મણિપુર હિંસાના ત્રણ મહિના : લોકો જ્યાં ઘરે ગ્રેનેડ અને હથિયારો રાખે છે, કેવી રીતે સળગી રહ્યું છે મણિપુર?

ઇમેજ સ્રોત, Manish Jain/EPA-EFE/REX/SHUTTERSTOCK
- લેેખક, દિવ્યા આર્ય
- પદ, બીબીસી સંવાદદાતા, ઇમ્ફાલથી આવીને
રાજધાની ઇમ્ફાલમાં ઍરપૉર્ટથી બહાર પગ મૂકતાં જ સ્વચ્છ આકાશ દેખાય છે, હવામાં તાજગી અનુભવાય છે.
લગભગ ત્રણ મહિના પહેલાં કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે શરૂ થયેલ રમખાણો પછી રહી-રહીને થઈ રહેલી હિંસાનો ડર અને મનમાં ચાલી રહેલા વિચારોથી એકદમ વિપરીત ઇમ્ફાલમાં અજબ સન્નાટો દેખાય છે.
પરંતુ જો તમને હકીકતની ખબર ન હોય તો તમે આ સન્નાટાને શાંતિ સમજવાની ભૂલ કરી શકો છો.
મણિપુરમાં મૉબાઇલ ઇન્ટરનેટ બંધ છે. કોઇ ન્યૂઝ ઍલર્ટ આવતા નથી કે જે સૂચવે છે કે ક્યારે કયા સમુદાયે કોઈનું ઘર બાળી દીધું, પોલીસની ગાડી પર હુમલો કર્યો કે પછી ક્યાં કર્ફ્યુ લગાડવામાં આવ્યો છે.
ફોનની બેટરી આખો દિવસ ચાલે છે પરંતુ તેની સ્ક્રીન મોટાભાગનો સમય બ્લૅન્ક રહે છે કારણ કે અહીં ઇન્ટરનેટ બંધ છે.
ઇમ્ફાલના રસ્તાઓ પર ચાલી રહેલાં વાહનો, પેટ્રોલિંગ કરી રહેલી એકલ-દોકલ ગાડીઓ અહીંની પરિસ્થિતિ સામાન્ય હોવાનો ભ્રમ પેદા કરે છે.
અમે એક મોટી ઇમારતની સામેથી પસાર થઇએ છીએ. એ ઇમારતમાં ચેસબોર્ડની જેમ ચોરસ ખાંચાઓ બનાવેલા છે જે સંપૂર્ણ રીતે બળીને કાળા થઈ ગયા છે.
આ એક મૉલ હતો અને એ ચોરસ ખાંચાઓ દુકાનો અને શો-રૂમ હતાં. આવી જ હાલત સ્કૂલની ઇમારતોની પણ થઈ છે. આ નિશાનીઓ મે મહિનામાં ભડકેલી હિંસાની છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘણી જગ્યાએ બોર્ડ લાગેલાં દેખાય છે જેના પર ‘રાહતશિબિર’ લખેલું છે. એમાંની કોઈ સરકારી છે તો કોઈ રાજકીય પક્ષોએ બનાવેલી છે તો કોઇ અન્ય સમુદાયો કે સંગઠનોએ બનાવેલાં છે. મોટાભાગના રાહત કૅમ્પ શાળાઓની ઇમારતોમાં બનાવેલા છે.
સ્કૂલો બંધ છે, ઇન્ટરનેટ પણ બંધ છે એટલે બાળકો માટે ઑનલાઇન ક્લાસનો વિકલ્પ પણ નથી. ત્રણ અઠવાડિયા પહેલાં સરકારે પહેલા ધોરણથી આઠમા ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવાનો આદેશ આપ્યો છે.
ખીણમાં રહેનારા મૈતેઈ લોકો અને હિંસા પછી સંપૂર્ણ રીતે પહાડો પર ચાલ્યા ગયેલા કુકી સમુદાયો વચ્ચે વિભાજન વધી ગયું છે. ખીણ અને પહાડ વચ્ચેની આ ખાઈ જ મણિપુરની જમીની હકીકત છે.

