દિલીપ આહિર : કચ્છની ‘ભૂજ જેલમાંથી ઘડાયેલ હની ટ્રૅપનું કાવતરું’ જ યુવાનના ‘આપઘાતનું નિમિત્ત’ બન્યું? શું છે સમગ્ર કેસ

દિલીપ આહીર

ઇમેજ સ્રોત, Adv AHIR

ગત 4 જૂનના રોજ કચ્છના 32 વર્ષીય બિઝનેસમૅન દિલીપ આહિરની આત્મહત્યા મામલે નવો વળાંક આવ્યો છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર અમદાવાદની 22 વર્ષીય યુવતીએ કચ્છના માધાપરના યુવાન દિલીપ આહિર પર રેપનો આરોપ મૂક્યો હતો.

જે અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસને દિલીપ આહિરનો મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસના જણાવ્યાનુસાર દિલીપ આહિરે આત્મહત્યા કરી હતી.

શરૂઆતમાં આ મામલો ‘રેપ બાદ આત્મહત્યા’નો લાગી રહ્યો હતો. પરંતુ પોલીસની ‘અસરકારક તપાસ’ને પગલે સમગ્ર મામલો ‘ચાર કરોડ રૂપિયાની ખંડણી’નો હોવાનું ખૂલ્યું.

આ કેસમાં વધુ આશ્ચર્યચકિત કરનારી માહિતી એ હતી કે પોલીસને પ્રાથમિક તપાસને આધારે સમગ્ર ઘટનાના ‘આયોજનથી માંડીને ખંડણી માટે શિકારની શોધ અને પ્લાનને અમલમાં મૂકવાના તાર જેલનાં કેદી’ સાથે જોડાયેલા છે.

કચ્છની નખત્રાણા પોલીસે આ મામલે શરૂઆતમાં ‘રેપનાં આરોપ મૂકનાર’ મહિલા સહિત આઠ વ્યક્તિ સામે ઇન્ડિયન પીનલ કોડની કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરણી), 389 (ખંડણી) અને 120 (b) (ગુનાહિત કાવતરું) અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આરોપીઓમાં ભાજપના ભૂતપૂર્વ નેતા જયંતી ભાનુશાળીની હત્યા કેસમાં ભૂજની પાલારા સબજેલમાં બંધ મનીષા ગોસ્વામીનું નામ પણ સામેલ છે.

મનીષા ગોસ્વામીને આ સમગ્ર કેસમાં મુખ્ય ‘સૂત્રધાર અને પ્લાનર’ ગણાવાયાં છે.

આખરે પોલીસતપાસમાં એવું તો શું થયું કે આ ચકચાર જન્માવનારા કેસની આખી દિશા જ પલટાઈ ગઈ, આખરે કેવી રીતે પોલીસ આરોપીઓ સુધી પહોંચી?

ગ્રે લાઇન

શું હતો મામલો?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Ayazbhai

ઇમેજ કૅપ્શન, એસ. પી. કરણરાજ વાઘેલા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ સમગ્ર મામલે કચ્છ (પશ્ચિમ) એસ. પી. ડૉ. કરણરાજ વાઘેલાએ ‘રેપ બાદ આત્મહત્યા’નો મામલો કેવી રીતે ‘રેપના આરોપમાં ફસાવવાની બીક બતાવી ખંડણી ઉઘરાવવાના’ મામલો હોવાનું સામે આવ્યું તેની સ્પષ્ટતા માટે 6 જૂનના રોજ પત્રકારપરિષદ યોજી હતી.

એસ. પી. વાઘેલાએ આ પત્રકારપરિષદમાં કેસની હકીકતો જણાવતાં કહ્યું હતું કે ગત 3 જૂનની મોડી રાત્રે પોલીસને જી. કે. જનરલ હૉસ્પિટલમાંથી એક બળાત્કારની ફરિયાદ મળી હતી.

જેમાં દિલીપ આહિરને આરોપી ગણાવાયા હતા.

એસ. પી. વાઘેલા અનુસાર, “ફરિયાદ દાખલ કરી એ અગાઉ જ પોલીસને દિલીપ આહિરના આકસ્મિક મૃત્યુના સમાચાર મળ્યા હતા."

પોલીસે જાહેર કરેલી પ્રેસ નોટ અનુસાર દિલીપ આહિરે દેશલપર-નલિયા રોડ પર આવેલ એક પેટ્રોલ પંપની બાજુમાં ‘ગળેફાંસો લઈને આત્મહત્યા’ કરી હતી. જે અંગે અકસ્માત મોતની નોંધ કરાઈ હતી.

