હિટલરના જર્મનીનું આકાશમાં રાજ કરતું એ મહાકાય વિમાન જે હવામાં જ અગનગોળો બની ગયું

હિંડનબર્ગ દુર્ઘટનાનું દૃશ્ય

ઇમેજ સ્રોત, Sam Shere/Getty Images

ઇમેજ કૅપ્શન, હિંડનબર્ગ દુર્ઘટનાનું દૃશ્ય
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

20મી સદીની શરૂઆતમાં હવાઈજહાજના સંશોધન માટે અમેરિકા, ઈટાલી, ફ્રાન્સ, જર્મની અને બ્રિટનના સંશોધકો વચ્ચે હરિફાઈ જામી હતી, જેમાં જર્મનીના પલડું ભારે રહ્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ ઍરશિપ કે ઝેપ્લિનનો ઉપયોગ ફ્રાન્સ અને બ્રિટન ઉપર હવાઈહુમલા કરવા માટે કર્યો હતો.

ભારતમાં જન્મેલા એક શખ્સે તેની વીરતા દ્વારા 'બેબી કિલર' તરીકે કુખ્યાતી મેળવનાર ઝેપ્લિન્સનો ભય બ્રિટનવાસીઓના મગજમાંથી કાઢી નાખ્યો. આ માટે તેમને નવી થયેલી શોધનો લાભ પણ મળ્યો.

આમ છતાં હિંડનબર્ગની દુર્ઘટના ન થઈ, ત્યાં સુધી હવાઈમુસાફરી માટે તેનું મહત્ત્વ જળવાય રહેવા પામ્યું હતું. 1960ના દાયકા સુધી તે હવામાં જોવા મળતા અને એ પછી તેના આકાર અને વપરાશમાં ફેરફાર થયો.

તાજેતરમાં અમેરિકામાં ઍરોસ્ક્રાફ્ટ પ્રકારના નવા ઍરશિપનું પરીક્ષણ ચાલી રહ્યું છે અને તેમાં નોંધપાત્ર સફળતા મળી છે. કૉમર્શિયલ લૉન્ચ પછી તે અવકાશી સફરમાં વૈભવનું નવું પરિમાણ ઉમેરી દેશે. જોકે, તેના પાયામાં ઍરશિપની ડિઝાઇન અને એન્જિનિયરિંગ છે.

હવાઈજહાજ એટલે 'ફુગ્ગો'

છેલ્લું મહાકાય ઝેપ્લિન હિંડનબર્ગ

ઇમેજ સ્રોત, OFF/AFP/Getty Images

ઇમેજ કૅપ્શન, છેલ્લું મહાકાય ઝેપ્લિન હિંડનબર્ગ

ઍરશિપ મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે. ફુગ્ગા જેવા, જે ગૅસ ભર્યે ફૂલાઈ જાય અને નીકળ્યે સંકોચાઈ જાય. અર્ધ-નક્કર આકારમાં ધાતુનું માળખું હોય છે, પરંતુ ગૅસ ભર્યે તે પોતાનું સ્વરૂપ ધારણ કરે છે.

નક્કર માળખાવાળા ત્રીજા પ્રકારના ઍરશિપમાં મુખ્યત્વે ચાર ભાગ હોય છે. સિગાર જેવા આકારની કોથળી, જેમાં હવા કરતાં હળવો ગૅસ ભરેલો હોય છે. તેની નીચે કાર કે ગંડોલા હોય છે, જેમાં મુસાફર તથા ક્રૂના સભ્યો હોય છે. પ્રોપેલર ચલાવવા માટે એંજિન અને ઉપર કે નીચે કરવા માટે રડર હોય છે.

ફ્રાન્સના હેન્રી ગિફાર્ડે વર્ષ 1852માં વરાળયંત્રથી ચાલતું ઍરશિપ ડિઝાઇન કર્યું હતું. જર્મન એન્જિનિયર પૉલ હેનલિન વર્ષ 1872માં ઇન્ટર્નલ કમ્બસ્ટન એન્જિનથી ચાલતું ઍરશિપ ડિઝાઇન કર્યું હતું. ફ્રાન્સના આલ્બર્ટ અને ગૅસ્ટન ટિસેન્ડરે ઇલેક્ટ્રિક મોટરથી ઍરશિપ ચલાવવાનું નિદર્શન કર્યું હતું.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જોકે, આ બધા ઍરશિપ ફુગ્ગા જેવા હતા અને વર્ષ 1897માં જર્મનીમાં ઍલ્યુમિનિયમના નક્કર માળખાવાળું પ્રથમ ઍરશિપ નિર્માણ પામ્યું. વર્ષ 1900માં જર્મનીના ગ્રૅફ ઝેપ્લિન સૌથી વધુ સફળ રહ્યા હતા.