મણિપુરમાં જ ખેંચાઈ ગઈ છે એક સરહદ

ઇમેજ સ્રોત, Getty Images
જાતીય હિંસા પહેલાં ઇમ્ફાલ ખીણ મૈતેઈ બહુમતીવાળો વિસ્તાર હતો.
રાજધાનીમાં મોટાભાગની સ્કૂલ- કૉલેજો- યુનિવર્સિટી, સરકારી નોકરીઓ અને રોજગારીનાં સાધનો હોવાને કારણે અહીં કુકી સમુદાયના લોકો પણ રહેવા લાગ્યા હતા.
હિંસા પછી તેઓ બધા પણ ખીણ છોડીને પહાડો પર ચાલ્યા ગયા હતા. પહાડી વિસ્તારોના કેટલાંક ગામડાંઓમાં રહેવાવાળા મૈતેઈ પણ અહીંથી ભાગીને ઇમ્ફાલની રાહત શિબિરોમાં રહેવા જતા રહ્યા છે.
મણિપુરની મધ્યમાં જ આવેલી આ ઇમ્ફાલ ખીણની ચારેબાજુ એક સરહદ ખેંચાઈ ગઈ છે. મૈતેઈ પહાડો પર નથી જઈ શકતા અને કુકી લોકો ખીણના વિસ્તારોમાં નથી જઈ શકતા.

મણિપુરમાં મુસલમાન હોવું સુરક્ષિત છે

ઇમેજ સ્રોત, Getty Images
મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચેની આ ખાઈને એ જ લોકો પાર કરી શકે છે જે બંનેમાંથી કોઈ પણ સમુદાયના મિત્ર કે દુશ્મન ન હોય.
હિંદુ બહુમતી મૈતેઈ અને ખ્રિસ્તી બહુમતી કુકી વિસ્તારો વચ્ચે આવતા-જતા લોકો મુસલમાન ડ્રાઇવરોની મદદ લે છે, મણિપુરમાં મુસલમાન હોવું એ સુરક્ષિત છે.
મુખ્યમંત્રી બીરેનસિંહ હજી સુધી કુકી વિસ્તારોમાં લોકોને મળ્યા નથી. એવું મનાય છે કે તેઓ પોતે મૈતેઈ સમુદાયમાંથી આવે છે એટલે તેઓ આ વિસ્તારના લોકોને મળવા જતા નથી.
રાજ્યપાલ અનુસુઇયા ઉઇકે મણિપુરનાં નથી. તેઓ મૈતેઈ અને કુકી બંને વિસ્તારોમાં રાહતશિબિરોનો પ્રવાસ કરી ચૂક્યાં છે. તેમની ગાડીઓના કાફલાના ડ્રાઇવર પણ ખીણ અને પહાડી વિસ્તારોની સરહદ પર બદલાય છે.

સરકાર છે પણ અને નથી પણ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચેની આ સરહદ કોઈ ખેંચાયેલી નાની રેખા નથી પરંતુ અનેક કિમી લાંબો વિસ્તાર છે. મૈતેઇ વિસ્તારોમાંથી નીકળીને કુકી વિસ્તારોમાં દાખલ થતાં સમયે વચ્ચે ઘણી ચેક-પૉસ્ટ આવે છે.
પહેલા ચૅક-પૉઇન્ટ પર મૈતેઈ સમુદાયના લોકો અને છેલ્લા ચૅક-પૉઇન્ટ પર કુકી સમુદાયના લોકો છે. વચ્ચે સેના અને પોલીસનાં ચૅક-પૉઇન્ટ છે.
બન્ને સમુદાયના લોકોએ ક્યાંક અનાજની બોરીઓથી, ક્યાંક કાંટાળા તારથ વડે તો ક્યાંક મોટી-મોટી પાઇપો વડે રસ્તા રોકેલા છે. ચૅક-પૉઇન્ટ પર રહેલા લોકો પાસે હથિયારો પણ છે.
અહીં બધી ગાડીની તપાસમાં જોવામાં આવે છે કે કારમાં કોઈ હથિયાર છે કે નહીં. ગાડી ચલાવનાર લોકોનું ઓળખપત્ર માગવામાં આવે છે અને તેમનાં જાતિ-ધર્મની માહિતી લેવામાં આવે છે. તેનાથી નક્કી કરવામાં આવે છે કે તેને સરહદ પાર કરવા દેવી કે નહીં.
સમુદાયોએ ઊભા કરેલા આ ચૅક-પૉઇન્ટ એક અજબ પ્રકારનો અનુભવ છે. આ ચૅક-પૉઇન્ટ એ વાતના સૂચક છે કે સરકાર હોવા છતાં પણ અહીં સરકાર નથી.
હથિયારો શહેરમાં રહેતા લોકો પાસે પણ છે અને ગામડાઓમાં રહેતા લોકો પાસે પણ. આ હથિયારો સસ્તામાં મળે છે અને લોકો પોતાની સુરક્ષા માટે ઘરો અને ઑફિસોમાં રાખે છે.
રાજધાની ઇમ્ફાલમાં એક વ્યક્તિએ અમને ખૂબ જ આસાનીથી તેના ટેબલ નીચેથી ગ્રૅનેડ કાઢીને બતાવ્યો.
તેમણે કહ્યું કે આ આત્મ-રક્ષા માટે અમે રાખ્યો છે. નજીકમાં જ નાની-નાની છોકરીઓ રમકડાંની બંદૂકોથી રમી રહી હતી.