બીજી તરફ દિલીપ સામેના ‘બળાત્કાર’ના કેસમાં માનકૂવા પોલીસ સ્ટેશનમાં ઇન્ડિયન પીનલ કોડની કલમ 376(1) અને એટ્રોસિટી ઍક્ટ અંતર્ગત ફરિયાદ કરાઈ હતી. જેની તપાસ નાયબ પોલીસ અધીક્ષક એમ. જે. ક્રિશ્ચિયન કરી રહ્યા હતા.

એસ. પી. વાઘેલાએ કેસ અંગે વધુ વિગતો આપતાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "બળાત્કારના કેસમાં આરોપી દિલીપનો બીજા દિવસે વહેલી સવારે મોત થતાં અમને આ કેસને લઈને શંકા ગઈ હતી."

આ શંકાના આધારે પોલીસની ટીમોએ ‘હની ટ્રેપ’ના ઍંગલને તપાસવાનું શરૂ કર્યું હતું.

એસ. પી. વાઘેલાના શબ્દોમાં જણાવીએ તો ‘24 કલાકની મહેનત બાદ આ કેસનું સત્ય બહાર લાવવામાં પોલીસને સફળતા મળી હતી.’

તેમને સમગ્ર બનાવને ‘હની ટ્રૅપ’ ગણાવતાં કહ્યું કે, "હની ટ્રૅપના આ કિસ્સામાં માસ્ટર માઇન્ડ મનીષા ગોસ્વામી છે. દિલીપ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ આપનાર દિવ્યા ચૌહાણ અજય પ્રજાપતિ અને તેના મિત્ર અખલાક પઠાણ મારફતે મનીષાના સંપર્કમાં આવી હતી."

"મનીષાએ દિવ્યા સાથે સંપર્કમાં આવ્યા બાદ દિલીપ આહિરને ટાર્ગેટ કર્યો હતો. આ લોકો દિલીપની સંપત્તિ અને તેની વિગતો અગાઉથી જાણતા હતા. ટાર્ગેટ નક્કી કર્યા બાદ મનીષા ગોસ્વામીએ પહેલાં દિલીપ સાથે સોશિયલ મીડિયા મારફતે ચેટિંગ કરવાનું શરૂ કર્યુ હતું અને બાદમાં દિવ્યાને એ નંબર આપી પોતાની જાળ મજબૂત બનાવી હતી."

આ ઘટનાને લઈને અખબારમાં છપાયેલા રિપોર્ટો અનુસાર ‘દિલીપ 200 ટ્રકોના માલિક’ હતા.

એસ. પી. વાઘેલાએ પત્રકારપરિષદમાં જાહેર કરેલી વિગતો અનુસાર મનીષા અને તેના સાથીદારોના આયોજન પ્રમાણે, "દિવ્યા દિલીપ સાથે મિત્રતા કેળવી વાતો કરશે, તેને વિશ્વાસમાં લઈને ભૂજ આવીને દિલીપ સામે હોટલમાં લઈ જઈ રેપની ખોટી ફરિયાદ આપશે. અને ફરિયાદ નહીં કરવા માટે ચાર કરોડ રૂપિયાની ખંડણી માગશે એવું નક્કી થયું હતું."

અને અત્યાર સુધી સામે આવેલી વિગતો અનુસાર આરોપીઓ પ્લાનને અમુક હદ સુધી સફળ પણ બનાવી શક્યા.

ગ્રે લાઇન

‘જેલમાંથી ઘડ્યું કાવતરું’

આરોપી મનીષા ગોસ્વામી

ઇમેજ સ્રોત, Nitesh Rajgor

ઇમેજ કૅપ્શન, આરોપી મનીષા ગોસ્વામી

પોલીસ અનુસાર આ સમગ્ર ઘટનાનું કાવતરું મનીષાએ ‘પાલારા સબજેલમાંથી સ્માર્ટફોન’ વડે ઘડ્યું હતું. મનીષા 2019થી જેલમાં છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અખબારના એક અહેવાલ અનુસાર, "ચૌહાણે અમુક દિવસો સુધી સોશિયલ મીડિયા મારફતે દિલીપ સાથે વાતચીત કર્યા બાદ તેમને ભૂજમાં એક હોટલમાં બોલાવી ‘શારીરિક સંબંધ’ બાંધ્યા હતા. જે બાદ દિવ્યાએ દિલીપ પાસેથી કથિતપણે ‘ચાર કરોડ રૂપિયાની ખંડણી’ માગી હતી."

પોલીસે આ કેસમાં ભૂજની પાલારા સબજેલમાં રહેલ ‘કાવતરાનાં માસ્ટર માઇન્ડ’ મનીષા ગોસ્વામી, તેમના પતિ ગજુભાઈ ગોસ્વામી, ‘ખોટી ફરિયાદ આપનાર’ દિવ્યા ચૌહાણ, અજય પ્રજાપતિ, અખલાક પઠાણ, આકાશ મકવાણા, કોમલબહેન જેઠવા, રિદ્ધિ અને અજીજ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

એસ. પી. વાઘેલાએ આપેલી માહિતી અનુસાર, "હવે આ સમગ્ર મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે અને દિવ્યા ચૌહાણ અને અજીજની હાલ ધરપકડ કરી લેવાઈ છે. આ સિવાય પાલારા સબજેલમાં આ યોજના ઘડવામાં મનીષાની મદદગારી કરનાર અન્ય એક મહિલાની પૂછપરછ કરીને આધિકારિકપણે તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરાશે."

પોલીસ અનુસાર મૃતક યુવાનની પ્રોફાઇલ મનીષા પાસે પહેલાંથી જ હતી.

એસ. પી. વાઘેલાના જણાવ્યાનુસાર, "મનીષા તેના પતિ ગજુ ગોસ્વામીની સતત સંપર્કમાં હતી. આ લોકો પાસે ભૂજના અન્ય લોકો અને બિઝનેસમૅનોની માહિતી હોવાની પણ શક્યતા છે. આવી જ માહિતીના આધારે આ લોકોએ દિલીપને ટાર્ગેટ કર્યા હતા."

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ શરૂઆતમાં દિવ્યાનો સંપર્ક મનીષા સાથે થયો ત્યારે ‘ કુવૈતથી ગુજરાત આવનાર એક બિઝનેસમૅનને હની ટ્રૅપમાં ફસાવીને દસ કરોડ રૂપિયાની ખંડણી ઉઘરાવવાનો પ્લાન હતો. પરંતુ નસીબજોગે તેમની ગુજરાત ટ્રિપ રદ થઈ અને તે બાદમાં દિલીપને ફસાવવાનો પ્લાન ઘડાયો.’

નોંધનીય છે કે દિલીપની આત્મહત્યા બાદ સ્થાનિક આહિર સમાજના લોકો દ્વારા જિલ્લા પોલીસ અને વહીવટી તંત્રને આ સમગ્ર ઘટના ‘હની ટ્રૅપ’ હોવાની ફરિયાદ કરી હતી. અને ‘દિલીપને ન્યાય અપાવવા માટે રેલીનું આયોજન કરી આવેદનો પાઠવાયાં હતાં.’

બાદમાં સામે આવેલી માહિતીને કારણે કેસનું ‘સત્ય બહાર આવ્યું હતું.’

બીબીસી ગુજરાતી

જયંતી ભાનુશાળી હત્યા કેસ

જાન્યુઆરી 2019માં ગુજરાતમાં ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેને ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.

ભાનુશાળી 'સયાજીનગરી' ટ્રેનમાં ભૂજથી અમદાવાદ જઈ રહ્યા હતા, એ સમયે આ ઘટના ઘટી હતી.

માળીયા પાસે બે અજાણ્યા શખ્સોએ ટ્રેનમાં ભાનુશાળી પર ગોળીબાર કર્યો હતો, જેમાં ભાનુશાળીનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું.

તત્કાલીન ડાયરેક્ટર જનરલ પોલીસ - ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (ક્રાઇમ) અને રેલવે આશિષ ભાટિયાના કહેવા પ્રમાણે, આઠ સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું.

આ તપાસમાં રેલવે પોલીસ, ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડ, તથા ક્રાઇમ બ્રાન્ચ મળીને તપાસ કરી હતી.

ભાનુશાળી વર્ષ 2007થી 2012 સુધી કચ્છની અબડાસા બેઠક પરથી ધારાસભ્ય રહ્યા હતા.

આ હત્યાના આરોપમાં સીઆઇડી ક્રાઇમે નવેમ્બર 2019માં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી મનીષા ગોસ્વામી અને સુરજિત ભાઉ ઉર્ફે પરદેશીની ધરપકડ કરી હતી.

રેડ લાઇન
રેડ લાઇન