નેપાળના રસ્તા પર ઠેર ઠેર સેના, પ્રદર્શનકારીઓને હથિયારો પરત કરવા અપીલ, અત્યાર સુધીમાં શું-શું થયું?

નેપાળમાં સરકાર વિરોધી હિંસક પ્રદર્શનના એક દિવસ બાદ બુધવારે સવારે સેનાના જવાનો કાઠમંડુ અને અન્ય શહેરોમાં તહેનાત થયા છે.

નેપાળી સેનાએ વિરોધપ્રદર્શનની આડસમાં કોઈ પણ હિંસાને રોકવા માટે બુધવારે સવારથી સાંજના પાંચ કલાક સુધી દેશવ્યાપી પ્રોહિબિટેડ ઑર્ડર આપ્યો છે. આ પછી આગલા દિવસે સવારે એટલે કે ગુરુવારે સવારે છ વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ થશે.

આ પ્રદર્શનને કારણે કે.પી. શર્મા ઓલીએ વડા પ્રધાનપદેથી રાજીનામુ આપવું પડ્યું હતું.

નેપાળી સેનાએ મંગળવારે રાત્રે 10 કલાકે રાષ્ટ્રવ્યાપી સુરક્ષા અભિયાનોની કમાન સંભાળી હતી.

કેપી ઓલીના પદ છોડ્યા બાદ કેટલીક કલાકો બાદ અશાંતિને નિયંત્રિત કરવા માટે કાઠમંડુ, લલિતપુર અને ભક્તપુર શહેરો સહિત નેપાળનાં ઘણાં ક્ષેત્રોમાં પ્રતિબંધ લગાવી દીધો છે.

પરિસ્થિતિનો લાભ લઈને સામાન્ય નાગરિક અને જાહેર સંપતિને કેટલાંક જૂથ ગંભીર નુકસાન પહોંચાડતાં હોવા અંગે સેનાએ ચિંતા વ્યક્ત કરી હતી.

નેપાળમાં વિરોધપ્રદર્શન બાદ મંગળવારે બપોરે બંધ કરાયેલું ત્રિભુવન આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ ફરી એક ખૂલી ગયું છે.

ઍરપૉર્ટના પ્રવક્તા રિંજી શેરપાએ આ માહિતી બીબીસી નેપાળી સેવાને આપી છે.

નેપાળમાં અત્યાર સુધીમાં શું શું થયું?

નેપાળમાં યુવાનોએ કરેલા ભારે વિરોધપ્રદર્શન પછી વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ તેમના પદેથી રાજીનામું આપી દીધું છે.

બીબીસી નેપાળી સેવા અનુસાર, તેમના સચિવાલયે ઓલી દ્વારા રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલા રાજીનામાને સાર્વજનિક કરી દીધું છે.

વડા પ્રધાન તરીકે ઓલીનો આ ચોથો કાર્યકાળ હતો. તેમને ગત વર્ષે જ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

'જેન ઝી' એ કરેલા વિરોધપ્રદર્શન દરમિયાન વધુ માત્રામાં થયેલા બળપ્રયોગને કારણે એક જ દિવસમાં મોટી સંખ્યામાં લોકોનાં મોત પછી વડા પ્રધાન પર રાજીનામું આપવાનું દબાણ વધી ગયું હતું.

આ પહેલાં સત્તારૂઢ ગઠબંધનના પક્ષો નેપાળી કૉંગ્રેસ અને નેપાળી સમાજ પાર્ટી (જેએસપી)ના અનેક મંત્રીઓએ સરકારમાંથી રાજીનામું આપી દીધું હતુ.

નેપાળનાં કેટલાંક અખબારોએ પણ આજે વિશેષ તંત્રીલેખ છાપીને સરકારનું નેતૃત્વ કરી રહેલા ઓલી પાસેથી રાજીનામાની માગ કરી હતી.

અધિકારીઓનું કહેવું છે કે સ્વયંભૂ યુવા આંદોલનમાં બળપ્રયોગના વ્યાપક ઉપયોગને કારણે અત્યાર સુધીમાં 21 લોકોનાં મોત થયાં છે.