હિંસાનો ડર

સૌથી વધુ તણાવની પરિસ્થિતિ સરહદો પર જ છે. ઇમ્ફાલ ખીણની ચારેબાજુ પહાડોમાંથી નીકળતા રસ્તાઓની બંને બાજુ માત્ર રાખ થઈ ગયેલા ઘર અને તૂટેલી-ફૂટેલી ગાડીઓ જ દેખાય છે.
આ ગામડાઓમાંથી લોકો પલાયન કરી ચૂક્યા છે. બચેલી પરંતુ નુકસાની થઈ હોય તેવી ઇમારતોમાં અત્યારે સેનાના જવાનો રહે છે.
દરરોજ સાંજે બંને સમુદાયો વચ્ચે ગોળીબાર થવાની ઘટનાઓ સામે આવે છે.
ક્યારેક લોકો મૃત્યુ પામે છે તો ક્યારેક દુકાનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવે છે. શાકભાજી, ફળો, દવાઓ અને અન્ય જરૂરી સામાનની આવન-જાવન પણ બહુ ખરાબ રીતે પ્રભાવિત થયાં છે.
આ હિંસાના ડરની વચ્ચે મણિપુર સરકારે સરકારી ઑફિસો અને આઠમા ધોરણ સુધી શાળાઓ ખોલવાનો આદેશ આપ્યો હતો.
થોડી-ઘણી શાળાઓ ખૂલી છે પરંતુ બહુ ઓછા લોકો શાળાએ પોતાનાં બાળકોને મોકલે છે.
પહાડી વિસ્તારોમાં શાળાઓ બિલકુલ ખોલવામાં નથી આવી. ત્યાં રાહતશિબિરોમાં સ્વયંસેવકો થોડું-ઘણું ભણાવે છે પરંતુ જ્યારે ઘરનું ઠેકાણું જ ન હોય ત્યારે ભણવામાં ધ્યાન આપવું મુશ્કેલ બને છે.
મોટાભાગની સરકારી ઑફિસો પણ ખીણવિસ્તારમાં આવેલી છે.
‘કામ નહીં, તો પગાર નહીં’ ના સરકારી આદેશ પછી મૈતેઈ સમુદાયના લોકોએ ફરીથી કામ શરૂ કર્યું છે પરંતુ કુકી સમુદાયના લોકોનું કહેવું છે કે તેમના માટે ત્યાં જવું શક્ય નથી.
દરેક વાત અંતે એ વાત પર આવીને અટકી જાય છે કે સાથે જોડાયોલ જીવન, રોજગાર, વેપાર બધું કેવી રીતે શક્ય બને કે જ્યારે વિભાજનની રેખા આટલી ઊંડી થઈ જાય.
સૂરજ ઢળતાં જ બધું વેરાન થઈ જાચ છે. સાંજ પછી હજુ પણ સમગ્ર મણિપુરમાં કર્ફ્યુ લાગુ છે.
અંધારું અહીં માત્ર દિવસે જ નથી. નારાજગી અને નફરતના અવાજો હજુ પણ બુલંદ છે અને શાંતિની વાત કરનારા લોકોમાં એવો ડર છે કે ક્યાંક એમના સમુદાયના લોકો જ એમનાથી નારાજ ન થઈ જાય.
મોબાઇલમાં ઇન્ટરનેટ ન હોવા છતાં બે મહિલાઓની નગ્ન પરેડનો વાયરલ વીડિયો દરેક ફોનમાં પહોંચી ચૂક્યો છે.
તે ક્યાંક મળી જતાં વાઇ-ફાઇ અને ઇન્ટરનેટ વિના વીડિઓઝ ટ્રાન્સફર કરતી ઍપ્લિકેશનો દ્વારા એ ફેલાઇ રહ્યો છે.
તેની સાથે જ ગુસ્સો, ઉદાસી અને અન્યાયની ભાવના ફેલાઈ રહી છે. અને તે મણિપુરમાં જ ખેંચાયેલી સરહદને અવરોધ વિના પાર કરી રહી છે.