જર્મન સેનામાંથી નિવૃત્ત અધિકારી ઝેપ્લિને એલઝેડ-વન નામથી ઍરશિપ લૉન્ચ કરી હતી. એલઝેડ સાથે તેમનું નામ જોડાયેલું હોવાને કારણે આગળ જતાં ઍરશિપને તેનો સમાનાર્થી શબ્દ ઝેપ્લિન મળવાનો હતો.

પ્રારંભિક વર્ષોમાં અમુક અકસ્માતો થવા છતાં લોકોમાં ઝેપ્લિન અંગે આકર્ષણ વધતું રહ્યું અને તે વિશ્વાસપાત્ર યંત્ર સાબિત થયું. વર્ષ 1909માં ઝેપ્લિને વિશ્વની પહેલી ઍરલાઇન કંપની સ્થાપી અને તેને દાયકાઓ સુધી સફળતાપૂર્વક ચલાવી.

જર્મન ઝેપ્લિનમાં હાઇડ્રોજનનો ઉપયોગ થતો, જે હવા કરતાં હળવો વાયુ છે, પરંતુ તે ભારે જ્વલનશીલ છે. હિલિયમ સ્વરૂપે તેનો વિકલ્પ ઉપલબ્ધ હતો. જે હાઇડ્રોજન જેટલો હલકો નથી, પરંતુ તે સળગી ઉઠે તેવો ન હોવાથી તેને સલામત માનવામાં આવે છે.

એ સમયે અમેરિકા હિલિયમ ગૅસનું ઉત્પાદન કરતું હતું, પરંતુ અન્ય દેશોને નિકાસ પર પ્રતિબંધ હતો. જેના કારણે હિંડનબર્ગ ઍરશિપ સ્વરૂપે દુર્ઘટના થવાની હતી. આજે પણ હિલિયમને ઍરશિપ્સ માટે આદર્શવાયુ માનવામાં આવે છે.

ઝેપ્લિન બન્યાં 'બેબી કિલર'

બ્રિટનના યૉરમાઉથમાં ઝેપ્લિનથી થયેલા નુકસાનનીતસવીર

ઇમેજ સ્રોત, OTHER

ઇમેજ કૅપ્શન, બ્રિટનના યૉરમાઉથમાં ઝેપ્લિનથી થયેલા નુકસાનનીતસવીર

પોતાની શોધ દ્વારા ઝેપ્લિન અલગ-અલગ દેશોના લોકોને નજીક લાવવા માગતા હતા અને વૈશ્વિક શાંતિ પ્રસ્થાપિત કરવા માગતા હતા. આમ છતાં પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઝેપ્લિનનો ઉપયોગ હથિયાર તરીકે થયો હતો.

ઇમ્પિરિયલ જર્મન આર્મી તથા નૅવીને માટે તેમને કામે લગાડવામાં આવ્યા. જેણે પેરિસ, સૅન્ટ પીટર્સબર્ગ અને લંડનના આકાશમાં ઊડીને નાગરિકો ઉપર કહેર વર્તાવ્યો હતો. 85 માઇલ પ્રતિ કલાકની ઝડપ ધરાવતા આ ઝેપ્લિન એકસાથે બૅટન બૉમ્બનું વહન કરવા સક્ષમ હતા.

ઉડ્ડયનના ઇતિહાસકાર બૅન રૉબિન્સનના કહેવા પ્રમાણે, 19 ફેબ્રુઆરી, 1915ના દિવસે જર્મન ઝેપ્લિન દ્વારા પ્રથમ વિશ્વયુદ્ધમાં પહેલીવાર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. બ્રિટનના પૂર્વીય તટ ઉપર આવેલા ગ્રૅટયારમાઉથ અને કિંગ્સ લિન તેનો ભોગ બન્યા હતા.

નિષ્ણાતોના મતે પ્રથમ હવાઈ હુમલામાં બે લોકોનાં મૃત્યુ થયાં હતાં. તેનો સૈન્યલાભ ન હતો પરંતુ દહેશત ફેલાવવામાં કારગત હતા. જર્મન ઝેપ્લિન અંધારામાં આવતા, જેના કારણે બૉમ્બમારા તરફ ધસી રહ્યા છે કે તેની વિરૂદ્ધ તેના વિશે લોકોને ખ્યાલ ન રહેતો.

