ગુજરાતના પડોશી રાજ્યમાં કફ સિરપથી 11 બાળકોનાં મોત, ભારત સરકારે માર્ગદર્શિકા જારી કરી

ઇમેજ સ્રોત, Getty Images
ગયા મહિને મધ્ય પ્રદેશના છિંદવાડામાં 11 બાળકો અને રાજસ્થાનમાં ત્રણ બાળકોનાં મોત બાદ બંને રાજ્યોની આરોગ્ય વ્યવસ્થા સામે સવાલો થઈ રહ્યા છે.
આ બાળકોના પરિવારજનોનું કહેવું છે કે 'કફ સિરપ' પીધાં પછી બાળકોની તબિયત ઝડપથી બગડવા લાગી અને તેમને બચાવી શકાયા નહીં.
મધ્ય પ્રદેશ ડ્રગ કંટ્રોલ વિભાગે શનિવારે (ચોથી ઑક્ટોબર) સવારે તામિલનાડુમાં ઉત્પાદિત કૉલ્ડરિફ કફ સિરપ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેના પગલે, સરકારી ડૉક્ટર પ્રવીણ સોની, કફ સિરપ ઉત્પાદક શ્રીસન ફાર્માસ્યુટિકલ્સના ડિરેક્ટર અને અન્ય જવાબદાર વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.
પરાસરિયા બ્લૉકના મેડિકલ ઑફિસર ડૉ. અંકિત સહલામની ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઘટના પછી પહેલી ઑક્ટોબરે મધ્ય પ્રદેશ સરકારે તામિલનાડુ સરકારને પત્ર લખીને દવા ઉત્પાદક કંપનીની તપાસ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ, તામિલનાડુ ડ્રગ કંટ્રોલ વિભાગે પુષ્ટિ કરી કે શ્રીસન ફાર્માસ્યુટિકલ્સ કંપની દ્વારા ઉત્પાદિત કૉલ્ડ્રિફ કફ સિરપ 'ભેળસેળયુક્ત' હતું.
આ અંગે મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી ડૉ. મોહન યાદવે ઍક્સ પર માહિતી આપી હતી .
દરમિયાન, રાજસ્થાનમાં પણ ભરતપુર અને ઝુનઝુનુ જિલ્લાનાં બે બાળકોના સરકારી હૉસ્પિટલમાં કફ સિરપ પીવાથી મોત થયાં હોવાનું કહેવાય છે.
શનિવારે (4 ઑક્ટોબર) ચુરુ જિલ્લામાં પણ એક બાળકના મોતની માહિતી સામે આવી હતી. પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે 'કફ સિરપ' પીવાથી આ બાળકોનાં મોત થયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજસ્થાનના આરોગ્ય મંત્રી ગજેન્દ્રસિંહ ખિનવારે જણાવ્યું હતું કે, "અમે દવાઓની તપાસ કરી છે અને જીવલેણ હોઈ શકે એવો કોઈ પદાર્થ મળ્યો નથી. દવાઓને કારણે કોઈ મૃત્યુ થયાં નથી. જોકે, અમે આ બાબતની તપાસ માટે એક સમિતિની રચના કરી છે."

ઇમેજ સ્રોત, Anshul Jain
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં કફ સિરપ પીધા પછી 11 બાળકોનાં મોતના મામલે પોલીસે સરકારી ડૉક્ટર પ્રવીણ સોની, કફ સિરપ બનાવતી કંપની શ્રીસન ફાર્માસ્યુટિકલ્સના સંચાલકો અને અન્ય જવાબદાર લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.
આ કાર્યવાહી 5 ઑક્ટોબરના રોજ પરાસિયા બ્લૉકના ચિકિત્સા અધિકારી ડૉ. અંકિત સહલામની ફરિયાદના આધારે કરવામાં આવી.
જિલ્લા પ્રશાસન અનુસાર, મૃત્યુ પામેલાં 11 બાળકોમાંથી 10 બાળકો પરાસિયા બ્લૉકના રહેવાસી હતાં. આ જ બ્લૉકમાં ડૉ. પ્રવીણ સોની સરકારી બાળરોગ નિષ્ણાત તરીકે નિયુક્ત હતા.
બીબીસીને મળેલી એફઆઈઆરની નકલ મુજબ, "ઑગસ્ટ અને સપ્ટેમ્બર 2025 વચ્ચે પાંચ વર્ષથી ઓછી વયનાં ઘણાં બાળકો સામાન્ય ઠંડી, ઉધરસ અને તાવની ફરિયાદ સાથે સીએચસી પરાસિયા લાવવામાં આવ્યાં હતાં. મોટાભાગનાં બાળકોને ડૉ. પ્રવીણ સોની દ્વારા કફ સિરપ સહિત અન્ય દવાઓ આપવામાં આવી હતી. થોડા દિવસો પછી બાળકોમાં પેશાબ બંધ થવો, ચહેરા પર સોજો અને ઊલટી જેવાં લક્ષણો દેખાયાં. તપાસમાં તેમની કિડની નિષ્ફળ થવાની પુષ્ટિ થઈ."
એફઆઈઆરમાં જણાવાયું છે કે ઘણાં બાળકોને નાગપુર રેફર કરવામાં આવ્યાં, જ્યાં સારવાર દરમિયાન 10 બાળકોનાં મોત થયાં.
આ મોત પછી મધ્ય પ્રદેશ સરકારે 1 ઑક્ટોબરે તામિલનાડુ સરકારને પત્ર લખી દવા ઉત્પાદક સામે તપાસ કરવાની માંગ કરી હતી.
પછી તામિલનાડુના ડ્રગ કંટ્રોલ વિભાગે તપાસમાં શ્રીસન ફાર્માસ્યુટિકલ્સ દ્વારા બનાવવામાં આવતી કફ સિરપ "મિલાવટયુક્ત" હોવાનું નિર્ધારિત કર્યું.

ઇમેજ સ્રોત, Anshul Jain
એફઆઈઆરમાં જણાવાયું છે કે "આ કંપનીના કફ સિરપમાં ડાયએથિલિન ગ્લાઇકૉલ મળ્યું, જે તામિલનાડુની શ્રીસન ફાર્માસ્યુટિકલ્સ કંપની બનાવે છે. સિરપમાં ડાયએથિલિન ગ્લાઇકૉલની માત્રા 48.6 ટકા વેઇટ/વૉલ્યુમ મળી."
જેનો અર્થ એ થાય છે કે દરેક 100 મીમી કફ સિરપમાં 48.6 ગ્રામ આ રસાયણ હાજર હતું, જે આરોગ્ય માટે અત્યંત 'જોખમભર્યું' માનવામાં આવે છે.
ભોપાલનાં ડૉ. હર્ષિતા શર્માએ બીબીસીને જણાવ્યું કે "ડાયએથિલિન ગ્લાઇકૉલ અને એથિલિન ગ્લાઇકૉલ સામાન્ય રીતે કૂલન્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે. આ અત્યંત ઝેરી હોય છે અને બાળકો પર તેની ઘાતક અસર થાય છે."
એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે આ દવા બાળકો માટે જોખમભરી હોઈ શકે છે તે જાણતા છતાં તેને બજારમાં લાવવામાં આવી અને નાની ઉંમરનાં બાળકોને આપવામાં આવી.
આ આધારે પોલીસે ડૉ. પ્રવીણ સોની, શ્રીસન ફાર્માસ્યુટિકલ્સના સંચાલકો અને અન્ય જવાબદાર લોકો સામે કેસ નોંધી તપાસ શરૂ કરી છે.
આ મામલા બાદ કેટલાંક રાજ્યોએ આ કફ સિરપ સામે પ્રતિબંધ લાદ્યો છે.
ભારત સરકારની માર્ગદર્શિકામાં શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
બાળકોની સલામતી માટે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે કફ સિરપ અને શરદીની દવાઓના ઉપયોગ અંગે મહત્ત્વપૂર્ણ માર્ગદર્શિકા જારી કરી છે.
તેમાં બાળરોગ નિષ્ણાતો અને આરોગ્ય કર્મચારીઓને બાળકોને આ દવાઓ લખી આપતી વખતે ખાસ કાળજી લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે બે વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને ઉધરસ અને શરદીની કોઈપણ દવા આપવી જોઈએ નહીં. ઉપરાંત, આ દવાઓ સામાન્ય રીતે પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે પણ ભલામણ કરવામાં આવતી નથી. આનું કારણ એ છે કે બાળકો મોટાભાગે તીવ્ર ઉધરસ અને શરદીની બીમારીઓમાં જાતે જ સાજા થઈ જાય છે, અને તેને દવાની જરૂર હોતી નથી.
માર્ગદર્શિકામાં જણાવાયું છે કે તમામ આરોગ્ય કેન્દ્રો અને ક્લિનિકોએ ફક્ત ગૂડ્સ મૅન્યુફૅક્ચરિંગ પ્રૅક્ટિસ (જીએમપી) અનુસાર ઉત્પાદિત અને ઉચ્ચ ઔષધીય ગુણવત્તાવાળા કફ સિરપ ખરીદવા જોઈએ.
તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બધાં જ ક્લિનિક્સ, જિલ્લા આરોગ્ય વિભાગો, દવા વિતરણ કેન્દ્રો, પ્રાથમિક અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો, જિલ્લા હૉસ્પિટલો અને તબીબી શિક્ષણ સંસ્થાઓમાં આ માર્ગદર્શિકા તાત્કાલિક લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
કફ સિરપ વિશે બાળરોગ નિષ્ણાતો શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીએ બાળરોગ નિષ્ણાત ડૉ. અવેશ સૈની સાથે આ અંગે વાત કરી હતી.
કોઈ દવા અસલી છે કે નકલી તે સામાન્ય વ્યક્તિ કેવી રીતે ઓળખી શકે? તેવા સવાલના જવાબમાં ડૉ. સૈનીએ કહ્યું, "સિરપનો ભૌતિક દેખાવ કેવો છે? શું તેનો રંગ વાદળછાયો છે, તેમાં કોઈ કણો દેખાય છે? શું દવામાં તળિયે કંઈ સ્થિર થયું છે? બૅચ નંબર લખાયેલો નથી કે તે ભૂંસી નાખવામાં આવ્યું છે? જો આવા સંકેતો હોય તો તે શંકાસ્પદ છે. આ ઉપરાંત દવા પર ડ્રગ લાઇસન્સ નંબર પણ લખાયેલો હોવો જરૂરી છે. જો તે ન હોય તો આવી દવાઓ ન લેવી જોઈએ."
ડૉ. સૈની આગળ કહે છે કે, "એવું નથી કે બે વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે માર્ગદર્શિકા હમણાં જ બહાર આવી છે. તે પહેલેથી જ છે. બે વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો પર કોઈ અભ્યાસ નથી. તેથી આવી દવાઓ ફક્ત બે વર્ષથી વધુ ઉંમરનાં બાળકોને જ આપવામાં આવે છે."
દવાના ડોઝ અંગે તેઓ કહે છે, "દવાની માત્રા નિશ્ચિત હોય છે, જે ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવે છે. તે વજન પર આધારિત હોય છે. તેથી દવા આપતા પહેલાં બાળકોનું વજન કરવામાં આવે છે."
નકલી સિરપથી થતી અન્ય સમસ્યાઓ અંગે તેઓ કહે છે, "નકલી સિરપ શ્વાસ લેવામાં તકલીફ, પેટમાં દુ:ખાવો પેદા કરી શકે છે. તે કિડનીને અસર કરી શકે છે. બધાં રસાયણો શરીરમાં એકઠાં થાય છે અને પછી મગજને અસર કરે છે. પછી આંચકી આવી શકે, હૃદય ધબકતું બંધ થઈ શકે છે."
છેલ્લા એક દાયકાથી ભોપાલમાં કાર્યરત ડૉ. હર્ષિતા શર્માએ બીબીસીને જણાવ્યું કે, "ડાયઇથિલિન ગ્લાયકૉલ અને ઇથિલિન ગ્લાયકૉલનો ઉપયોગ મૂળ રીતે કફ સિરપમાં શીતક તરીકે થાય છે. તેમનો સ્વાદ મીઠો અને ઠંડક આપતો હોય છે, જે ખાવા યોગ્ય સોર્બિટૉલ જેવો હોય છે."
પરંતુ સોર્બિટૉલ મોંઘુ છે, તેથી ફાર્માસ્યુટિકલ કંપનીઓ સસ્તા વિકલ્પ તરીકે ડાયઇથિલિન ગ્લાયકૉલનો ઉપયોગ કરે છે. આ બંને ઘટકો દેશી દારૂમાં જોવા મળતા મિથાઇલ આલ્કોહૉલની શ્રેણીમાં આવે છે, અને બંને રસાયણો શરીર માટે ખૂબ જ હાનિકારક છે."
ડૉ. હર્ષિત શર્મા આગળ જણાવે છે, "આ રસાયણોમાંથી બનેલી દવાઓ ખાસ કરીને બાળકો માટે 'નેફ્રોટૉક્સિક' હોય છે, એટલે કે તે સીધી જ કિડની પર અસર કરે છે. આ રસાયણો શરીરમાં ઍસિડનું સ્તર વધારે છે, જેને નિયંત્રિત કરવા માટે કિડની જવાબદાર છે. પરંતુ જ્યારે તે જ અંગને અસર થાય છે, ત્યારે ઝેર આખા શરીરમાં ફેલાય છે અને મૃત્યુનું કારણ બને છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