વડા પ્રધાને રાજીનામું આપતી વખતે શું કહ્યું?

વડા પ્રધાને રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલને લખેલા તેમના રાજીનામા પત્રમાં જણાવ્યું હતું કે, "દેશમાં ઊભી થયેલી અસામાન્ય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બંધારણ અનુસાર રાજકીય ઉકેલ શોધવા અને સમસ્યાઓના ઉકેલ માટે વધુ પહેલ કરવા માટે, બંધારણની કલમ 77 (1) (a) અનુસાર, આજથી મેં વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું છે."

પૂર્વ વડા પ્રધાન ડૉ. બાબુરામ ભટ્ટરાયએ વડા પ્રધાનના રાજીનામા બાદ આંદોલન કરી રહેલા 'જેન ઝી' યુવાનોને બંધારણીય માર્ગેથી આગળ વધવા હાકલ કરી છે.

ભટ્ટરાયે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, "વડા પ્રધાનના રાજીનામા પછી, ચાલો આપણે બંધારણના રસ્તે જ આગળ વધવા માટે વિરોધ કરી રહેલા યુવાનોનો સમાવેશ કરીને વચગાળાની સરકાર બનાવવાનો માર્ગ અપનાવીએ.''

''આ યુવાનોએ ઉઠાવેલી માંગણીઓને સંબોધિત કરીએ, વર્તમાન દુ:ખદ ઘટનાઓની તપાસ કરીએ, બંધારણમાં પ્રગતિશીલ સુધારો કરીએ (સીધી ચૂંટાયેલી કારોબારી રાષ્ટ્રપતિ પ્રણાલી સહિત), અને નિષ્પક્ષ ચૂંટણીઓ કરીએ."

નેપાળના સંઘીય સંસદભવન પર હુમલો

ગુસ્સે ભરાયેલા વિરોધપ્રદર્શન કરી રહેલા લોકોએ ફરી એકવાર ન્યૂ બાણેશ્વરમાં આવેલા કેન્દ્રીય સંસદભવન પર હુમલો કર્યો હતો અને આગ લગાવી દીધી હતી.

બીબીસી નેપાળી સેવા અનુસાર, ગઈકાલે પણ વિરોધીઓએ તેમાં તોડફોડ કરી હતી અને આગ લગાવી હતી.

ચીનની મદદથી બનેલ આ ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સ સેન્ટરની બિલ્ડિંગમાં પ્રતિનિધિ ગૃહ અને નૅશનલ ઍસેમ્બલી આવેલા છે.

સોમવારે સંસદભવન સંકુલમાં પોલીસે ગોળીબાર કર્યો હતો જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા.

નેપાળથી બીબીસી સંવાદદાતા પ્રદીપ બસ્યાલે પુષ્ટિ કરી છે કે કાઠમંડુ ઍરપૉર્ટ પણ બંધ છે.

નેપાળના નાગરિક ઉડ્ડયન ઑથોરિટીએ કહ્યું છે કે, "કાઠમંડુ ખીણના વિસ્તારોમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓ અને ત્રિભુવન આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટની આસપાસ તથા રન-વેની આસપાસ દેખાયેલા ધુમાડાને કારણે ઍરપૉર્ટને બંધ કરી દેવામાં આવ્યું છે. જેનાથી વિમાનોની સુરક્ષા ગંભીરપણે પ્રભાવિત થશે."

સ્થાનિક ઉડ્ડયન સેવાઓ પહેલેથી જ સ્થગિત કરી દેવામાં આવી છે.

કેપી શર્મા ઓલીનું ઘર પણ સળગાવી દેવાયું

મંગળવારે 9 સપ્ટેમ્બરે કાઠમંડુમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો, છતાં વિવિધ સ્થળોએ વિરોધપ્રદર્શન અને અથડામણના અહેવાલો મળ્યા હતા.