મહિનાઓ પછી ઝેપ્લિન લંડન સુધી પહોંચવામાં સફળ રહ્યાં. ત્યારે 20 મિનિટમાં ત્રણ હજાર પાઉન્ડ બૉમ્બ વરસાવ્યા. જેના કારણે 91 સ્થળોએ આગ લાગી. એ પછી ઝેપ્લિન 'બેબી કિલર' તરીકે બ્રિટનમાં કુખ્યાત બન્યાં.

એ ઍરરેડમાં 22 લોકોનાં મૃત્યુ થયાં અને 87ને ગંભીર ઈજાઓ પહોંચી. રાતના અંધારામાં ઝેપ્લિન સલામત રીતે નીકળી ગયાં હતાં.

આની સામે બ્રિટને દરિયા પરના નાના-નાના ટાપુવિસ્તારોમાં ડિશ જેવી દિવાલોની વિશેષ સંરચનાઓ ઊભી કરી, જેના કારણે ઝેપ્લિનની મોટરોનો અવાજ અનેકગણો વધી જતો. જેને સાંભળીને ફરજ પરના કર્મચારીઓ રેડિયો દ્વારા કિનારાના તંત્રને ઍરરેડ માટે સતર્ક કરી દેતા. તેને રડારની પૂરોગામી વ્યવસ્થા કહી શકાય.

ધ ઍરશિપ ક્રૂ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1916 માં લેવાયેલી આ તસવીરમાં ઍરશીપ ક્રૂ, બલૂનની નીચે લટકાવેલા ગોંડોલામાંથી મશીનનું સંચાલન કરે છે

સપ્ટેમ્બર-1916ની શરૂઆતમાં લગભગ ડઝનેક જર્મન ઝેપ્લિને બ્રિટનની હવાઈસીમાઓમાં હાહાકાર મચાવ્યો, આ સૌથી મોટો હવાઈહુમલો હતો.

તે ખૂબ ઊંચાઈ પર ઉડતા હોવાથી તેમની વિરૂદ્ધ કરવામાં આવતો ગોળીબાર નકામો હતો તથા એ સમયનાં વિમાનો એટલી ઊંચાઈએ ઊડી શકતાં નહોતાં.

જ્યારે 'ઍક્સ્પ્લોઝિવ બુલેટ'ની શોધ થઈ, ત્યારે બ્રિટનને જર્મન ઝેપ્લિનનો જવાબ મળ્યો. આ માટે બ્રૉક અને બકિંઘમ પ્રકારની બે અલગ-અલગ ગોળીઓ ઝેપ્લિન તરફ વિમાનમાંથી સીધી જ ફાયર કરવામાં આવતી. જેનો હેતુ હાઇડ્રોજનમાં આગ લગાડવાનો હતો.

આ પહેલાં ઝેપ્લિનમાં ગોળીઓ વાગતી તો તેમાં કાણાં પડતાં પરંતુ ધીમે-ધીમે તેની મુસાફરી ચાલુ રહેતી. નવી ગોળીઓની શોધ પછી ઝેપ્લિનમાં ભડભડ આગ લાગી જતી અને બ્રિટનવાસીઓમાં તેનો ભય ન રહ્યો.

લેફ્ટનન્ટ વિલિયમ લીફે રોબિન્સન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લેફ્ટનન્ટ વિલિયમ લીફે રોબિન્સન બ્રિટનની ઉપર જર્મન એરશીપને તોડી પાડનાર પ્રથમ હવાઈ સૈનિક હતા

બ્રિટન માટે આ કેટલી મોટી સિદ્ધિ હતી એ વાતનો અંદાજ એ પરથી લગાવી શકાય કે જર્મન ઍરશિપ તોડી પાડવામાં આવ્યું, તેના 48 કલાકમાં જ આ કારનામાને અંજામ આપનાર લેફ. વિલિયમ રૉબિન્સનને બ્રિટનનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર વિક્ટોરિયા ક્રૉસ એનાયત કરવામાં આવ્યો હતો.

લેફ. રૉબિન્સનનો જન્મ ભારતમાં થયો હતો. તેઓ યુદ્ધબંદી તરીકે પકડાયા હતા અને તા. 31 ડિસેમ્બર 1918ના માત્ર 23 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું.

પહેલી એપ્રિલ 1918ના દિવસે બ્રિટનમાં રૉયલ ઍરફૉર્સની સ્થાપના કરવામાં આવી. જેનો હેતુ બ્રિટનની હવાઈસુરક્ષા કરવાનો તથા કોઈપણ હવાઈ હુમલાનો જવાબ દેવાનો હતો.

