યુમનામ ખેમચંદ બન્યા મણિપુરના ભાજપ ધારાસભ્ય દળના નેતા - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, @BJP4Manipur
યુમનામ ખેમચંદસિંહને મણિપુરમાં ભાજપના ધારાસભ્ય દળના નેતા ચૂંટી લેવાયા છે.
મણિપુર ભાજપે ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાતા યુમનામ ખેમચંદસિંહ અભિનંદન આપ્યાં છે.
મણિપુર ભાજપે સોશિય મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે મણિપુર પ્રદેશ ભાજપ તરફથી અમે તમને અભિનંદન આપી છીએ. તમારાં અનુભવ, સમર્પણ અને નેતૃત્વ પાર્ટીને વધુ મજબૂત કરશે અને મણિપુરની જનતાની આકાંક્ષાઓની સેવા કરશે.
અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેઓ એનડીએ સંસદીય દળની બેઠકમાં સામેલ થયા છે, જ્યાં ઘણા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ.
'મને કેમ રોકો છો?' રાહુલ ગાંધીએ ફરી સંસદમાં શું સવાલ કર્યો કે હોબાળો થઈ ગયો?

ઇમેજ સ્રોત, SANSAD TV
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે ફરી એક વાર એક મૅગેઝિનમાં પ્રકાશિત થયેલા લેખ વિશે બોલવાનો પ્રયાસ કર્યો.
ગઈ કાલે પણ રાહુલ ગાંધીએ કારવાં મૅગેઝિનમાં પ્રકાશિત થયેલા ભૂતપૂર્વ ભારતીય સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેના અપ્રકાશિત પુસ્તકના અંશો વાંચ્યા હતા, જેનાથી વિવાદ શરૂ થયો હતો.
આજે પણ જ્યારે રાહુલ ગાંધીએ ફરીથી આ વિષય પર બોલવાનો પ્રયાસ કર્યો ત્યારે ભાજપના સાંસદોએ વાંધો ઉઠાવ્યો હતો. હોબાળા વચ્ચે લોકસભા બપોરે ત્રણ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી.
લોકસભા સ્થગિત થતાં પહેલાં રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં કહ્યું, "રાષ્ટ્રપતિના ભાષણમાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત ખૂબ જ મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. પાકિસ્તાનીઓ, ચીનીઓ અને આપણા વચ્ચેના સંબંધોનો પ્રશ્ન. આ લેખમાં એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ મુદ્દો છે, જેને મેં ચકાસ્યો છે. તે વડા પ્રધાનના પ્રતિભાવ વિશે છે. આપણા રાષ્ટ્રપતિનું ભાષણ ભારતે કયા માર્ગે ચાલવું જોઈએ તેના વિશે હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "આજે વૈશ્વિક મંચ પર આંતરરાષ્ટ્રીય બાબતોમાં સૌથી મોટો મુદ્દો ચીન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ છે. આ આપણા રાષ્ટ્રપતિના સંબોધનનો મુખ્ય વિષય હતો. હું ફક્ત એટલું જ પૂછી રહ્યો છું કે ચીન અને ભારત વચ્ચે શું થયું અને આપણા વડા પ્રધાને કેવી પ્રતિક્રિયા આપી? તે વિશે નિવેદન આપવા દો. મને શા માટે રોકો છો?"
અગાઉ, કૉંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોના સભ્યોએ ભારત-અમેરિકા વેપાર કરાર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સરકારને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો અને પછી આજે લોકસભામાં હંગામો થયો હતો. તેના કારણે ગૃહની બેઠક શરૂ થયાની થોડી મિનિટો પછી જ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
સ્પીકરે નિયમોનો હવાલો આપીને તેમને આમ કરતા અટકાવ્યા હતા. ત્યાર બાદ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર દલીલ થઈ.
ભારત સાથેની 'ટ્રેડ ડીલ' અંગે અમેરિકાનાં કૃષિમંત્રીએ શું કહ્યું કે તેની ભારતમાં ચર્ચા થઈ રહી છે

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારત અને અમેરિકા વચ્ચે 'ટ્રેડ ડીલ' અંગે સહમતિ સધાઈ હોવાની ટ્રમ્પની જાહેરાત બાદ અમેરિકાનાં કૃષિમંત્રીએ એક પ્રતિક્રિયા આપી હતી, જેની ભારતમાં ચર્ચા થઈ રહી છે.
અમેરિકાનાં કૃષિ મંત્રી બ્રૂક રોલિંસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર એક પોસ્ટ મૂકીને તેને 'અમેરિકા ફર્સ્ટ'ની વધુ એક જીત ગણાવી હતી.
બ્રૂક રોલિંસે વધુ એક વખત અમેરિકાના ખેડૂતોનાં હિતમાં કામ કરવા બદલ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માન્યો અને લખ્યું, "અમેરિકા-ભારત વચ્ચેની નવી સમજૂતી અમેરિકાનાં કૃષિ ઉત્પાદનોની નિકાસ માટે ભારતમાં વિશાળ બજારની તક વધારશે. આ કિંમતોમાં સુધાર થશે અને ગ્રામીણ અમેરિકામાં રોકડપ્રવાહ વધશે."
તેમણે લખ્યું, "વર્ષ 2024માં ભારતની સાથે અમેરિકાના કૃષિવેપારની ખાધ 1.3 અબજ ડૉલરની હતી. ભારતની વધતી જતી વસ્તી અમેરિકાનાં કૃષિ ઉત્પાદનો માટે એક મોટું બજાર છે અને આજે જે સમજૂતી થઈ છે, તે આ ખાધને ઘટાડવામાં ખાસ્સી મદદ કરશે."
'ધ હિંદુ'નાં પત્રકાર સુહાસિની હૈદરે ઍક્સ ઉપર આ પોસ્ટ શૅર કરતા લખ્યું, "અમેરિકાનાં કૃષિ મંત્રીનું કહેવું છે કે આ નવી ડીલમાં અમેરિકાનાં કૃષિઉત્પાદનોની નિકાસ ઉપર સહમતિ સધાઈ ગઈ છે....હજુ સુધી સરકાર દ્વારા કયા મુદ્દે ભાર સહમત થયું છે, તેના વિશે કોઈ માહિતી આપવામાં નથી આવી."
આવી જ રીતે આર્થિક બાબતોના જાણકાર અને વરિષ્ઠ પત્રકાર અંશુમાન તિવારીએ ઍક્સ ઉપર લખ્યું, "અમેરિકાનાં કૃષિ મંત્રી રોલિંસનો દાવો છે કે નવા અમેરિકા-ભારત કૃષિ કરારથી ભારતનું બજાર અમેરિકાનાં કૃષિઉત્પાદનો માટે ખુલ્લી ગયું છે અને તેનાથી 1.3 અબજ ડૉલરની (કૃષિ) ખાધ ઘટશે."
"પરંતુ સવાલ એ છે કે ખરેખર ભારતે પોતાની સંવેદનશીલ એમએસપી (મિનિમમ સપૉર્ટ પ્રાઇસ, ટેકાના ભાવો) વ્યવસ્થાની કિલેબંધી ખોલી દીધી છે. આના વિશે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ."
અંશુમાન તિવારીના કહેવા પ્રમાણે, "સૌથી વધુ વિવાદાસ્પદ માંગણીઓમાં કૃષિક્ષેત્ર પણ સામેલ હતું. એવામાં સવાલ એ ઊભો થાય છે કે શું ખરેખર કોઈ ગુપ્ત ડીલ થઈ છે કે પછી ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલો દાવો છે."
ટ્રમ્પની ઘમકી, 'ઈરાન સાથેની વાતચીતમાં કોઈ પરિણામ ન નીકળ્યું તો ઘણું ખરાબ થઈ શકે છે'

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમનાં તાજેતરના નિવેદનમાં કહ્યું હતું કે 'મારી સરકારના પ્રતિનિધિ ઈરાનની સરકાર સાથે વાટાઘાટો કરી રહ્યા છે અને તેમને આશા છે કે આ ચર્ચાનું પરિણામ નીકળશે.'
ટ્રમ્પે કહ્યું, "હાલમાં અમે ઈરાન સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ અને મને આશા છે કે તેનું સારું પરિણામ નીકળશે, કારણ કે એવું ન થયું કંઇક ખરાબ થઈ શકે છે."
છેલ્લા કેટલાક દિવસથી એવી ચર્ચા ચાલી રહી છે કે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી તથા ટ્રમ્પના વિશેષ પ્રતિનિધિ સ્ટિવ વિટકૉફની વચ્ચે આગામી દિવસોમાં સીધી મુલાકાત થઈ શકે છે. આ વાટાઘાટો સંભવતઃ તુર્કીનાં ઇસ્તાંબુલ ખાતે થશે. આ બધી અટકળોની વચ્ચે ટ્રમ્પનું નિવેદન મહત્ત્વપૂર્ણ બની રહે છે.
ન્યૂઝ એજન્સી રૉયટર્સના અહેવાલ મુજબ, સ્ટિવ વિટકઑફ હાલ ઇઝરાયલમાં છે, જ્યાં તેમણે દેશના વડા પ્રધાન બિન્યામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કરી હતી.
આ બેઠક અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો સંદર્ભે કરવામાં આવી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
ભારત-અમેરિકા 'ટ્રેડ ડીલ' પર કૉંગ્રેસે પૂછ્યા આ સવાલ

ઇમેજ સ્રોત, ANI
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત અને અમેરિકા વચ્ચેની 'ટ્રેડ ડીલ પર સહમતિ'ની જાહેરાતને લઈને વિપક્ષી કૉંગ્રેસ પાર્ટીએ સરકારને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે.
કૉંગ્રેસ પાર્ટીએ પોતાના ઍક્સ હૅન્ડલ પર એક પોસ્ટમાં લખ્યું છે, "સીઝફાયર જેવી રીતે ટ્રેડ ડીલની જાહેરાત પણ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી. એવું કહેવામાં આવ્યું કે 'મોદીની વિનંતી' પર ટ્રેડ ડીલ કરવામાં આવી રહી છે."
આ પછી પાર્ટીએ નીચેના પ્રશ્નો પૂછ્યા છે—
ટ્રમ્પનું કહેવું છે કે ભારત અમેરિકા પરના ટેરિફ અને નોન-ટેરિફ બૅરિયર 0% સુધી ઘટાડશે. એટલે કે તમે અમેરિકા માટે આખું બજાર ખોલી દીધું. આથી ભારતીય ઉદ્યોગને ભારે નુકસાન થશે. અહીંના વેપારીઓ, અહીંના ખેડૂતો—તમે સૌનો સાથ છોડી દીધો છે.
કૃષિ ક્ષેત્રને અમેરિકા માટે ખોલવાની વાત છે. આખરે કયો સોદો થયો છે? શું અમારા ખેડૂતોનાં હિતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે તેમનો સાથ પણ છોડી દેવામાં આવ્યો છે? અમારા ખેડૂતોની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવશે?
આ પણ કહેવામાં આવ્યું છે કે મોદી રશિયા પાસેથી તેલ નહીં ખરીદે અને અમેરિકા તથા વેનેઝુએલા પાસેથી તેલ ખરીદશે. શું ટ્રેડ ડીલમાં મોદી સરકાર રશિયાનો સાથ છોડવા માટે રાજી થઈ ગઈ છે?
આ ઉપરાંત અમેરિકા પાસેથી વધુ સામાન ખરીદવાની પણ વાત કરવામાં આવી છે. જો એવું છે, તો 'મેક ઇન ઇન્ડિયા'નું શું થયું?
ટ્રેડ ડીલમાં કયા મુદ્દાઓ પર વાત થઈ, શું નક્કી થયું—આ બાબતો જાણવાનો દેશને અધિકાર છે.
કૉંગ્રેસે માંગ કરી છે કે સરકાર આ બાબતે તમામ માહિતી દેશ અને સંસદ સાથે શૅર કરે.
'અમેરિકા-ભારત ટ્રેડ-ડીલ' : શૅરબજારમાં ભારે ઉછાળો

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર સહમતિની ઘોષણા બાદ આજે સવારે ભારતીય શૅરબજારોમાં મોટો ઉછાળો જોવા મળ્યો.
