંગેની પ્રાથમિક માહિતીનોય ભારે અભાવ જોવા મળ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જોકે, સોશિયલ મીડિયા અને સમાચાર માધ્યમોમાં ઘટના વખતના રેકૉર્ડ થયેલા ઘણા વીડિયો અને ઘટના નજરે જોવાનો દાવો કરનારાનાં ઘણાં નિવેદનો સામે આવવા લાગ્યાં હતાં, તેમજ ઘટનાનાં સંભવિત કારણો અંગે જાતભાતના કયાસ લગાવવાની શરૂઆત પણ થઈ ગઈ હતી.
સમય પસાર થતાં ધીરે ધીરે મૃતકાંક અંગેનો એક પ્રારંભિક આંકડો, ઘટનાના સર્વાઇવર અને ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહિતના મૃતકો અંગેની વિગતો સામે આવવા લાગી હતી.
આ અકસ્માત કેટલો મોટો હતો એ વાતનો અંદાજ એ જ વાત પરથી લગાવી શકાય છે કે ઘટના બાદના અમુક દિવસો તો તેમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ પ્રસ્થાપિત કરવામાં વીતી ગયા હતા.
ઘટનાના દિવસે જ તાતા સન્સના ચૅરમૅન એન. ચંદ્રશેખરને ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરી અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકોના પરિવારને એક કરોડ રૂ. આપવાની જાહેર કરી હતી. સાથે જ દુર્ઘટનામાં ક્ષતિગ્રસ્ત થયેલી અમદાવાદની બીજે મેડિકલ કૉલેજની હૉસ્ટેલ બિલ્ડિંગના નિર્માણ માટે સહાય કરવાની જાહેરાત કરી હતી.
આ ઉપરાંત ઍર ઇન્ડિયાએ પણ મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને અને ઘટનાના એકમાત્ર સર્વાઇવર એવા વિશ્વાસકુમાર રમેશ નામના બ્રિટિશ નાગરિકને 25 લાખ રૂ.નું વચગાળાનું વળતર આપવાની જાહેરાત કરી હતી.
ઘટના બાદ દિવસો સુધી ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનાં અધૂરાં રહી ગયેલાં સ્વપ્નો અને તેમના સ્વજનો પર તૂટી પડેલા મુસીબતોના પહાડના અહેવાલો સામે આવતા રહ્યા.
કમનસીબ ઘટનામાં બચી ગયેલા 'નસીબદાર'

ઇમેજ સ્રોત, Hindustan Times
અમદાવાદ પ્લેન ક્રૅશની આ ઘટનામાં પ્લેનમાં સવાર કુલ 230 મુસાફરો પૈકી એકમાત્ર મુસાફર અને બ્રિટિશ નાગરિક વિશ્વાસકુમાર રમેશ જ બચી શક્યા હતા.
એક તરફ ઘટનાસ્થળે આગ અને ધુમાડાના ગોટેગાટા દેખાઈ રહ્યા હતા, ત્યારે બીજી તરફ આ ભયાનક દૃશ્યમાંથી બહાર આવતા વિશ્વાસકુમારનો વીડિયો કોઈકે રેકૉર્ડ કરી લીધો.
આ વીડિયો સામે આવતાં જ તેમને 'નસીબના ધણી' ગણાવી દેવાયા. પ્રારંભિક મૂંઝવણ બાદ એ સ્પષ્ટ થઈ ગયું હતું કે તેઓ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાંથી બચી ગયેલા એકમાત્ર સર્વાઈવર હતા, જે વિમાનની 11 A ક્રમની સીટ પર બેઠા હતા.
વિશ્વાસકુમાર રમેશના બચાવને ઘણા લોકોએ 'ચમત્કારિક' ગણાવી તેમને 'વિશ્વની સૌથી નસીબદાર વ્યક્તિ' ગણાવવાનું પણ શરૂ કરી દીધું.
જોકે, તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં વિશ્વાસકુમારે પોતે 'માનસિક રીતે પીડાઈ રહ્યા' હોવાની વાત કરી હતી.
તેમને પોસ્ટ ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડર (પીટીએસડી) હોવાનું નિદાન થયું હતું.
