You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ : સાબરમતીમાં 'અંગત અદાવત'માં પાર્સલમાં વિસ્ફોટ, આરોપીના ઘરેથી પોલીસને શું મળ્યું?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા શિવમ રો-હાઉસમાં 21 ડિસેમ્બર શનિવારે સવારે એક પાર્સલમાં વિસ્ફોટ થયો હતો.
પ્રાથમિક તપાસ પ્રમાણે પારિવારિક ઝઘડામાં આ વિસ્ફોટ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે અને આ લખાય છે ત્યાં સુધી આરોપીઓ ફરાર છે.
પોલીસે આપેલી માહિતી મુજબ, સાબરમતી શિવમ રો હાઉસમાં રહેતા બળદેવભાઈ સુખડિયા ગુજરાત હાઈકોર્ટમાં ક્લાર્કની નોકરી કરે છે. શનિવારે સવારે લગભગ સાડા દસ વાગ્યાની આસપાસ તેમના ઘરે કોઈ પાર્સલ લઈને આવ્યું હતું.
બળદેવભાઈએ કોઈ ચીજ મગાવી ન હતી, છતાં પાર્સલ આવતા તેઓ પાર્સલ લાવનાર વ્યક્તિ સાથે પૂછપરછ કરતા હતા ત્યાં પાર્સલના બૉક્સમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. આ દરમિયાન પાર્સલ ડિલિવર કરનાર વ્યક્તિ રવાના થઈ ગઈ અને દૂર રિક્ષામાં બેસેલી કોઈ વ્યક્તિએ રિમોટથી પાર્સલનો વિસ્ફોટ કર્યો હતો તેવું પોલીસનું કહેવું છે.
ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા અને પાર્સલ લાવનાર યુવાન ગૌરવ ગઢવીને પકડી લીધો હતો.
આ વિસ્ફોટમાં કોઈ મોટી જાનહાનિ નથી થઈ, પરંતુ બળદેવભાઈના ભાઈ અને તેમના ભત્રીજાને ઈજા થઈ છે. બંનેને સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. પાર્સલ લઈને આવનાર ગૌરવને પણ થોડી ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ તપાસમાં આ કેસમાં રૂપેણ બારોટ મુખ્ય આરોપી હોવાનું જાણવા મળ્યું છે.
વિસ્ફોટ બાદ બૉમ્બ સ્કવૉડ,એફએસએલની ટીમ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'બૅટરી આધારિત વિસ્ફોટક' કઈ રીતે બનાવ્યો?
અમદાવાદના જૉઇન્ટ પોલીસ કમિશનર નીરજ બડગુજરે જણાવ્યું કે, "પાર્સલ વિસ્ફોટમાં બે વ્યક્તિને ઈજા થઈ છે. અંગત અદાવતમાં વિસ્ફોટ કરાયો હોય તેવું પ્રાથમિક તપાસમાં જણાય છે. વિસ્ફોટનો ભોગ બનનારનું કહેવું છે કે તેને પાર્સલ આપવામાં આવ્યું ત્યાર પછી બે લોકોએ દૂરથી રિમોટ દ્વારા વિસ્ફોટ કર્યો હતો. એફએસએલની ટીમે ઘટનાસ્થળેથી બેટરીના અવશેષ અને રિમોટ કન્ટ્રોલ કબજે કર્યાં છે."
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પાર્સલ લાવનાર ગૌરવ ગઢવીની ધરપકડ કરી હતી.
પોલીસે કહ્યું કે ગૌરવને જાણ હતી કે પાર્સલમાં વિસ્ફોટ થઈ શકે તેવો સામાન છે. ગૌરવ કાર વૉશ સર્વિસનું કામ કરે છે. તપાસમાં અન્ય લોકોનાં નામ પણ ખૂલવાની શક્યતા છે. પોલીસ અલગ-અલગ ટીમ બનાવીને આરોપી સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે.