પાંચમી ઑગસ્ટ 1918ના ઝેપ્લિને બ્રિટન ઉપર છેલ્લો હવાઈ હુમલો કર્યો. ત્યાં સુધીમાં ઝેપ્લિને લગભગ 560 લોકોના જીવ લીધા અને એક હજાર ત્રણસો 58 લોકો લોકો ઘાયલ થયાં હતાં.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન 84 ઝેપ્લિનનું નિર્માણ થયું હતું, જેમાંથી 60 દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયાં અથવા તો શત્રુઓ દ્વારા તોડી પડાયાં હતાં. કુલ 115માંથી 77 તોડી પડાયાં કે નકામા બનાવી દેવાયાં હતાં.

બ્રિટને બે ઝેપ્લિન વિકસાવ્યાં, પરંતુ એકના અકસ્માતમાં 47 લોકોનાં મૃત્યુ થયાં, જ્યારે બીજું તૂટી જતાં નવાનું નિર્માણ ન કર્યું.

19 વર્ષ સુધી જર્મનોએ એકપણ જાનહાનિ વિના ઝેપ્લિન ઉડાવ્યાં હતાં, પરંતુ આ રેકર્ડ તૂટવાનો હતો અને આ ક્ષેત્રમાં જર્મનોનું મનોબળ પણ તોડી નાખવાનો હતો.

હિંડનબર્ગ હવાઈદુર્ઘટનાથી હલચલ

જર્મન ઍરશિપ્સમાં ક્રૂ માટે રહેવાની રેસ્ટોરાં અને ધૂમ્રપાનની પણ વ્યવસ્થા હતી

ઇમેજ સ્રોત, Fox Photos/Getty Images

ઇમેજ કૅપ્શન, જર્મન ઍરશિપ્સમાં ક્રૂ માટે રહેવાની રેસ્ટોરાં અને ધૂમ્રપાનની પણ વ્યવસ્થા હતી

ગ્રૅફ ઝેપ્લિનની સફળતા પછી વર્ષ 1930માં હિંડનબર્ગને લૉન્ચ કરવામાં આવ્યું, ત્યારે તેમાં પબ્લિક રૂમ, પ્રાઇવેટ રૂમ, ક્રૂ મૅમ્બર્સ માટે કૅબિન, રેસ્ટોરાં, કૉકટેલ બાર હતાં.

વિમાનને હળવું રાખવા માટે તેમાં ઍલ્યુમિનિયમની ખુરશીઓ અને પ્લાસ્ટિકની બૅઝિન બેસાડવામાં આવી હતી. તેની દિવાલો પર ગ્રેફ ઝેપ્લિનના પ્રવાસોની તસવીરો સિલ્કના કપડાં પર ચિતરવામાં આવી હતી.

હિંડનબર્ગમાં હાઇડ્રોજન ભરેલો હોવા છતાં લાંબી મુસાફરી દરમિયાન મુસાફરને ધૂમ્રપાન કરવાનું મન થાય તો તેના માટે સીલબંધ સ્મૉકિંગ રૂમ હતા. તેને 'આકાશમાં ઉડતી હૉટલ' એવું હુલામણું નામ મળેલું હતું.

હિંડનબર્ગનું વજન લગભગ બે લાખ 10 હજાર કિલોગ્રામ હતું. તેનું માળખું અને રિંગ ડ્યુરેલિયમનાં બનેલાં હતાં, જેની ઉપર બ્લૂ રંગના પેઇન્ટનું સંરક્ષણાત્મક કવચ ચઢાવવામાં આવ્યું હતું.

વિકિરણો તથા અલ્ટ્રાવાયોલૅટ કિરણોનાં પરાવર્તન માટે તેની ઉપર ઍલ્યુમિનિયમનો પાઉડર ચઢાવવામાં આવ્યો હતો, જેના કારણે તે ચમકતું. ઑટો-પાઇલટની શરૂઆતી ગણી શકાય તેવી વ્યવસ્થા તેના ઍરડેકમાં હતી.

આ ઍરશિપ ટપાલ, સામાન, મુસાફરોનો સામાન અને તેમની ગાડીઓ સુદ્ધાંને ઍટલાન્ટિક પાર લઈ જવા માટે સમક્ષ હતું. તેમાં ટૉર્પિડો મોટરબૉટ પ્રેરિત ચાર એન્જિન બેસાડવામાં આવ્યાં હતાં.

તારીખ છઠ્ઠી મે, 1937ના દિવસે જર્મનીના ઍરશિપ હિંડનબર્ગે સફળતાપૂર્વક ઍટલાન્ટિક મહાસાગરને પાર કર્યો અને અમેરિકાના ન્યૂ જર્સી ખાતે લૅન્ડિંગ કરી રહ્યું હતું, ત્યારે તેમાં આગ લાગી ગઈ હતી.