મંગળવારે શૅરબજાર ખુલ્યું ત્યારે એક સમયે પ્રી ટ્રેડિંગ સમયમાં સેન્સેક્સમાં 3,600 અંકોનો વધારો જોવા મળ્યો હતો. આ ઉછાળા સાથે તે 85 હજારની નજીક પહોંચી ગયો હતો.
જોકે, ત્યાર પછી તેમાં ઘટાડો નોંધાયો. છતાં તે લગભગ 2 હજાર અંકોના વધારા સાથે ઉપર જોવા મળતો હતો.
સવારે દસ વાગ્યાની આસપાસ સેન્સેક્સમાં 2.6 ટકા વૃદ્ધિ જોવા મળી અને નિફ્ટી પણ 665 અંકોના વધારા સાથે 25,735ની આસપાસ જોવા મળ્યો.
મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ટ્રેડ ડીલ પર સહમતિની જાણકારી આપતાં કહ્યું હતું કે ભારતીય સામાન પર અમેરિકાનો ટેરિફ ઘટીને 18 ટકા કરી દેવામાં આવ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'ઍપ્સ્ટીને મારી સામે ષડયંત્ર રચ્યું'

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના સિરિયલ રૅપીસ્ટ, બાળકોના જાતીય શોષણના દોષિત તથા માનવતસ્કર જેફ્રી ઍપ્સ્ટીન સાથેના 'સંબંધો' અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપી છે.
અમેરિકન રાષ્ટ્રપતિએ મંગળવારે વ્હાઇટ હાઉસની ઓવલ ઑફિસમાં પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે જેફ્રી ઍપ્સ્ટીન સાથે તેમને 'કોઈ લેવાદેવા નથી'.
તેમણે દાવો કર્યો કે ન્યાય વિભાગ દ્વારા તાજેતરમાં જારી કરાયેલી ફાઇલોમાં એક ષડયંત્ર સામે આવ્યું છે, જેનો હેતુ તેમને "રાજકીય રીતે નુકસાન પહોંચાડવાનો અને ચૂંટણી હરાવવાનો" હતો.
ગ્રેમી ઍવૉર્ડ્સના પ્રસારણ અને તેના હોસ્ટ ટ્રેવર નોઆનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પે કહ્યું, "તેમણે કહ્યું કે મેં જેફ્રી ઍપ્સ્ટીનના ટાપુ પર સમય વિતાવ્યો. મેં એવું નથી કર્યું. મારો જેફ્રી ઍપ્સ્ટીન સાથે કોઈ સંબંધ નથી."
ટ્રમ્પે આગળ દાવો કર્યો કે ઍપ્સ્ટીન અને લેખક માઇકલ વૉલ્ફે "ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી હરાવવાનું ષડયંત્ર રચ્યું હતું… તેથી અહીંથી સ્પષ્ટ થાય છે કે મારો આ વ્યક્તિ સાથે કોઈ સંબંધ નહોતો."
ટ્રમ્પે ડેમૉક્રેટ્સ પર ઍપ્સ્ટીન મુદ્દે ફરીથી વાત ઉઠાવવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે આ હવે "તેમના પર જ ઉલ્ટું પડી રહ્યું છે, કારણ કે ફાઇલોમાં અન્ય પ્રભાવશાળી નામો સામે આવી રહ્યાં છે."
તેમણે કહ્યું, "ડેમૉક્રેટ્સ આ મુદ્દાને આગળ ધપાવી રહ્યા છે, પરંતુ સમસ્યા એ છે કે તેમાં સામે આવી રહ્યું છે કે ડેમૉક્રેટ્સ જ ઍપ્સ્ટીન સાથે હતા અને તેની સાથેના ષડયંત્રમાં સામેલ હતા."
આ પહેલા ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું, "હું જેફ્રી ઍપ્સ્ટીનનો નજીકનો નહોતો, પરંતુ ન્યાય વિભાગ દ્વારા હમણાં જ જાહેર કરાયેલી માહિતી મુજબ, ઍપ્સ્ટીન અને માઇકલ વૉલ્ફ નામનો એક અયોગ્ય લેખક મારી વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યો હતો, જેથી મને નુકસાન પહોંચાડી શકાય."
તેમણે આ પણ કહ્યું કે તેઓ "ક્યારેય પણ ઍપ્સ્ટીનના આઇલૅન્ડ પર ગયા નથી."
હાલમાં અમેરિકન જસ્ટિસ ડિપાર્ટમેન્ટે 30 લાખથી વધુ દસ્તાવેજો જાહેર કર્યા છે, જેમાં ઍપ્સ્ટીનના સામાજિક અને વ્યાવસાયિક સંપર્કોની વિગતો આપવામાં આવી છે. તેમાં રાજકારણ, નાણાં અને ઉદ્યોગ સાથે જોડાયેલાં અનેક દિગ્ગજોનાં નામો સામે આવ્યાં છે.
ભારત અમેરિકા 'ટ્રેડ ડીલ' : શશિ થરૂરે 'રશિયન ઑઇલ' વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપરના ટેરિફને ઘટાડીને 18 ટકા કરવાની જાહેરાત કરી છે, આ સાથે જ તેમણે 'ભારતે રશિયન ક્રૂડ ઑઇલની ખરીદી નહીં કરવા માટે ભારતે સહમતિ આપી છે.' એવી વાત પણ કહી છે.
ત્યારે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે વૈશ્વિકસ્તરે તથા ઘરઆંગણે પણ પેટ્રોલિયમ પેદેશોના ભાવોમાં ઉછાળો આવી શકે છે.
જોકે, દેશના પૂર્વ રાજ્યકક્ષાના વિદેશ મંત્રી તથા કૉંગ્રેસના સંસદસભ્ય શશિ થરૂરનું કહેવું છે કે વેનેઝુએલાનું ઑઇલ બજારમાં આવશે એટલે દબાણ ઘટશે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "આ સમજૂતી લાંબા સમયથી અટકેલી હતી. પરંતુ ઑઇલની બાબતમાં મને કોઈ આશ્ચર્ય નથી થયું, કારણ કે વેનેઝુએલા, ઈરાન તથા રશિયાનાં ક્રૂડઑઇલ ઉપર પશ્ચિમી દેશોના પ્રતિબંધને કારણે અન્ય દેશો ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં અન્ય સ્રોતો પાસેથી ઑઇલ ખરીદી રહ્યા હતા."
"પહેલાં પશ્ચિમી દેશોની સહમતિથી રશિયન ઑઇલ ખરીદીને ભારત આ મર્યાદિત પૂરવઠાનું દબાણ કંઇક અંશે હળવું કરી શકતું હતું, પરંતુ જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે આના ઉપર કડકાઈ દાખવી અને ભારતની ઉપર 50 ટકા ટેરિફ લાદી દીધો, તો આ વ્યવસ્થા ટકી શકે તેમ ન હતી.....રશિયા પાસેથી ઑઇલની ખરીદીમાં પહેલાંથી ખૂબ જ ઘટાડો થયો છે."
શશિ થરૂરના કહેવા પ્રમાણે રશિયન ઑઇલ ઉપરના કડક પ્રતિબંધોને કારણે વેનેઝુએલાના તેલનો માર્ગ ખોલવો જરૂરી બની ગયો હતો. અને જાન્યુઆરીની શરૂઆતમાં જે કાર્યવાહી થઈ, તેનો હેતુ ત્યાં વધુ સહકારાત્મક વહીવટીતંત્ર આવે, જે આંતરરાષ્ટ્રીય બજારમાં ફરી તેલ લાવવાનો હતો.
શશિ થરૂરે કહ્યું, "અમેરિકાની કંપનીઓ તેનું ઉત્પાદન કરશે અને ભારત જેવા દેશ, જે અગાઉ ઈરાન કે રશિયા પાસેથી ક્રૂડઑઇલ ખરીદતા હતા, તે હવે વેનેઝુએલા પાસેથી ખરીદશે."
તેલની કિંમતો અંગે તેમનું કહેવું છે, "ભારતના દૃષ્ટિકોણથી તર્ક એ છે કે આને કારણે આપણે વધુ કિંમત નહીં ચૂકવવી પડે....બે દેશ ઉપર પ્રતિબંધ છે, ત્યારે ત્રીજા દેશ ઉપરથી પ્રતિબંધો હઠાવવામાં આવી રહ્યાં છે, જેથી વૈશ્વિક બજારમાં ઑઇલનો કુલ પુરવઠો જળવાય રહશે અને કિંમતો સ્થિર રહેશે.
અમેરિકા અને ભારતની ટ્રેડ ડીલ પર કોણે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલની સંભાવનાઓ વચ્ચે અમેરિકાએ ભારતથી આયાત થતા સામાન પર ટેરિફ ઘટાડીને 18 ટકા કરી દીધો છે.
તેના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી એસ. જયશંકર તથા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ તથા પીયુષ ગોયલ સહિત ઘણા નેતાઓએ પ્રતિક્રિયા આપી છે.
અમિત શાહે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવતા કહ્યું, "ભારત-અમેરિકા સંબંધો માટે આ સૌથી મોટો દિવસ છે. કારણકે વ્યાપાર સમજૂતી 18 ટકાથી ઓછા ટેરિફ સાથે નક્કી થઈ ગઈ છે. તેનાથી વ્યાપારિક સંબંધો મજબૂત થશે અને બંને દેશોની વચ્ચે પરસ્પર સમૃદ્ધિનો રસ્તો ખુલશે."
વિદેશ મંત્રી એસ. જયશંકર હાલ અમેરિકાના પ્રવાસે છે, તેમણે ઍક્સ પર લખ્યું, "આ ડીલથી બંને અર્થવ્યવસ્થાઓમાં વધારે નોકરી મળશે, વિકાસ ઝડપ પકડશે તથા ઇનોવેશનને પ્રોત્સાહન મળશે. આ 'મેક ઇન ઇન્ડિયા'ના પ્રયાસોને મજબૂતી આપશે તથા ભરોસાપાત્ર ટૅક્નૉલૉજીના સહયોગને આગળ વધારશે. અમારા આર્થિક સહકારમાં ઘણી તકો છે અને અમને ભરોસો છે કે અમે તેને સાકાર કરીશું. મજબૂત આર્થિક સંબંધ અમારી રણનીતિક ભાગીદારીનો સૌથી મજબૂત પાયો છે."
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ઍક્સ પર લખ્યું, "અમેરિકા અને ભારત દુનિયાનાં સૌથી મોટાં લોકતંત્રો છે. બંને દેશ સ્વાભાવિક સહયોગી છે. ભારત અને અમેરિકા મળીને શાંતિ તથા વિકાસ માટે કામ કરવાની સૌથી મોટી ક્ષમતા રાખે છે. બંને દેશોની તાકતો એકબીજાની પૂરક છે. બંને મળીને તકનીકનું સહ-નિર્માણ કરી શકે છે તથા એ પ્રકારનાં સમાધાનો વિકસાવી શકે છે જેનાથી દુનિયાને ફાયદો થાય. ભારત-અમેરિકા વ્યાપાર સમજૂતી બંને દેશો માટે ઉજ્જવળ ભવિષ્યને લઈને આવશે. આ એક વિન-વિન ડીલ છે. બંને દેશોના નાગરિકો અને ઉદ્યોગોને તેનાથી સૌથી મોટો લાભ થશે."
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે ઍક્સ પર લખ્યું, "આ સમજૂતી ખેડૂતો, એમએસએમઈ, ઉદ્યમી લોકો તથા કુશળ કામદારો માટે અભૂતપૂર્વ તક લઈને આવશે. જેનાથી તેઓ દુનિયા માટે મેક ઇન ઇન્ડિયા, દુનિયા માટે ડિઝાઇન ઇન ઇન્ડિયા અને દુનિયા માટે ઇનોવેટ ઇન ઇન્ડિયા કરી શકશે. તેનાથી ભારતને અમેરિકાથી તકનીક મળશે. આ માત્ર એક વ્યાપાર સમજૂતી જ નથી, પરંતુ ઐતિહાસિક મોડ છે. જે ભારત-અમેરિકાના સંબંધોને નવો આકાર આપશે અને વિકસિત ભારત 2017ની યાત્રાની ઝડપ વધારશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