પ્રદર્શનકર્તાઓના જૂથો દ્વારા વિવિધ નેતાઓ અને મંત્રીઓનાં ઘરોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

બીબીસી નેપાળી સેવા અનુસાર, મંગળવારે બપોર સુધીમાં, વિરોધીઓ સિંહ દરબાર અને સંસદ ભવનના પરિસરમાં ઘૂસી ગયા હોવાના અહેવાલો મળ્યા હતા.

ભક્તપુરના બાલાકોટમાં આવેલા વડા પ્રધાન કેપી શર્મા ઓલીના ઘર પર આગચંપી અને તોડફોડના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા છે. વિવિધ મીડિયા સંગઠનોએ પણ આગચંપીનો વિગતવાર અહેવાલ આપ્યો છે.

આ સાથે, બુધાનિલકાંઠામાં આવેલા નેપાળી કૉંગ્રેસના પ્રમુખ અને ભૂતપૂર્વ વડા પ્રધાન શેર બહાદુર દેઉબાના નિવાસસ્થાને વિરોધીઓએ તોડફોડ કરી હોવાના અહેવાલો પણ મળ્યા છે.

દેઉબાના નજીકના કૉંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ મંત્રી એનપી સઈદે થોડા સમય પહેલાં બીબીસીને જણાવ્યું હતું કે તેમને એ વાતનો ખ્યાલ છે કે દેઉબાના નિવાસસ્થાનમાં તોડફોડ કરવામાં આવી છે અને ત્યાં પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

8મી સપ્ટેમ્બરે પ્રદર્શન વધુ હિંસક બની ગયું હતું

સોશિયલ મીડિયા પર નેપાળ સરકારે મૂકેલા પ્રતિબંધો પછી દેશભરમાં વિરોધપ્રદર્શનો ફાટી નીકળ્યાં હતાં.

મૂળભૂત રીતે આ આંદોલનને 'જેન ઝી' આંદોલન નામ આપવામાં આવ્યું હતું કારણ કે વિરોધ કરનારા મોટા ભાગના લોકો યુવાનો છે.

દરમિયાન ગઈકાલે 8મી સપ્ટેમ્બરે પ્રદર્શન વધુને વધુ હિંસક બની ગયું હતું.

એ પછી સરકારના બે મંત્રીએ રાજીનામાં આપી દીધાં છે અને સરકાર સામે આરોપો લગાવ્યા હતા. રાજધાની કાઠમંડુ અને આસપાસના વિસ્તારોમાં અનિશ્ચિત મુદત માટે કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે.

વિરોધના પગલે સરકારે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ પાછો ખેંચવો પડ્યો છે.

સોશિયલ મીડિયા પર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો હતો?

નેપાળ સરકારે ગયા અઠવાડિયે 26 પ્લૅટફૉર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. આમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઍપ જેવા લોકપ્રિય સોશિયલ મીડિયા અને મૅસેજિંગ પ્લૅટફૉર્મનો સમાવેશ થાય છે.

સરકારનું કહેવું છે કે સોશિયલ મીડિયા કંપનીઓને દેશના કાયદાનું પાલન કરવા, સ્થાનિક ઑફિસો ખોલવા અને ફરિયાદ માટે અધિકારીઓની નિમણૂક કરવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો.

ચીનની સોશિયલ મીડિયા કંપની ટિકટૉકે સમયસર આ શરતોનું પાલન કર્યું, તેથી ટિકટૉક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નહીં.

નેપાળના લોકો મોટી સંખ્યામાં વિદેશમાં રહે છે. મૅસેજિંગ ઍપ્સ અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ બાદ, વિદેશમાં રહેતા નેપાળી નાગરિકોને તેમના પરિવારનો સંપર્ક કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

સોશિયલ મીડિયા વેબસાઇટ્સ પર પ્રતિબંધ બાદ યુવાનોએ વિરોધપ્રદર્શનનું આહ્વાન કર્યું હતું અને પછી આ આંદોલન શરૂ થયું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન