બજેટ 2026 : એક ઍલાનથી પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું શૅરબજાર, STT શું છે, જેમાં વધારાની જાહેરાતથી જ સેન્સેક્સ 1500 અંક ઘટ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં નાણામંત્રી બજેટ રજૂ કરવાના હોય તે દિવસ શૅરબજાર માટે ખાસ મહત્ત્વનો હોય છે કારણ કે બજેટની દરખાસ્તો માર્કેટને તોડી પણ શકે અને તેમાં પ્રાણ પણ ફૂંકી શકે છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026-27 રજૂ કર્યું ત્યારે તેમાં એક દરખાસ્ત એવી હતી જેના કારણે બજારને બહુ મોટો આંચકો લાગ્યો અને બીએસઈના 30 શૅરનો સેન્સેક્સ દિવસના અંતે 1547 પૉઇન્ટ ઘટીને બંધ થયો હતો. એક તબક્કે તો સેન્સેક્સ 2370 અંક સુધી ઘટી ગયો હતો.
શૅરબજારના આટલા તીવ્ર રિઍક્શન માટે જવાબદાર છે ફ્યૂચર ઍન્ડ ઑપ્શન (એફએન્ડઑ) ટ્રેડિંગ પરના સિક્યૉરિટીઝ ટ્રાન્ઝેક્શન ટૅક્સ (એસટીટી)માં કરવામાં આવેલો વધારો. અગાઉ એફએન્ડઑ પર 0.02 ટકા એસટીટી લાગતો હતો, જે હવે બજાટમાં કરાયેલી જાહેરાત પ્રમાણે વધીને 0.05 ટકા થઈ જશે.
ફ્યૂચર એન્ડ ઑપ્શન ટ્રેડિંગ એ બહુ જોખમી સોદા છે અને તેમાં નુકસાન જવાનો ખતરો ઘણો વધારે હોય છે. તેથી એફએન્ડઑમાં જુગાર જેવી પ્રવૃત્તિ પર અંકુશ લાદવા એસટીટીમાં વધારો કરવામાં આવ્યો હોય તેવું શૅરબજારના વિશ્લેષકો માની રહ્યા છે.
હવે એસટીટીને લઈને ઇન્કમટૅક્સ વિભાગે નિવેદન જારી કર્યું છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે એસટીટી માત્ર ફ્યૂચર્સ અને ઑપ્શન્સ(F & O)માં જ વધારવામાં આવ્યો છે.
ઇન્કમટૅક્સ વિભાગે ઍક્સ પર લખ્યું, "ફ્યૂચર્સમાં રેટ 0.05 તથા ઑપ્શન્સ માટે આ 0.15 છે. આપણી જીડીપી 300 લાખ કરોડની આસપાસ છે જ્યારે કે ઑપ્શન્સ અને ફ્યૂચર્સનું વૉલ્યૂમ 1.5 લાખ કરોડથી વધારે છે."
"તેને કારણે એફએન્ડઑમાં પૂર્ણ પ્રકારે કાલ્પનિક ગતિવિધિ રોકવા માટે રેટ વધારવાનું ઔચિત્ય છે."
એસટીટી કેવી રીતે કામ કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
F&O ટ્રેડિંગમાં એસટીટી એ ડાયરેક્ટ ટૅક્સની જેમ કામ કરે છે અને સ્ટૉક ઍક્સ્ચેન્જ પર જેટલી વખત શૅર અથવા ડૅરિવેટિવ્ઝની ખરીદી કે વેચાણ કરવામાં આવે, એટલી વખત એસટીટી ભરવો પડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિખ્યાત રોકાણકાર વૉરેન બફેટે હંમેશાં એફએન્ડઑમાં ટ્રેડિંગ કરવા સામે લોકોને ચેતવ્યા છે અને તેને સામુહિક વિનાશના નાણાકીય શસ્ત્ર તરીકે ગણાવ્યું છે. એફએન્ડઑમાં નુકસાન થવાનું જોખમ એટલું વધારે હોય છે કે શૅરબજારની નિયમનકાર સેબીએ તેના વિશે વારંવાર ચેતવણી આપી છે.
જુલાઈ 2025માં સેબીના એક અભ્યાસમાં જાણવા મળ્યું કે નાણાકીય વર્ષ 2025માં એફએન્ડઑના ટ્રેડિંગમાં 91 ટકા લોકોએ નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.
નવા એસટીટીના દર

ઇમેજ સ્રોત, Getty Images
ફ્યૂચર્સ ટ્રેડિંગમાં અત્યાર સુધી એસટીટીનો દર 0.02 ટકા હતો જે વધીને 0.05 ટકા થયો છે. તેવી જ રીતે ઑપ્શન્સમાં એસટીટી રેટ 0.1 ટકાથી વધારીને 0.15 ટકા કરવામાં આવ્યો છે.
જે લોકો ડિલિવરી આધારિત શૅરની લે-વેચ કરે છે તેમને કોઈ ફરક પડવાનો નથી.
F&O જોખમી કેમ?
ફ્યૂચર્સ એન્ડ ઑપ્શનમાં રોકાણની તુલનામાં બહુ ભારે લિવરેજ મળે છે. તેથી નાની રકમની સામે બહુ મોટી પોઝિશન લઇ શકાય છે, પરંતુ દાવ ઊંધો પડે તો નુકસાન જવાનું જોખમ પણ વધારે હોય છે. તેના કારણે જ માંડ 10 ટકા લોકો જ એફએન્ડઑમાં નફો કરી શકે છે, એમ સેબીનો અહેવાલ કહે છે.
સેબીએ કહ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષમાં એફએન્ડઑ સેગમેન્ટમાં વ્યક્તિગત ટ્રેડરોએ કુલ 1.80 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા.
સરકારે એસટીટીમાં વધારો કર્યો તેની પાછળનું કારણ ટૅક્સની કમાણી વધારવા કરતા એફએન્ડઑના વૉલ્યુમને નિયંત્રણમાં રાખવાનો છે એવું માનવામાં આવે છે. તેના કારણે નવા રોકાણકારો આ જોખમી સાધનથી સાવધાન રહી શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images
બજારનો પ્રતિભાવ
ભારતમાં એસટીટી 2004થી લાગુ થયો હતો. રોકાણકારને નફો થાય કે નુકસાન, દરેક ટ્રેડ વખતે એસટીટી પહેલેથી કાપી લેવામાં આવે છે. આ વખતે એસટીટી નાબુદ કરવામાં આવે તેવી માંગણી થઈ રહી હતી, પરંતુ તેના બદલે એસટીટી વધારવામાં આવ્યો છે.
બજેટ પછી રેવન્યૂ સચિવ અરવિંદ શ્રીવાસ્તવે કહ્યું કે ડૅરિવેટિવ્ઝ માર્કેટમાં જોખમને નિયંત્રિત કરવા માટે એસટીટી વધારવામાં આવ્યો છે. આ વધારા પછી પણ ટ્રાન્ઝેક્શનના વૉલ્યુમની તુલનામાં એસટીટી નીચો છે.
લેખક અને નાણાકીય પત્રકાર સુચેતા દલાલે ઍક્સ પર લખ્યું કે "તમે નાણાં ગુમાવશો જ્યારે સરકાર વધુ એસટીટીની કમાણી કરશે. ફ્યૂઅલ પરના સેસની જેમ એસટીટી પણ અસલ વચન પાળવામાં નિષ્ફળ રહ્યો છે."
જાણીતા રોકાણકાર શંકર શર્માએ સોશિયલ મીડિયા પર લખ્યું કે "ડૅરિવેટિવ્ઝ પર એસટીટીમાં વધારો થયો તે એક કારણથી મને આ બજેટ પસંદ છે. ડૅરિવેટિવ્ઝ એ ઝેર સમાન છે જે આપણી યુવાનીને ખાઈ જાય છે. પેઢીઓથી તેની વિનાશક અસર રહી છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