આ વિસ્ફોટ માટે ક્યાંથી સામગ્રી લાવવામાં આવી હતી અને પાર્સલ બૉમ્બની પદ્ધતિ ક્યાંથી શીખવામાં આવી તે તપાસનો વિષય છે.
બૉમ્બ અંગે નીરજ બડગુજરે જણાવ્યું હતું કે "બૉમ્બમાં ફ્રાયર ક્રેકર પાઉડરનો ઉપયોગ કરી રિમોટ કંટ્રોલની ચિપનો ઉપયોગ કરીને બૅટરી બૉમ્બ બનાવવામાં આવ્યો હતો."
છૂટાછેડા થવાના કારણે આરોપીને ગુસ્સો હતો?
નીરજ બડગુજરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "સાબરમતી ગોદાવરી ઍપાર્ટમેન્ટમાં રહેતા રૂપેણ પંચાલના છૂટાછેડા થયેલા છે. તેમનાં પૂર્વ પત્ની ભોગ બનનાર બળદેવભાઈને પોતાના ભાઈ માને છે. રૂપેણભાઈ બળદેવભાઈ પર આક્ષેપ કરતા હતા કે તેમના કારણે તેમનું ઘર ભાગ્યું છે. આ પ્રકારનો દ્વેષ રાખીને પાર્સલ મોકલી બ્લાસ્ટ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. રૂપેણ ગઈ કાલે રાત્રે પણ પાર્સલ આપવા માટે આવ્યો હતો."
પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપી રૂપેણ પંચાલ અગાઉ પાસાના કેસમાં સંડોવાયેલા હતા.
ઘટના બાદ પોલીસે રૂપેણના ઘરની તપાસ કરી હતી અને દરમિયાન ત્યાંથી પોલીસને ત્રણ તમંચા મળી આવ્યા છે.
જેસીપી નીરજ બડગુજરે કહ્યું કે આ કેસમાં હત્યાનો પ્રયાસ તથા ઍક્સપ્લોઝિવ ઍક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે.
ઘટનાસ્થળે હાજર બળદેવભાઈના પડોશીઓએ મીડિયાને જણાવ્યું કે વિસ્ફોટના અવાજથી તેઓ ગભરાઈને બહાર દોડી આવ્યા હતા અને તેમણે ઈજાગ્રસ્ત લોકોને જોયા હતા.
પોલીસે જણાવ્યા પ્રમાણે બળદેવભાઈને થોડા સમય અગાઉ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. આ કેસમાં રોહન રાવલ તથા રૂપેણ મુખ્ય આરોપી છે અને તેમને પકડવાની કાર્યવાહી ચાલી રહી છે.
પીડિત પરિવાર શું કહે છે?
બળદેવભાઈના પુત્ર કમલ સુખડિયાએ મીડિયાને કહ્યું કે "હું અને મારી પત્ની સવારે ઑફિસ ગયાં હતાં. ત્યાં મારી મમ્મીનો ફોન આવ્યો કે આપણા ઘરે કોઈ વિસ્ફોટક લઈને આવ્યું અને બ્લાસ્ટ થયો છે. મારા કાકાને ગંભીર ઈજા થઈ છે અને પિતા પણ ઈજાગ્રસ્ત છે. મારા કાકાના પાંચ વર્ષના દીકરાને પણ ઈજા થઈ છે. ફોન આવ્યા પછી હું સીધો ઘરે આવ્યો હતો."
તેમણે કહ્યું કે "સોસાયટીના રહેવાસીઓના કહેવા મુજબ બે લોકો રિક્ષામાં બેઠા હતા અને એક વ્યક્તિ પાર્સલ આપવા ગઈ હતી. ત્યારે રિક્ષામાં બેસેલી વ્યક્તિએ રિમોટથી વિસ્ફોટ કર્યો હતો. અમે નોકરિયાત છીએ અને કોઈની સાથે દુશ્મની નથી. કોઈ બદઈરાદાથી આ કૃત્ય કર્યું હોય તેમ લાગે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન