અફઘાનિસ્તાન વર્લ્ડકપમાં પૂર્વ ચૅમ્પિયન બનેલી ત્રણ ટીમોને હરાવીને કેવી રીતે આગળ નીકળી ગયું?

ઇમેજ સ્રોત, Getty Images
વન-ડે વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને સતત બીજી અને કુલ ત્રીજી જીત મેળવીને ઇતિહાસ રચ્યો છે.
30મી ઑક્ટોબરે પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાયેલી મૅચમાં અફઘાનિસ્તાને શ્રીલંકા સામે સાત વિકેટે જીત મેળવી છે.
શ્રીલંકા દ્વારા આપવામાં આવેલા 242 રનના ટાર્ગેટને અફઘાનિસ્તાને માત્ર 45.2 ઑવરમાં જ હાંસલ કરી લીધો.
અફઘાનિસ્તાન હવે 6 પૉઇન્ટ સાથે પૉઇન્ટ ટેબલમાં પાંચમા ક્રમે પહોંચી ગયું છે. પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ઇંગ્લૅન્ડ જેવી ટીમોથી તે આગળ છે. હજુ પણ અફઘાનિસ્તાન સેમિફાઇનલની રેસમાં છે.
આ પહેલાં અફઘાનિસ્તાન 2015 અને 2019 વર્લ્ડ કપમાં માત્ર એક જ મૅચ જીતી શક્યું હતું.
પરંતુ આ વર્ષે તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે અને ત્રણ ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયનને હરાવ્યા છે.
અફઘાનિસ્તાને ચેન્નઈમાં પ્રથમ વખત ગત વર્લ્ડકપના ચૅમ્પિયન ઇંગ્લૅન્ડને 69 રનથી હરાવ્યું હતું. ત્યારબાદ ચેન્નઈમાં જ પાકિસ્તાનને આઠ વિકેટે હરાવ્યું હતું.
આ પછી તેની સામે શ્રીલંકા પણ હારી ગયું. આ વર્ષના વર્લ્ડકપમાં શ્રીલંકાની આ ચોથી હાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બૅટ્સમૅનોનું ટીમવર્ક એ અફઘાનિસ્તાનની જીતનું મુખ્ય કારણ મનાય છે.
ટીમવર્કની જીત

ઇમેજ સ્રોત, Getty Images
અફઘાનિસ્તાનના ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝ પહેલી ઑવરમાં જ આઉટ થઈ ગયા હતા. પરંતુ તેમના બાકીના બૅટ્સમૅનો દબાણમાં આવ્યા વિના શાંતિથી રમ્યા.
ઇબ્રાહિમ ઝાદરાને 39 રન બનાવ્યા હતા. રહમત શાહે સતત બીજી મૅચમાં અડધી સદી ફટકારી હતી અને 62 રન બનાવ્યા હતા.
રહમતના આઉટ થયા બાદ હશમતુલ્લાહ શાહિદીએ બૅટિંગ સંભાળી હતી. તેમણે અઝમત ઉમરઝાઈ સાથે ચોથી વિકેટ માટે અણનમ 111 રનની ભાગીદારી કરી હતી.
હશમતુલ્લાહે અણનમ 58 રન અને ઉમરઝાઈએ અણનમ 73 રન બનાવી અફઘાનિસ્તાનનો વિજય સુનિશ્ચિત કર્યો હતો.
એ પહેલાં અફઘાન બૉલરોએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ફઝલહક ફારુકીને પ્લૅયર ઑફ ધ મૅચનો ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ફારૂકીએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. મુજીબ-ઉર-રહેમાને બે જ્યારે રાશિદ ખાન અને અઝમત ઉમરઝાઈએ એક-એક વિકેટ લીધી હતી.
અફઘાનિસ્તાન સામે શ્રીલંકાના ટૉપ ઑર્ડરનો એક પણ બૅટ્સમૅન અડધી સદી સુધી પણ પહોંચી શક્યો ન હતો.
રાશિદ ખાનની વન-ડેમાં 100મી મૅચ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનો મુખ્ય ચહેરો મનાતા રાશિદ ખાનની આ 100મી વન-ડે મૅચ હતી.
રાશિદ 100 વન-ડે રમનાર ચોથા અફઘાન ખેલાડી છે.
રાશિદ વર્તમાનમાં અફઘાન ટીમના સૌથી મોટા સ્ટાર છે. તેમણે વિશ્વભરની ક્રિકેટ લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને તેઓ આ વર્ષના વર્લ્ડકપમાં મેદાન પર તેની ટીમને ઉત્સાહિત કરતા પણ જોવા મળે છે.
રાશિદ ખાને પણ પુણેમાં શ્રીલંકા સામે વિકેટ લઈને પોતાની ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
અફઘાનિસ્તાને હવે વર્લ્ડકપની બાકીની મૅચોમાં નેધરલૅન્ડ, ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાનો સામનો કરવાનો છે.
શ્રીલંકા સામેની મૅચ 2 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ પછી તેમને બાંગ્લાદેશ અને ન્યૂઝીલૅન્ડના પડકારનો સામનો કરવો પડશે.
સેમિફાઇનલમાં પ્રવેશવા માટે આકરો મુકાબલો થશે તેવા સંકેતો છે.