આ દુર્ઘટનામાં તેમાં સફર કરી રહેલાં 97 મુસાફરોમાંથી 35નાં મૃત્યુ થયા હતા. આમ છતાં લોકો જર્મનીથી યુએસની ફ્લાઇટ માટે ટિકિટ બુકિંગ કરાવવા આતુર હતા.

અંત એક, આરંભ અનેક

જર્મન ઝેપ્લિનના એંજિનનો અવાજ વધારી દેતી સંરચના

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જર્મન ઝેપ્લિનના એન્જિનનો અવાજ વધારી દેતી સંરચના

હિંડનબર્ગ એ નાઝી જર્મનીનું ચિહ્નવાહક છેલ્લું મહાકાય ઍરશિપ હતું. ચાર મહિના પછી પહેલી સપ્ટેમ્બરના રોજ બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું.

વર્ષ 1940માં હિટલરના જર્મનીએ હિંડનબર્ગ-2 બનાવવાનો પ્રોજેક્ટ પડતો મૂક્યો અને હવાઈ મુસાફરી માટે તેની ઉપયોગિતા ઉપર પૂર્ણવિરામ મૂકાઈ ગયું. વર્ષ 1945માં ઝેપ્લિન કંપની બંધ થઈ ગઈ.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ સબમરીનોને શોધી કાઢવા માટે ઍરશિપનો ઉપયોગ કર્યો હતો. 1960ના દાયકા સુધી તે અમેરિકન સેનાનો હિસ્સો રહ્યાં.

મુશ્કેલ સ્થળોએ તથા ઊંચાઈએ સામાન, મશીનરી, આપાતકાલીન સાધનસામગ્રી મોકલવાની હોય અને પરંપરાગત વિમાન પહોંચી શકે તેમ ન હોય તેવા સંજોગોમાં ઍરશિપનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય મનોરંજન કે પ્રચાર-પ્રસાર માટે તેની ઉપયોગિતા રહી છે.

અમેરિકામાં ઍરશિપની દિશામાં સંશોધનકાર્ય કરનારી કંપનીઓમાંથી એક 'ગુડ યર' ઉપરાંત કાર્નિવલ ક્રૂઝલાઇન પ્રચાર માટે નાનાં-મોટાં કદનાં ઍરશિપ કે બલૂનનો ઉપયોગ કરે છે.

ચીન દ્વારા બ્લિમ્પ કહી શકાય તે પ્રકારના ઍરશિપનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે સંદેશાવ્યવહારને સુગમ બનાવવામાં અને પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં મદદ કરી શકે છે.

બ્રાઝિલમાં ઍમેઝૉનના જંગલો ઉપર નજર રાખવા અને અભ્યાસ કરવા માટે વિશેષ પ્રકારના ઍરશિપનું નિર્માણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જર્મની, ફ્રાન્સ, બ્રિટન, કૅનેડા, અમેરિકા અને ચીન સહિત અનેક દેશોમાં ઍરશિપને ફરીથી ઉપયોગમાં લાવવા માટે સંશોધનો ચાલી રહ્યાં છે. તેમાં સફળતા મળ્યે વાયુપ્રદૂષણ ઘટશે, પરંતુ આકાશમાં ભીડ વધશે.

શરૂઆતના વર્ષોમાં 'હવા કરતાં હળવા' પ્રકારનાં ઍરશિપ નિષ્ફળ રહ્યાં, કારણ કે તેને વધુ પડતાં ચગાવી દેવામાં આવ્યા હતા. આટલી મહાકાય ઍરશિપ હાથથી બનાવવી પડતી અને બનાવનારાઓને પૈસા ચૂકવવામાં ફાંફા પડી જતાં. આ સિવાય ઍરશિપમાં ભાવિ જોનારાઓ હેન્રી ફૉર્ડ જેટલા વ્યવહારકુશળ ન હતા.

લગભગ એક સદી પહેલાં જ્યારે ઍરશિપ હવામાં ઉડતાં ત્યારે લોકો તેને જોવા માટે એકઠા થઈ જતાં. હવે ઉપયોગિતા કે હવામાં આરામદાયક હોટલ તરીકે ઍરશિપ તેમની ઉપયોગિતા સાબિત કરશે તો ફરી એક વખત તે લોકોમાં કૌતુકનો વિષય બનશે અને સમય તેનું ચક્ર પૂર્ણ કરશે.

બીબીસી
બીબીસી