પોતાની માનસિક સ્થિતિ અંગે જણાવતાં તેઓ કહે છે, "હું તેના વિશે બહુ વાત કરી શકતો નથી. મને આખી રાત વિચારો આવે છે. હું માનસિક રીતે પીડાઉં છું."
"આખા પરિવાર માટે દરેક દિવસ પીડાદાયક છે."

ઇમેજ સ્રોત, Bhumi Chauhan
વિશ્વાસકુમારની માફક જ અન્ય એક વ્યક્તિ પણ આ દુર્ઘટનાથી બચી ગઈ હતી. તેમનું નામ છે ભૂમિ ચૌહાણ.
મૂળ અંકલેશ્વરનાં અને બ્રિટનમાં રહેતાં ભૂમિ ચૌહાણ નસીબજોગે દુર્ઘટનાના દિવસે લંડન માટેની પોતાની ફ્લાઇટ ચૂકી ગયાં અને આના કારણે જ તેમનો જીવ બચી ગયો.
તેમણે કહ્યું હતું કે, "અંકલેશ્વરથી તો અમે ટાઇમસર અમદાવાદ આવ્યાં હતાં, પણ અમદાવાદના ટ્રાફિકના કારણે હું ઍરપૉર્ટ પર દસ મિનિટ મોડી પહોંચી, જેના કારણે મને ઍરપૉર્ટની અંદર ઘૂસવા ના દીધી. હું ઍરપૉર્ટ પર દસ મિનિટ મોડી પહોંચી અને બચી ગઈ."
પ્રાથમિક રિપોર્ટમાં શું આવ્યું?

ઇમેજ સ્રોત, Hindustan Times via Getty Images
12 જૂનના રોજ બનેલી આ ઘટનાનો પ્રાથમિક તપાસ રિપોર્ટ ઘટનાના બરાબર એક માસ બાદ એટલે કે 12 જુલાઈના રોજ જાહેર કરાયો હતો.
ઇન્ટરનૅશનલ સિવિલ ઍવિયેશન ઑર્ગેનાઇઝેશનના નિયમો પ્રમાણે ભારતના ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોએ આ પ્રાથમિક રિપોર્ટ ઘટનાના 30 દિવસમાં જાહેર કરી દીધો હતો.
એવી આશા હતી કે આ રિપોર્ટ બાદ દુર્ઘટના બાદ ઊભા થયેલા કેટલાક મહત્ત્વના સવાલોના જવાબ મળશે.
જોકે, થયું બિલકુલ એનું ઊલટું. અકસ્માતનાં સંભવિત કારણો પર પ્રકાશ પાડવાને સ્થાને આ રિપોર્ટ ઘણાના મતે વધુ સવાલ ઊભા કરતો ગયો.
આ રિપોર્ટમાં જણાવાયું છે કે ઉડાન ભર્યાની થોડી જ સેકંડો પછી 12 વર્ષ જૂના આ બૉઇંગ 787 વિમાનની બંને ફ્યૂઅલ કન્ટ્રોલ સ્વિચ અચાનક 'કટ ઑફ' પોઝિશનમાં જતી રહી હતી. તેના કારણે વિમાનનાં એન્જિનોનો ઈંધણનો પુરવઠો અટકી ગયો હતો.
ઈંધણ ન મળવાના કારણે વિમાને સંપૂર્ણ પાવર ગુમાવી દીધો. સામાન્ય રીતે વિમાનના લૅન્ડિંગ પછી ફ્યૂઅલ કન્ટ્રોલ સ્વિચ બંધ કરવામાં આવતી હોય છે.
દુર્ઘટનાના પ્રારંભિક રિપોર્ટ આવ્યા પછી અનેક પ્રકારની અટકળો થવા લાગી. પૂર્ણ રિપોર્ટ આવવામાં એક વર્ષનો સમય લાગે તેવી શક્યતા છે.
જોકે, ઍર ઇન્ડિયા 171 સંબંધિત 15 પાનાંનો રિપોર્ટ વિવાદમાં આવી ગયો છે. આવું બે નાનકડા ફકરામાં રહેલી વિગતોને કારણે થયું છે.
પહેલો ફકરો: તેમાં લખવામાં આવ્યું છે કે ટેક-ઑફની અમુક સેકન્ડો પછી ફ્યૂઅલ કટ-ઑફ સ્વિચ 'રન'ને બદલે 'કટ-ઑફ' સ્થિતિમાં કરી દેવાઈ હતી. આ સ્વિચ સામાન્યતઃ કોઈપણ ઉડાન પહેલાં એન્જિનને ચાલુ કરવા તથા ઉડાન પછી બંધ કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
જેના કારણે એન્જિનને ઇંધણ ન મળ્યું, જેના કારણે વિમાને થ્રસ્ટ ગુમાવી દીધો અને ઊંચાઈ મેળવવાની ક્ષમતા ગુમાવી દીધી.
જોકે, આ સ્વિચોને ફરી એન્જિન ચાલુ કરવાની સ્થિતિમાં લાવવામાં આવી, જેથી દુર્ઘટનાને ટાળી શકાય, પરંતુ ત્યાર સુધીમાં મોડું થઈ ગયું હતું.
એ પછી રિપોર્ટ કહે છે: "કૉકપિટ વૉઇસ રેકૉર્ડિંગમાં એક પાઇલટ બીજાને એમ કહેતાં સાંભળી શકાય છે કે શું એમણે સ્વીચ કટ-ઑફ કરી હતી? ત્યારે બીજા પાઇલટને એમ કહેતાં સાંભળી શકાય છે કે તેમણે એમ નથી કર્યું."
આ અપ્રત્યક્ષ સંવાદને કારણે બંને પાઇલટની ભૂમિકા અંગે ભારે અટકળો શરૂ થઈ હતી. કૅપ્ટન સુમિત સભરવાલ તથા તેમના સહ-પાઇલટ ક્લાઇવ કુંદરે એ સમયે વિમાન ઉડાવી રહ્યા હતા.
નૅશનલ ટ્રાન્સપૉર્ટેશન સેફ્ટી બોર્ડના પૂર્વ અધ્યક્ષ રૉબર્ટ સમવૉલ્ટે દાવો કર્યો હતો કે રિપોર્ટથી સ્પષ્ટ થાય છે કે "આ વિમાન કે એન્જિન સાથે જોડાયેલી સમસ્યા ન હતી."
તેમણે અમેરિકન ટેલિવિઝન નેટવર્ક સીબીએસ સાથે વાતચીતમાં કહ્યું: "શું કોઈએ ઇરાદાપૂર્વક ફ્યૂઅલ બંધ કર્યું કે ભૂલથી, જેથી કરીને ફ્યૂઅલ કટ-ઑફ થઈ ગયું?"
ભારતની ખાનગી ટેલિવિઝન ચૅનલ એનડીટીવીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ભારતના ઍવિએશન સેફ્ટી કન્સલ્ટન્ટ કૅપ્ટન મોહન રંગનાથને ભારપૂર્વક કહ્યું કે આ દુર્ઘટનાની પાછળ પાઇલટ સ્યૂસાઇડનો મામલો હોઈ શકે છે.
કૅપ્ટન રંગનાથને કહ્યું, "હું આ શબ્દ વાપરવા નથી માંગતો, પરંતુ મેં સાંભળ્યું કે પાઇલટની કોઈ મેડિકલ હિસ્ટરી હતી અને એ પણ કારણ હોઈ શકે છે."
પીડિત પરિવારો દ્વારા રોકાયેલા વકીલ માઇક એન્ડ્રૂઝનું કહેવું છે કે જે પ્રકારની માહિતી જાહેર કરવામાં આવી છે, એનાથી "લોકો પૂરતી માહિતી વગર અયોગ્ય રીતે પાઇલટોને દોષિત ઠેરવવા પ્રેરિત થયા."
વકીલ માઇકના કહેવા પ્રમાણે, "આવાં વિમાન ખૂબ જ જટિલ હોય છે, તેમાં અનેક વસ્તુઓ ખોટી થઈ શકે છે. સંદર્ભથી અલગ થઈને માત્ર નાનકડી માહિતીઓને પકડીને પાઇલટની આત્મહત્યા કે સામૂહિક હત્યાના આરોપ લગાવવા અયોગ્ય અને ખોટું છે."
સુપ્રીમ કોર્ટે કહ્યું - 'પાઇલટ દોષિત નહીં'

ઇમેજ સ્રોત, PTI/UGC
વિમાનન ક્ષેત્રમાં સલામતી વધે તે માટે 'સેફ્ટી મૅટર્સ ફાઉન્ડેશન' કાર્ય કરે છે. આ સંસ્થાના સંસ્થાપક કૅપ્ટન અમિતસિંહે પણ આવો જ મત વ્યક્ત કર્યો હતો.
કૅપ્ટન અમિતસિંહે એક રિપોર્ટ રજૂ કર્યો હતો, જેનો દાવો હતો કે ઉપલબ્ધ પુરાવા 'એન્જિન બંધ થવામાં ઇલેક્ટ્રિકલ ગરબડની થિયરીનું દૃઢતાપૂર્વક સમર્થન કરે છે,' જેના કારણે આ અકસ્માત થયો હતો.
કૅપ્ટન અમિતસિંહનું માનવું છે કે એક ઇલેક્ટ્રિકલ ફૉલ્ટને કારણે એન્જિનને નિયંત્રિત કરનારી કમ્પ્યુટર-પ્રમાણિત ફૂલ ઑથૉરિટી ડિજિટલ એન્જિન કંટ્રોલ (FADEC)એ ફ્યૂઅલ સપ્લાય અટકાવીને એન્જિનને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી.
કૅપ્ટન અમિતસિંહનું કહેવું હતું કે ફ્લાઇટ ડેટા રેકૉર્ડરે કદાચ ફ્યૂઅલ સપ્લાય બંધ કરવાનો આદેશ લીધો હોય, ન કે કૉકપિટમાં કટ-ઑફ સ્વિચમાં ખરેખર હલચલ થઈ હોય.
બીજા શબ્દોમાં કહીએ, જ્યાં સુધી પાઇલટોએ તેને ફરી ચાલુ કરવાનો પ્રયાસ ન કર્યો, ત્યાં સુધીમાં તેને અડકવામાં ન આવી હતી.
કૅપ્ટન સિંહે તપાસની પ્રક્રિયા અંગે ભારતની સુપ્રીમ કોર્ટમાં સવાલ ઉઠાવ્યા છે. બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે પ્રારંભિક રિપોર્ટ પક્ષપાતપૂર્ણ હતો, કારણ કે "તે પાઇલટની ભૂલ હોય તેવો ઇશારો કરતી જણાય છે, જ્યારે ઉડાન દરમિયાન થયેલી તમામ તકનીકી ગરબડો અંગે માહિતી આપવામાં આવી ન હતી."
દરમિયાન સુપ્રીમ કોર્ટે પણ આ અંગે ટિપ્પણી કરી હતી. મૃત કૅપ્ટન સુમિત સભરવાલના પિતા પુષ્કરરાજે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમણે આ મામલે સ્વતંત્ર તપાસની માગ કરી હતી.
જસ્ટિસ સૂર્યકાંતે તેમને કહ્યું હતું, "આ દુર્ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ તમારે એ બોજ રાખવાની જરૂર નથી કે તમારા દીકરાને દોષ આપવામાં આવી રહ્યો છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ બાબત માટે તેમને (કૅપ્ટન સભરવાલ) દોષિત ન ઠેરવી શકે."
ધ લીફલેટના એક અહેવાલ અનુસાર કૅપ્ટન સુમિત સભરવાલના પિતાની અરજીની સુનાવણી કરતાં ભારતની સુપ્રીમ કોર્ટે ગત 13 નવેમ્બરે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી આ મામલે જવાબ રજૂ કરવા કહ્યું હતું.
દરમિયાન કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પાઇલટ પર કોઈ 'દોષારોપણ' ન કરાઈ રહ્યો હોવાની વાત કહી હતી.
હવે આ ઘટનાને છ માસનો સમય થઈ ગયા છતાં ઘણા પરિવારો હજુ આ ઘટનાની નકારાત્મક અસરોનો સામનો કરી રહ્યા છે અને તેની કહાણીઓ ઘણી વાર સામે આવતી રહે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













